સુખનો પાસવર્ડ – : `સર્ટિફિકેટવીરો’ની પરવા કર્યા વિના જીવવું જોઈએ

આશુ પટેલ
આજના સમયમાં ઘણા બધાં દૂષણો ઊભાં થઈ ગયા છે. એવું જ એક દૂષણ કોઈ વ્યક્તિ કેવી છે અથવા તો એ જે કરે છે એ યોગ્ય છે કે નહીં એવા સર્ટિફિકેટ ફાડવાનું' થઈ ગયું છે. એમાંય સોશ્યલ મીડિયાએ તો આડો આંક વાળી દીધો છે.
ફલાણો આવો છે’ કે ઢીંકણી તેવી છે ' એવા સર્ટિફિકેટ આપનારા સર્ટિફિકેટવીરો (કે વીરાંગનાઓ) ફૂટી નીકળ્યા છે. આપણી આજુબાજુ પણ આવા નમૂનાઓ જોવા મળતા હોય છે. આવા સર્ટિફીકેટ વીરોનું કામ સર્ટિફીકેટ ફાડવાનું જ હોય છે કે
પેલા ભાઈએ આ કર્યું એ યોગ્ય નથી’ કે `પેલી બહેને તેમ કર્યું એની સાથે હું સહમત નથી.’
આવા નમૂનાઓ એમની આજુબાજુના માણસોની માનસિક શાંતિ હણી લેવાની હદ સુધી જતાં હોય છે. આવા સર્ટિફિકેટ વીરોની પરવા ન કરવી જોઈએ.આપણે કોઈ મુદ્દે મનથી સ્પષ્ટ હોઈએ અને યોગ્ય દિશામાં વિચારતા હોઈએ તો બીજા શું કહેશે એની પરવા જ ન કરવી જોઈએ. એવા લોકોને અવગણવા જોઈએ કે જે એમની આઇડિયોલોજી પ્રમાણે જીવવા માટે આપણા પર દેખીતી રીતે કે અદ્રશ્ય રીતે દબાણ લાવતા હોય. જેમ ઘણી છોકરીઓ કોલેજમાં જાય ત્યારે એમના પર અદ્રશ્ય દબાણ આવતું હોય છે કે જો હું સિગરેટ નહીં ફૂંકું, ડ્રગનું સેવન નહીં કં, હું એક (કે એકથી વધુ) છોકરાઓ સાથે સેક્સ્યુઅલ રિલેશન નહીં રાખું, અફેર નહીં કં તો મારા પર `મણીબેન’નું લેબલ લાગી જશે! એ જ રીતે કોઈ રાજકીય વિચારધારાની તરફેણમાં કે વિરોધમાં વિચાર વ્યક્ત કરનારાઓને પણ સર્ટિફિકેટવીરો લેબલ લગાડી દે છે કે આ માણસ તો આવો જ છે કે તેવો જ છે.
આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવું વર્ષ… નવી યોજનાઓ… નવું જોમ
સોશિયલ મીડિયા પર શાબ્દિક લડાઈઓ કરતી હોય એવી સર્ટિફિકેટ વીરાંગનાઓને વેકેશનમાં એક સપ્તાહ માટે પોતાના પિયરમાં કે બીજે ક્યાંય ફરવા જવું હોય એ વખતે એનો પતિ એને ગાળ આપીને ચૂપ કરી દે ત્યારે તે સર્ટિફીકેટ વીરાંગના મૂંગા મોઢે સહન કરી લેતી હોય અથવા તો કોઈ સર્ટિફીકેટવીરને મિત્રો સાથે બહાર જવું હોય અને પત્ની ફરમાન જારી કરી દે કે `આજે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે તમારા મિત્રો સાથે બહાર ગયા તો આવતી કાલથી હું કાયમ માટે આ ઘરમાંથી બહાર નીકળી જઈશ’ ત્યારે તે સર્ટિફીકેટવીર વરસાદમાં પલળેલા કૂકડાની જેમ સોફા પર ગોઠવાઈને પત્નીને ગમતી સિરિયલ જોવા બેસી જાય એવા કિસ્સાઓ મેં નજરે જોયા છે.
ક્યારેક અમારા જેવા પત્રકાર-લેખકો રાજકીય મુદ્દે કોઈ લેખ લખે ત્યારે ઘણા સેક્યુલર્સથી માંડીને સરકારી સમર્થકો એ શોધવાની કોશિશ કરવા માંડે કે આ લેખમાં જે કહેવાયું છે એ કોની વિદ્ધમાં છે કે કોની તરફેણમાં છે (શક્ય છે કે આ લેખ માટે પણ કોઈ સર્ટિફિકેટ આપવાની કોશિશ કરે કે આવો લેખ ન લખવો જોઈએ!)સરકાર વિરોધીઓ અને સરકાર સમર્થકો પણ સર્ટિફીકેટ આપતા ફરતા હોય.
આવું સર્ટિફીકેટ લેવું કે ન લેવું એ પસંદગી આપણે કરવી જોઈએ, કારણ કે સર્ટિફીકેટ આપનારાઓની ક્ષમતા શું છે એ જોવું જોઈએ (જેમ કે વર્ષો અગાઉ મને એક પ્રકાશકે કહ્યું હતું કે તમને લખતા નથી આવડતું. મેં એ સર્ટિફીકેટ સ્વીકારી લીધું હોત તો હું લેખક ન બન્યો હોત!).
આ પણ વાંચો: કેન્વાસ : સુગંધનો પરપોટો વેચવા કામોત્તેજનાનો ધોધ વાપરવાનો?
આજના સમયમાં સર્ટિફિકેટવીરો અને વિરાંગનાઓના રાફડા ફાટી નીકળ્યા છે ત્યારે એક પંચતંત્ર કથા યાદ રાખવા જેવી છે.
એક વાર એક માણસ બકરીનું બચ્ચું ખભા પર ચડાવીને પ્રવાસ કરી રહ્યો હતો. બકરીના બચ્ચાંને પગમાં ઈજા થઈ હતી એટલે તેને ચાલવામાં તકલીફ પડતી હતી એટલે તે માણસ તે બકરીના બચ્ચાંને ઊંચકીને ચાલી રહ્યો હતો. એ વખતે તેને કેટલાક ગઠિયાઓ મળી ગયા. એ થોડે દૂર ઊભા હતા અને એમણે પેલા માણસને ખભા પર બકરીના બચ્ચાંને લઈને આવતા જોયો એટલે આપસમાં મસલત કરીને ત્વરિત નિર્ણય લીધો. એ પછી એમાંનો એક માણસ ત્યાં જ ઊભો રહ્યો. એક માણસ ઉતાવળે પેલા માણસ તરફ દોડ્યો. અને બીજો તે માણસ તરફ ધીમેધીમે ચાલતો થયો.
ઉતાવળે દોડીને પેલા માણસની નજીક પહોંચેલા ગઠિયાએ કહ્યું: `અરે! ભલા માણસ આ કૂતરાને લઈને ક્યાં ચાલ્યો?’
બકરીના બચ્ચાંને ખભા પર લઈને જઈ રહેલા માણસે કહ્યું: અરે મૂર્ખ! આંધળો છે કે શું? જોતો નથી કે આ તો બકરીનું બચ્ચું છે!' પેલાએ કહ્યું:
નહીં, નહીં! આ તો કૂતં છે. તને કંઈક ભ્રમ થયો લાગે છે!’
પેલો માણસ તેની વાત માન્યા વિના ચાલતો થઈ ગયો. થોડે આગળ બીજો ગઠિયો એની સામે આવી ગયો. એણે કહ્યું: `અરે ભાઈ, આ કૂતરો લઈને ક્યાં ચાલ્યા?’
પેલા માણસે કહ્યું: `અરે ભાઈ! આ કૂતં નથી, બકં છે!’
પેલાએ કહ્યું: `નહીં, નહીં. આ કૂતં જ છે. મને ચોખ્ખું દેખાય છે.’
બકરાનું બચ્ચું ખભા પર લઈને ચાલી રહેલો માણસ સહેજ મૂંઝાયો, પણ એ આગળ વધ્યો. ત્યાં ત્રીજો ગઠિયો સામે આવી ગયો. એણે કહ્યું: `કેમ કૂતરાને ખભે મૂકીને ચાલી રહ્યા છો, ભાઈ!’
હવે આ માણસને શંકા જાગી. એને થયું કે આટલા બધા લોકો કહે છે તો ખરેખર આ કૂતં જ હશે અને ક્યાં તો કંઈક માયાવી જીવ લાગે છે જેમને બકરાનું બચ્ચું લાગે છે, પણ બીજા બધાને કૂતં દેખાય છે. એટલે એણે ગભરાઈને બકરાના બચ્ચાને પોતાના ખભા પરથી નીચે ફેંકી દીધું અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો.
પેલા ગઠિયાઓ હસતાહસતા બકરાને લઈ ગયા અને તેને મારીને ખાઈ ગયા!
દોસ્તો,આપણે નક્કી કરી લેવાનું કે આવા સર્ટિફીકેટવીરોના ચાળે ચડીને તમારી માન્યતા ફગાવી દેવી કે નહીં. તમારી ઇચ્છા પ્રમાણે જીવવું કે આવા નમૂનાઓના સર્ટિફિકેટની પરવા કરીને જીવવું. અને સર્ટિફીકેટવીરોને તમારી માનસિક શાંતિરૂપી બકરાને ખાઈ જવા દેવાની તક આપવી કે નહીં!