ઉત્સવ

મિજાજ મસ્તી : યે મેરા પ્રેમપત્ર પઢકર…યાદથી ફરિયાદ સુધી!

  • સંજય છેલ

ટાઇટલ્સ: પત્ર અને પાત્ર, ઉઘડે પછી જ સમજાય. (છેલવાણી)

અરુણાગિરી વકીલ હતા પણ એમને ‘અમેરિકાનાં પ્રેસિડન્ટ’થી માંડીને શહેરનાં ‘મ્યુનિસિપલ કમિશનર’ સુધી દરેકને ‘ખુલ્લા પત્રો’ લખવાની આદત એટલે લોકો એમને ‘ઓપન-લેટર અરુણાગિરી’ કહેતા. પાછા એ બધા ફરિયાદનાં પત્રો, મિત્રોને પરાણે વાંચી સંભળાવતા. અરુણાગિરીને હંમેશાં થતું કે દુનિયાનાં અત્યાચારો કે અન્યાયોને આપણે ક્યાં સુધી ને શાને ચૂપચાપ સહીએ છીએં?

એકવાર અરુણાગિરીને બસ-સ્ટેન્ડ પર મિત્ર ક્રિષ્નન મળ્યા તો એણે પૂછ્યું :

‘અરુણાગિરીજી, કઇ બાજુ?’

‘હિન્દુ’ અખબારની ઓફિસે. એક ફરિયાદનો પત્ર આપવાનો છે.’

ક્રિષ્નને પરબીડિયું જોઈને પૂછ્યું, ‘લેટર ટુ ધી એડિટર? આજે પેપરના તંત્રીને ચર્ચા-પત્ર લખી માર્યો?’

‘ચર્ચા-પત્ર નથી. એક પત્રની કોપી આપીશ. ઓરિજનલ તેજાબી પત્રમાં તો મેં ડાયરેક્ટ વડા પ્રધાનને લખ્યું છે કે- સંસદમાં, શેરીનાં કૂતરાંઓ સાચવો!’

‘શું પી.એમ.ને પત્ર?’

‘હાસ્તો, મારાં ઘરની આસપાસ આખી રાત કૂતરાંઓ ભસે છે ને કાન પાકી જાય છે. એટલે જ ફરિયાદ-પત્ર પી.એમ.ને લખી મોકલ્યો છે. જવાબ નહીં આપે તો યુ.એન.ઓ.ને લખીશ!’

‘ભલે ભલે, પ્રેમા દીકરી મજામાં છેને?’, ક્રિષ્નને પૂછ્યું.

‘પ્રેમા ભણવામાં-સ્પોર્ટ્સમાં તો અવ્વલ આવે છે પણ આજકાલ બિચારીની તબિયત જરા ખરાબ રહે છે.’

‘કેમ… શું થયું?’

‘સતત માથાનો દુ:ખાવો. ચશ્માંના નંબર દેખાડ્યા.. માઇગ્રેન પણ નથી.’

‘કોઈ સ્પેશ્યાલિસ્ટ ડો.ને દેખાડોને?’

‘સ્પેશ્યાલિસ્ટો તો બસ પૈસા લૂંટે. ડોક્ટરોની ખૂલ્લેઆમ લૂંટ અંગે પણ મેં આરોગ્ય મંત્રીને એક પત્ર લખ્યો છે.’કહીને અરુણાગિરી ગર્વથી મલક્યો.

‘દોસ્ત, માથાનાં દુ:ખાવાને જરા ગંભીરતાથી લો… મારા એક ઓળખીતા ડો. અગ્રવાલ છે- ન્યુરોલોજીસ્ટ. એમને દેખાડીએ.’

‘ના …હવે. આખો દિવસ વાંચ વાંચ કરે તે માથું દુ:ખે. એની મેળે મટી જશે.’

સાંજે ક્રિષ્નનની પત્ની લલિતાએ કહ્યું, ‘અરુણાગિરીની વાઇફ ઉમાએ ફોન કરેલો કે પ્રેમા દિવસે-દિવસે નબળી પડતી જાય છે. પેલા ડો. અગ્રવાલને દેખાડીએ તો?’

‘આજે જ મેં અરુણાગિરીને કહ્યું પણ એમને તો સ્પેશ્યાલિસ્ટો પર ભરોસો જ નથીને!’

‘એમને છોડો, હું ઉમાને સમજાવીશ. ડો. અગ્રવાલની અપોઈન્ટમેન્ટ લઇ લો.’

‘હા પણ પાછા અરુણાગિરી મને ગાળો આપતો પત્ર રાષ્ટ્રપતિજીને લખી ના મારે!’ ક્રિષ્નને હસતાં હસતાં કહ્યું.

બીજા જ દિવસે, ઓફિસમાં ક્રિષ્નનને પત્નીનો ફોન આવ્યો: ‘જલ્દી સફદરજંગ હોસ્પિટલમાં પહોંચો.’ ક્રિષ્નન ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં આઈ.સી.યુ.માં પ્રેમાની લાશ પડી હતી.

‘આ બધું શું થઈ ગયું?’ ક્રિષ્નને પૂછ્યું,

‘પ્રેમા સ્કૂલમાં બેભાન થઈ ગયેલી પણ અહીંયા એનું ઈમર્જન્સી ઓપરેશન કરવા આવેલા ડોક્ટરને અચાનક એક અર્જંટ ફોન આવ્યો કે ‘સંસદમાં કોઇ મંત્રીની છાતીમાં દુ:ખાવો ઉપડ્યો છે.’ એટલે ડોક્ટર, પ્રેમાને પડતી મૂકીને સંસદ જવા દોડ્યા. હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે જ છોકરી ગઇ!’, લલિતાએ કહ્યું.

ત્યારે ત્યાં હાજર ડોક્ટરે કહ્યું,‘ સોરી, અમારી બેદરકારી નથી. છોકરીને જન્મજાત હ્રદયમાં કોરોનરી સમસ્યા હતી તો મા-બાપે આટઆટલાં વરસ ધ્યાન કેમ ના આપ્યું? આ એમની ભૂલ છે. એને દાખલ કરી ત્યારે જ એ મરી પરવારેલી.’

‘ના! સ્કૂલના ડોક્ટરે કહ્યું છે કે પ્રેમા, હોસ્પિટલ પહોંચી ત્યારે જીવતી હતી. તમારા ડોક્ટર ફરજ ભૂલીને સંસદ ભાગી ગયા. ઓકે?’ લલિતાએ કહ્યું.

પ્રેમાની મા ઉમાએ પોક મૂકી…પણ અરુણાગિરી કોઇ બેજાન પૂતળાંની જેમ ઊભા હતા. ક્રિષ્નને એમના ખભા પર હાથ મૂક્યો ત્યારે ‘ઓપન લેટર’ અરુણાગિરી બબડ્યા, ‘જો..જો.. હું.. હું..વ..વ..વડાપ્રધાન અને દરેકે દરેક છાપાં-મેગેઝિનોને આ હત્યા વિશે સણસણતો ‘ફરિયાદનો પત્ર’ લખીશ..જે મારો ‘અંતિમ પત્ર’ હશે!’

બે દિવસ પહેલા ‘વિશ્વ પોસ્ટ દિવસ’ હતો ત્યારે ઈન્દિરા પાર્થસારથીની તમિળ વાર્તાનો આ અંશ, મનમાં હજારો સર્પનાં દંશ આપી જાય છે.

ઇન્ટરવલ:

તેરે ખત આજ મૈં, ગંગા મેં બહા આયા હૂં,

આગ બહતે હુએ પાની મેં લગા આયા હૂં. (કૈફી આઝમી)

આજનાં સોશ્યલ મીડિયાના જમાના પહેલાં દિવાળીમાં ગ્રીટિંગ્સ કાર્ડ કે પ્રેમપત્રો કે આક્રોશ, ફરિયાદ કરતા પત્રો લખવાની એક પ્રથા હતી. લડવૈયા બુદ્ધિજીવીઓ કે સાચા સમાજસેવકોના તેજાબી પત્રોથી સંસદમાં સરકારો હલી જતી. જનતા સડક પર અને સત્તા ખુરશી પરથી ઊતરી જતી.

જોકે પત્રો હંમેશાં લેખકો, વિચારકો, નેતાઓ માટે સોલિડ સશક્ત માધ્યમ રહ્યું છે. ગાંધીજી, 4 વાગે બ્રહ્મ-મૂહુર્તમાં ઊઠીને બ્રહ્મચર્ય પર ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાજીને લાંબો લેખ, પત્ર રૂપે લખતા ને છેલ્લે તા.ક.- નોંધ મૂકતા: ‘આશ્રમના છાપરા માટે 10,000 રૂ. મોકલજો!’ સામે બિરલાજી સાવ ટૂંકો પત્ર લખતા:

‘પૂ. બાપુ, બ્રહ્મચર્ય વિશે જાણ્યું. પૈસા મોકલાવું છું.’

એ જમાનામાં લોકો કેવા ભોળા ને નવરા હશે કે લાંબા-લાંબા પ્રેમપત્રો લખતા ને વરસો બાદ પણ પૂરાવા રૂપે વગોવાઇ જવા માટે મૂકી જતા! વિશ્વ-વિખ્યાત લેખક હેન્રી મિલરે, પ્રેમીકા-મિત્ર અનૈસ નીનને કમાલના શૃંગારિક કે સ્ફોટક-અંગત પત્રો લખેલા, જે હેન્રીની નવલકથાઓનાં કાચી સામગ્રી સમા હતા.

નેહરુજીએ જેલમાંથી પુત્રી ઇંદિરાને અદ્ભુત પત્રો લખેલાં અને ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ જેવો યાદગાર ગ્રંથ મળ્યો. લોની નામના બ્રિટીશ ઇતિહાસકારના લોર્ડ માઉંટબેટન વિશેના 2017ના પુસ્તકમાં નેહરૂજી અને એડવીના માઉંટબેટન વચ્ચેના પ્રેમપત્રોનો પણ ઉલ્લેખ છે. થોડા વરસ અગાઉ શેક્સપિયરે લખેલા લવલેટર્સ મળી આવેલા! હવે પ્રેમીઓ મોબાઈલ પર મેસેજ કે વીડિયો કોલથી વાત કરી લે છે એટલે બીજાની કવિતાઓ લખીને પ્રેમિકાને જલદીથી ફસાવી શકાતી નથી.

ગુજરાતીનું ઉત્તમ ગીત, પત્રરૂપે છે. શહેરમાં ગરીબ ને અંધ માતાને ભૂલી ગયેલા દીકરાને મા કરુણ કાગળ લખે છે: ‘આંધળી માનો કાગળ!’

ઘણાં પત્રો આપણને રડાવી શકે, હલાવી નાખે તો ક્યારેક એકાંતમાં મલકાવી મૂકે.

એંડ-ટાઇટલ્સ:
આદમ: મારો પ્રેમપત્ર મળ્યો?

ઈવ: નીચે નામ તો બદલ્યું હોત!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button