ઉત્સવ

સર્જકના સથવારે : આપની યાદોથી આખો ઓરડો ભરચક હતો ઘર હવે લાગે છે સૂનું આપના આવ્યા પછી…

-રમેશ પુરોહિત

મધ્ય ગુજરાતનું સંસ્કારી નગર નડિયાદ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણનું કેન્દ્ર રહ્યું છે. આવા શહેરની નજદીક આવેલા ઉત્તરસંડા જેવા નાનકડા ગામે આપણને બે વ્યક્તિઓ એવી આપી કે જેમનાં નામ અમર થવા સર્જાયાં છે. પ્રથમ છે આપણા સંગીતસ્વામી સુરોતમ પુરુષોત્તમ ઉપાધ્યાય અને બીજા છે અગ્રગણ્ય ગઝલકાર બાલુભાઈ પટેલ. બાલુભાઈ પટેલ મુશાયરા કે મંચના સભારંજની ગઝલો કહેનારા કવિ ન હતા, પણ પોતાના વ્યવસાયની સાથે સાથે મનગમતા એકાંતના ઉપાસક હતા.

આ પણ વાંચો..DM – ડાયરેક્ટ માર્કેટિંગ કે ડાયરેક્ટ મેસેજ?

બાલુભાઈ પટેલનો જન્મ 25 સપ્ટેમ્બર, 1937ના રોજ ઉત્તરસંડામાં થયો હતો. પુરુષોતમભાઈ અને બાલુભાઈ બન્ને એક જ શાળામાં સહાધ્યાયી. શાળાકાળ દરમિયાન કવિતા લખવાનો ઉત્સાહ જાગ્યો. પુરુષોતમ પ્રોત્સાહન આપે. વ્યવસાયે સ્થપતિ, બાંધકામ અને નિર્મિતિનું સારું એવું કામ. પહેલાં બિઝનેસમાં ઠરીઠામ થયા અને પછી કુંવારી ક્નયાની જેમ રાહ જોઈ રહેલી ગઝલ સાથે હસ્તમેળાપ કર્યો. એમનો પહેલો ગઝલસંગ્રહ સ્વપ્નોત્સવ' 1988માં વડોદરાથી પ્રગટ થયો હતો. તે પછીમોસમ’, છાલક',કૂંપળ’ અને મરણોત્તર `ઝાકળ’ સંગ્રહોમાં લગભગ પાંચસો ગઝલોનું અમૂલ્ય નજરાણું ગુજરાતને ચરણે ધરીને આઠમી નવેમ્બર, 1992ના રોજ એમણે અલવિદા કરી દીધી.

બાલુભાઈ પટેલની ગઝલ સંવેદનશીલ અને સુસંસ્કૃત વ્યક્તિની સાચી સમજણ અને સાદગીમાંથી ઉદ્ભવી છે. કોઈ પણ આડંબર વગરની સરળ બાની અને સરળતામાં સંગોપાઈને આવી ચમત્કારી સાદગીથી એમની ગઝલ બીજાથી જુદી પડે છે. એ શરૂઆતમાં પરંપરાના માહોલમાં રહ્યા, પણ પછીથી આધુનિકતાને અપનાવતા ગયા અને ભાષા પણ રોજ-બ-રોજની બોલચાલની અને આધુનિક રાખી.

છાલક' સંગ્રહની વાત કરતાં કવિ ચિનુ મોદી નોંધે છે કે બાલુભાઈની એક પંક્તિ છે:ફૂલની ખુશ્બોનો પડછાયો પડે.’ `ખુશ્બો’ આમ જુઓ તો અમૂર્ત છે, અદેહી છે. જેને કાયા જ નથી એની છાયા કેવી રીતે પડે? પણ બાલુભાઈ પોતાની ગઝલના એક મિસરામાં આ આધુનિક ભાવ વ્યક્ત કરી શક્યા છે.’ એ આધુનિકતા આધુનિક ભાષામાં પણ વ્યક્ત કરી શકે છે જેમ કે:

`ચીસ એની સાવ સર્પાકાર છે.’

આ પણ વાંચો..ટ્રાવેલ પ્લસ : ભારતનાં નિસર્ગમાં વસંતનાં વધામણાં – પ્રકૃતિનો વાસંતી વૈભવ

આપણે જ્યારે ચીસ વાંચીએ ત્યારે હંમેશાં કારમી ચીસ કે ભયાનક ચીસ વાંચીએ છીએ. અહીં વિશેષણ નથી. કવિને પોતાની રીતે વર્ણન કરવું છે. કવિને કદાચ સાપની વાંકીચૂંકી ગતિ અને ચીસની પણ એવી ગતિનો અનુભવ હોઈ શકે. સાપના આકારને ચીસ સાથે સાંકળવો એ આધુનિકતા છે. નવો વિચાર છે. બાલુભાઈ પાસે કોઈને ન સૂઝે એવાં વિશેષણો પ્રયોજવાની આગવી આવડત છે જેમ કે:
`યાતના મારી પુરોગામી હતી’

આવું વિશેષણ આ પહેલાં કયાંય આવ્યું નથી. નવુંનકોર તાજું વિશેષણ છે `પુરોગામી.’ આ શબ્દ મૂકીને કવિએ યાતના કેટલી જૂની છે, કેટલી પેંધી પડી ગયેલી, રીઢી છે તેની વાત કરી છે. આવા જ બીજા એક શેરમાં એમણે કરેલી કમાલ જોઈએ.

લોક સમજ્યા આંખથી આંસુ ખર્યું
પણ એ મારી સ્વર્ગીય શ્રદ્ધા હતી.
રમેશ પારેખે આ શેરની વાત કરતાં કહ્યું છે કે શ્રદ્ધાની આગળ આમસ્વર્ગીય’ વિશેષણ મૂકીને કવિએ ચોટ વધારી મૂકી છે. `સ્વર્ગીય’ વિશેષણ આટલી કાર્યસાધકતાપૂર્વક ગુજરાતી ગઝલમાં સૌપ્રથમ બાલુભાઈએ મૂકયું છે, તે માટે તેને સલામ.’ શ્રદ્ધા સ્વર્ગસ્થ થયા પછી શું આવે તેની વાતનો ઉલ્લેખ કરીને રમેશ પારેખે થોડાક શેર ઉદાહરણરૂપે આપ્યા છે.

આ પણ વાંચો..ફોકસઃ સમય આવી ગયો છે શીખવાનો ક્રાઉડ મૅનેજમેન્ટની દેશી ટેકનોલૉજી…!

શ્રદ્ધાનું મરણ એટલે માતમનું વાતાવરણ હોય, ઉજ્જડતા-ઉદાસી એકલતા. જુઓ આ શેર:
બાલુ, આ એકલતા કેવી?
એકલો લાગું ટોળા વચ્ચે.
*
આમ તો લોકોના ટોળામાં રહ્યો
પણ સિફતપૂર્વક હું મારામાં રહ્યો.

આ પણ એક એવી કરુણતા છે પોતાની એકલતા ઢાંકવા માટે ટોળામાં ભળવાનો દેખાડો કરવો પડે, દંભ આચરવો પડે ને સિફતપૂર્વક એ એકલતા સંતાડવી પડે.

બાલુભાઈની ગઝલ વાંચતી વખતે ભાવકે ઘણી સાવધાની રાખવી પડે કારણ કે સરળતા કયારેક છેતરી જતી હોય છે. કાવ્યની સુંદરતા હાથમાંથી સરી ન જાય તે માટે રમેશ કહે છે તેમ ઝીણવટથી ન વાંચીએ તો છટકી જાય તેવા છે. એમનો આવો જ એક પાણીદાર શેર જોઈએ.

આપની યાદોથી આખો ઓરડો ભરચક હતો
ઘર હવે લાગે છે સૂનું આપના આવ્યા પછી.

ઓરડો પ્રિયતમાના આગમન પહેલાં એમની યાદોથી ભરચક હતો. હવે તમે આવી ગયાં, રૂબરૂ છો એટલે યાદો નથી, સંસ્મરણો નથી એટલે ઘર સૂનકાર થઈ ગયેલું લાગે છે. યાદથી ભરચક ઓરડો ગુજરાતી ગઝલે આવી રીતે સૂનો પડેલો જોયો નથી. હાજરી કરતાં ગેરહાજરીનો મહિમા ભાગ્યે જ પ્રણયમાં કોઈએ કર્યેો છે. આમ તો આગમનથી ઘર હરખથી ભરચક હોવું જોઈએ, પણ કવિને એ વાત અભિપ્રેત છે કે આ મિલન પછી પાછી એકલતા તો આવવાની જ છે તો યાદનો અને સ્મૃતિનો કયારેય ન ખૂટતો ખજાનો શું ખોટો હતો. જે યાદ જ સર્વસ્વ હતી તે પ્રિયાના આવવાથી જતી રહી એનો વસવસો અહીં વ્યક્ત થયો છે.

બાલુભાઈ પટેલને યાદ, સંભારણાં, સંસ્મરણો ઘણાં પ્રિય હતાં એટલે એમણે યાદને કેન્દ્રમાં રાખીને કહેલા શેર સમજવા જેવા છે:

તો પણ અમે ભીનાશને સૂકવી શક્યા નહીં
યાદોને લઈ બપોરના તડકા સુધી ગયા

યાદ તારી રાજરાણીથી જરાયે કમ નથી
મારું દિલ જાણે કે રજવાડા તણી મ્હેલાત છે

યાદને એકાંતની ભઠ્ઠીમાં તપવા દે જરા
તું મિલન સાથે વિરહની વેદના પણ આપજે

આમ અચાનક કોણ અંતરાશી ગયા
કોણ યાદ આવે છે? પૂછી તો જુઓ

ડાળ સંબંધોની સૂકી થઈ ગઈ
યાદના પંખી છતાં ટહૂકયા કરે
બાલુભાઈ ઉત્તરોત્તર વિકાસ સાધીને અને સાથે સાથે પોતાની સાદગી અને સરળતા બરકરાર રાખીને ગઝલના સ્વરૂપને સિદ્ધ કરવામાં કાર્યરત હતા. સાદગી છે પણ ભેદી છે.
એની સામે પણ ઘણા પ્રશ્નો હતા
મારી પણ થોડીક મર્યાદા હતી.

આવું વ્યંજનાપૂર્ણ અભિવ્યક્તિકરણ એમનો વિશેષ છે જેમ કે:
મારે ઈશ્વરનેય શું કહેવું હવે?

એને ચિંતા આખી દુનિયાની હતી.

આખી દુનિયાની ચિંતામાં એ મારી ફિકર તો કરતો જ નથી. એવો મીઠો ઠપકો છે. કવિ વાસ્તવમાં શૃંગારના કવિ છે. એમના અનેક શેર આ વાતની પ્રતીતિ આપે છે જેમ કે:

તીવ્રતાની હદ સુધી ચાહું તને
રૂબરૂ તું હોય ને શોધું તને

જોતજોતામાં ત્વચાની ભેખડો તૂટી જશે
લોહી તોફાને ચડ્યું છે સ્પર્શની ઘટના પછી.

આટલું અંતર ન હો સહવાસમાં
કયાંક ખૂટે છે કશું વિશ્વાસમાં

તું ન બોલે તો એ ખુમારી છે
હું ન બોલું તો ગુનેગારી છે

એની પાસે કો’કની તસવીર છે
વાત આ નાની છતાં ગંભીર છે.

આજ એના આગમનનો છે દિવસ
આજ `બાલુ’, ટે્રન એ ચૂકી જશે!

તે દિ’ જે મુલાકાત હતી આખરી હતી
કારણ કે એના હાથમાં કંકોતરી હતી

પાન શો હું થરથરીને રહી ગયો
તું હવાની જેમ બેપરવા હતી.

બાલુ, સાંજ પડી ગઈ પાછી
પાછું મન સથવારો માંગે.

બાલુભાઈ શાયરી પરંપરા અને આધુનિકતા વચ્ચે સુવર્ણસેતુ સમાન છે. ગુજરાતી ગઝલક્ષેત્રે એમણે કરેલું માતબર પ્રદાન હંમેશાં અમર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button