મોર્નિંગ મ્યૂસિંગ : પગ ને પગરખાં… સત્તાધારીઓને ‘તમે ના-લાયક છો’ કહેવાની અનોખી રીત!

- રાજ ગોસ્વામી
ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં, ‘સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે’ એવું કહીને, ભારતના મુખ્ય ન્યાયધીશ બી. આર. ગવઈ પર એક વકીલે જૂતાં ફેંકવાનો પ્રયાસ કર્યો તે ઘણી આઘાતજનક ઘટના છે. જસ્ટિસ ગવઈ ભારતના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ છે અને ‘સનાતન ધર્મ’ના નામે તેમના પર જૂતુ ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ, રાકેશ કિશોર, ઉપલી જાતિનો છે તે હકીકત યોગાનુયોગ હતી કે કેમ તે તો ખબર નથી, પરંતુ દેશના એક મોટા વર્ગને આ ઘટનામાં જાતિભેદ દેખાય છે તે પણ ઉપેક્ષા કરવા જેવું નથી.
રાજકારણીઓ પર જૂતાં ફેંકવાની ઘટનાઓ વિશ્વમાં નવી નથી (આપણે પછીથી તેના પર નજર નાખીશું) કારણ કે અન્યાય અથવા વૈચારિક મતભેદની ભાવનામાં આવીને સમાજના હતાશ લોકો આવી હરકત કરતા હોય છે, પરંતુ કાનૂનની કોર્ટ પક્ષપાતી વિચારધારાઓ કે સામાજિક પૂર્વગ્રહોથી છેટી હોય છે અને તે બંધારણે દોરી આપેલી રેખાઓ મુજબ કામ કરે છે. એટલે દેશની સૌથી મોટી કોર્ટનો 71 વર્ષનો એક જવાબદાર વકીલ દેશના સૌથી મોટા બંધારણીય હોદ્દેદાર સામે આવી હરકત કરે તે બતાવે છે કે દેશમાં નફરતનું ઝેર ક્યાં સુધી ઊતરી ગયું છે.
સુપ્રીમ કોર્ટ માત્ર ન્યાયની અદાલત નથી, તે આ દેશમાં કાનૂનનું રાજ છે તેનું પ્રતીક પણ છે. કાનૂનના રાજ માટે જ તો દેશના લોકોએ અંગ્રેજો સામે લડાઈ કરી હતી અને સ્વતંત્રતા પછી તેનું પહેલું કામ બંધારણની રચના કરવાનું હતું જે આ દેશના તમામ નાગરિકોને એક સરખું સંરક્ષણ અને અધિકાર આપે. વકીલે આ સુપ્રીમ કોર્ટના પ્રતિનિધિ એવા મુખ્ય ન્યાયાધીશ પર જૂતું ફેંકવા પ્રયાસ કર્યો તે એક વ્યક્તિની અંગત હતાશા નથી, તે બંધારણ અને કાનૂનના રાજની ઓથોરીટીને સત્તાને પડકાર ફેંકવાનો પ્રયાસ છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે આવી હરકત થઇ છે એટલા માટે જ આ ઘટના વધુ ગંભીર બને છે, બાકી દેશ અને દુનિયાના રાજકારણીઓ જૂતાંના શિકાર બનતા રહ્યા છે.
ભારતમાં જૂતાં ફેંકવાની પહેલી નોંધાયેલી ઘટના સો વર્ષ પહેલાંની છે. 1907માં કૉંગ્રેસ પાર્ટીમાં ઉદારવાદી અને અંતિમવાદી સભ્યો વચ્ચે ચાલતા મતભેદ વચ્ચે સુરતમાં તેનું અધિવેશન ભરાયું હતું અને તેમાં ગરમાગરમ ચર્ચા વચ્ચે, અગ્રણી નરમપંથી નેતાઓ સુરેન્દ્રનાથ બેનર્જી અને સર ફિરોઝશાહ મહેતા પર જૂતા ફેંકવામાં આવ્યાં હતાં. આ ઘટનાએ અંધાધૂંધી ઉભી કરી હતી અને કૉંગ્રેસ પક્ષના વિભાજનને મજબૂત બનાવ્યું હતું.
ડિસેમ્બર 2008માં, ઈરાક પર આક્રમણ કરવાની અકળામણથી તત્કાલીન અમેરિકન પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશ પર એક ઇરાકી પત્રકારે જૂતુ ફેંક્યું તે પછી જાણે ‘જૂતાં ફેંકવાની’ વૈશ્વિક લહેર શરૂ થઈ હતી. તેમાંથી જાણે પ્રેરણા મળી હોય તેમ, 2009માં ભારત અને કેટલાક અગ્રણી રાજકારણીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
એપ્રિલ 2009માં પત્રકાર જરનૈલ સિંહે તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમ પર જૂતા ફેંક્યા હતા. આ હરકત સીબીઆઈ દ્વારા 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કૉંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરને નિર્દોષ જાહેર કરવાના વિરોધમાં કરવામાં આવી હતી.
તે જ મહિનાના અંતમાં, અમદાવાદમાં એક ચૂંટણી રેલી દરમિયાન તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ પર જૂતાં ફેંકવામાં આવ્યા હતા, જોકે તે બચી ગયા હતા. એપ્રિલ 2009માં પણ એક રેલી દરમિયાન ભાજપના નેતા એલ. કે.અડવાણી પર પક્ષના એક પૂર્વ સભ્ય દ્વારા લાકડાની ચંપલ ફેંકવામાં આવી હતી.
1977માં એક યુવાન રાજકારણી સુરેશ કલમાડીએ પૂણેમાં તત્કાલીન વડા પ્રધાન મોરારજી દેસાઈ પર કથિત રીતે પગરખાં ફેંક્યા હતા. તે દેસાઈને ચૂકી ગયો હતો, પરંતુ તેમની કારને ટક્કર મારી હતી.
2010માં એક પોલીસ અધિકારીએ સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર જૂતાં ફેંક્યા હતાં. આ અધિકારી આ વિસ્તારમાં ભારતીય શાસનનો વિરોધ કરી રહ્યો હતો.
દિલ્હીના તત્કાલીન મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 2016માં દિલ્હીનો ટ્રાફિક જામ ઓછો કરવા માટે ઓડ-ઇવન યોજના લાગુ કરી તેના વિરોધમાં એક કાર્યકર્તાએ તેમના પર જૂતાં ફેંક્યા હતાં. 2019માં, નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન એક વ્યક્તિએ ભાજપના સાંસદ જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતાં ફેંક્યા.
હતાશ લોકો જૂતાં કેમ ફેંકતા હશે? તેનું કારણ પગ અને પગરખાં વિશેની સાંસ્કૃતિક માન્યતાઓમાં છે. તેને શરીરનો સૌથી ગંદો હિસ્સો માનવામાં આવે છે. ત્યાં સુધી કે આપણે જે હાથથી શૌચક્રિયા કરીએ છે તે હાથની સરખામણીમાં પણ પગ ગંદા ગણાય છે. પગ સામાજિક વ્યવસ્થાનું પણ પ્રતીક છે. ‘પગની જૂતી’ એવો એક હિન્દી વાક્ય પ્રયોગ છે.
કોઈ વ્યક્તિને તેનું કનિષ્ઠ સ્થાન બતાવવું હોય તો ‘તું તો મારા પગની જૂતી છે’ એવું કહેવામાં આવે છે. જે લોકો નીચલી જાતિના છે અથવા સામાજિક વ્યવસ્થામાં તળિયે છે તેઓ પગ અને પગરખાં સમકક્ષ છે તેવો પણ અર્થ અભિપ્રેત છે.
જે લોકો સત્તામાં હોય, જેમ કે રાજકારણીઓ, તેઓ ભ્રષ્ટાચાર, અન્યાય અને સરકારની નિષ્ફળતાથી લોકોના આક્રોશનો ભોગ બનતા હોય છે અને ‘તમે ના-લાયક છો’ તેવું સાબિત કરવા માટે તેમની પર જૂતાં ફેંકવામાં આવે છે.
એમાં શારીરિક હિંસા પહોંચાડવા કરતાંય વધુ તો પોતાના ‘ઈગો’ને મજબૂત કરવા માટે અને સામેની વ્યક્તિને અપમાનિત મહેસૂસ કરાવવાનો ઈરાદો હોય છે. એટલા માટે જ જૂતાં ફેંકવાની મોટાભાગની ઘટનાઓમાં તે લક્ષ્ય ચુકી જાય છે. એટલા માટે જ, સુપ્રીમ કોર્ટની આ ઘટનાના બીજા દિવસે વકીલ રાકેશ કિશોરે તેના કૃત્યને ઉચિત ઠેરવતાં કહ્યું કે તેને દૈવી પ્રેરણા થઇ હતી અને તેને તેનો કોઈ પસ્તાવો નથી. કદાચ પસ્તાવો તો આખા ભારતને થવો જોઇશે.