ઝબાન સંભાલ કે: ઠોઠ નિશાળિયો ને વતરણાં ઝાઝા

- હેન્રી શાસ્ત્રી
આપણી આસપાસ અનેક પ્રકારના લોકો વસવાટ કરતા હોય છે. દરેકનો સ્વભાવ, ખાસિયત, લક્ષણો જુદા જુદા. અલગ અલગ, નોખા નોખા હોય છે. કોઈ ઉદ્યમી (ઉદ્યમ વગર નસીબ લૂલું) હોય તો કોઈ આળસુનો પીર હોય. કોઈ ભણવામાં હોશિયાર હોય તો કોઈ ઠોઠ હોય. ઠોઠ નિશાળિયાના સંદર્ભની કહેવત અને એની પાછળની કથા જાણવા જેવી છે, રસપ્રદ છે અને એ જાણવા – સમજવાથી ભાષાની હોશિયારી – ચતુરાઈ આવે છે.
પહેલી કહેવત છે ઠોઠ નિશાળિયાને લેખણ ઘણી. લેખણ એટલે ભણતી વખતે અક્ષર પાડવા વપરાતું સાધન. આ સાધન સમય અનુસાર પીંછી, કલમ કે પાટીની પેન કે પેન્સિલ, બોલપેન, ઈન્ડીપેન કે સ્ટાઈલિશ પેન હોઈ શકે છે. કહેવતનો ભાવાર્થ એવો છે કે ભણવામાં ઢ (ઠોઠ, અડબંગ, બોથડ બૂચટ, જડસો) હોવા છતાં ભણતર માટે જરૂરી હોય એવા સાધનો ખૂબ રાખે. બીજી સમજવા જેવી કહેવત છે ઠોઠ સુથાર વતરણાનો વાંક કાઢે.
ચોક્કસ ડિઝાઇન અને અમુક વપરાશ અનુસાર ફર્નિચર બનાવવા કહ્યું હોવા છતાં મેળ વગરની વસ્તુ બનાવી દીધા પછી પોતાની અણઆવડત ઢાંકવા ઓજારનો દોષ કાઢવાની ટેવ સુથારને હોય છે. આવડત વગરનો માણસ સામી વ્યક્તિનો દોષ કાઢે ત્યારે આ કહેવત વપરાય છે. ત્રીજી કહેવત છે ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝા. આ કહેવતનો ભાવાર્થ છે ભણતો ન હોય પણ ભણવાના ડોળ – દેખાવ ઘણા કરે છે. ટૂંકમાં જો કામની આવડત ન હોય એવી વ્યક્તિને ગમે તેટલાં સાધનો આપો પણ એથી કામ સરે નહીં.
ઠોઠ નિશાળિયાને વતરણાં ઝાઝા કહેવતમાં આવતો વતરણું શબ્દ સાવ વિસરાઈ ગયો છે. ભાષામાંથી જાણે એનો લોપ થઈ ગયો હોય એવું લાગે છે. વતરણું એટલે આંગળીના કદ જેવડી લાકડાની કલમ. અનેક વર્ષો અગાઉ નિશાળે ભણવા જતા વિદ્યાર્થીઓ વતરણું ઉપયોગમાં લેતા હતા.
રાજ પરિવારના કુંવરોની વાત અલાયદી હતી. તેમની પાસે સુખડ અથવા હાથીદાંતના બનાવેલા વતરણાં જોવા મળતા. આર્થિક ગરીબીમાં જીવતા લોકો પાસે પાટી ખરીદવાનો વેંત નહોતો. એટલે આ પરિવારના વિદ્યાર્થીઓ જમીન પર ધૂળ પાથરી એને પાટી બનાવી એના પર વતરણાંની મદદથી અક્ષરજ્ઞાન મેળવતા હતા. એમની પાસે માંડ એકાદ વતરણું જોવા મળતું. હવે જો અછત ધરાવતા હોવા છતાં લગનથી ભણતા આ વિદ્યાર્થીઓમાંથી કોઈ નીવડે અથવા કુશળ સાબિત થાય તો હોશિયાર નિશાળિયાને વતરણાં ઓછા કહેવત કેમ નહીં પડી હોય એવો સવાલ થઈ શકે છે.
कोल्हा काकडीला राजी
अडाणाच्या आला गाडा, वाटेवरच्या वेशी पाडा. અડાણી એટલે અનાડી કે ઘનચક્કર. અનાડી માણસનું ગાડું ભર રસ્તે અટવાઈ જાય તો અન્યને તકલીફ પહોંચાડે. પોતાના સામાન્ય કામ માટે બીજા લોકોને કેવું અને કેટલું મોટું નુકસાન થાય છે એ જેમને સમજાતું નથી એવા ઘનચક્કર લોકો માટે આ કહેવત વપરાય છે.
બીજી કહેવત છે कोल्हा काकडीला राजी. કોલ્હા એટલે શિયાળ. મોટો લાભ મેળવવાની શક્તિ કે કૌવત પોતાની પાસે ન હોય ત્યારે જે મળે છે એનાથી સંતોષ પામી રાજી થવું એ દર્શાવવા આ કહેવત વપરાય છે. શિયાળ અને દ્રાક્ષની કથા તમે જરૂર વાંચી હશે. દ્રાક્ષ મેળવવી પોતાની પહોંચ બહાર છે એ જાણ્યા પછી એ ખાટી છે એવું બહાનું કાઢી શિયાળ ત્યાંથી બીજે જવા નીકળી જાય છે. આગળ રસ્તામાં કાકડીનો વેલો નજરે પડે છે અને કાકડી ખાઈને સંતોષ મેળવે છે. કેવી અર્થપૂર્ણ વાત.
Life की Dictionary में Impossible Word नहीं है
અયોધ્યા પ્રસાદ ખત્રી નામના હિન્દી ભાષાના કવિએ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં (1850થી 1900 દરમિયાન) હિન્દી સાહિત્યમાં આધુનિક યુગના મંડાણ કર્યા એવું અભ્યાસુઓ કહે છે. ખત્રીજીના સાતત્યપૂર્ણ પ્રયાસોને પગલે ખડી બોલી હિન્દી ગદ્યની ભાષા બની અને સમયાંતરે પદ્ય રચનાઓનું સર્જન પણ ખડી બોલીમાં થવાની શરૂઆત થઈ.
અગાઉ એવી માન્યતા હતી કે પદ્ય રચના કેવળ વ્રજ ભાષામાં જ અવતરી શકે, ખડી બોલીમાં એને ઉતારવી શક્ય જ નથી. અયોધ્યા પ્રસાદ ખત્રીએ આ પડકાર ઝીલી લીધો અને ખડી બોલીમાં કવિતાનું સર્જન કરી લોકોને ચકિત કરી દીધા. ખત્રીજી હિંગ્લિશનો પ્રયોગ પણ કરતા હતા. તેઓ એને ‘યુરેશિયન હિન્દી’ કહેતા હતા. એમની પંકિઓ Rent law का ग़म करें या Bill of Income Tax का? વિશે આપણે બે હપ્તા પહેલા વાત કરી હતી. તેમની એક કવિતામાં બે પંક્તિ પણ એ સમયે ખાસ્સી ચર્ચામાં હતી: Peace का नाम – ओ – निशां अब World में बाकी नहीं, हर तरफ सुनने में आता है, Fight nowadays. અરાજકતા અને સંઘર્ષ કેવા સરસ વણાઈ ગયા છે.
એકવીસમી સદીની હિન્દી ફિલ્મોની જે કેટલીક લાક્ષણિકતા છે એમાં ઊડીને આંખે વળગે એવો ફરક છે ફિલ્મોના સંવાદ – ડાયલોગ્સની ભાષા વર્ણસંકર જોવા મળે છે. હિંગ્લિશનો વ્યાપક ઉપયોગ યંગસ્ટર્સની કથામાં જોવા મળે છે. અગિયાર વર્ષ પહેલા (2014)માં આવેલી ‘ક્વીન’ ફિલ્મ યાદ છે? કંગના રનૌટની કારકિર્દીને સડસડાટ દોડતી કરનારા આ ચિત્રપટની કથા તો યુવા પેઢીને આકર્ષિત કરનારી હતી તો એની ભાષા આ દર્શકોની પોતીકી લાગી, કારણ કે એ લોકો વચ્ચે દૈનિક ધોરણે આ રીતે જ વાતચીતનો દોર ચાલતો હોય છે.
અંગ્રેજી ફાંકડું ન આવડતું હોય કે જેની સાથે વાર્તાલાપ થઈ રહ્યો હોય એને અંગ્રેજી પર કાબૂ ન હોય તો આ વર્ણસંકર ભાષાને કારણે વ્યવહારમાં આસાની રહે છે. મંગેતર સાથે સંબંધ તૂટી ગયા પછી હતાશ થયેલી નાયિકા રાની કહે છે मेरी Life का Biggest Moment Spoil कर दिया. વિચાર કરો આ આખો સંવાદ શુદ્ધ હિન્દીમાં કેવો લાગ્યો હોત? मेरे जीवन की सब से महत्वपूर्ण क्षण को बरबाद कर दिया.
વાત તો એ જ છે, પણ ઉપયોગમાં લેવાયેલી ભાષા એકવીસમી સદીના યંગસ્ટર્સની ભાષા નથી લાગતી. Life, Biggest Moment જેવા શબ્દોના ઉપયોગને કારણે ડાયલોગની ફ્લેવર જ બદલાઈ જાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ‘ક્વીન’ની વાંસોવાંસ 2015માં આવેલી ‘દિલ ધડકને દો’ ફિલ્મમાં પણ યુવા પેઢીની બળકટ હાજરી હતી. એટલે સ્વાભાવિક છે કે હિંગ્લિશ વાતચીતમાં ઉપયોગમાં લેવામાં આવે.
Life is all about taking chances. बस रिस्क लेना आना चाहिए. યંગસ્ટર્સના દ્રષ્ટિકોણના પ્રતિબિંબ જેવા આ બે ડાયલોગ બોલનાર સમાજના કયા સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે એનો ખ્યાલ આવે છે. એક આખું વાક્ય અંગ્રેજીમાં બોલ્યા પછી હિંગ્લિશનો ઉપયોગ ઉચ્ચભ્રૂ સોસાયટીનો અણસાર આપે છે.
આ પણ વાંચો…ઝબાન સંભાલ કે: ગરજે ગધેડાને બાપ કહેવો પડે अडला हरी गाढवाचे पाय धरी !



