હાસ્ય વિનોદ: ચન્દ્ર માણસને શેખચલ્લી બનાવે છે… | મુંબઈ સમાચાર
ઉત્સવ

હાસ્ય વિનોદ: ચન્દ્ર માણસને શેખચલ્લી બનાવે છે…

  • વિનોદ ભટ્ટ

ચન્દ્ર એ પથ્થરનો મોટો ગોળો છે, જે પૃથ્વીની આસપાસ પોતાના જ કારણે ભ્રમણ કરે છે. તે ગ્રહ નથી, ઉપગ્રહ જ છે, પણ જ્યોતિષીઓના કલ્યાણ માટે તેણે ગ્રહ થવાનું સ્વેચ્છાએ સ્વીકારી લીધું છે. એ પૃથ્વીથી ફક્ત બે લાખ આડત્રીસ હજાર, નવસો માઈલ દૂર છે. પૃથ્વીની સાવ નજીકનો તે પડોશી છે, પણ ખરાબ પડોશીની પેઠે ત્રાસવાદીઓ દ્વારા આતંક ફેલાવી તે કનડતો નથી. આજે જે રીતે માફિયાઓ વગદાર પોલિટિશિયનો સાથે ઘરવટ સંબંધો બાંધી પોતાનાં ધાર્યાં કામ કરાવી શકે છે એ રીતે એક જમાનામાં રાક્ષસો પણ અમુક દેવોને સાધી તેમની પાસેથી મનવાંછિત ફળ મેળવતા.

એક દંતકથા પ્રમાણે વૃત્ર નામના રાક્ષસને અમર થવાની ઘેલછા જાગી એટલે ભગવાન ઈન્દ્ર પાસે જઈ તેણે પ્રાર્થના કરી કે કૃપા કરીને મને અમરતત્વ બક્ષી દો. પદ્મશ્રી કે પદ્મવિભૂષણની જેમ આ પ્રકારના એવોર્ડ્ઝ સહેલાઈથી આપી શકાતા હશે, કેમ કે ઈન્દ્રે તરત જ સર્જરી દ્વારા તેના શરીરનો અમુક ભાગ કાઢી તેમાંથી ચન્દ્ર બનાવ્યો, પણ ચન્દ્રમાં શિથિલ ચારિત્ર્ય જેવા રાક્ષસી ગુણો ટક્યા હોય કે ગમે તે કારણ હોય, પણ બૃહસ્પતિની પત્ની તારા સાથે વ્યભિચાર કરવાને કારણે ચન્દ્ર કલંકિત બની ગયો. તેના પર પર્વતો જેવા જે કાળા ડાઘ દેખાય છે એ જ તેનું કલંક છે. તેને કલંકિત થવાની હોબી હોય તેમ ઈન્દ્ર અને અહલ્યાના અવૈધ સંબંધમાંય તેણે મદદ કરી હતી. ઈન્દ્રે તેને અમર કરી દીધો એનું ઋણ ચૂકવવા, ઈન્દ્રને ઓબ્લાઈજ કરવા તે વહેલો-બિફોર ટાઈમ આથમી ગયો એટલે અહલ્યાના પતિ ગૌતમઋષિ નદીએ સ્નાન કરવા અડધી રાતે ઘરમાંથી બહાર નીકળી ગયા. ઈન્ડિયન પીનલ કોડમાં આને ગુનામાં સામેલગીરી કહેવામાં આવે છે. આ સામેલગીરી બદલ ગૌતમ ચન્દ્રને કલંકિત એટલે કે બ્લેક લિસ્ટેડ જાહેર કરી દીધો.

પૃથ્વી કરતાં ચન્દ્ર કદમાં ઘણો નાનો છે અને કુદરતનો એવો નિયમ છે કે નાના માણસો મોટા માણસની આસપાસ ઘૂમતા હોય છે, પ્રદક્ષિણા કરતા હોય છે. એ રીતે ચન્દ્ર પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઘણું ઓછું છે. પૃથ્વીના મુકાબલે ચન્દ્ર પરના તમામ પદાર્થો છગણા હળવા થઈ જાય છે. પરિણામે અહીંની જેમ માણસ ત્યાં પડી જતો નથી. તે ખુરશીમાં બેઠો હોય તો એમાંથી તેને સહેલાઈથી પાડી શકાતો નથી. ઉપરાંત ચન્દ્ર પર પડી જનારને વધારે પ્રમાણમાં વાગતુંય નથી. આથી ત્યાં અસ્થિભંગના કિસ્સા નહીંવત્ બને છે. એટલે ત્યાં ઑર્થોપિડિક ડોક્ટરો માટે રળવાની તકો ઘણી ધૂંધળી છે. ચન્દ્ર પર હવા નથી અને અવાજ પણ સાંભળી શકાતો નથી. આ કારણે પ્લેબેક સિંગર્સ ત્યાં સ્ટેજ શો માટે જાય તો ધરમધક્કો પડે. મિમિક્રી આર્ટિસ્ટો માટે પણ બજાર નથી. હા, માઈમ કરતો કલાકાર કદાચ ચાલી જાય. ત્યાં ઘાસ, વૃક્ષો વગેરે ઊગતાં નથી. આથી માણસ વડે ઘાસચારામાંથી પોતાનો ખોરાક મેળવી શકાતો નથી તેમ જ વધુ વૃક્ષો વાવો જેવી ઝુંબેશ પર્યાવરણવાદીઓ ચલાવી શકે તેમ નથી.

તમામ ગ્રહોમાં સૌથી નજીકનો ગ્રહ ચન્દ્ર છે આથી પૃથ્વી પર તેનો પ્રભાવ ઘણો જ પ્રબળ છે. દર પૂનમે સૂર્ય-ચન્દ્રની પ્રતિયુતિ (સામસામે 180 અંશ પર) જાય છે. જ્યારે અમાસ-અમાવસ્યાની રાતે સૂર્યના તેજમાં ચન્દ્ર ઢંકાઈ જાય છે એટલે દેખાતો નથી. જૂની પેઢીનાં ઘણાં ઘરોમાં સાસુઓની ધાકમાં પુત્રવધૂઓ આજે પણ ઢંકાઈ જાય છે ને પાછી લાજ કાઢીને પોતાના અસ્તિત્વને જાતે ઢાંકી દે છે એમ! પૂનમ અને અમાસની રાતે ચન્દ્રના પ્રભાવથી પૃથ્વી પરનું 70 ટકા પાણી ઉપર-તળે થઈ જાય છે. અને મનુષ્યના શરીરમાં પણ 70થી 75 ટકા જેટલું પાણી છે એટલે આ પાણી ધરાવનાર પાણીદાર માણસ પર ચન્દ્રની અસર થાય એ સ્વાભાવિક છે, પણ ચન્દ્રની આ તાકાત સમુદ્ર પૂરતી જ મર્યાદિત જણાય છે. તળાવ, કૂવા, ખાબોચિયાં, પાણીથી ભરેલાં માટલાં કે માણસે હાથમાં પકડેલા પાણીથી છલોછલ ભરેલા ગ્લાસ પર ચન્દ્રનો પ્રભાવ કેમ વરતાતો નથી? એ પાણી હિલોળા કેમ નથી લેતું? અરે, ઘરના દીવાનખાનામાં શોભા માટે રાખવામાં આવેલ એક્વેરિયમનું પાણી પણ ઊછળતું નથી.

પોલીસખાતાનું કામ આમ તો કોઈ શખ્સ કે ઈસમ પાસે ગુનો કબૂલ કરાવવાનું હોય છે. આ પોલીસખાતું પણ કબૂલે છે કે ચન્દ્રની કળાની વધઘટ પ્રમાણે ગુનાખોરીમાં પણ વધઘટ થતી હોય છે. પૂનમે ગુનાખોરોને ગુનો કરવાનું પ્રોત્સાહન સ્વયંભૂ રીતે પ્રાપ્ત થાય છે. ચોર લોકો આમ તો પૂનમની રાતના અજવાળાથી ડરતા હોય છે એટલે તે ચોરી કે લૂંટ સિવાયના અપરાધ કરે છે. અને જે લોકોમાં ગુનો કરવાની ત્રેવડ નથી, તાકાત નથી એવા કેટલાક લોકો પૂનમના દિવસે, સમાજ તરફના વેરભાવથી, ઝનૂનપૂર્વક કવિતાઓ કરે છે, જ્યારે અમાસના દિવસે માણસ વગર કારણે નિરાશ-ઉદાસ થઈ જાય છે. એમાંય જેની ગણતરી ખર્યા પાનમાં થતી હોય છે એવા વૃદ્ધો દર અમાસે, ખરી પડવાની બીકે બેચેન થઈ જાય છે.

ચન્દ્રને મનનો કારક કહ્યો છે. મન ચિંતા અનુભવે ત્યારે સૌથી પહેલી અસર બ્લડ પ્રેશર પર થાય છે. આમ શરીરમાંના લોહી પર ચન્દ્રની અસર થાય છે ત્યારે ડોક્ટર કે પછી કેમિસ્ટને અચૂક ફાયદો થાય છે.

આ ચન્દ્રના આધારે મહાદશાઓ નક્કી કરવામાં આવે છે, પણ આ દશા-મહાદશા કે અવદશા વગેરે ચન્દ્રને બદલે જ્યોતિષીઓ નક્કી કરીને આ મહાદશાને આધારે ભવિષ્યકથન કરે છે. આ ચન્દ્રને ભલે ખબર ન હોય, પણ તેના બે પ્રકાર છે : નિર્દોષ ડાયવોર્સી જેવો નિર્દોષ ચન્દ્ર અને સદોષ ચન્દ્ર. જન્મકુંડળીમાં જો નિર્દોષ ચન્દ્ર હોય તો જાતક ઉચ્ચ ચારિત્ર્ય ધરાવનાર એટલે કે સમાજ પર આ જાતક ચારિત્ર્યવાન હોવાની (ખરી-ખોટી) છાપ ધરાવતો હોય છે, પરંતુ જો તેની જન્મકુંડળીમાં સદોષ ચન્દ્ર હોય તો તે જાતકની માનસિક સ્થિતિ નબળી હોય છે. એ ધૂની, ચીડિયો ને ગુસ્સાવાળો તેમ જ ચન્દ્રની કળાઓની જેમ અસ્થિર વિચારવાળો હોય છે. આવા માણસને સાક્ષી તરીકે કોર્ટમાં લઈ જવામાં પૂરતું જોખમ હોય છે. તેની જુબાની વિશ્ર્વસનીય નથી રહેતી. 1969માં ચન્દ્ર પર ગયેલા નીલ આર્મસ્ટ્રોંગ અને એલ્વિન ઑલ્ડ્રિનની કુંડળીનો અભ્યાસ કરીને નક્કી કરવું જોઈએ કે તેમનો ચન્દ્ર સદોષ હતો કે નિર્દોષ! ચન્દ્ર પરથી પાછા ફર્યા બાદ તેમનો ચન્દ્ર સુધરેલો કે બગડેલો!

શનિને ડહાપણની દાઢ તરીકે ઓળખાવાયો છે, પણ શનિ વગરનો એકલો ચન્દ્ર માણસને શેખચલ્લી બનાવે છે. અલબત્ત, શેખચલ્લી બનવામાં મોટામાં મોટો ફાયદો એ ખરો કે તેણે બિલ્ડરની દાઢીમાં હાથ ઘાલ્યા વગર હવામાં બનાવેલોં ઈંટ-સિમેન્ટ વગરનો બંગલો ગમે તેટલા પ્રચંડ ધરતીકંપના આંચકાથી તૂટી પડતો નથી કે એનો પ્રોપર્ટી-ટેક્સ ભરવો પડતો નથી. એ રીતે શનિ વગરનો ચન્દ્ર પણ માણસને બેફામ બનાવે છે.

જ્યોતિષીઓએ શોધી કાઢ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણની કુંડળીમાં શનિ-ચન્દ્રનો પ્રતિયોગ હતો એ જ પ્રમાણે કટોકટી દ્વારા ભારતવર્ષને સ્તબ્ધ કરી દેનાર શ્રીમતી ઈન્દિરા ગાંધીની કુંડળીમાં પણ શનિ-ચન્દ્રનો પ્રતિયોગ હતો.
ભગવાન રામચન્દ્ર, મહાત્મા ગાંધી અને સત્યજિત રે તેમ જ બિગબુલ હર્ષદ મહેતા પણ આવા જ પ્રતિયોગમાં જન્મ્યા હતા. પણ આ બધામાંથી માત્ર બે જ જણ- ઈન્દિરાજી અને સત્યજિત રે જ ભારતરત્ન બની શક્યાં. ગાંધીજી રાષ્ટ્રપિતા બન્યા, પણ ભારતરત્ન તો નહીં જ ને! હું માનું છું કે જે લોકો ઈતિહાસ ભણ્યા નથી, પણ જેમણે પોતે જ ઈતિહાસ સર્જી કે પછી બદલી નાખ્યો છે એ તમામની કુંડળીમાં શનિ-ચંદ્રના સંબંધો કારણભૂત હશે જ. હિટલરની કર્મકુંડળી જ આપણી પાસે છે, જન્મકુંડળી નથી. પણ જો તે ક્યાંકથી મળી જાય ને તપાસવામાં આવે તો તેમાં આ બે ગ્રહોનું પ્રાધાન્ય અવશ્ય જોવા મળશે. મને તો એમ પણ લાગે છે કે ઈન્દિરા ગાંધી કે પછી ઈદી અમીન-કોઈપણ સરમુખત્યારશાહી માનસ ધરાવનારની કુંડળીમાં શનિ-ચંદ્રનો યોગ હોવાનો જ.

શનિ-ચંદ્રની યુતિવાળો જાતક પોતાનું પ્રારબ્ધ પોતે જ ઘડે છે. તે સેલ્ફમેઈડ હોય છે એટલે કે તે સારો કે ખોટો, જેવો હોય એ માટે તેનાં મા-બાપ કે ઈશ્ર્વરને દોષ દઈ શકાતો નથી. એનો પૂર્ણ યશ-અપયશ તેને જ આપવો ઘટે. તે ભારે નીડર હોય છે. કાળી ચૌદશની અડધી રાતે સ્મશાનમાં તેને એકલો મોકલવામાં આવે તો પણ તે જઈ શકે છે. અને આવા જાતકને જોઈને સ્મશાનમાં વસતાં ભૂત-પલીત પણ છળી મરે છે. તેને ઘણું ધીમું બોલવાની ટેવ હોય છે, આથી કર્ણસુખ હોય એવા લોકોને તેની વાત સાંભળવામાં મુશ્કેલી પડે છે. નાની નાની બાબતોમાં સલાહસૂચન તથા ટકોર કર્યા કરવાની તેને ટેવ હોય છે. આવા ઉમદા ગુણને બિરદાવવાને બદલે ઘરના સભ્યો તેને કચકચિયાનો ઈલ્કાબ આપે છે.

ચંદ્ર-મંગળનો પ્રતિયોગ હોય એવી વ્યક્તિ ખાવા-પીવાની શોખીન હોય છે (આમાં ખાવા-પીવાનું ઘણી વાર આગળ-પાછળ હોય છે.) એમાંય ફરસાણ અતિપ્રિય. આ જાતકની બીજી ખાસિયત એ હોય છે કે જમવામાં તે પ્રથમ પંગતમાં બેસવાનું પસંદ કરે છે. (પહેલી પત્રાળી સવા લાખની), વરઘોડામાંય તેને આગળ ચાલવાનું ગમે છે (જેથી વીડિયો કેસેટમાં અચૂક દેખાય), સરઘસમાં વચ્ચે રહે છે (જેથી કંઈ ગરબડ થાય તો નાસતાં ફાવે) અને સ્મશાનયાત્રામાં છેલ્લે (આ કારણે નનામી ઊંચકવાની લપમાંથી બચી શકાય.) એ સદાય બેચેન રહે છે અથવા તો જોનારને એવું ફિલ કરાવે છે. બીજાંઓ તેને વિશે શું વિચારતા હશે એ બાબત સજાગ રહે છે ને બધાં તેની ગણતરી સજ્જનમાં જ કરે એ માટે સભાનપણે પ્રયત્ન કરે છે. દીવાલને પણ કાન હોય છે એ કહેવત સાચી જ છે એમ માનીને બિલકુલ ધીરા અવાજે-જેને સંભળાવવાનું હોય તેને પણ ઘણી વાર ન સંભળાય એટલા ધીરા અવાજે-બોલે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ ચન્દ્રના રથને હરણો જોડેલાં છે. જે મનની ચંચળતાનાં સૂચક છે. આ કારણે ચન્દ્રથી પ્રભાવિત ચંચળ મનોવૃત્તિવાળા જાતકનું મન કોઈ એક પાત્ર પર ટકતું નથી, તેની પાસેથી વફાદારીની અપેક્ષા રાખનારને નિરાશા મળે છે. આવાં મનુષ્યો બીજાંઓ વિશે ઉતાવળિયા અભિપ્રાય આપવાનો અનેરો ઉત્સાહ ધરાવે છે…વાતવાતમાં માઠું પણ લગાડી બેસે છે. ને પછી ‘બસ ને, આવું જ ને! તમારે મન અમારી કિંમત કોડીની જ છે ને!’ એવું તે મનમાં, પોતાને સંભળાવવા બબડ્યાં કરે છે.

આવા જાતકને ડ્રાઈવિંગનો જબરો શોખ હોય છે. ડ્રાઈવિંગમાં પણ અન્ય વાહનોને પાછળ પાડી દઈને, ઓવરટેક કરીને આગળ નીકળી જવાની જીદ મનમાં કાયમ રહે છે અને ઓવરટેક કર્યાથી જ મોટા ભાગે જાતકનું અશાંત મન શાંત થાય છે. આ કારણે કોઈક વાર બધાંથી આગળ, જ્યાંથી યુ ટર્ન લઈ પાછા ફરી શકાતું નથી એવા મુલકમાંય પહોંચી જવાય છે.

રાહુ-ચંદ્રની યુતિવાળો જાતક સફાઈ અને ચતુરાઈપૂર્વક જૂઠું બોલી શકે છે. તે વકીલાત કે રાજકારણના વ્યવસાયમાં અથવા તો હવામાન ખાતાની કચેરીની નોકરીમાં જઈ સફળતાને વરે છે. અર્ધ-સત્ય અને જૂઠું બોલવાની ફાવટને લીધે આદર્શપ્રેમી લેખે તે નીખરી ઊઠે છે. અને સાતમા ભાવે શુક્ર-ચંદ્ર અને બુધની યુતિ જે જાતકની કુંડળીમાં હોય તેના લગ્ન સમયે વરસાદ કે વાવાઝોડું ગમે ત્યાંથી ત્રાટકે છે, પછી એ લગ્નજીવન પર પણ ફરી વળે છે.

જે જાતકનો ચંદ્ર વક્રી હોય તેને શારીરિક-માનસિક હેરાનગતિ થયા કરે છે. જે ટ્રેનમાં જવાનું હોય તે બે-ત્રણ કલાક મોડી પડે કે પછી કેન્સલ થઈ જાય. દૂષિત ચન્દ્રના પ્રભાવને લીધે એ ટ્રેનના ડ્રાઈવરને એપેન્ડિક્સનો અસહ્ય દુખાવો ઊપડે. અને પ્લેન-એમાંય ‘એર ઈન્ડિયા’નું પ્લેન તો આમેય મોડું ઊપડતું હોય છે, પણ આ જાતકનો ચન્દ્ર એ પ્લેનને સાત-આઠ કલાક જેટલું મોડું પાડે છે.

પ્રેમિકાને અમુક નંબરના બસસ્ટોપ પર મળવા બોલાવી હોય ત્યાં રોંગ નંબર જોડાયા જેવું થઈ જાય. પ્રેમિકાનો બાપ (અથવા તો એ પરણેલી હોય તો એનો પતિ) સામે આવે. દૂષિત ગ્રહોની અંશાત્મક યુતિ ચાલતી હોય એ ગાળામાં સગાઈ કે હસ્તમેળાપ કરવા નહીં. અન્યથા એ હાથ મેળાપ માટે સદાય તલસતા રહેશે.

ખુદ ચંદ્રને પણ જાણ નથી કે જાતકની કુંડળીના કયા ઘરમાં નજર નાખવાથી તે સમૃદ્ધ થશે કે પાયમાલ થઈ જશે. પણ જ્યોતિષી ગમે તેવા નબળા ચંદ્રને મજબૂત બનાવી શકે છે. ચંદ્રની મોતીવાળી જ્યોતિષીએ મંત્રેલી વીંટી પહેરવાથી જાતકની કુંડળીમાંનો ચંદ્ર તગડો બને છે. ચંદ્રનું નંગ-કનિષ્ઠિકા-ટચલી આંગળીએ પહેરવું. આ નંગ સાચું છે કે ખોટું તેની પાકી પરીક્ષા કરવી હોય તો તેને કાચના પાત્રમાં ગૌમૂત્રમાં આખી રાત રાખવું. ખોટું હશે તો સવારે તે તૂટી જશે. ચંદ્રનું અનબ્રેકેબલ નંગ બજારમાં મળે છે કે નહીં એ માટે જ્યોતિષીને પૂછી શકાય.

આ પણ વાંચો…હાસ્ય વિનોદ : મંગળ અમંગળ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button