UPSCમાં પસંદગી માટે ઇન્ટરવ્યૂમાં પાસ થવું જરૂરી કેમ?

ટૂંકું ને ટચ – રશ્મિ શુકલ
ભારતમાં સર્વોચ્ચ પ્રશાસનિક સેવાઓમાં સામેલ થવા માટે UPSC (Union Public Service Commission)ની પરીક્ષા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને કઠિન પરીક્ષામાંથી એક છે. ઉમેદવારને પ્રી-પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા અને અંતે પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ પાસ કરવું પડે છે. આમાંથી ઇન્ટરવ્યૂ એક એવી પ્રક્રિયા છે જે ઉમેદવારના સમગ્ર ભવિષ્યને નક્કી કરતી સૌથી નિર્ણાયક સ્ટેજ ગણાય છે અને આ સ્ટેજ સુધી ઘણા ઓછા વિદ્યાર્થીઓ પહોંચે છે. જેમકે, 2025માં 979 જેટલી સીટ અવેલેબલ હતી અને પરીક્ષા અપવાવાળાઓની સંખ્યા 14,161 જેટલી હતી જેમાંથી ઇન્ટરવ્યૂ માટે માત્ર 2736 વિદ્યાર્થીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. વર્ષ 2014માં 13 લાખ 40 હજાર છાત્રોએ પ્રિલિમ્સ આપી હતી જેમાંથી 14,627 જેટલા ઉમેદવારો મેસ માટે ક્વોલિફાય થયા હતા.
UPSCનું ઇન્ટરવ્યૂ માત્ર પ્રશ્નોનો જવાબ આપવા માટેનો તબક્કો નથી, પરંતુ તે એક એવી પ્રક્રિયા છે જે ઉમેદવારની પર્સનાલિટી, વિચારોની સ્પષ્ટતા, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, લીડરશિપ, કમ્યુનિકેશન સ્કિલ્સ તથા દેશ અને સમાજ પ્રત્યેની સમજણ માપે છે. લેખિત પરીક્ષામાં તમે કેટલું લખી શકો તે દેખાડશો, પરંતુ ઇન્ટરવ્યૂમાં તમે કોણ છો, તમે કેવી રીતે વિચારો છો અને તમે નિર્ણય કેવી રીતે લો છો તે પરીક્ષક તમારા ચહેરા પરથી વાંચે છે.
ઘણાં ઉમેદવારો લેખિતમાં ખૂબ ઊંચા માર્ક્સ મેળવ્યા પછી પણ ઇન્ટરવ્યૂમાં અપેક્ષિત પ્રદર્શન ન કરી શકવાને કારણે પસંદગીથી વંચિત રહી જાય છે. UPSC ઇન્ટરવ્યૂના 275 માર્ક્સ ઉમેદવારના અંતિમ મેરિટ રેન્ક નક્કી કરવામાં ખૂબ મહત્ત્વના છે. ઘણી વખત જોવા મળે છે કે ઇન્ટરવ્યૂમાં થોડા વધારે માર્ક્સ મેળવનાર ઉમેદવારની રેન્ક અત્યંત સુધરી જાય છે અને તેને IAS, IPS જેવી ટોચની સર્વિસ મળે છે. એટલે UPSCમાં અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યૂનું યોગદાન સૌથી ઊંચું ગણાય છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન પેનલ ઉમેદવારના સ્ટે્રસ મેનેજમેન્ટ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, જવાબદારીની સમજણ, માનવતા અને વ્યાવસાયિક નૈતિકતા જેવા જરૂરી ગુણો પરખે છે. એક સારા પ્રશાસક માટે બૌદ્ધિક ક્ષમતાથી વધુ માનસિક સ્થિરતા, આત્મવિશ્વાસ અને નૈતિક મૂલ્યો જરૂરી છે અને આ બધું ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ થાય છે.
અંતમાં કહી શકાય કે UPSCમાં પસંદગી મેળવવા માટે લેખિત પરીક્ષા મહત્ત્વની છે, પરંતુ ઇન્ટરવ્યૂ એ ઉમેદવારના વ્યક્તિત્વનું અંતિમ દર્પણ છે, જેના આધારે તેની વાસ્તવિક ક્ષમતા જાણી શકાય છે. તેથી UPSCમાં સફળતા મેળવવા ઇચ્છુક દરેક ઉમેદવારે પર્સનાલિટી ડેવલપમેન્ટ, કરંટ અફેર્સની સમજણ અને આત્મવિશ્વાસ પર ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે અંતે ઇન્ટરવ્યૂ પાસ કરવું જ સર્વિસ મેળવવાનો કી ફેક્ટર છે.



