મિજાજ મસ્તીઃ રક્ત ટપકતી શહીદોની કથા-વ્યથા…
ઉત્સવ

મિજાજ મસ્તીઃ રક્ત ટપકતી શહીદોની કથા-વ્યથા…

સંજય છેલ

ટાઇટલ્સ:
વાતો કરવી અને ‘ખરેખર કરવું’ એમાં ફરક છે. (છેલવાણી)
શહીદ ભગતસિંહની સમાધિ સામે 1965માં એક શાયર ગાય છે:
‘તેરે લહૂ સે સીંચા હૈ, અનાજ હમને ખાયા.
યહ જઝબા-એ-શહાદત, હૈ ઉસીસે હમ મેં આયા!’

આ સાંભળીને એક ફૌજીએ શાયરને કહ્યું: ‘દેશ માટે કવિતાઓ લલકારવી સહેલી છે, પણ મરવું અઘરું છે!’ આ ટોણો સાંભળીને એ શાયર મોહનલાલ ભાસ્કર, પછી ભારતનો જાસૂસ બને છે… ઓળખ સંતાડીને, નવાં-નવાં વેશ બદલીને, લશ્કરની ગોળીઓ શિકારી કૂતરાઓથી બચીને વારંવાર એ પાકિસ્તાનમાં ઘૂસી જાય છે.

1965ના પાકિસ્તાનમાં પ્રેસિડંટ અયુબ ખાન અને વિપક્ષી નેતા ભુટ્ટો વચ્ચેના ખૂંખાર રાજકીય સંઘર્ષ ચાલતો ત્યારે એકવાર લશ્કરે લાહોરમાં બેફામ ગોળીબાર કર્યો. 20 ટ્રકમાં લાશો લાદીને સતલજ નદીમાં વહાવી દીધી. એ લાશોના ઢગલામાં મરવાનો ઢોંગ કરીને મોહનલાલ છૂપાયો ને આખરે લાહોરમાં શેખવહીદાના ‘કોઠા’ પર જઇ પહોંચ્યો.

વહીદા જેવી ખાઇબદેલ તવાયફ પાસે પાક લશ્કરી ઓફિસરનાં નામ, સરનામાં, મોટાં મોટાં રહસ્યો હોય જ. રાત્રે દારૂ સેક્સની મદહોશીમાં ચકચૂર વહીદા પાસેથી ખુફિયા માહિતીઓ મેળવીને મોહનલાલ સવારે ફરાર… !
તે પછી સતત શહેર શહેર ભટકીને મોહનલાલ ભારતમાં ફાઇલો-માહિતીઓ પહોંચાડે છે. એક સવારે લાહોર રેડિયોમાં સમાચાર સંભળાયા,‘આજ મિંયાવાલી જેલમેં 3 હિંદુસ્તાની જાસૂસોં કો સૂલી પે લટકા દિયા!’

મોહનલાલ તરત જાનનાં જોખમે સરહદ પાર કરીને ભારત પાછો ફરે છે. પછી મોહનલાલને અમરીક સિંઘ નામના ફૌજીને પાકબોર્ડર પાર કરાવવાનું કામ સોંપાયું. પણ અમરીક ગદ્દાર નીકળ્યો. પાક લશ્કર પાસે મોહનલાલને પકડાવી દીધો! મોહનલાલે 7-7 વરસ પાક જેલમાં અમાનુષી અત્યાચારો અને લોહિયાળ ટોર્ચરો ઝેલ્યા.

આખરે 1974માં મોહનલાલ ભારત પાછો ફર્યો હારતોરાથી સ્વાગત થયું, છાપાંમાં ઇન્ટરવ્યૂઝ ફોટા છપાયા પણ ઠાલી વાહવાહીનાં 3 વર્ષ પછી થાકેલ હારેલ મોહનલાલે ત્યારનાં વડા પ્રધાન મોરારજી દેસાઇને રૂબરૂ મળીને વિનંતી કરી:
પાકિસ્તાન જેલમાં વરસો યાતના ઝેલવા બદલ ઇનામ રૂપે કોઇ રકમ મળે તો બુઢાપો સુધરે.’

મોરારજીભાઈએ ઠંડકથી કહ્યું, ‘પાકિસ્તાને તમારી સાથે જે કર્યું એની સજા અમે શા માટે ભોગવીએ? પાકિસ્તાનવાળા 20 વરસ જેલમાં રાખત તો શું અમારે 20 વરસની ભરપાઈ કરવાની?’

આ સાંભળીને વૃદ્ધ મોહનલાલને થયું કે હાથમાં બંદૂક હોત તો ત્યારે ને ત્યારે જ આવા ક્રૂર જવાબનો સામો જવાબ આપી દેત! મોહનલાલ જેવા જાંબાઝ સૈનિકો માભોમ માટે જાનની બાજી ખેલે છે, પણ દેશ એમને શું આપે છે? ઠંડા જવાબો, અન્યાય…વત્તા વાતોથી વંધ્ય વખાણ.

ઇન્ટરવલ:
લાશ જલને કી બૂ આ રહી હૈ, ઝિંદગી હૈ કી ચિલ્લા રહી હૈ.
જાનેવાલે સિપાહી સે પૂછો, વો કહાં જા રહા હૈ? -(મખદૂમ મોઇનુદ્દીન)

1965ના ભારત પાક યુદ્ધ દરમિયાન ‘નતેરપાલ સિંહ’, ‘રાજપૂત રેજિમેન્ટ’માં હતા અને જંગમાં સુરંગ ફાટવાથી શહીદ થયેલા. ફૌજીની શહીદી બાદ એમની વિધવાને મળતું પેંશન ‘નતેરપાલ સિંહ’ની શહાદત પછી શરૂ જ ન થયું! પત્ની અંગુરીદેવીએ સરકાર વિરુદ્ધ કેસ કર્યો, વરસો હક માટે ધક્કા ખાધાં, પણ છેક 2001માં કાયદો આવ્યો કે 1996 પછીના શહીદોને જ પેન્શન મળશે. છતાં સરહદ પર જાન આપનાર શહીદની પત્ની અંગુરીદેવીએ સરહદની અંદર પોતાની જ સરકારો સામે સતત લડત ચાલુ રાખી.

આખરે 58 વર્ષે-થોડા વખત પહેલાં પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે ચુકાદો આપ્યો: ‘દરેક શહીદની વિધવાને પેન્શનનો લાભ મળવો જ જોઈએ’ અને અંગુરીદેવીને અત્યાર સુધી નીકળતી બધી રકમ ચૂકવવાનો સરકારને આદેશ આપ્યો.

બે દિવસ પહેલાં જ આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. 2-4 દેશભક્તિનાં ગીતો ગાયાં, મેસેજો મોકલ્યા. પણ શું છે કે દેશભક્તિની વાતો કરવી અને ખરેખર વતન માટે જાન આપવો અલગ વાત છે… વળી એક શહીદના પરિવારે હક્ક માટે દાયકાઓ સુધી રઝળવું પડે એની વેદના અકલ્પ્ય છે.

2013ના જાન્યુઆરીમાં ‘ઓપરેશન રક્ષક’ મિશન હેઠળ, જમ્મુ કાશ્મીરની સરહદે ફરજ બજાવતો એક સૈનિક અસહ્ય ઠંડીથી મૃત્યુ પામ્યો. કેન્દ્ર અને સંરક્ષણ મંત્રાલયે સૈનિકની પત્નીની અરજી ફગાવતા કહ્યું: ‘જે સૈનિક યુદ્ધમાં મૃત્યુ પામે એના જ પરિવારને પેન્શન મળે!’ એ સૈનિકના ઉપરી કમાન્ડિંગ ઓફિસરે પહેલા લખેલું કે ‘મૃત્યુ યુદ્ધમાં થયેલું’ ને પછી અકળ કારણોસર એ વિધાન બદલીને ‘મૃત્યુ બીમારીથી થયેલું’ એમ ફેરવી તોળ્યું.

સરકારોએ વરસો સુધી પેન્શન ના જ આપ્યું.
2019માં સશસ્ત્ર દળો ટ્રિબ્યૂનલ તરફથી શહીદની પત્નીના પક્ષમાં આદેશ મળ્યો..પણ તેમ છતાં ચુકાદાના વિરોધમાં આર્મીમાંથી ‘લિબરાઇઝડ ફેમિલી પેન્શન’(LFP)વાળાં, સુપ્રીમ કોર્ટમાં ગયા, કેસ વધુ 5 વર્ષ ઘસડાયો. શહીદની પત્નીનાં આંસુ સુકાઇ ગયા. વતન માટે વર ગુમાવનાર સ્ત્રીએ આશા છોડી દીધી, પણ છેક હમણાં- 2024માં સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેન્ચે ચુકાદો આપ્યો: ‘સરકારે આ ખોટું કર્યું છે. કોઈ પણ સંજોગોમાં ફરજ બજાવતી વખતે સૈનિકનું મૃત્યુ થાય તો પત્ની પેન્શન માટે હકદાર છે જ.’

યાદ છે, 2011માં મુંબઇમાં ‘કારગીલ યુદ્ધ’ના શહીદો માટે બનેલી આદર્શ સોસાઇટીમાં નેતાઓ અને સરકારી ઓફિસરો દ્વારા મોટેપાયે આર્થિક ગોટાળાઓ થયેલા? પછી અદાલતે, એ મકાનોનો અમુક હિસ્સો તોડી નાખવાનો હુકમ આપેલો અને ત્યારના કૉંગ્રેસી સી.એમ. અશોક ચૌહાણે રાજીનામું પણ આપવું પડેલું. હજી આજેય એ મામલાનો ચૂકાદો 2025માં પણ નથી આવ્યો , પણ એમાંના અનેક આરોપી રાજનેતાઓ પક્ષ બદલીને સત્તાપક્ષમાં ખુશી ખુશી ખુરશી માટે ઘુસીને બચી ગયા છે.

આ બધાને કારણે અન્યાયથી ઉકળતી શહીદોની પત્નીઓનાં ઘૂઘવતાં મૌન આપણાં આત્માને વલોવી નાખતો નિ:સહાય આક્રોશ બનીને રહી જાય છે. ત્યારે આપણાં મહાકવિ ઝવેરચંદ મેઘાણીજીનું ‘કોઇનો લાડકવાયો’ જેવું અદ્ભુત કરુણ કાવ્ય સ્મરે છે:

સહુ સૈનિકના વહાલાંજનનો મળિયો જ્યાં સુખમેળો.
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો,
અણપૂછયો અણપ્રીછેલો ‘કોઇનો અજાણ લાડકવાયો…

એંન્ડ-ટાઇટલ :
આદમ:
આજનું છાપું જોયું?
ઈવ: ના, વાંચ્યું.

આ પણ વાંચો…મિજાજ મસ્તી: પરિકથા જેવા પ્રેમવિવાહ… કવિ-કન્યા ને કારાવાસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button