ઉત્સવ

હેં… ખરેખર?! : નવ દેશમાંથી વહેતી એમેઝોન નદી પર એકેય પુલ નથી!

-પ્રફુલ શાહ

કદ નહિ પણ પાણીના જથ્થાની ગણતરીએ એમેઝોન વિશ્ર્વની સૌથી મોટી નદી છે. એમેઝોન નદીની લંબાઈ 6400 કિલોમીટર (એટલે કે 4000 માઈલ) છે પણ આ માપના આંકડાને ય વિવાદાસ્પદ મનાય છે. કદની બાબતમાં નાઈલ સૌથી મોટી નદી છે. એ 6650 કિલોમીટર (4132 માઈલ) લાંબી છે. બન્નેના કદ અંગે વિવાદ હોવા છતાં નાઈલને સૌથી મોટી નદી હોવાનું બહુધા સ્વીકારાયું છે. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે અત્યંત વિશાળ એમેઝોન નદી નવ દેશમાંથી પસાર થાય છે છતાં એના પર એકેય પુલ નથી!

આ પણ વાંચો..આકાશ મારી પાંખમાં : આતમતેજ જાગે ત્યારે…

આવું શા માટે? એ કેવી રીતે શક્ય બને? આ સવાલોના જવાબ જાણવા અગાઉ એમેઝોન નદી વિશે જાણવું પડે. પોતાના પાણીના, મીઠા પાણીના, પ્રવાહ માટે નંબર વન ગણાતી એમેઝોન બ્રાઝિલ, બોલિવિયા, પેરુ, ઈક્વાડોર, કોલંબિયા, વેનેઝુએલા, ગુયાના, ફ્રેન્ચ ગુયાના અને સુરીનામ જેવા દેશમાંથી પસાર થાય છે. મજાની વાત એ છે કે વિશ્ર્વનું ફેફસું ગણાતું એમેઝોન જંગલ આપણને 20 ટકા પ્રાણવાયુ આપે છે તો એમેઝોન નદી 20 ટકા પાણી આપે છે.

અનેક અદ્ભુત જળચર જીવોના જન્મ અને આશ્રયસ્થાન સમી આ નદીનાં ઘણાં રહસ્યો સદીઓથી અકબંધ છે. એમેઝોન નદીની શરૂઆત ક્યાંથી થાય છે એ એક રહસ્ય છે. દુનિયાની અન્ય મોટી નદીઓની માફક એમેઝોનની શરૂઆત પણ અનેક સ્થળોથી થાય છે, પરંતુ ભુગોળના નિષ્ણાતો નદીના એક જ ઉદ્ગમ સ્થાનના આગ્રહી છે. એમેઝોન નદીનો, જંગલ સાથેનું જોડાણ આશ્ર્ચર્યજનક છે અને એ બાબત પૃથ્વી પરના પર્યાવરણની સમતુલા જાળવવામાં સિંહ – ભૂમિકા ભજવે છે. એમેઝોન નદીનો હિસ્સો એટલાંટિક સમુદ્રમાં ઠલવાતા કુલ પાણીના 20 ટકા છે.

પોર્ટુગીઝ અને સ્પેનિશ ભાષામાં ‘રિયો એમેઝોન’ તરીકે પણ ઓળખાતા આ નદીનો સ્ત્રોત પશ્ર્ચિમી દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પહાડોમાં છે. વિશાળ કદને કારણે એ ‘ધ રિવર સી’ તરીકે ય જાણીતી છે. આના કિનારે નવ દેશોના લગભગ ત્રણ કરોડ લોકો વસે છે, આમાંથી બે તૃતીયાંશ વસતિ તો માત્ર બ્રાઝિલની છે. 1100 વધુ પ્રશાખા ધરાવતા એમેઝોનની 12 નદીઓની લંબાઈ 1500 કિલોમીટર (930 માઈલ) છે.

હવે એ જાણીએ, સમજીએ અને વિચારીએ કે આટલી મોટી વિશાળ નદી પર સમ ખાવા પૂરતો એક પણ પુલ કેમ નથી. હકીકતમાં એની વિશાળતાને લીધે એક કિનારેથી બીજા કિનારે પહોંચવા માટે એક-બે નહિ, અનેક પુલ હોવા જોઈએ કે નહિ? પણ ના, એવું નથી.

આ મામલામાં અધિકૃત ગણી શકાય એવા નિષ્ણાત વૉલ્ટર કોફમેન આના કારણ સમજાવે છે. સ્વીસ ફેક્ટ ફેડરલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના સ્ટ્રકચરલ એન્જિનિયરિંગના ચેરપર્સન કોફમેનના કહેવા મુજબ એમેઝોન નદી પર એકેય પુલ નથી કારણ કે પુલની જરૂર નથી. આ નદી એવા વિસ્તારમાંથી પસાર થાય છે કે જ્યાં પુલની જરૂર નથી.

હા, અમુક સ્થળેથી એમેઝોન વહે છે ત્યાં ખૂબ પાંખી કે નહિવત્ માનવ – વસતિ છે. એના તટપ્રદેશ પરનાં શહેરો એકદમ વિકસિત છે. એક કિનારાથી બીજા પર જવા માટે સારી અને પર્યાપ્ત ફેરી વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી પુલની જરૂરિયાત અનુભવાતી નથી.

આ સિવાય વધુ એક મહત્ત્વનું કારણ છે પુલની સદંતર ગેરહાજરી માટે. કિનારા વિસ્તારની નદી ખૂબ નરમ – પોચી હોવાથી પુલ બાંધવા પાછળ ભારે ખર્ચ થાય. મોટી રકમ ખર્ચાઈ જાય તો પણ પુલની સલામતી – ટકાઉપણાનો પ્રશ્ર્ન ઊભો જ રહે.

વળી શુષ્ક મોસમને કારણે દૂર-દૂર નદી બહુ પહોળી હોતી નથી કે પુલ બનાવવો પડે. વળી ચોમાસાના આગમન સાથે એમેઝોન નદીની સપાટી 30-30 ફૂટ સુધી વધી જાય છે. વળી વરસાદમાં નદીના કોઈ પણ ભાગનો કિનારો જળબંબોળ થઈને પાણીમાં ડૂબી શકે તો પુલના બાંધકામ માટે કયો કિનારો સલામત ગણાય? કોઈ નહિ. પુલના બેમાંથી એક છેડાવાળો કિનારો ડૂબી જાય તો બધી મહેનત અને ખર્ચો માથે પડે.

જોકે રોજબરોજ થતી નીતનવી શોધ અને ટેક્નિકલ પ્રગતિ વચ્ચે પુલ બનાવવાનું એકદમ અશક્ય પણ નથી જ. એમેઝોનની સૌથી મોટી શાખા નિકલું નદી પર 2010માં બે માઈલ લાંબા કેબલનો પુલ બંધાયો હતો, જે બ્રાઝિલના બે શહેર ઈરાન અને મનહુસને જોડતો હતો. પરંતુ એ અગાઉ કે પછી એકેય પુલ બંધાયા નથી. આનાથી પુલની આવશ્યકતા ન હોવાનું સ્પષ્ટપણે સાબિત થઈ જાય છે.

આ પણ વાંચો..ફોકસ : રિયલ ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે રાખો અંતર…

આપણે ગંગાથી અભિભૂત ખરા અને હોવા જ જોઈએ. પણ વિશ્ર્વની દસ સૌથી લાંબી નદીઓમાં ગંગા નદી નથી. આમાં (1) નાઈલ, (2) એમેઝોન, (3) યાંગતે, (4) મિસિસિપિ, (5) યેનીસે, (6) યલો, (7) ઓબ-ઈર્તીશ, (8) પરાના, (9) કોંગો અને (10) આમુર. અને હા, આપણી ગંગામૈયાનો વ્યાપક 25258 કિલોમીટર (1569 માઈલ) છે.

ક્યારેક આપણી ગંગા અને વિશ્ર્વની અમુક મોટી નદીઓની સરખામણી – અભ્યાસનો ઉપક્રમ હાથ ધરવો જોઈએ કે નહિ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button