આજે આટલું જઃ સ્વીકારીએ તમામ, જીવન તર બનાવીએ…
ઉત્સવ

આજે આટલું જઃ સ્વીકારીએ તમામ, જીવન તર બનાવીએ…

શોભિત દેસાઈ

મન ઈર્ષ્યા, દ્વેષ, રાગનું જૌહર બનાવીએ
પૂજે મનુષ્યતા એ પયમ્બર બનાવીએ
ભાગેડુવૃત્તિ છોડી દઇએ નિષેધની
સ્વીકારીએ તમામ, જીવન તર બનાવીએ

આજે 13 ઑગસ્ટે સવારે લખવા બેઠો છું અને હૃદયમાંથી બહાર આવી કૈં કેટકેટલાં પંખીઓ મારી ચોમેર ફરતાં, અવનવા રવ મૂકતાં, સ્વનાં રંગોત્સવમાં મને સામેલ કરતાં, કાનને ટહુકાં ધરતાં રૂપાળું, અતિસુખથી આંખ ભરાઈ આવે એવું બધું ઊભું કરી રહ્યાં છે કે આજે તો અણી અને અતિ શુદ્ધ સંવાદ આદરીએ. આજે ‘ઘણ રે બોલે ને એરણ સાંભળે’ નહીં પણ ‘પંખીડા બોલે અને જણ સાંભળે…’ બરાબર!

વિનેશ અંતાણીએ તો ખરેખર ચમત્કાર જ સર્જ્યો હતો ‘પ્રિયજન’ નામની એમની એક નવલકથામાં એક આથમી ગયેલા અને એક પૂર્ણ હયાતી ધરાવતા સંબંધના જળમાં છે માત્ર ચાર જ માછલી, અને એમાંય એક તો પ્રયાગની સરસ્વતી છે, એટલે કે ગેરહાજરીમાં હાજર છે અને છતાંય… કયાંય… નથી વિષાદ સહેજે ઓછો થતો કે નથી અસ્તિત્વનો મંગલોત્સવ ઘટતો.

અને બાપ રે! ‘પ્રિયજન’ની પ્રસ્તાવના!!! ‘ભરપૂર જીવન જીવાયું હોય, છતાં એક સાંજે એક ચહેરો યાદ આવે અને મનનો અભાવ બહાર છલકાઈ જાય ત્યારે થાય કે કઈ ક્ષણ સાચી? કે પછી બન્ને? આભાર… પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રિયજનોનો…’ જરૂર વાંચજો. This one of the 10 gratest books of my life. તમારું વિશેષ ધ્યાન દોરવા અતિશયોક્તિ અનિવાર્ય.

અમને (મારા વિષે હું બહું પ્રસન્ન હોઉં ત્યારે બહુવચન વાપરું છું) સાલું થયું એવું કે સોળ સત્તરની ‘બાલી’ ઉમ્મરે તો ગઝલનો ચટકો લાગી ગયો’તો. અરે એટલે જ તો પામ્યા ત્યારથી, અત્યાર સુધી અને હવે પછીનું આવું ભાતીગળ જીવન… એક તો સ્વઉપાર્જિત ગઝલ-વરદાન અને એમાં પાછો રજત દિલીપ ધોળકિયા એ રંગોળીમાં પૂરે બહુરંગી મહેંદી હસન. છેલ્લાં બાવન વરસથી સ્વર્ગમાં જ છું. હકિકતમાં મર્યા પછી મોત જ છે, કોઈ સ્વર્ગ કે નર્ક છે જ નહીં. ફક્ત અને ફક્ત અંત જ છે.

આજુબાજુના એકને કે અન્યને આનંદ આપો એ સ્વર્ગ અને હાની પહોંચાડો એ નર્ક. તે…આ ગઝલે અને પછી મહેંદી હસને અમને એવા ટાઢા પાડયા છે કે એ દિવસોમાં તો અમારા અતિપ્રિય જગજીતસીંગના હિમાલય જેવડા ટાઢાબોળ અવાજ કરતાંય અમને મહેંદી હસનનાં સહેજ ખરબચડા કંઠ વધારે ટાઢા પાડે અને લાગે, અને એમાંય મહેંદી હસન, શાયર રાઝી તિરમીઝીની આ ગઝલ રજૂ કરે ત્યારે તો અમને એમાં અમારું જીવવા ધારેલું ‘બુઢ્ઢા થવું’ દેખાય કે એ ઉમ્મરમાં આવું જીવાય તો કેવું!

ભૂલી બિસરી ચંદ ઉમ્મીદેં ચંદ ફસાને યાદ આયે
તૂમ યાદ આયે ઔર તુમ્હારે સાથ ઝમાને યાદ આયે
હંસનેવાલોં સે ડરતે થે, છૂપ છૂપ કર રો લેતે થે
ગહરી ગહરી સોચમેં ડૂબે દો દિવાને યાદ આયે
હવે સમજ્યાને તમે દોસ્ત? કે કેમ આજે વિનેશ અંતાણી ‘પ્રિયજન’, કેમ ઉર્દૂ ગઝલ, કેમ મહેંદી હસન અને જગજીતસીંગ…

હર્ષદ ત્રિવેદી, ગુજરાતી સાહિત્ય પરિષદનો સાંપ્રત પ્રમુખ તુકારે બોલાવાય એટલો નિકટનો મિત્ર… એની એક ગઝલ આવા જ, સાથે જીવાતા સુંદર ‘બુઢ્ઢા થવું’નું ચિત્ર પ્રસન્ન રંગો સાથે મૂકે છે એ આજે તમારી તહેનાતમાં… (મોટ્ટા અતુલ ડોડિયા કદાચ આ વાંચે તો કદાચ દોરે ય ખરા…)

બંને જણ

સમી સાંજે કરીને તાપથણું બેઠાં છે બંને જણ,
કહે છે એકબીજાને હુંફાળી આ ક્ષણોને લણ!
નહીંતર આ તિખારા તો બધા હમણાં ઊડી જાશે,
વીતેલાં સહુ વરસ માફક ગણી લે તું, ગણું હું પણ!
ઉપર આકાશના તારા જુએ ટમટમતી આંખોએ,
ચમત્કારો બને છે શું નીચે સંસારીઓમાં પણ?
નજીક લાવો વધુ આસન, હજી લાવો નજીક વ્હાલા,
સૂણો સરવા કરીને કાન, ઝીણું બોલતાં કંકણ!
અગન તારા મહીં છે એટલી રાખું લગન હું પણ,
કરે છે યાદ કંઈનું કંઈ ઝુકાવીને ભીની પાંપણ!
ભરી લો આ બધી યે રાખ બાકીના વખત માટે,
સવારે સાથમાં બેસીને માંજીશું જૂનાં વાસણ!

તા. ક. હજી વધુ સુંદર ‘પ્રયાણ’ પહેલાંનું જીવવું હોય તો જવાની ઉતાવળ ના કરાવે એવા, પાછાં યુવાનીના પ્રેમ જાગૃત થાય એવા, exceptional તરકટી નામવાળા મુસદ્દા જીવનમાં વસાવવા… દા.ત. નરને માયસ્થેનિયા ગ્રેવીસ અને નારીને અલ્ઝાઈમર. નામ બોલો કે મ્હોં ભર્યુંભાદર્યું થઈ જાય…

નિશાનો ખૂબ ઊંચે રાખતા સંયોગ પાળ્યા છે
થયા ગરકાવ તો અંતિમ બધા ઉપભોગ પાળ્યા છે
બહુ મોટા ગજાના મોત માટે છે જે આરક્ષિત
જો પાળ્યા છે તો જીવનમાં અમે એ રોગ પાળ્યા છે – શોભિત દેસાઈ આજે આટલું જ…

આ પણ વાંચો…આજે આટલું જ : આખર પછીની અદલાબદલી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button