ગુર્જિએફ : કશુંયે ‘નથી નથી’ ને ‘છે છે’ ના અનોખા વિચારક

મિજાજ મસ્તી – સંજય છેલ
ટાઈટલ્સ:
સૌથી અઘરી શોધ, ખુદની છે. (છેલવાણી)
એક જાદુગર પાસે ઘણાં ઘેટાં હતાં, જેને સંભાળવા ઘણાં બધાં નોકરો રાખવા પડતાં ને એ નોકરો પર નજર રાખવા પાછાં બીજા માણસો રાખવા પડતા, છતાં નોકરો ઘેટાંને ચોરીને ખાઈજતા કે વેંચી મારતા…
પછી જાદુગરને થયું કે હું તો જાદુગર છું પછી મને શું ચિંતા? બધા નોકરોને કાઢી મૂક્યા ને પછી સૌ ઘેટાંને સંમોહિત કે હિપ્નોટાઇઝ કરીને કહ્યું, ‘તમે ઘેટાં નથી, તમે માણસો છો અને તમારે ગભરાવાની કે ભાગવાની જરૂર નથી. તમે તમારી જાતે જ ઘરે પાછા આવો. તમે ઘેટાં છો એ તમારી ગેરસમજ હતી તે કાઢી નાખો.’
જાદુગર રોજ ખોરાક માટે એક ઘેટુંને કાપતો એટલે ઘેટાં ગભરાયેલા હતા તો જાદુગરે દરેક વખતે અમુક ઘેટાંને સમજાવ્યું કે તમે ધેટાં છો જ. તમારા સિવાય બીજા ઘેટાં, ઘેટાં છે, પણ તમે માણસ છો. તમને ક્યારેય કાપવામાં આવશે નહીં…એ દિવસથી બધાં ધેટાં પોતાની જાતે પાછાં ફરતાં. કોઈ ઘેટાને ડર નહોતો. જો એક ઘેટું કાપવામાં આવે, તો બીજા ઘેટાં હસે કારણ કે બધા એવું વિચારતા કે આપણે તો માણસો છીએ, બીજા ધેટાંની ભલે કતલ થતી રહે, આપણને શું? હવે નોકરોની જરૂર નહોતી.
હમણાં જ આવનારી 28 ડિસેમ્બરે જન્મેલા આર્મેનિયન-ગ્રીક ફિલોસોફર ગુર્જિએફ કહેતા કે માણસ જાતનીયે ઘેટાં જેવી જ હાલત છે. માણસ ખુદને જ હિપ્નોટાઈઝ કરે છે કે ‘હું જેવો છું એકદમ બરાબર છું. હું શા માટે જાતને બદલું?’ આવા વિચિત્ર વિચારક ગુર્જિએફ નાની બહેનનાં મોત બાદ ‘મૃત્યુ પછી પણ શું જીવન શક્ય છે કે નહીં?’ એની સતત તલાશમાં ગુર્જિએફ રહ્યા. ગુર્જિએફની ફિલોસોફિકલ વાતોમાં કોઈ રેડીમેડપણું નહોતું. એના શબ્દોને કોઈ મેકઅપ નહીં, સહજ ને બસ અનાયાસ વિચારો.
ઇન્ટરવલ:
સંસાર સે ભાગે ફિરતે હો.
ભગવાન કો ક્યા અપનાઓગે? (સાહિર)
વિદ્રોહી ગુર્જિએફ માનતા કે આપણાં શરીરને નહીં પણ મનને લકવો થયો છે. માણસ પાસે સૌથી મોટી શક્તિ: ઊર્મિ કે લાગણીની છે, પણ આપણી લાગણી વેરવિખેર છે, કોઈ કેન્દ્ર નથી. ઓશોના મતે આખી માનવજાતના ઇતિહાસમાં એક માત્ર જ્યોર્જ ગુર્જિએફ જ હતા, જેમણે અગત્યની વાત કરી હતી કે ‘તમારી પાસે કોઈ આત્મા જ નથી.’
જો કે ગુર્જિએફ પણ જાણતા હતા કે આપણે આત્મા સાથે જ જન્મ્યા છીએ , પણ આત્મા સાથે જનમ્યાનો વિચાર આપણને વહેવારીક રીતે મદદ કરતો નથી બલકે એણે માણસને વધુ મૂર્છિત બનાવ્યો છે!
આવા અગમ્ય વિચારક ગુર્જિએફનો ફ્રિટ્ઝ પિટર્સ નામનો નાનપણનો મિત્ર હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ યુદ્ધના કારમા અનુભવોને કારણે પિટર્સ સાવ ભાંગી પડેલો. એ ગુર્જિએફ પાસે ગયો. પિટર્સે કહે છે કે એ જ્યારે ગુર્જિએફના એપાર્ટમેન્ટ પર પહોંચ્યો ત્યારે એ મને એક લાંબા, અંધારિયા બેડરુમમાં લઈ ગયા અને કહ્યું, ‘પથારીમાં આડો પડ. તારે અહીં જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેજે.’ હું પથારીમાં સૂતો. ગુર્જિએફ તો રૂમ છોડીને ચાલ્યા ગયા, પણ મને ઘણી શાંતિ મળી. એમને મળ્યા પછી એક બાજુ તો મારામાં એક ઉત્સાહ વરતાતો હતો, પણ કોણ જાણે કેમ હું મારું રડવું રોકી શક્યો નહીં. હું સૂઈ ન શક્યો. મારું માથું ધમધમ થવા લાગ્યું. હું ઊભો થયો ને રસોડામાં ગયો. ગુર્જિએફ ત્યાં ટેબલ પાસે બેઠા હતા. મને જોઈને એમણે પૂછ્યું, ‘શું થયું?’ મેં કહ્યું કે મારું માથું ખૂબ દુ:ખે છે, મને કોઈ એસ્પિરિન જેવી દવા આપો. એમણે નકારમાં માથું હલાવ્યું પછી નક્કરતાથી કહ્યું,
‘હું તને કોઈ પણ દવા નહીં આપું. હું તને ગરમ-ગરમ કોફી આપું છું. જેટલી ગરમ પી શકાય એટલી પી લે.’ હું બેઠો રહ્યો. એમણે કોફી બનાવીને આપી. હું ઘૂંટડે ઘૂંટડે કોફી પીતો હતો ને એમને નીરખતો રહ્યો. એમની નજર મારા પ2 હતી ને હું મારી નજ2 એમના પરથી ઉઠાવી ન શક્યો પણ મને લાગ્યું કે એ પોતે પણ ખૂબ જ થાકેલા હતા. મેં આટલો થાકેલો માણસ ક્યારેય જોયો નહોતો. મારામાં કોઈ અદૃશ્ય શક્તિનો પ્રારંભ થયો ને પછી જાણે કે કોઈ ભૂરો વિદ્યુતપ્રકાશ મારા શરીરમાં પ્રવેશે છે.
મારો ધીમે ધીમે બધો થાક ઊતરી ગયો પણ સામે ગુર્જિએફનું શરીર થાકીને લોથપોથ થઈ ગયેલું! હું એમને આશ્ર્ચર્યથી જોતો જ રહ્યો અને જ્યારે એમણે મને ટટ્ટાર બેઠેલો જોયો, હસતો જોયો, શક્તિથી છલકતો જોયો પછી એમણે કહ્યું, ‘હવે તું અહીં જ બેસ. જે ખાવાનું બની રહ્યું છે એને જોયા કર. મારાથી ઊભા નહીં રહેવાય. મારે જવું જ પડશે. મને થયું કે હું ઊભો થઈ એમની મદદ કરું પણ એમણે ‘આવજો ’માં હાથ હલાવ્યો અને રૂમમાંથી બહાર નીકળી ગયા.
હું સમજી ગયો કે કોઈ માનસિક તાકાતથી એમણે અમેની શક્તિ મારામાં ટ્રાન્સફર કરી હતી. થોડીવાર પછી એ પોતે જ પોતાની શક્તિ નવેસરથી પાછી મેળવીને આવ્યા. સાવ લોથપોથ થઈ ગયેલા માણસને ફરીથી આમ શક્તિથી છલકતો જોઈને હું ચોંકી ગયો. એમણે એટલું જ કહ્યું:
‘આપણું આ મિલન, સાંકેતિક મિલન છે.’
તમે માનશો? ખરેખર તો ત્યાં સુધી ગુર્જિએફનેય ખ્યાલ નહોતો કે એમનામાં આવી કોઈ શક્તિ છુપાયેલી છે કે એ પોતાની શક્તિ કોઇકને આપી શકે! વેલ, જે વાતનો કોઇ જવાબ નથી ને છતાંયે પોતાની ફિલોસોફીથી સામેનાંને લાજવાબ કરી મૂકે એવો વિચિત્ર વિચારક એટલે: ગુર્જિએફ!
એન્ડટાઇટલ્સ:
આદમ : તું ભગવાનને માને છે?
ઇવ: હા કહું તો ભગવાન મને તારાથી છોડાવશે?
આ પણ વાંચો…મિજાજ મસ્તી: ઇશ્વર આવશે? નાઇલાજ જીવન- લાજવાબ સવાલ



