ઉત્સવ

2026નું વર્ષ પ્રવાસન માટે એડવાન્સ ટેક્નોલોજી લાવશે

ફોકસ – સમીર ચૌધરી

વર્ષ 2025એ વિદાય લઇ લીધી છે ત્યારે પ્રવાસન માટે 2026નું વર્ષ વ્યાપકપણે ટેક્નોલોજી આધારિત બનવાનું એક પ્રબળ અનુમાન છે. મોટાભાગના પ્રવાસીઓ વ્યક્તિગત, સ્થિર અને વિશ્વસનીય અનુભવો, સુખાકારી યાત્રા અને પ્રવાહ કરતાં અલગ પ્રવાસન સ્થળોને પ્રાથમિકતા આપશે. જેમ કે 2026માં ઉત્તર અમેરિકા(અમેરિકા, મેક્સિકો અને કેનેડા)માં ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, તેથી નોંધપાત્ર સંખ્યામાં રમતગમત પ્રેમીઓ પણ તે તરફ જ આકર્ષાશે. જ્યારે વૈશ્વિક પર્યટન સ્થળો(જેમ કે ભારત, સ્પેન, જર્મની વગેરે) પ્રવાસીઓને આકર્ષવા માટે સાંસ્કૃતિક ઊંડાણ, ઇકો-ટુરિઝમ અને નવી લક્ઝરી ઓફરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ બધું સ્માર્ટ ટેક્નોલોજી અને પ્રવાસીઓની સતત વધતી નવી માગણીઓને ધ્યાને લઇને કરવામાં આવશે.

ટેક્નોલોજી પ્રવાસન પર નોંધપાત્ર અસર કરશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. એઆઇ, વીઆર, આઇઓટી, વોઇસ સર્ચ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ યાત્રાઓને વ્યક્તિગત બનાવશે. તેમજ રોબોટિક હોટલ સ્ટાફથી લઇને અત્યાધુનિક સિસ્ટમ્સ સુધીના અનુભવોમાં વધારો કરશે. તેથી વિશ્વ પ્રવાસન દિવસ 2026ની થીમ `ડિજિટલ એજન્ડા એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટુ રિ-ડિઝાઇન ટુરિઝમ’હોવી કોઇ આશ્ચર્યની વાત નથી.

ઇકોફ્રેન્ડલી મુસાફરી અને સ્વદેશી પર્યટનની માંગ સતત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને લગભગ તમામ મુખ્ય પર્યટન સ્થળો ટકાઉપણું અને જવાબદારી પર ભાર મૂકી રહ્યા છે. જો કે એક અંદાજ એવો પણ છે કે પ્રવાસીઓ પ્રવાહથી હટકર એ જગ્યાઓની મુલાકાત લેવાને પ્રાથમિકતા આપશે, જ્યાં લોકોની અવરજવર ઓછી હોય એટલે કે ભીડ ઓછી હોય. તેથી ભીડની સમસ્યાને ઉકેલવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે. જેની શરૂઆત નોર્વેએ નવો કર લાદીને કરી દીધી છે.

જો કે વર્ષ 2026માં પ્રવાસીઓ વેલનેસ રિટ્રીટ્સ, સ્લીપ ટુરિઝમ અને સેટ-જેટિગ'(ફિલ્મી લોકેશનની મુલાકાત લેવી)ના માધ્યમથી સ્થાનિક અનુભવોને પ્રાથમિકતા આપતા જોવા મળી શકે છે. જેથી આ જગ્યાઓ સાથે ગાઢ જોડાણ સ્થાપિત કરી શકાય. એક સંભાવના એ પણ છે કે જે સ્થળોએ સફળ ફિલ્મોનું શૂટિગ થયું હોય તે સ્થળો પર યુવાનો પ્રી-વેડિગ શૂટ કરાવશે. લોકો ગર્વથી સોશ્યલ મીડિયા પર-અમે તે જગ્યા પર છીએ, જ્યાં શાહરૂખ ખાન અને કાજોલે ડીડીએલજે માટે આ ગીત…ગાયું હતું’ જેવા કેપ્શન સાથે ફોટા શેર કરતા જોવા મળશે.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય મેળો એફઆઇટીયુઆર 2026 યુરોપિયન પર્યટન માટે ભારતની ક્ષમતા પર ભાર મૂકશે અને આધ્યાત્મિક, સુખાકારી અને સાંસ્કૃતિક યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ જ રીતે ફીફા વર્લ્ડ કપ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં પ્રવાસનને નોંધપાત્ર વેગ આપશે તેવી અપેક્ષા છે.

વિવિધ દેશો પોતાને ત્યાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કયા મુદ્દાઓ પર વધુ ભાર મૂકશે તે અંગે તે બધાનો ઉલ્લેખ કરવો શક્ય નથી, પરંતુ ઉદાહરણ તરીકે કેટલાક દેશોનો ઉલ્લેખ કરી શકાય છે. જેમ કે ભારત આધ્યાત્મિક, સુખાકારી અને સાંસ્કૃતિક વિવિધતાને વૈશ્વિક આયોજનોમાં પ્રોત્સાહન આપશે અને યુરોપિયન બજારોમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરશે.

જર્મની સાંસ્કૃતિક અને મોસમી પ્રમોશન દ્વારા 10 લાખ ભારતીય પ્રવાસીઓને આકર્ષિત કરવાના પ્રયાસો કરશે. જ્યારે સ્પેન ભારત-સ્પેનના `ડ્યુલ યર’નો લાભ લઇને ભારતીય પ્રવાસીઓને ટકાઉપણું અને વિવિધ ઓફરોથી આકર્ષવાના પ્રયાસો કરશે. ઓમાને એડવેન્ચર ટુરિઝમના નિયમોને અપડેટ કર્યા છે, જેથી વિકાસ અને વારસા સંરક્ષણ વચ્ચે સંતુલન સાધી શકાય.

16મી સદીના સરોવર શહેર ઉદયપુરમાં વૈભવી હોટલો ખુલવાથી નવા યુગની શરૂઆત થઇ છે. સાથે નવાં સ્થળો પણ સ્પોટલાઇટમાં આવી રહ્યા છે. જેમ કે કેનેડાનો પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ કે જે દરિયાકાંઠાના આનંદને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યો છે. મરાકશનો ઐતિહાસિક ફેઝ પણ 15 વર્ષના પુન:સ્થાપન પછી ફરી ખુલ્લો મુકાયો છે.

પ્રવાસીઓને ઇકો-ફ્રેન્ડલી કેબિન અને ઝૂંપડીઓ વગેરે જોઇએ છે પણ સાથે-સાથે ફોન અને ઇન્ટરનેટ કનેક્શન પણ ઇચ્છે છે. એકંદરે 2026માં પર્યટન ઇન્ટેલિજન્ટ અને વ્યક્તિગત યાત્રા સાથે સંબંધિત રહેશે. જે સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણનો આદર કરતું હોય, વિઘ્ન રહિત અનુભવ માટે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ થશે અને નવાં સ્થળોની મુલાકાત લેવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button