કેનવાસ: પ્રવાસ: શોખ કે પછી દેખાડો…? | મુંબઈ સમાચાર
ઉત્સવ

કેનવાસ: પ્રવાસ: શોખ કે પછી દેખાડો…?

  • અભિમન્યુ મોદી

‘પ્રવાસ’ શબ્દ છેલ્લે ક્યારે સાંભળેલો?

હવે તો ગુજરાતી કે મરાઠી સ્કૂલોમાં પણ ટૂર ને ટ્રીપ બોલવામાં આવે છે. ખેર, એક તાજી વાત કરીએ. મસૂરી નામની નાનકડી જગ્યા છે. પ્રચલિત પ્રવાસન સ્થળ છે. થોડાક સો કે વધીને થોડાક હજાર લોકોથી વધુ માણસો એટલી જગ્યામાં સમાઈ શકે એમ જ નથી, છતાં પણ લાખોની સંખ્યામાં ત્યાં છેલ્લાં થોડા વર્ષોમાં પ્રવાસીઓ ઊમટી પડે છે. સરકારે પ્રતિબંધ લાદવો પડ્યો કે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને જે તે પ્રવાસીનો નંબર લાગશે એને જ જવા મળશે. હિમાચલ પ્રદેશ કે લદાખ કે ઉત્તરાખંડ કે સાઉથમાં કેરળ કે પછી આંદામાન નિકોબારમાં પણ વધતેઓછે અંશે આ જ હાલત છે. ટૂરિસ્ટનો ઇન-ફ્લો અચાનક વધી ગયો છે – છેલ્લાં દસેક વર્ષમાં. એ ફ્લો વધ્યો એમાં મોટું કારણ ઇન્સ્ટાગ્રામ અને તેની સ્ટોરીનું ફીચર છે. દેખાદેખીમાં કે ‘એફ-ઓ-એમ-ઓ’ – ફિઅર ઓફ મિસિંગ આઉટની લાગણીમાં જનસમૂહનો સૈલાબ ખાબકી પડે છે. પરિણામે કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળની ખાસ કંઈ નેચરલ બ્યુટી રહેતી જ નથી. તે જગ્યાનું ઓવર – કોમર્શિયલાઇઝેશન થઈ જાય છે. ઘરથી દૂર શાંતિ લેવા ગયા, પરંતુ ત્યાં પણ ભીડ અને ગોકીરો જ મળે છે.

ખેર, આપણો પ્રશ્ન કે ફરિયાદ અત્યારે એ નથી કે વર્જિન પ્લેસ ખૂટતા જાય છે ને બધે જ માનવ હસ્તક્ષેપને લીધે કુદરતી ખૂબસૂરતી નથી રહેતી. આપણે વાત કરવી છે આ પ્રકૃતિપ્રેમીઓની જે ‘બડાવાલા ઝોલા ઉઠા કર ચલ લેતે હૈ’ જેને પોતાને ટૂરિસ્ટ કહેવામાં અપમાન લાગે છે ને જાતે જ ટ્રાવેલરનું ટેગ પોતાના ઉપર લગાવી દે છે. જેની એક પણ ઇન્સ્ટા પોસ્ટ હેશટેગ નેચર લવર વિનાની હોતી નથી. સોશ્યલ મીડિયાના ઉદય પછી દરેક ત્રીજો માણસ કેમેરા પર્સન એટલે કે ફોટોગ્રાફર થઈ ગયેલો. ડીએસએલઆર કેમેરાના વેંચાણમાં મોટો જમ્પ આવેલો. પછી ઇન્સ્ટાગ્રામે ફોટો અને વીડિયો ઉપર વધુ ભાર મૂક્યો એટલે એકને એક બેકગ્રાઉન્ડ બોરિંગ ન લાગે એટલે શૂટિંગ માટે જુદી જુદી જગ્યાની જરૂર ઉભી થઇ માટે બાજુના ગામમાં જવાનું થાય તો પણ ચાલુ ગાડીએ કે ચાલુ બસે વીડિયો ક્લિપ શૂટ કરીને સોશ્યલ મીડિયા પર રીલ વહેતી કરવાનો ટ્રેન્ડ જાગ્યો. પછી તો ઘણા બધાને અચાનક નેચર લવરની કોમ્યુનિટીનો ચેપી રોગ લાગ્યો અને ટ્રાવેલિંગનો ચેપ એવો તો વધ્યો કે બધા પોતાના આત્માને શોધવા પહાડો અને દરિયાકિનારે ફરવા લાગ્યા (હેશટેગ સોલસર્ચિંગ).

આપણને આ કોઈ પણ સામે વાંધો નથી, પણ ફરી ફરીને ધ્યાન જાય છે માત્ર બે શબ્દો પર – ‘નેચર લવર’ અર્થાત્ કુદરતના સ્નેહી અર્થાત્ પ્રકૃતિના પ્રેમી ઉર્ફે સૃષ્ટિના સંબંધી…પણ ખરેખર એવું છે ખરું? કુદરત માટેનો કેવો પ્રેમ ઉભરાય છે? જંગલમાં ફરવાથી કે કોઈ ખડકની કિનારીએ બેસીને ફોટો પડાવવાથી કે દરિયામાં અન્ડર વોટર ડૂબકી વાળો ક્લિપ ક્લિક કરવાથી નેચર લવર બની જવાય? અરે, શહેરની ઓપન ટુ સ્કાય રેસ્ટોરન્ટમાં જમવા જતી વખતે મચ્છર કરડતા હોય છે ને ફરવા જતી વખતે ઓડોમસના લપેડા કરવા પડતા હોય એ નેચર લવર છે? કુદરતી સ્થળે ફરવા જતી વખતે સમય કરતાં વધુ કપડાં લઇ જવામાં આવતા હોય એ કુદરત માટેનો પ્રેમ છે? મોબાઈલ કરતાં વધુ પાવરબેન્ક સાથે રાખવી પડતી હોય અને અજાણી જગ્યાએ ઇલક્ટ્રિસિટી કટ થઈ જાય તો હાંફળાફાંફળા થઈ જવાતું હોય તો એ પ્રકૃતિ નામની છોકરી માટેનો પ્રેમ હોઇ શકે, પણ આ ધરતીની પ્રકૃતિ માટેનો હરગીઝ નહીં.

ધરતીકંપ પણ કુદરતનો એક ભાગ છે. વાવાઝોડું પણ કુદરતનો એક ભાગ છે. ફાટેલા જ્વાળામુખીથી પંદર કિલોમીટર સુધી લાગતી કાળઝાળ ગરમી પણ કુદરતનો એક ભાગ છે. ભૂસ્ખલન થવું પણ કુદરતનો એક ભાગ છે. ગઈકાલ સુધી કલકલ નિનાદ કરતું નાનુશું ઝરણું રૌદ્ર સ્વરૂપા નદીમાં તબદીલ થઈ જાય ને તબાહી મચાવી દે એ પણ કુદરતનું જ સ્વરૂપ છે. કાદવ કીચડ કુદરતની દેન છે. જીવડાં કરડવા કુદરતની દેન છે. તડકામાં ચામડી ડાર્ક થઈ જવી કુદરતની દેન છે. શું આ કુદરત માટે આપણને સાચો પ્રેમ છે ખરો? ના. મોટા ભાગના લોકોનો કુદરત સાથેનો પ્રેમ પણ આજકાલના રિલેશન જેવો છે – શરતી અને તકલાદી. સિચ્યુએશન-શિપ જેવો. ગમે ત્યારે બ્રેકઅપ થઈ જાય. પોતાનું કમ્ફર્ટ પહેલા જોઈએ. આ તો એના જેવું છે કે અમુક ચાગલી છોકરીઓને નાના બાળકો રમાડવા બહુ ગમતા હોય પણ એનું ડાયપર બદલવાની વાત આવે તો દૂર ભાગશે. આ પ્રેમ નથી દંભ છે- જુઠાણું છે.

એક વાસ્તવિક વાત સ્વીકારી લો કે ટ્રાવેલિંગ હવે હોબી નથી રહી, પણ પરફોર્મન્સ આર્ટ બની ગઈ છે. માણસને ફરવા કરતા ફરતા દેખાવામાં વધુ રસ છે. ટેન્ટ ક્યારેય ખોલ્યો નથી કે બાંધ્યો નથી પણ બીજાના ટેન્ટમાં સેલ્ફી લઈને અન્ડર ધ સ્ટાર્સનું કેપશન મૂકવું છે. મોટા ભાગના લોકો માટે ફરવું એરલે ‘ઝીંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મની જેમ મોંઘી ટ્રીપ પર જઈને ટોમાટીનો ફેસ્ટિવલમાં એકબીજા ઉપર ટામેટા ફેંકવા. તારાને જોવાને બદલે એનું ટાઈમલેપ્સ થાય છે ને નદી માણવાને બદલે એનું સ્લો-મો થાય છે એવું બધું ઇન્સ્ટામાં બતાવવામાં કંઈ જ ખોટું નથી પણ જાતની અંદર કેટલું ઉતર્યું એ મહત્ત્વનું છે. કુદરતની કાળી બાજુથી દૂર ભાગવાને નેચરને લવ કઈ રીતે કહી શકાય? જ્યાં લાઈટ વિના એક રાત કાઢી શકતા નથી. મોબાઈલનું નેટવર્ક ન મળતા વ્યથિત થઈ જાય છે. પહાડ ઉપર મેગી ન મળે કે સવારે નાસ્તામાં બ્રેડ બટર ન મળે તો એ જગ્યા અણગમતી થઈ જાય છે… ઇસ્કો નેચર સે પ્યાર નહીં છીછોરાપંતિ બોલતે હૈ… માટે જ દુનિયાના મહાન મુસાફરો કમ્પ્યુટર યુગ પહેલા થઈ ગયા. ઈબ્ન બતુતાં હોય કે માર્કો પોલો કે નયન સિંઘ રાવત… (ગૂગલ કરી લેવું.)

ચાલો, વધુ એક અફસોસ. પોલિટિક્સ અને રીલની સાથે ટ્રાવેલિંગ પણ પરફોર્મન્સ બની ગયું.

બોલો, શું કરી શકીએ ?

આ પણ વાંચો…કેનવાસ : ભૂખ્યા શું કામ રહેવું જોઈએ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button