જો બધા પહેલા નંબરે આવે તો બીજા નંબરે કોણ?

જૂઈ પાર્થ
વેકેશન પડ્યું. મમ્મીઓ હાઈ એલર્ટ પર સ્વિમિંગ, કરાટે, ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ, આર્ટ, ક્રાફ્ટ, ડાન્સ, મ્યુઝિક, જીમ્નાસ્ટિક, સમર કેમ્પ અને બીજું આવું તો કેટકેટલું!
સવારે 6 થી 8, 10 થી 12 પ્રવૃત્તિ. 12 થી 4 ઘેર પ્લે ડેટ, સ્ક્રીન ટાઈમ, વીડિયો ગેમ વગેરે પ્રવૃત્તિઓ… સાંજે 4 થી 6 અને 6 થી 8 ફરી પાછી કોઈ પ્રવૃત્તિ આટઆટલી પ્રવૃત્તિઓ કરાવવા પાછળ મા-બાપની વૃત્તિ શું હશે?
તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે દોઢ બે વર્ષનાં બાળકો માટે પણ એક્ટિવિટીનાં ક્લાસ ચાલે છે. હજી તો માંડ બાળકો બોલતાં -ચાલતાં શીખ્યાં છે, જાતે કોળિયા કરી માંડ ખાતા આવડે છે એમને મેનર્સ/ એટીકેટ/ સેલ્ફ ગ્રુમિંગના ક્લાસ કરાવાનાં…
બહેનપણીનો છોકરો બાસ્કેટબોલ રમે તો મારો કેમ રહી જાય?! પાડોશીની દીકરી ફોરેન જાય તો મારી કેમ ઘેર બેસે! આનલબહેનનાં તો ટ્વિન્સ અને બંને સ્વિમિંગ ચેમ્પિયન, તો મારું એકનું એક બાળક સ્ટેટ લેવલ સુધી તો પહોંચી જ શકે. ક્લાસમાં પહેલો નંબર આવે એના માટે મા-બાપ બાળકોને કેટલીયે લાલચ આપતા હશે કે મારઝૂડ કરતા હશે….?
બાળકો પાછળ ભણતર અને ઈતર પ્રવૃત્તિઓનાં જે પૈસા ખર્ચ કર્યા હોય તેનું વળતર એટલે પહેલો નંબર. બાળકને શાળાનાં પહેલા દિવસથી જ દબાણમાં રાખવાનો કે જો પાંચ લાખ ફી ભરી છે, પપ્પાએ પરસેવો પાડીને પૈસા કમાયા છે તો પહેલો નંબર તો લાવવો જ પડશે, ક્લબમાં ડાન્સ કોમ્પિટિશનમાં તો ભાગ લેવાનો જ ને, અને ભાગ લે તો પછી પહેલો નંબર તો આવવો જ જોઈએ ને!
આવી માનસિકતાવાળા લોકો આજની તારીખમાંય ઓછા નથી. બધાં પોતાનાં બાળકોને અતિશય હોશિયાર માને છે અને તેમની પાસેથી અપેક્ષાઓ પણ એવી જ રાખે છે.
ભણતર અને રમતગમતની હરીફાઈ ખેલદિલીથી આગળ વધીને કટ્ટરતા, જડતા અને પહેલા નંબરની ઘેલછા સુધી પહોંચી ગઈ છે. અને આના માટે જવાબદાર માત્ર અને માત્ર બાળકોનાં મા-બાપ છે એમ માનવું જ પડે. અત્યારનાં બાળકોને રમતા નથી આવડતું, ફક્ત નંબર લાવતા આવડે છે, કારણ કે મનના કોઈક ખૂણે એક માન્યતા ઘર કરી ગઈ છે રમવાનું, ભણવાનું કે જીવનમાં જે કંઈ કરીએ તેમાં પહેલો નંબર આવે તો જ અને તેના માટેની જ મહેનત કરવાની.
જો નંબર ના આવે તો બીજી રમત શીખવાની અને તેમાં નંબર લાવવા એની પાછળ લાગી પડવાનું…જ્યાં સ્પર્ધા ના હોય, જ્યાં નંબર નથી લાવવાનો હોતો ત્યાં બાળકોને પણ મહેનત કરવાનું ઓછું મન થતું હોય એમ લાગે છે. (મા-બાપને પણ!) રિવોર્ડની લાલચે.
આજકાલ ટ્રેન્ડ એવો છે કે માતા – પિતા અને બાળકો બધાંય એક લાકડીએ હંકાય છે . આના કારણે જે બાળક રમતને માણી શકે છે, તે જે પ્રવૃત્તિ કરે છે તેમાં મન પરોવીને શીખવાનાં બદલે તે પહેલો નંબર કેવી રીતે લાવવો, બધાંથી આગળ કેવી રીતે નીકળી જવું, બીજાને હાંસિયામાં કેવી રીતે ધકેલી દેવા વગેરે પર ધ્યાન આપતો થઈ ગયો છે.
સંગીત અને ડાન્સનાં રિયાલીટી શોમાં બાળક ઉંમર કરતાં ઝડપથી વધુ મોટું અને પાકટ થઈ જતું હોય એવું લાગે છે. નિર્દોષતાને જીવવાનાં વર્ષોમાં બાળક પહેલા નંબરનો સ્ટ્રેસ લઈને ફરે છે, કારણ કે એને એવું શીખવવામાં આવ્યું છે.
પહેલા નંબરનો દુરાગ્રહ રાખનાર બાળકોને સામાન્ય રીતે મોટા થઈને અનેક માનસિક તકલીફો પડી શકે છે, જેમકે કોઈ વાતે સમાધાન કરતા ના ફાવે, જીદ્દી સ્વભાવ બીજાને અને પોતાને નડ્યા કરે, કોઈને અનુકૂળ થઈને રહેવાની ભાવના નથી બચતી, કોઈનું સારું થતું ના જોઈ શકવું, સ્વાર્થી તેમજ સ્વકેન્દ્રી બની જવું, સતત અસલામતીની લાગણી થવી, પોતાની જાત પર વધુ પડતું અભિમાન હોવું વગેરે આ બધું ખરાબ કે સારું કરતા પણ રોજિંદા જીવનમાં સરળતાની જગ્યાએ મુશ્કેલી ઊભી કરનાર છે.
જે વ્યક્તિ સ્વભાવે સરળ હોય એ કોઈ પણ પરિસ્થિતિમાં ગોઠવાઈ જાય છે એવું બાળપણથી શીખવવામાં આવે તો મોટા થઈને એ બાળકો માટે સમાજમાં સાયુજ્ય સાધવું સહેલું થઈ જાય છે.
પહેલો નંબર ખરાબ નથી. દરેકે તેને પામવા માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે, પરંતુ ગીતામાં કહ્યું છે તેમ ‘કર્મ કર ફળની ઈચ્છા ના કર’ અને આ જ નિયમ ભણતર, ગણતર, રમતગમત એમ બધા ક્ષેત્રે લાગુ પડે છે. મહેનત કરીએ તો શરત વિનાની કે 1-10માં નંબર ના આવે તો નાસીપાસ થયા વગર, હિંમત હાર્યા વગર હસતા મોઢે બસ, મહેનત ચાલુ રાખવાની. ઘણીવાર પ્રશ્ન એમ થાય છે કે જો બધાનાં છોકરાઓ પહેલો નંબર લાવે તો બીજો ત્રીજો કે પાંચમો કોણ લાવશે?! વિચારજો, પહેલાની કિંમત આ બીજા, ત્રીજા અને પાંચમાનાં કારણે જ તો છે. ટોચ પર ટકી રહેવું અઘરું છે. પહેલા નંબરની અપેક્ષા વિના બસ મહેનત સાથે કર્મ કરતા રહેવું એમાં જ મજા છે!
બોલો, તમે શું કહો છો?