સ્પોટ લાઈટઃ એ યુવાન કલાકારે સંજીવ કુમાર જેવી હિંમત બતાવી …
ઉત્સવ

સ્પોટ લાઈટઃ એ યુવાન કલાકારે સંજીવ કુમાર જેવી હિંમત બતાવી …

મહેશ્ર્વરી

‘હેલો, મહેશ્વરી બહેન? હું હોમી વાડિયા બોલું છું.’
નવા નાટક માટે આમંત્રણ ક્યાંથી આવે છે એની રાહ જોતી બેઠી હતી ત્યાં ફોન રણક્યો. હોમી વાડિયાએ ટીવી સિરિયલમાં કામ કરવાની ઓફર કરી અને હું તો રાજી રાજી થઈ ગઈ. એનું એક કારણ એ હતું કે નાટક કરતાં સિરિયલનો વ્યાપ વધુ હોય અને એમાં પૈસા પણ વધારે મળે.

અલબત્ત રંગભૂમિ કાયમ મારી પ્રાથમિકતા અને પ્રથમ પ્રેમ રહ્યા છે, પણ દરેક કલાકાર પાંખો પ્રસરાવી અલગ અલગ માધ્યમમાં પોતાની આવડત દર્શાવવા ઉત્સુક હોય છે. ટેલિવિઝન માટે મેં અગાઉ પણ કામ કર્યું હતું અને વધુ એક તક મળી રહી હતી એનો આનંદ થાય એ સ્વાભાવિક હતું. બીજું અને વધુ વજનદાર કારણ હતું હોમી વાડિયા.

એક સ્પષ્ટતા શરૂઆતમાં જ કરી દઉં કે ભારતીય સિને જગતના પ્રારંભિક કાળના ફિલ્મમેકર અને વાડિયા મુવીટોનના સ્થાપક હોમી વાડિયાની વાત હું નથી કરી રહી. મને ફોન કરનાર હોમી વાડિયા ગુજરાતી નાટ્ય સૃષ્ટિના એક નામાંકિત નિર્માતા-દિગ્દર્શક અને અભિનેતા છે. તેમણે ભજવેલાં કેટલાંક નાટકોમાંથી બે નાટક આ લખવા બેઠી છું ત્યારે યાદ આવી રહ્યા છે. લાલુ શાહની માતબર નાટ્યસંસ્થા ‘બહુરૂપી’ના નેજા હેઠળ ભજવાયેલા હોમીના ‘હથેળી પર બાદબાકી’ નાટકને સારો આવકાર મળ્યો હતો.

બીજું એક નાટક હતું ખ્યાતિપ્રાપ્ત નાટ્ય લેખક જ્યોતિ વૈદ્યનું ‘ક્ષણ વત્તા ક્ષણ’. હોમી વાડિયા દિગ્દર્શિત જ્યોતિ ભાઈના આ નાટકમાં ધર્મેશ વ્યાસે ભર યુવાનીમાં 75 વર્ષના વૃદ્ધનો રોલ કર્યો હતો. કારકિર્દીના પ્રારંભમાં જ વૃદ્ધના રોલ માટે યુવાન કલાકારની પસંદગી કરવી અને યુવાન હોવા છતાં આ રોલ સ્વીકારવો એ માટે દિગ્દર્શક-અભિનેતા બંને પ્રશંસાના હકદાર છે.

એક રીતે જોઈએ તો ધર્મેશ વ્યાસે સંજીવ કુમાર જેવી હિંમત બતાવી. ‘ઈપ્ટા’ સાથે સંકળાયેલા હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા એ. કે. હંગલે તેમના હિન્દી નાટક ‘ડમરુ’માં 25 વર્ષના સંજીવ કુમારને 70 વર્ષના વૃદ્ધની ભૂમિકામાં પેશ કર્યા હતા. નાટકના 200થી વધુ શો થયા હતા.

ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન પર આધારિત આ સિરિયલનું નામ હતું ‘શપથ’. હોમીની આ સિરિયલની સ્ટાર કાસ્ટ પણ જોરદાર હતી. ડિરેક્ટર ઉપરાંત હોમીની એમાં એક્ટર તરીકે પણ હાજરી હતી. મુખ્ય પાત્ર પોલીસ ઓફિસરનું હતું જે કિરણ કુમારે ભજવ્યું હતું. એ સિવાય કુલભૂષણ ખરબંદા, સુદેશ બેરી, રોહિણી હટ્ટંગડી, દિવ્યા શેઠ જેવા માતબર કલાકારોની હાજરી પણ હતી. નિકિતા શાહનો પણ અત્યંત મહત્ત્વનો રોલ હતો. મારો રોલ પણ સારો હતો. આવા સેટ અપમાં કામ કરવાથી મને ઘણું શીખવા મળ્યું.

‘શપથ’નું શૂટિંગ શરૂ થયું ત્યારે શરૂઆતમાં ઘણા દિવસો સુધી મારે જવું પડ્યું હતું. પછી વચ્ચે વચ્ચે શૂટિંગ માટે બોલાવે એમ જતી હતી. એમ કરતા કરતા એ પૂરી પણ થઈ ગઈ. ફરી પાછો ઘરે બેસવાનો વારો આવ્યો અને નવી ઓફર માટે ક્યારે ફોન રણકે એની રાહ જોતી બેસી રહી. મારા જીવનમાં સતત એવું બનતું રહ્યું છે કે કાં તો નાટક કે સિરિયલમાં વ્યસ્ત હોઉં અને કામ વિનાની હોઉં ત્યારે અંગત જીવનમાં એવી ઘટના-પ્રસંગ બને કે શાંતિથી બેસી રહેવું મુશ્કેલ બની જાય.

ગયા એપિસોડમાં મેં મારા દીકરાએ સાઉથ ઈન્ડિયન યુવતી સાથે કરેલા લવ મેરેજની વાત કરી હતી. અમે રહેતા હતા એ ઘર દીકરા-વહુને નાનું લાગવા માંડ્યું. ‘આઈ, મોટું ઘર લેવું છે’ તેણે મને કહ્યું. અને તેણે બોરીવલીથી આગળ લિંક રોડ પર બંધાઈ રહેલા એક બિલ્ડિંગમાં ફ્લેટ લખાવ્યો. એ જ ફ્લેટમાં અત્યારે હું રહું છું.

આ બધી ઘટમાળ ચાલી રહી હતી ત્યારે એક સારી વાત એ બની કે દીકરાને અબુ ધાબીમાં નોકરી મળી ગઈ. એ દિવસોમાં ગલ્ફ કન્ટ્રીઝમાં સારી જોબ મળે તો તગડો પગાર ઓફર થતો. દીકરો બરાબર સેટ થઈ ગયો. એણે ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી અને પોતાના લગ્નનો તમામ ખર્ચ તેણે જ ઉઠાવ્યો. મારી પાસેથી કોઈ આર્થિક મદદની આશા તેણે ન રાખી.

જોકે, મારી પાસે એવી કોઈ મોટી રકમ પણ નહોતી કે દીકરાને મદદ કરી શકું. અલબત્ત ફ્લેટ લેવા માટે તેણે મોટી બહેન પાસેથી છ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. નવું ઘર બંધાઈ ગયા પછી દીકરો-વહુ એમાં શિફ્ટ થઈ ગયા અને હું એકલી મારા ઘરે રહેવા લાગી.

એકલી રહેતી હતી એટલે જીવન ખર્ચમાં ફરક પડે એ સ્વાભાવિક હતું. હું કામ વિનાની હતી, પણ મારી બચતમાં મારું ગાડું ગબડ્યા કરતું હતું. એવામાં ફોન રણક્યો અને આ વખતે રીસીવર પર સામા છેડે નાટ્ય સૃષ્ટિ કે ટીવી સિરિયલ સાથે સંબંધિત કોઈ વ્યક્તિ નહોતી, પણ ફિલ્મ લાઈનની હતી. એ વ્યક્તિ હતી બિમલ માંગલિયા. એક ગુજરાતી ફિલ્મ મને ઓફર કરી. એ સમયે મારી પાસે કોઈ કામ નહોતું એટલે એ ફિલ્મ મેં સ્વીકારી લીધી.

નાટક, નાનો પડદો (ટીવી સિરિયલ) પછી હવે મોટા પડદા પર (ફિલ્મમાં) ચમકવાની તક સામે ચાલીને આવી હતી. મને અમુક પૈસા એડવાન્સમાં મળી પણ ગયા અને શૂટિંગ માટે રાજકોટ આવવું પડશે એવું હેવામાં આવ્યું. આ બધું ચાલી રહ્યું હતું ત્યાં ફરી કિરણ સંપટનો ફોન આવ્યો. એમની સાથે ‘રંગ છે રાજા’ નાટક મેં કર્યું હતું. ‘મહેશ્વરી, હું નવું નાટક કરું છું અને તારે એમાં કામ કરવાનું જ છે,’

કિરણ ભાઈની વાત સાંભળી હું વિચારમાં પડી ગઈ કારણ કે મારે ના પાડવાની જ નથી એવું તેમણે આડકતરી રીતે જણાવી દીધું હતું. જોકે, મેં તરત એમને વાર્યા અને કહ્યું કે ’કિરણ ભાઈ, મેં તો એક ગુજરાતી ફિલ્મ સ્વીકારી લીધી છે. થોડા દિવસ પછી શૂટિંગ માટે રાજકોટ જવું પડશે. એટલે તમારું નાટક તો હું નહીં કરી શકું.’ મારી વાત સાંભળી કંઈ પણ બોલ્યા વિના તેમણે ફોન મૂકી દીધો.

અમારી વચ્ચે થયેલી આ વાતચીત કિરણ ભાઈએ સિદ્ધાર્થ રાંદેરિયાને કરી હશે. એટલે એકાદ બે દિવસ પછી સિદ્ધાર્થનો જ મને ફોન આવ્યો કે ‘ક્યાં જાય છે મહેશ્વરી? ગુજરાતી ફિલ્મવાળા કલાકારોને સાવ થર્ડ ક્લાસ હોટેલમાં રાખે છે એ તને ખબર છે? મારું માન અને ફિલ્મ કરવી રહેવા દે, નહીંતર પસ્તાવાનો વારો આવશે.’ મને તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કોઈ જ ગતાગમ નહોતી. શું કરવું એ સમજાયું નહીં. મેં સિદ્ધાર્થને કહ્યું કે ‘મને માર્ગદર્શન આપ, કારણ કે મેં એડવાન્સ પૈસા પણ લઈ લીધા છે.’

સિદ્ધાર્થે મને સમજાવી અને કહ્યું કે ‘ફિલ્મ માટે ના પડી દે અને પૈસા પાછા આપી દે. આ નાટકનો રોલ સ્વીકારી લે.’ અને મેં કિરણ સંપટનું નવું નાટક ‘સાચાબોલા જુઠાલાલ’ સ્વીકારી લીધું. નાટક કોમેડી હતું. એમાં જતીન કાણકિયા, રાજીવ અને શરદ સ્માર્ત પણ હતા. મારો રોલ દીકરીની માતાનો હતો. મુંબઈમાં આ નાટકના ઘણા શો થયા. નાટકમાં મારી સાથે સુનિતા સોનાવાલા નામની એક અભિનેત્રી કામ કરતી હતી. અને તેણે એવા કરતૂત કર્યા કે….

અધૂરા મધુરા ને રાજેશ ખન્ના
ગુજરાતી નાટકોના પ્લોટ-કથા પરથી હિન્દી ફિલ્મો બની છે એના કેટલાક દાખલા ઉદાહરણ સાથે આ કોલમમાં અગાઉ રજૂ કરવામાં આવ્યા હતા. રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ’આરતી’ અને યશ ચોપડાની ‘ઈત્તેફાક’ સહિત અનેક ઉદાહરણ છે. એ વાત અલગ છે કે ‘ઈત્તેફાક’ જે ગુજરાતી નાટક ’ધુમ્મસ’ પરથી પ્રેરિત હતી એ પ્રવીણ જોશી-અરવિંદ જોશીનું નાટક અમેરિકન ફિલ્મ ‘સાઈનપોસ્ટ ટુ મર્ડર’ પર આધારિત હતું.

વાચકોને જાણીને હેરત થશે કે ‘ફેમિલી આલ્બમ’ નામનું એક અંગ્રેજી નાટક એના સમયનું સુપરહિટ ગુજરાતી નાટક ‘અધૂરા મધુરા’ પરથી તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી હતી. વધુ અચરજ પમાડનારી વાત તો એ છે કે આ નાટકના મુખ્ય કલાકાર તરીકે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની વરણી કરવામાં આવી હતી.

કોઈ દલીલ કરી શકે છે કે રાજેશ ખન્ના અને ડિમ્પલનું જીવન આમ પણ અત્યંત નાટ્યાત્મક હતું અને એમનું ફેમિલી તો બહુ જલદી વિખેરાઈ ગયું તો પછી આલ્બમ શેનું? ખેર, આ થઈ શબ્દ રમત, પણ વાત એમ હતી કે અંગ્રેજી પ્લેનું નિર્માણ નિકિતા શાહએ કર્યું હતું જે એક સમયે હોમી વાડિયાની પત્ની હતી.

નાટકનું દિગ્દર્શન કરવાની જવાબદારી ફિરોઝ ભગતને સોંપવામાં આવી હતી. લંડન, આફ્રિકા તેમજ યુએસમાં શો કરી દેશમાં વિવિધ ઠેકાણે સો પ્રયોગ કરવાનું આયોજન છે એવું ખુદ રાજેશ ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. જોકે, પછી આ ‘ફેમિલી આલ્બમ’નું મંચન થયું કે નહીં એની ખબર નથી.

આ પણ વાંચો…સ્પોટ લાઈટઃ એમનામાં કાંતિ મડિયા જેવી ચીવટ ને સભાનતા હતા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button