કવર સ્ટોરી : સ્વદેશી ’ ઝુંબેશ વાત – વિચાર સારા, પણ…

વિજય વ્યાસ
… પણ આપણી મર્યાદા પણ સમજવી પડશે… વિદેશની જાયન્ટ કંપનીઓએ જે રીતે એમની જાળ આપણા દેશમાં બિછાવી છે એને સમજીને ‘સ્વદેશી’ અપનાવતા પહેલાં તેના માટે પાયો તૈયાર કરવો પડે, સ્વદેશી ઉત્પાદનો દેશના બજાર પર છવાઈ જાય એવો માહોલ પેદા કરવો પડે… માત્ર ‘સ્વદેશી’ના નામે પ્રચારની રાજરમત ન ખેલાય!
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દેશો પર નિર્ભરતાને દેશનો સૌથી મોટો દુશ્મન ગણાવીને ‘સ્વદેશી’નો નારો આપ્યો પછી શાસક પક્ષે દેશભરમાં ‘સ્વદેશી અભિયાન’ શરૂ કર્યું છે. ભૂતપૂર્વ વડા પ્રઘાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન એટલે કે 25 ડિસેમ્બર સુધી ચાલનારી આ ઝુંબેશમાં ભાજપના કાર્યકરો દેશભરમાં દુકાનદારોને સ્વદેશી ઉત્પાદનો જ વેચવા અને લોકોને સ્વદેશી ઉત્પાદનો જ વાપરવા સમજાવી રહ્યા છે. સાહેબે કહ્યું એટલે પક્ષના કાર્યકર્તાઓ મચી પડ્યા, પણ આ ‘સ્વદેશી ઝુંબેશ’ને ખરા અર્થમાં ન લેવાય તો એ માત્ર રાજકીય ડ્રામા બનીને રહી જશે…
બીજી તરફ, ભારતીયો ખરેખર શુદ્ધ અર્થમાં સ્વદેશીને અપનાવે તો એમણે અત્યારે વાપરે છે તેમાંથી મોટા ભાગની વસ્તુઓ વાપરવાની બંધ કરવી પડે અને દુકાનદારોએ પોતાની દુકાનોને તાળાં મારવાં પડે કેમ કે ભારત પાસે ‘સ્વદેશી’ ના નામે ખાસ કંઈ જ નથી. વડા પ્રધાન મોદી પણ આ વાતથી બરાબર વાકેફ છે તેથી એમણે ‘સ્વદેશી’ની વ્યાખ્યામાં ભારતમાં ઉત્પાદન થતું હોય એવી ચીજોને સમાવી લીધી છે.
ભારતીયો સંપૂર્ણપણે ‘સ્વદેશી’ને કેમ અપનાવી શકે તેમ નથી એ વાત સમજવા વિદેશી કંપનીઓના ભારતીય માર્કેટ પરના ભરડાને સમજવો જરૂરી છે. ભારતના બજારમાં સૌથી વધારે વર્ચસ્વ અમેરિકન અને જાપાનની કંપનીઓનું છે. અમેરિકન કંપનીઓમાં ઓનલાઈન સર્ચ એન્જિન ગૂગલથી શરૂ કરીને કોકા કોલા અને પેપ્સી જેવી સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડસની ભારતમાં મોનોપોલી છે. અમેરિકાની એમેઝોન, સિટીબેંક, ફોર્ડ ઈન્ડિયા, અમેરિકન એક્સપ્રેસ, હેવલેટ પેકાર્ડ, આઈબીએમ, માઇક્રોસોફ્ટ કોર્પોરેશન, ઓરેકલ વગેરે કંપનીઓનો ભારત પાસે કોઈ વિકલ્પ નથી.
ભારતનું ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ બજાર જાપાન અને દક્ષિણ કોરિયાની કંપનીઓની કબજે કરીને બેઠી છે. મોબાઈલ ફોનમાં અહીંં આપણે ત્યાં એપલ અને સેમસંગ બે કંપનીની જ બોલબાલા છે. આમાં એપલ અમેરિકન કંપની છે, જ્યારે સેમસંગ દક્ષિણ કોરિયન છે.
જાપાનની સુઝુકી, હોન્ડા, સોની, પેનાસોનિક વગેરે બ્રાન્ડ્સનો ઈલેક્ટ્રોનિક્સ અને ઓટો સેક્ટરમાં દબદબો છે. હિટાચી, મિત્સુબિશી, તોશિબા, કેનન, ટોયોટા, યામાહા વગેરે જાપાની કંપનીઓ અલગ અલગ ક્ષેત્રોમાં મોનોપોલી ધરાવે છે. આજ રીતે કોરિયાની સેમસંગ, એલજી, હ્યુન્ડાઈ વગેરે કંપનીઓ પણ ભારતમાં છવાયેલી છે.
આમ તો જર્મની ટેક્નોલોજી જાયન્ટ છે તેથી સામાન્ય લોકો માટેની પ્રોડક્ટ્સ બહુ બજારમાં નથી દેખાતી, પણ મોટી જર્મન કંપનીઓ પર ભારત વરસોથી નિર્ભર છે. બોશ, બીએમડબલ્યુ, ફોક્સવેગન, સિમેન્સ અને મર્ક જેવી મોટી કંપની ભારતમાં ધૂમ કમાણી કરે છે.
ભારતમાં ડિફેન્સમાં સાધનો રશિયા, અમેરિકા અને ફ્રાન્સ પાસેથી આવે છે, પણ ફ્રાન્સ વધારે મદદ કરે છે. મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્રે ‘મેક-ઇન-ઇન્ડિયા’ પહેલને કારણે ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાની વાત થાય છે, પણ વાસ્તવમાં આ આત્મનિર્ભરતા ફ્રાન્સની મદદને આભારી છે. રફાલ ફાઈટર જેટથી માંડીને સ્કોર્પિન સબમરીન સુધીનાં ઉત્પાદનો આપણે સીધાં ફ્રાન્સ પાસેથી ખરીદીએ છીએ. એ જ રીતે, બીજાં ઘણાં સાધન પણ ફ્રાન્સની મદદથી બને છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી : ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ…!’
ચીનની કંપનીઓ ભારતમાં સીધો ધંધો બહુ કરતી નથી, પણ આપણે જે સ્વદેશી ઉત્પાદનોની વાત કરીએ છીએ એ ઉત્પાદનો માટે ભારત ચીન પર નિર્ભર છે. ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગો ચીનના કાચા માલ પર નભે છે તેથી આ કંપનીઓ આપણને સ્વદેશીના નામે જે માલ આપે છે એ પણ સંપૂર્ણપણે સ્વદેશી નથી!
દુનિયાના કોઈપણ દેશમાં સૌથી મોટું બજાર ફાસ્ટ મૂવિંગ ક્ધઝ્યુમર ગુડ્ઝ (FMCG)નું હોય છે. ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ,કોલ્ડ્રિંક્સ વગેરે ઢગલાબંધ ચીજો FMCG કહેવાય છે. ભારતમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, કોલગેટ, હિંદુસ્તાન લીવર સહિતની મૂળ વિદેશી કંપનીઓ આ ઋખઈૠ માર્કેટમાં રાજ કરે છે.
આ વાસ્તવિકતાને નજર સામે રાખશું તો એ જોતાં સમજાશે કે શુદ્ધ સ્વદેશી ભારત માટે શક્ય નથી. મોદી સરકારે 2020માં પણ સ્વદેશી ચળવળ શરૂ કરેલી. એ વખતે ગૃહ મંત્રી અમિત શાહે એલાન કરી દીધેલું કે, હવે પછી ભારતીય લશ્કરી કેન્ટિન્સમાં વિદેશી માલ જોવા નહીં મળે. માત્ર ને માત્ર ભારતીય ઉત્પાદનો જ વેચાશે. ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે નિર્ણય લેવાયો હોવાનું અમિત શાહે ગર્વભેર જાહેર કરેલું, પણ 10 દિવસમાં ગૂપચૂપ આ આદેશ પાછો ખેંચી લેવો પડ્યો હતો કેમ કે લશ્કરી કેન્ટિનો પાસે બાબા રામદેવનાં ઉત્પાદનો સિવાય બીજું કશું વેચવા માટે હતું જ નહીં.!
સરકાર અને પક્ષના સમર્થકોએ આ નવા ‘સ્વદેશી અભિયાન’ને ક્રાન્તિકારી ગણાવીને વખાણી રહ્યા છે,પણ ખરું પૂછો તો ભારતમાં સ્વદેશીનો વિચાર ઘણો જૂનો છે.
મહાત્મા ગાંધીએ સ્વદેશીના વિચારને લોકપ્રિય બનાવ્યો પણ ગાંધીજીના આગમનનાં વરસો પહેલાં ભારતમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ ગઈ હતી. દાદાભાઈ નવરોજીએ ઓગણીસમી સદીમાં આ વિચાર આપેલો ને અલગ અલગ નામ હેઠળ દેશની જ વસ્તુઓ લેવાની ઝુંબેશો ચાલી જ હતી.
વડા પ્રધાને ‘સ્વદેશી’ની આહલેક જગાવીને સારું કર્યું, પણ આપણી સૌથી મોટી તકલીફ એ છે કે, આપણે આઝાદીનાં 78 વર્ષ પછી પણ હજુ વિદેશી કંપનીઓ પર જ નિર્ભર છીએ. આપણી જરૂરિયાતની મોટા ભાગની વસ્તુઓ વિદેશી કંપનીઓ જ પૂરી પાડે છે. ભારત પાસે પોતાની કહેવાય એવી મોટી કંપનીઓ નથી તેથી ભૂતકાળમાં બન્યું એમ અત્યારનો સ્વદેશીનો નારો પણ એક રાજકીય ઝુંબેશ ન બની જાય એ જોવું રહ્યું…
‘સ્વદેશી’ અપનાવવું હોય તો પહેલાં તેના માટે પાયો તૈયાર કરવો પડે, સ્વદેશી ઉત્પાદનો દેશના બજાર પર છવાઈ જાય એવો માહોલ પેદા કરવો પડે. આવું તો નથી ભૂતકાળની સરકારો એ કરી શકી કે નથી છેલ્લાં આ 11 વર્ષમાં શાસક પક્ષ કરી શક્યો…
ટાગોર-મિત્રા સ્વદેશી ચળવળના પ્રણેતા
આઝાદીની લડત વખતે સ્વદેશી ચળવળ ઉગ્ર બની હતી. સામાન્ય માન્યતા એવી છે કે, મહાત્મા ગાંધીએ સ્વદેશી ચળવળ શરૂ કરી. વાસ્તવમાં ગાંધીજીના ભારતમાં આગમનના એક દાયકા પહેલાં 1905માં ભારતમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ ગઈ હતી. ડિસેમ્બર 1903માં અંગ્રેજ સરકારે બંગાળના ભાગલા કરવાની જાહેરાત કરી તેની સામે ભારતીયોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે અંગ્રેજ સરકારે સત્તાવાર કારણ એ આપેલું કે, લગભગ 8 કરોડની વસતિ ધરાવતું બંગાળ ખૂબ વિશળ હોવાથી તેનો વહીવટ કરવો અશક્ય છે.
વાસ્તવિક કારણ એ હતું કે, બંગાળ અંગ્રેજ સરકાર સામેના અસંતોષનું કેન્દ્ર બની ગયું હતું. બંગાળમાં હિંદુ અને મુસ્લિમો એક થઈને અંગ્રેજો સામે લડતા હતા. બ્રિટિશ અધિકારીઓ અસંતોષને દબાવી ના શક્યા તેથી બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય લેવાયો. પશ્ર્ચિમ બંગાળમાં હિંદુઓ રહે અને પૂર્વ બંગાળમાં મુસ્લિમો રહે એ પ્રકારની ગોઠવણ અંગ્રેજો કરવા માગતા હતા, પણ બંગાળની પ્રજાએ તેનો ઉગ્ર વિરોધ કર્યો.
અંગ્રેજ સરકારે આ વિરોધને ના ગણકાર્યો એટલે 7 ઓગસ્ટ 1905ના રોજ કલકત્તાના ટાઉન હોલથી સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી હતી. આ બેઠક રવીન્દ્રનાથ ટાગોર અને કૃષ્ણકુમાર મિત્રાએ બોલાવી હતી. આ ચળવળમાં અંગ્રેજોના માલનો બહિષ્કાર કરીને સ્થાનિક ઉત્પાદનો પર આધાર રાખવાનો નિર્ણય લેવાયો. ભારતીય વણકરો દ્વારા તૈયાર કરાતાં કપડાં અને ગ્રામોદ્યોગનાં ઉત્પાદનો બનાવવા માટે શ્રીમંત બંગાળીઓએ નાણાં અને જમીન દાનમાં આપી. તેના કારણે બંગાળમાં દરેક ઘરમાં સુતરાઉ કાપડનું ઉત્પાદન શરૂ થયું.
આ ચળવળે મરી પરવારેલી કૉંગ્રેસને ફરી બેઠી કરી અને અંગ્રેજોને ભારતીયોની એકતાનો અનુભવ થયો. સ્વદેશી ચળવળ ઉગ્ર બનતાં 1911માં અંગ્રેજોએ બંગાળના ભાગલા રદ કરીને રાજધાની નવી દિલ્હી ખસેડી. આ રીતે સ્વદેશી ચળવળ ભારતના ઈતિહાસમાં અંગ્રેજો સામે પહેલી જીતનું કારણ બની હતી.
આ પણ વાંચો…કવર સ્ટોરી : ડ્રેગન-એલિફન્ટની જુગલબંદી દુનિયાનાં સમીકરણો બદલી શકે, પણ જરા સંભાલ કે…!