હેં… ખરેખર?!: પત્ની શંકાશીલ એટલી કે રોજ પતિનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ લે!

પ્રફુલ શાહ
લગ્નજીવન પ્રેમ અને વિશ્વાસ વગર ન ચાલે. પ્રેમના અભાવ અને અવિશ્વાસે લાખો જીવન રગદોળી નાંખ્યાં છે. અમુક શંકાશીલ વ્યક્તિ કઈ હદે જઈ શકે છે એનું ચોંકાવનારું ઉદાહરણ છે ડેબી વુડ. બ્રિટનની ડેબીની ગણના વિશ્વની સૌથી વધુ શંકાશીલ મહિલા તરીકે થાય છે.
બ્રિટનના લેસ્ટરમાં રહેતા સ્ટીવ વુડ અને ડેબી 2014માં પરણી ગયા. એ સમયે 31વર્ષની ડેબી ભૂતકાળમાં હૃદય-ભગ્ન થઈ હતી. પ્રેમીએ વિશ્ર્વાસઘાત કર્યો હતો. એ વેદનાએ એના મન અને મગજ પર કેટલી ગાઢ અસર કરી એ તો ખુદ ડેબીને તરત સમજાયું નહોતું. આને લીધે એ ખૂબ મુશ્કેલ લાઈફ પાર્ટનર બની જવાની હતી એવી વ્યક્તિ કે જેને ભાગ્યે જ કોઈ સહન કરી શકે કે સ્વીકારી શકે.
ડેબીની માનસિક સ્થિતિ અને ગ્ંરથિએ એને ભયંકર હદે શંકાશીલ બનાવી દીધી. આનો ભોગ બનવાનો વારો આવ્યો સ્ટીવ વુડનો. એક તબક્કો એવો આવ્યો કે ડેબીની શંકાશીલતા અને ઈર્ષા બધી હદ વટાવી ગઈ. એ વારંવાર સ્ટીવ પર શંકા કરે. જાતજાતના સવાલો પૂછતી રહે. મોડો કેમ આવ્યો? ક્યાં ગયો હતો? કોને મળ્યો હતો? શા માટે? કેટલા સમય માટે?
આ સવાલબાજી વચ્ચે એકવાર સ્ટીવ વુડના મોઢામાંથી નીકળી ગયું કે મારા પર ખોટી શંકા-કુશંકા કરવાનું રહેવા દે. તું ઈચ્છતી હોય તો મારી સચ્ચાઈ સાબિત કરવા માટે હું લાઈ ડિટેક્ટર પર ટેસ્ટ આપવા ય તૈયાર છું હો.
આ તૈયારીને સ્ટીવનો પ્રેમ કે કંટાળો સમજવાને બદલે ડેબીએ આખી વાતને શબ્દશ: સ્વીકારી લીધી. તેણે ઘરમાં લાઈ ડિટેક્ટર મશીન જ વસાવી લીધું. પછી તો રોજેરોજ સ્ટીવ લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપે અને પોતાની સચ્ચાઈ અને વફાદારી સાબિત કરે. આ બાબત પછી રોજિંદો ઘટનાક્રમ બની ગયો.
આટલું જ નહીં, ડેબીની બાજ નજર સ્ટીવના મોબાઈલ ફોન, લેપટોપ અને બૅંકના સ્ટેટમેન્ટ પર પણ રહે. અરે! સ્ટીવને મહિલાઓને દેખાડતી ટીવી સિરિયલ જોવાની પણ મનાઈ. ક્યારેક ટીવી પર સ્ત્રીઓનાં આંતરવસ્ત્રની જાહેરખબર આવે તો ડેબીની આંખ સ્ટીવના ચહેરા પર જ હોય. જો ક્યાંક પ્રેમ, સ્મિત જેવું આવ્યું તો સ્ટીવનું આવી બને. એ દૂધની થેલી ખરીદવા સ્ટૉરમાં જાય તો સેલ્સગર્લ સાથે વાત, વ્યવહાર કરવાનો તો ઠીક, એની સામે જોવાનીય સખત મનાઈ.
હકીકતમાં તો ડેબી અને સ્ટીવે ડેટિંગ શરૂ કર્યું ત્યારે બંને અલગ શહેરમાં રહેતાં હતાં. આમ ડેબીનું શંકાખોર માનસ ઓવરટાઈમ કરતું જ રહે. સ્ટીવ કોઈ છોકરી સાથે શું કરતો હશે? ખરેખર ઓફિસે ગયો હશે કે મોજમસ્તી કરતો હશે? હકીકતમાં ડેબીના મનના ઊંડા ખૂણામાં એક વિશ્વાસ ધબાયેલો હતો કે મારો સ્ટીવ બેવફાઈ ન કરે છતાં એ પોતાનું વર્તન બદલી શકતી જ નહોતી.
જૂના કડવા અનુભવને લીધે ડેબી માટે કોઈ પર વિશ્વાસ મૂકવાનું શક્ય નહોતું. હકીકતમાં તો આ ફિકર કે ગાંડપણ સ્ટીવની સંભવિત બેવફાઈ કરતાં ફરી કોઈ પોતાને છોડી દે એના ડર માટે હતા. એને ફરીથી ત્યજાવું નહોતું. એકલા પડી જવાનો ભય એને સતત કોરી ખાતો હતો.
આવી હાલતમાં કોઈ સંબંધ વિકસી તો ઠીક, ટકી જ ન શકે, પરંતુ સ્ટીવ વુડમાં ભારોભાર સમજ, સંવેદનશીલતા, પ્રેમ અને સહનશીલતા હતા. એ સમજતા હતા કે ડેબીમાં કંઈ ખરાબી નથી પણ માનસિક સમસ્યા છે. બંનેએ આ બાબત પર ધ્યાન આપ્યું. પોતાનાં સંબંધને વધુ મજબૂત બનાવ્યાં.
મોટાભાગના પુરુષે ડેબીને કાયમ માટે રામરામ કરીને અન્ય ક્યાંય દિલ લગાવ્યું હોત પણ સ્ટીવે 2014માં એની સાથે લગ્ન કરી લીધાં. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યુંય ખરું કે આટલી બધી અસલામતી છતાં ડેબી પત્ની બનવાને ખૂબ લાયક છે.
ડેબીનો શંકાશીલ સ્વભાવ છાપેય ચડી ગયો. કોઈ પત્રકારે પૂછયું તો સ્ટીવે જવાબ આપ્યો: ‘એનાથી દૂર ભાગવાનો સવાલ જ નથી. એવી ઈચ્છા હોત તો ઘણાં લાંબા સમય અગાઉ હું એવું કરી ચુક્યો હોત.’
અને ડેબી શું માને છે સ્ટીવ વિશે? ડેબી ઉવાચ, ‘એ શાનદાર ઈન્સાન છે પણ મુદ્દો એ નથી. સવાલ એ છે કે એ ઘરની બહાર હોય ત્યારે કોઈ મહિલા સામે જોતો સહન કરી શકતી નથી. હું ઈચ્છતી નથી એ યુવતીઓ આકર્ષક છે એવું સ્ટીવ વિચારે. તમે સંબંધમાં હો અને સુખી હો તો તમારી નજર તમારા જીવનસાથી પર જ હોવી જોઈએ.’
આપણી આસપાસ પણ કદાચ આવા ડેબી અને સ્ટીવ હોવા જોઈએ. એ લોકો પોતાની માનસિકતા સામે લડતા હોય ત્યારે શક્ય બને તો સહાયરૂપ થવું ન જોઈએ?
આ પણ વાંચો…હેં… ખરેખર?! : યુવતીનાં આંચકાજનક પ્રયોગે અનેકને સાવ ઉઘાડા પાડ્યા…