ના, સૂર્ય આજના વડા પ્રધાન જેવો નથી…

વિનોદ ભટ્ટ
‘સૂરજ જેવા સૂરજને પણ રામપુરી હુલ્લાવી દઈએ… ’ જેવી કાવ્યપંક્તિ વાંચીને મેં એક ઓળખીતા જ્યોતિષીને પૂછ્યું કે ‘સૂર્ય માટે આ કવિએ આવું કેમ લખ્યું હશે?’ જેના ઉત્તરમાં એ જ્યોતિષીએ જણાવ્યું કે તમારી પાસે એ જાતકની કુંડળી હોય તો જો જો. એને બારમે સૂર્ય – શનિ હશે, એને દ્વિભાર્યા યોગ હશે ને એ લડવાડિયો હશે એટલે એને સીધો કરવા જ બીજી પત્ની પ્રાપ્ત થઈ હશે. અને તમે એ પણ માર્ક કરજો કે એ જીવનભર માત્ર કવિ જ રહેશે…. સૂર્ય નામના ગ્રહથી જે જાતક અતિપીડિત હોય એ સૂર્યનેય ભાંડતો હોય છે.
તો રેશનાલિસ્ટો છાતી ઠોકીને કહે છે કે સૂર્ય નામનો કોઈ ગ્રહ છે જ નહીં, પણ જ્યોતિષીઓએ તેને ગ્રહનો દરજ્જો એટલા માટે આપ્યો છે કે આ સૂર્ય એમનો બળતો જઠરાગ્નિ ઠારે છે.
સૂર્ય જ્યોતિષીઓનો રોટલો છે, રોટલો. બાકી આકાશમાં ભલે તે સ્થિર લાગે પણ તે સ્થિર નથી. ભારતની સરકારો જેવો અસ્થિર છે. આકાશના અસંખ્ય તારાઓમાંનો તે એક તારો જ છે, જે આકાશગંગાના કેન્દ્રની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આકાશમાં દેવદૂતોનાં બાળકોના લાભાર્થે ચકડોળની જેમ બધું જ ફરે છે. તમામ ગ્રહો ફરે છે, તારાઓના વિશાળ ટુકડા પણ ફરે છે. ‘ફરે તે ચરે’ કહેવતની જાણ નહીં હોવા છતાં બધા ફરે છે. બોસના હાથ નીચેના માણસો તેની આસપાસ ફરતા હોય છે એ રીતે આકાશમાંના કેટલાક ગ્રહોની આસપાસ ઉપગ્રહો ફરે છે.
આકાશમાં તરતા પથ્થરો કોના નામથી તરતા હશે એવો પ્રશ્ન મારી જેમ ઘણાને થતો હશે. આવા કોઈ તરતા પદાર્થ પર અવકાશમાં પ્રકાશ પડે ત્યારે તે ખરતા તારા તરીકે ઓળખાય છે. આવો કોઈ ખરતો તારો દેખાય ત્યારે કેટલાક ધાર્મિક લોકો ‘રામ, રામ, કોઈ મહાન આત્મા ગયો બિચ્ચારો’ એવું બબડે છે. ક્યારેક આવા પથ્થરો સ્વયં સળગી જાય છે. એ વખતે થાય છે કે આ પથ્થરો સરકાર સામે – બેકારી, ભૂખમરો, મોંઘવારી કે ભ્રષ્ટાચાર, કયા મુદ્દે જાહેરમાં આત્મહત્યા કરતા હશે!
વિજ્ઞાન કહે છે કે આ સૂર્ય વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી. આપણા વિના તે ટકી શકે, પણ તેના વગર આપણું ટકવું અશક્ય છે. તમામ ગ્રહ સૂર્યમાંથી છૂટા પડેલા છે અને તે નગુણા નથી એ કારણે સૂર્યની પ્રદક્ષિણા કરે છે.
કેટલાક જ્યોતિષીઓ આ સૂર્યને ભારતના વડા પ્રધાન સાથે સરખાવે છે, પણ મારા મતે શ્રીમતી ઈન્દિરા ગાંધી વડાં પ્રધાન હતાં ત્યાં સુધી આ તુલના ચાલે એવી હતી. એમનો શબ્દ કોઈ ઉથાપી શકતું નહીં. એ બોલે તે બ્રહ્મવાક્ય પ્રમાણ ગણાતું, પણ એ પછી આવેલા વડા પ્રધાનોની સ્થિતિ સાચે જ દયનીય છે.
એ ટેકણ લાકડી વગર સ્થિર ઊભા રહી શકતા નથી તો એ લાકડી પાછી બીજાની હોય છે. લાકડીનો ટેકો સહેજ ખસે એટલે વડા પ્રધાન ભફ્ફ કરતાક ને ધરાશાયી થઈ જાય છે. એમાંય વર્તમાન વડા પ્રધાનને મતે નાનાં-મોટાં બધાંને ઘૂંટણિયે પડ્યા કરવાના વધુ પડતા વ્યાયામને લીધે પોતાનો ઘૂંટણ બદલાવવો પડ્યો છે. કોઈ વચ્ચે કહેતું હતું કે વડા પ્રધાન ત્રણ ત્રણ ઘૂંટણના દુખાવા-ની-પ્રોબ્લેમથી પીડાય છે. એમાંનો એક રાઈટ-ની (જમણો ઘૂંટણ), બીજો લેફ્ટ-ની (ડાબો ઘૂંટણ) અને ત્રીજો અડવા-ની. આ ત્રણમાંથી જોકે એક ઘૂંટણનું ઑપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. ડોક્ટરે ખાતરી પણ ઉચ્ચારી છે કે હવે વડા પ્રધાનને ઘૂંટણિયે પડતી વખતે સહેજ પણ પીડા નહીં થાય, અગાઉની પ્રેક્ટિસ ખપમાં આવશે.
જ્યારે સૂર્ય કોઈનો ઓશિયાળો નથી. તે સ્વયં તેજ અને પ્રકાશ પાથરે છે. એ માટે એને કોઈના ટેકાની જરૂર પડતી નથી. વડા પ્રધાન (પોતાના સિવાયના) કોઈના પર ગરમી કરવાની સ્થિતિમાં નથી હોતા, જ્યારે સૂર્ય તો ગુસ્સે થયા વગર પણ ધારે તેને દઝાડી શકે છે, કેમ કે તે સળગતા વાયુઓનો બનેલો છે. તેના કેન્દ્રબિંદુ પાસે લગભગ 40 લાખ સેલ્સિયસ જેટલી ભયંકર ગરમી છે. આ કારણે ત્યાં જવાના વિચાર માત્રથી વિજ્ઞાનીઓ દાઝી જાય છે.
આપણી પૃથ્વી સૂર્યથી 9 કરોડ, 28 લાખ 68 હજાર માઈલ દૂર છે છતાં એ ત્યાં બેઠો બેઠો રિમોટ ક્ધટ્રોલથી અહીંનો વહીવટ કુશળતાથી કરે છે, કશુંય મહેનતાણું લીધા વગર. સાવ સ્કોલરશિપના ધોરણે એ તમામ વનસ્પતિ અને જીવોનું સંચાલન કરે છે. (પૃથ્વી પર ભારત નામનો એક ગરીબ દેશ છે એની ખબર તેને કેવી રીતે પડી ગઈ હશે?) પૃથ્વી પર ટાઢ, તડકો, ગરમી ને વરસાદની વ્યવસ્થા પણ તે કરે છે. જરૂર પડે તો આપણી છે એવી તો 109 પૃથ્વીઓ પોતાના ખિસ્સામાં રાખી શકે એટલો તે વિશાળ છે.
સૂર્યની ઉંમર આજે નાખી દેતાંય પાંચ અબજ વર્ષ કરતાંય અધિક છે, પણ કોઈની મજાલ છે કે તેને ઘરડો કહેવાની હિંમત કરી શકે! અલબત્ત 3,80,00,00,000 (ત્રણ અબજ, એંસી કરોડ) વર્ષ અગાઉ તેની જે ગરમી હતી એમાં આજે 25થી 30 ટકા જેટલો ઘટાડો થયો છે. સમય સમયનું કામ અહીં કરે છે એમ ત્યાં પણ કરતો હોવો જોઈએ.
સૂરજની આંખમાં આંખ પરોવી જોવાનું આપણું ગજું નથી, પરંતુ સૂર્ય પર પણ ચન્દ્રની માફક નાનાં-મોટાં અનેક કાળાં ધાબાં છે. ચન્દ્ર પરનાં કાળાં ધાબાંની, એના કલંકની અનેક દંતકથાઓ પુરાણોમાં લખાઈ છે, પણ સૂરજ પરનાં કાળાં ધાબાંની કથા હજી સુધી આપણા સુધી પહોંચી નથી. એમાં આપણા અજ્ઞાન કરતાં તેની ચતુરાઈ વધારે કામ કરી ગઈ ગણાય. અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટને સૂર્યની ઉપાસના કરી હોત તો તેનાં સેક્સ કૌભાંડો આટલી મોટી સંખ્યામાં બહાર ન આવ્યાં હોત!
સૂર્ય બળવાન હોય એ જાતકને સ્વાદમાં મીઠાં કરતાં તીખાં તમતમતાં ભોજન વધુ પ્રિય હોય છે, પરિણામે એને વગર પ્રયત્ને અલ્સર કે પાઈલ્સ મેળવવાના યોગો સાંપડે છે. માનવશરીરમાં સૂર્યની અસર હૃદય, બરડા અને ખાસ તો પેટ પર વધારે પડે છે. આવા જાતકનું પેટ સરળતાથી જોઈ શકાય એટલું આગળ આવેલું હોય છે. સૂર્ય બળવાન હોય એ વ્યક્તિને માન-અકરામ, કીર્તિ-સન્માન વગેરે મળે, ધંધો-ધાપો સારો ચાલે.
(આ ધાપો શબ્દ ધાપનું બહુવચન હોય એમ નથી લાગતું?) ઐશ્ર્વર્ય મળે (ના, ઐશ્ર્વર્યા રાય નહીં હોં !), આરોગ્ય સારું રહે. આથી જોકે ફેમિલી ડોક્ટર દુ:ખી થાય. રવિથી પ્રભાવિત જાતક સત્યપ્રિય હોય (સત્યપ્રિય હોવું ન સત્યવક્તા હોવું એ બે અલગ અલગ બાબત છે), એ સૂર્ય જેવા ગરમ સ્વભાવનો હોય અને એ કારણે એને અને / અથવા એની આસપાસનાઓને બ્લડ પ્રેશર રહે. એ ખુશામતપ્રિય હોય, પણ કોઈને સલામ ભરવાનું એને ગમે નહીં.
નોર્મલી, કોઈની મહેરબાની તે સ્વીકારે નહીં ને સ્વીકારે તોપણ એ મહેરબાનીનો પ્રકાર જાણ્યા પછી જ સ્વીકારે, નાનીઅમથી ચીજવસ્તુ (કે નાણાં)માં હાથ ન નાખે. એના ગૌરવને અનુરૂપ પદાર્થ જ સ્વીકારે, પણ પ્રવાહી હોય તો ‘શિવાઝ રિગલ’થી નીચી ક્વોલિટી એને ન ખપે. આ બાબતમાં એ ઘણો સ્વમાની હોય. આ જાતક પથ્થરને લાત મારીને પૈસો પેદા કરી શકે છે. અલબત્ત, આમાં ક્યારેક પગને મલ્ટિફેક્ચર થવાનો યોગ પણ ખરો.
બીજી તરફ, સૂર્ય નબળો હોય તો એ વ્યક્તિ આડંબરી, અસ્થિર, દુરાગ્રહી અને ભૂતકાળમાં રાચનાર રહે. આવો જાતક બહુ તો ઈતિહાસકાર બની શકે, પણ એની પાસે વર્તમાન તેમ જ ભવિષ્ય ઊજળું નહીં હોવાને લીધે એને ભૂતકાળમાં જ રહેવાનું વિશેષ ગમે.
આથી એના વડદાદાઓ કેવા મહાન હતા. અને ધારો કે એના વડદાદાઓ પણ એના જેવા જ હોવા અંગેની એની પાસે પૂરી જાણકારી હોય તો મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક પણ કેવો બહાદુર ને પાણીદાર હતો, શિવાજીએ જે વાઘનખથી અફઝલખાનને ફાડી નાખેલો એ વાઘનખ શિવાજી મહારાજને આપનાર વાઘ કેવો દેશપ્રેમી હતો એવી બધી વાતો કરીને શ્રોતાઓને પજવ્યા કરે. પોતાના કાનની દયા ખાનારા આ કારણે એને સામેથી આવતો જોઈને રસ્તો બદલી નાખે.
રવિવારે આપણો રાજ્યાભિષેક થતો હોય તો થવા દેવો. કોઈ આપણી શોભાયાત્રા કાઢતું હોય તો પણ કાઢવા દેવી….હા , આપણે એ વખતે જોવાનું ફક્ત એટલું જ કે તે આપણી અંતિમયાત્રા ન હોવી જોઈએ!.
આ દિવસે શસ્ત્રક્રિયા કરાવવી નહીં, પણ જો ઑપરેશન અનિવાર્ય હોય તો પછી જે સર્જનનો સૂર્ય બળવાન હોય એના હાથે જ શસ્ત્રક્રિયા કરાવવી, કારણ એ કે શસ્ત્રક્રિયા અને શાસ્ત્રીય ક્રિયાકર્મ વચ્ચે કેટલીક વાર આત્મીય સંબંધ બંધાઈ જતો હોય છે. રવિવારે ભેંસ અથવા તો ચામડાની કોઈ મોટી ચીજ ખરીદવી નહીં. ચામડાની નાની લેડીઝ પર્સ કે બેલ્ટ કહેતાં કમરપટ્ટો ખરીદી શકાય. એમાં બાધ નથી એવું જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે.
શનિ આમ તો સૂર્યનો પુત્ર છે, છતાં પિતા સાથે તેને ઊભા રહે બનતું નથી, પણ સૂર્ય ખાનદાન છે, ‘છોરુકછોરુ થાય’ વાળી કહેવતની તેને પણ ખબર છે એટલે જ એ છાપામાં એવી જાહેરખબર નથી આપતો કે :મારો વંઠેલ પુત્ર શનિ, રાહુ-કેતુ જેવા નઠારા લોકોની સોબતે ચડી ગયો છે ને મારા કહ્યામાં નથી એથી મારા પુત્ર લેખે તેને રદ કરું છું. મારા નામે તેની સાથે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવી નહીં. કરશો તો ભોગ તમારા. એ અંગેની મારી કોઈ જવાબદારી રહેશે નહીં… ’
સૂર્ય-શનિની શત્રુતા કોઈ જાતકની કુંડળીમાં એકસાથે જોવા મળે તો તેને અશુભ યોગ ગણવામાં આવે છે. આ બન્ને ગ્રહોની યુતિ જાતક માટે અનિષ્ટકારક છે. જોકે સૂર્ય શનિનો પિતા હોવાથી પોતાની જવાબદારી અદા કરવા તે સદાય તત્પર રહે છે. ઉદાહરણ તરીકે, મેષ રાશિમાં સૂર્ય-શનિની યુતિમાં સૂર્ય ઉચ્ચનો ને શનિ નીચનો હોય છે ત્યારે સૂર્ય તેને નીચતા ત્યજવાની શિખામણ આપે છે, તેને સુધારવા પ્રયાસ કરે છે અને કોઈક વાર સારો મૂડ હોય તો બાપનું કહેવું તે સાંભળે છેય ખરો. આથી સૂર્ય-શનિની યુતિ કાયમ અનર્થ જ સર્જે છે, પીડા ઉત્પન્ન કરે જ છે એમ માનવું નહીં.
સ્ત્રીની કુંડળીમાં સૂર્ય-શનિનો યોગ સગપણ તોડાવે છે ને સગપણ તૂટ્યા પહેલાં લગ્ન થઈ ગયાં હોય તો તે પરિણીતાને પોતાનાં સાસરિયાં જોડે અણબનાવ થાય અને તે દુ:ખી થાય એ કરતાં એને પરણનાર વધારે દુ:ખી થાય. પ્રૌઢ કે વૃદ્ધાવસ્થામાં ઘણી વાર આવા બનાવો જોર પકડે છે. આ કારણે ઘરડાંઘરો – સંખ્યાની દૃષ્ટિએ સમૃદ્ધ થાય છે.
આ યુતિ પુરુષજાતકનું સંઘર્ષમય જીવન સૂચવે છે. પોતાના માટે બનાવેલ ચાનો કપ તેના હોઠ સુધી આવે એ પહેલાં એ ચાનો કપ કોઈ બીજો પી જાય છે. પોતાની પ્રેયસીને જે મિત્ર સાથે પ્રેમપત્રો મોકલતો હોય એ મિત્ર જ એની પ્રેમિકાને લઈને નાસી જાય. કોઈનું મીંઢળ કોઈના હાથે બંધાઈ જાય.
તનતોડ અને મનતોડ મહેનત કરવા છતાં પૂરતું વળતર મળે નહીં.. અને જાતક જો ગુજરાતી લેખક હોય તો એ સતત એવું ફીલ કર્યા કરે કે મેં ગુજરાતીમાં આટઆટલાં વરસ ઘાસ કાપ્યું એને બદલે મરાઠી, બંગાળી કે હિન્દી ભાષામાં લખ્યું હોત તો ત્યાંના લોકો મને ઊંચકીને (જીવતો ઊંચકીને) ફરતા હોત…. મારી હયાતીમાં મારાં બાવલાં મુકાયાં હોત, પણ આ કમબખ્ત ગુજુ પ્રજાને તો મારી સહેજ પણ પડી નથી. આ ત્રણમાંની એકેય ભાષા એને આવડતી ન હોય, અરે, શુદ્ધ ગુજરાતી લખતાંય મોંઢે ફીણ આવી જતાં હોય તો પણ જાતક આ પ્રકારની ગ્રંથિથી પીડાયા કરે.
હા, એક વાત છે. સરકારી અધિકારીની પેઠે સૂર્યને પણ પ્રસન્ન કરી શકાય છે અને એ માટે તેની ફક્ત ઉપાસના જ કરવાની હોય છે, નૈવેદ્ય ધરાવવાનું હોતું નથી. આ ઉપાસના પછી સાવ સરળ છે, ખાસ અટપટી નથી. સૂર્યની ઉપાસના કાજે એક વસ્તુની અનિવાર્યપણે જરૂર પડે છે – સૂર્યની. સૂર્ય ઊગતો હોય ત્યારે જ તેની ઉપાસના કરવી.
કહેવતમાં કહ્યું છે કે ‘શત્રુને ઊગતો જ ડામી દેવો ને સૂર્યને ઊગતો જ પૂજી લેવો…’ આ ઉપાસના માટે સૂર્યદર્શન થવાં જોઈએ, પણ જે રીતે શહેરોમાં આકાશને આંબવા ગગનચુંબી ઈમારતો અંદર અંદર હોડ બકે છે એ જોતાં આખેઆખો સૂર્ય હાથમાં આવવો દુર્લભ છે એટલે આખો સૂર્ય હાથે કે આંખે ચડી શકે તેમ ન હોય તો એવી કોઈ જગ્યા પસંદ કરવી જ્યાંથી થોડો ચપટી તડકો ઉપાસના માટે પાસે આવે તો ચાલે.
એ તડકાની બાજુમાં છાંયડો શોધી તેના પર બેસી ઉપાસના કરવી. અને જો ચપટી તડકાનાંય ફાંફાં હોય તો ભગવાન સૂર્યની મૂર્તિ કે પછી તેમનો હસતો ફોટોગ્રાફ લાવવા માટે તમારા ફેમિલી જ્યોતિષીને સૂચના આપવી. એમની પાસે એમના ફેમિલી સાથે સૂર્યએ પડાવેલા પાસપોર્ટથી માંડીને આદમકદની સૂર્યની હસતી છબીઓ હોય છે અને આ ફોટોગ્રાફની આસપાસ તડકો કલ્પી લેવાનો. આમ તો બધું મનનું જ કારણ હોય છે ને!…
સૂર્યપૂજા કરતી વેળાએ સૂર્ય રોજ ઊગતો હોય એ પૂર્વદિશા તરફ ચહેરો રાખવો, પરંતુ ભવિષ્યમાં જો સૂર્ય પૂર્વને બદલે પશ્ર્ચિમ દિશામાં ઊગવાનું શરૂ કરે તો એવા સંજોગોમાં ચહેરો પશ્ર્ચિમ દિશા બાજુ રાખવાનો થશે. સૂર્ય ઉપાસનાના શ્ર્લોકો મોટેથી, તે સાંભળે એટલા મોટા અવાજે બોલવા.
અને આ શ્ર્લોકો આવડતા ન હોય યા બોલવામાં લોચા પડતા હોય તો ઈંગ્લિશ સ્પીકિંગ અને ઑરેટરીના ક્લાસ ચાલે છે એ રીતે આવી ઉપાસના-શ્ર્લોકોના કોચિંગ ક્લાસ ચાલે છે કે કેમ એની તપાસ કરવી. તમે પૂછવા જશો તો શક્ય છે કોઈ વિપ્રને આ પ્રકારના ક્લાસ કાઢવાની પ્રેરણા મળશે.
સૂર્યની પૂજા કરવા અગાઉ પંચાંગ કે કેલેન્ડરમાંથી સૂર્યોદયનો સમય જાણી લેવો. સૂર્યને ફરજ પર જવાના સમયની ખબર કેટલીક વાર તો ખુદને પણ નથી હોતી. એ જાણકારી પંચાંગ અને કેલેન્ડર બહાર પાડનારા રાખતા હોય છે એટલે સૂર્ય પણ તેને ભેટમાં મળેલા કેલેન્ડર યા પંચાંગમાં આગલા દિવસે જોઈ લીધા બાદ જ ઊગતો હોય છે. તે ઊગે પછી તેના પર નજર ઠેરવવી. તેની સામે નિષ્પલક જોવા પ્રયત્ન કરવો.
આથી જોકે આંખમાં પાણી પણ આવી જશે. આંખો ઉઘાડ-બંધ કરવી. પછી એક ક્ષણ એવી આવશે જ્યારે આંખો થાકી જશે. આંખો ભલે થાકે, મનને થાકવા ન દેવું. અને જ્યાં સુધી સૂર્યનું બિંબ ‘ ભાજપ’ એટલે કે કેસરી રંગનું રહે ત્યાં સુધી ત્રાટક કરવું. અને આ વિધિ પત્યા બાદ ભગવાન સવિતા નારાયણને હૃદયપૂર્વક કર જોડીને કહેવાનું કે હે પ્રભો! મને તથા મારા પરિવારને ખૂબ ખૂબ સુખ-સાહ્યબી, બાર બાર પેઢી ચાલે એટલી ધનદોલત વગેરે આપજો.
હા, અમને અને માત્ર અમને જ આ બધું આપજો. અમારા પડોશીને તો કાણી કોડી પણ નહીં. ખબરદાર! એ નાલાયકોને તો તમારે કશું જ આપવાનું નથી. અમારા જેટલું જ એ અભાગિયાઓને પણ આપશો તો પછી અમે વટ કોની આગળ મારીશું!
શૂટિંગ ટાણે જ ચંદ્ર હાજર નહીં હોવાથી હિન્દી ફિલ્મવાળાઓ મોટા ભાગે બનાવટી ચંદ્રથી ચલાવી લે છે, પરંતુ આ પ્રકારની બનાવટ સૂર્યમાં કામ આવતી નથી. જોકે સૂર્યને રાજી કરવા માટે માણેકનું જે નંગ શોધાયું છે એમાં બનાવટ થતી હોવાનું માલૂમ પડ્યું છે. અલબત્ત, માણેકના બનાવટી હોવાની સારી કે માઠી, કોઈ જ અસર સૂર્ય પર તો નથી જ પડતી. જાતક પર ચોક્કસ પડે છે. દાખલા તરીકે આ બનાવટી માણેકધારક જો સરકારી કર્મચારી હોય તો એને લાંચમાં બનાવટી ચલણી નોટો જ મળે છે, જે વટાવવા જતાં એ પકડાઈ જાય છે.
આ લેખ લખવા બેઠો છું ત્યાં જ સૂર્યનાં સીધાં કિરણો મને દઝાડવા માંડ્યાં છે. સૂર્યની અશુભ દૃષ્ટિથી બચવા લેખ અહીં પૂરો કરું છું…
આવતા અઠવાડિયે: – ચંદ્ર માણસને શેખચલ્લી બનાવે છે…