બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ ભારતમાં બનાવો…ભારત માટે બનાવો!

સમીર જોશી
હાલમાં જે ટૅરિફ વોર ચાલી રહ્યું છે તે જોઈને ‘લગાન’ ફિલ્મનો એક ડાઈલોગ યાદ આવે છે: તીન ગુના લગાન દેના પડેગા, ખાને કો રોટી નહિ હોગી ઔર પહેનનેકો કપડાં નહિ હોગા…. અંગ્રેજો કે આ ગોરાઓ (આ વખતે અમેરિકન ગોરો) દુનિયા પર રાજ કરતા હોય તેમ હંમેશાં વર્તે છે….
હવે સમય બદલાઈ ગયો છે અને ઘણા એવા દેશ છે જે આજે આ લોકોનો ના ફક્ત સામનો કરી શકે. પણ એમને ઘણી વાતોમાં પાછળ પણ મૂકી શકે તેમ છે…પણ આવી પરિસ્થિતિ જયારે સર્જાય ત્યારે લોકોમાં ગભરાટ ફેલાય જાય કે: હવે શું થશે… મોંઘવારી વધશે…વેપારો બંધ થઇ જશે… આવી સ્થિતિમાં કેવી રીતે વેપાર થશે?
આવી સ્થિતિ સર્જાય તેનું કારણ શું? બીજા શબ્દોમાં આ સ્થિતિ કોના માટે વધુ પીડાદાયી છે? આના પર વિચાર કરીએ. જ્યારે ટૅરિફ વધે છે ત્યારે મોટાભાગના વ્યવસાયો ગભરાટ સાથે પ્રતિક્રિયા આપે છે, પરંતુ આવી સ્થિતિ ઘણીવાર જોઈતા બદલાવો પણ લાવે છે, આવા દબાણ વેપાર માટે સ્પષ્ટતા પ્રદાન કરે છે.
યુએસ દ્વારા ભારતીય માલ પર તાજેતરમાં 50 ટકા ટૅરિફ વધારો ટૂંકા ગાળા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે શું ? તે એક ચેતવણીનો સંકેત છે, કારણ કે અહીં નોંધવા જેવી વાત એ છે કે જો તમારો વ્યવસાય ફક્ત નિકાસને કારણે ટકી રહે છે તો તે હંમેશાં આવી મુશ્કેલીઓને આજે નહીં તો-કાલે નોતરવાનો હતો.
બીજા શબ્દોમાં જો મારો વેપાર કોઈ એકાદ બે પાર્ટી પર અથવા અમુક ઉત્પાદનો પર આધારિત છે તો એ મારા માટે ખતરાની ઘંટી છે થોડાં વર્ષથી આપણે ‘મેક ઇન ઇન્ડિયા’ સાથે સંલગ્ન છીએ, પરંતુ ‘બિલ્ડ ફોર ઇન્ડિયા’ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કર્યું છે માટે જ્યારે આવી સ્થિતિ ઊભી થાય, વૈશ્વિક માગ ઓછી થાય ત્યારે આપણને સમજાય છે કે ઘર આંગણે આપણી શું કિંમત છે અથવા ઘર આંગણે આપણને કેટલા લોકો ઓળખે છે?
આ ફક્ત વેપારનો મુદ્દો નથી. આ બ્રાન્ડિંગનો મુદ્દો છે, કારણ કે જો તમે ફક્ત FOB માર્જિન અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે જ તમારા ઉત્પાદનો નિર્માણ કરી રહ્યા છો તો તમે તમારા પગ પર કુહાડી મારી રહ્યા છો અને તમે એકાદ વ્યક્તિ કે પાર્ટી પર નિર્ભરતા વધારી રહ્યા છો. આવા સમયે શું કરવું તે પ્રશ્ન જાગે. તમે નોંધ્યું હશે કે જયારે આ ટૅરિફની મથામણ શરૂ થઇ કે મેસેજ આવવા લાગ્યા: ‘વોકલ ફોર લોકલ.’ લોકલ ઉત્પાદનો ખરીદો અને વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર કરો.
વાત ખોટી નથી, પણ કયું ઉત્પાદન ખરીદવુ? કારણ કે આપણે આજ સુધી ફક્ત વેપાર કર્યો છે, ઉત્પાદન બનાવ્યા છે, બ્રાન્ડ ક્યારેય બનાવી નથી તેથી ક્ધઝ્યુમરને કઈ બ્રાન્ડ ખરીદવી તે નહિં સમજાય. આજની તારીખે લોકો ઉત્પાદનો નહિ. પણ બ્રાન્ડ ખરીદે છે. આવા સમયે એટલે કે આવી સ્થિતિ સર્જાય ત્યારે કે તે પહેલા આ ક્ષણનો ઉપયોગ તમારી બ્રાન્ડ સ્થાનિક સ્તરે લઇ જવા માટે કરો.
આજ સુધી તમે ફક્ત એકાદ દેશ સાથે કે અમુક પાર્ટીઓને માલ આપતા હતા. જો તમે આંખો ખુલ્લી રાખશો તો સમજાશે કે આ દેશમાં કેટલી મોટી તક છુપાયેલી છે. તમે આપણા દેશના પ્રાદેશિક ક્ષેત્રોને સમજો. તમારા ઉત્પાદનોને ભારત માટે ડિઝાઇન કરો. તમારા ઘરાકોને સમજાય તેવી ભાષા બોલો અર્થાત ‘તમે એમાંના એક છો’ એવી સંવેદના ઊભી કરો.
બદલાવની શરૂઆત ધીરે ધીરે થઇ રહી છે. જે લોકો દૂરંદેશી હતા એ તો એ કોવિડના સમયથી જ સ્થિતિ પામીને અમુક પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું. ગ્લોબલની સાથે લોકલ બજાર પર પણ પોતાને સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી. અમુક બદલાવો જેવા કે MSME જેનું પોતાનું એક બજેટ હતું, જેનો વપરાશ ગ્લોબલ એક્સ્પો માટે વપરાતો હતો એ હવે લોકલ ઇન્ફ્લ્યુન્સરો સાથે હાથ મળાવી પોતાને પ્રમોટ કરી રહ્યા છે.
અમુક નિકાસકારો અર્થાત એક્સપોર્ટર્સ ડોમેસ્ટિક માર્કેટમાં પોતાની બ્રાન્ડ ઇક્વિટી વધારવામાં નિવેશ કરે છે. ઉત્પાદકો પૂછે છે કે શું સ્થાનિક લોકો સમજશે કે અમે શું વેચવા માગીએ છીએ? આમ તો એ બધા હવે ડોમેસ્ટિક માર્કેટને ગંભીરતાથી લઇ રહ્યા છે. બ્રાન્ડ બનાવી રહ્યા છે, કારણ કે એ જાણે છે કે આવી સ્થિતિમાં ફક્ત બ્રાન્ડ બનાવી હશે તો તે જ એમને ઉગારી શકશે.
ભારતમાં વિકાસનો આગામી તબક્કો ફક્ત ઉત્પાદનોની કિંમત અથવા વેપારના આયામો દ્વારા નહિં ઓળખાય. તે સાંસ્કૃતિક પ્રવાહિતા, ભાવનાત્મક સમાનતા અને સ્થાનિક વિશ્વાસ દ્વારા ઓળખાશે. વૈશ્વિક સ્થિતિઓ બદલાયા કરશે, વિશ્વ તેના ટેરિફ બદલતું રહેશે, પરંતુ જો તમારા ગ્રાહકો તમને ઓળખે છે, તમારી હાજરી બજારમાં અનુભવે છે અને સમજે છે કે તમે એમને ધ્યાનમાં રાખીને બ્રાન્ડ બનાવી છે તો એ પછી તમે એમના હૃદયમાં સ્થાન પામી શકશો. આથી સમય આવી ગયો છે કે
‘હું એક્સપોર્ટર છું કે લોકલ વેપારી છું, મારે ફક્ત નિકાસ કે વેચાણની પરે જઈ, બ્રાન્ડ બનાવી મારી જાતને લોકલ પ્લેયર તરીકે સ્થાપિત કરવી પડશે….’ એવું જયારે થશે ત્યારે ખરા અર્થમાં ‘ભારતમાં બનાવો’ અને ‘ભારત માટે બનાવો‘ સાર્થક થશે…
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : શું તમારા વ્યવસાયને બ્રાન્ડ બનાવવાની જરૂર છે?