આ છે 2025માં નર્મદે આપેલો ઈન્ટરવ્યૂ…! | મુંબઈ સમાચાર
ઉત્સવ

આ છે 2025માં નર્મદે આપેલો ઈન્ટરવ્યૂ…!

રઈશ મનીઆર

24મી ઓગસ્ટે ‘ગુજરાતી ભાષા દિવસ’ જેમના સન્માનમાં યોજાય છે એ નર્મદાશંકર લાલશંકર દવેનું ટૂંકું અને હુલામણું નામ નર્મદ હતું. સુરત અને મુંબઈની વચ્ચે જેમનો જીવનકાળ વીત્યો એ નર્મદ આધુનિક ગુજરાતી ભાષાના પહેલા લેખક ગણાય છે. ગુજરાતી ભાષાની પ્રથમ ડીક્ષનરી ‘નર્મકોશ’ તૈયાર કરવાનું શ્રેય એમના ફાળે જાય છે. ગુજરાતી ભાષામાં કવિતાઓના છંદનું પહેલું પુસ્તક ‘નર્મપિંગળ’ પણ નર્મદની રચના છે. ગુજરાતી ભાષામાં વિશ્વનો ઈતિહાસ લખનાર પણ એ પ્રથમ લેખક હતા. નર્મદ માત્ર સાહિત્યકાર નહીં, પરંતુ સમાજ સુધારક પણ હતા. એ સમયે સમાજમાં ચાલતી બદીઓ જેવી કે આભડછેટ, બાળલગ્ન, વિધવાવિવાહ નિષેધ તથા ધર્મગુરુઓના વ્યભિચાર સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો. એકલવીર નર્મદે 25 વર્ષની ઉંમરે શિક્ષકની નોકરીને તિલાંજલિ આપીને ‘આજથી કલમ તારા ખોળે છું’ કહીને આખું જીવન સાહિત્યને સમર્પિત કર્યું હતું, ગુજરાતી ભાષામાં દેશાભિમાન, લાગણી તથા જોસ્સો જેવા શબ્દો નર્મદની દેન છે. આવો આવા દેશદાઝવાળા વીર કવિ નર્મદના જીવનમાં ડોકિયું કરીએ….

રઈશ મનીઆર: નર્મદાશંકર! ‘મુંબઈ સમાચાર’ની રસિક વાચક મંડળી માટે તમારો ઈંટરવ્યૂ કરવો છે.
નર્મદ: ઓળખાણ કરાવશો આ બધાને મારી? પણ એવી જરૂર જ નથી. હું તો કેવારનો ઓળખાઈ ચૂકો છ!
રઈશ: થોડો વધારે પરિચય અમારા ‘મુંબઈ સમાચાર’ના વાચકોની સભા માટે..

નર્મદ: વારુ ત્યારે! નર્મદના ઝાઝા જુહાર ‘મુંબાઈ સમાચાર’ના વાચકોની સભાને! મારા સમયમાં આમ જ સુરતમાં અને મુંબઈમાં હું લોકને ભેગા કરતો અને અલગ અલગ વિષયે અમે વાત કરતા. અમે એને બુદ્ધિવર્ધક સભા કહેતા. સુરતમાં ક્યારેક નાણાવટ તો ક્યારેક ખપાટિયા ચકલા.. મુંબાઈમાં કદી ભૂલેશ્વર તો કદી વાલકેશ્વર. આવી જ એક સભામાં મેં નિબંધ વાંચેલો મંડળી મળવાથી થતા લાભ.

રઈશ: જી હા, એ હતો ગુજરાતી ભાષાનો પહેલો નિબંધ… પહેલો ગુજરાતી શબ્દકોશ પણ તમારો, નર્મદાશંકર ગુજરાતી સાહિત્યમાં તમારું પ્રદાન તો…

નર્મદ: ખાસ કંઈ નથી, મેં તો બસ મારા સમયને ઝીલ્યો છે, ક્યારેક સમાજને અરીસો દેખાડ્યો તો ક્યારેક ‘ડાંડિયો’ પીટ્યો!
રઈશ: એ જ તો બહુ મોટું કામ!

એક વાત કહો કવિ, તમારા સમયના કવિઓ આમ મારી જેમ ધર્મગુરુ કે સત્તાની સામે થાય ખરા કે પછી ખોળે જ બેસી જાય?

નર્મદાશંકર! એમ કરીએ, આપણે તમારી જ વાત કરીએ… તમારો જન્મ..
સને 1833માં 24 ઓગસ્ટે બદલાઈ રહેલા જમાનામાં મારો જન્મ થયો. સુરત ને મુંબાઈ વચ્ચે જ મારું જીવન વીત્યું. સુરત મારો પ્રેમ, અને મુંબાઈ મારો મંચ.. સુરતમાં આમલીરાનમાં મારા ઘરનું નામ સરસ્વતીમંદિર -અને એના દરવાજે આરસ પર તમે કોતરાવ્યું હતું ‘પ્રેમ અને શોર્ય’. પ્રેમ અને શૌર્યથી ઝંખના અને ઝંઝાવાતથી ભરેલા તમારા જીવન વિશે આજે તમારા જ મોઢે તમારી અદામાં જાણવું છે

એમ! તો સુરતીઓ! અને મુંબઈવાસીઓ સાંભળો… તમારા શહેરનું હું પણ એક ક્યારેક્ટર છું. મારા ઘરને માથે જેટલા નળિયા હતા એટલા મારા દુશ્મન હતા. પણ મારી ટીકા કરવા માટે મને કોઈ દુશ્મનની કદી જરૂર નથી પડી, મારી પૂરતી ટીકા મેં જાતે જ મારા લખાણોમાં કરી લીધી છે!
અને વખાણ?

અત્યારે તમે કરો છો ને! બાકી મારા સમયમાં તો મારા વખાણ માટે પણ મને કોઈ બીજાની જરૂર પડી નથી, હું જ મારો પહેલો પ્રશંસક! મારું સારું-નરસું બન્ને મેં જોયું અને જેવો છું તેવો જ રજૂ થયો છતાં ફરી જોવો હોય તો જોઈ લો! તમારી સામે ઊભો આ પાંચ હાથનો નર્મદ.. ઉપર ચાર આંગળ આ પાઘડીના ઉમેરી લો!

  • નર્મદાશંકર, તમે કલમ ક્યારે ઉપાડી?
    નાનપણમાં તો બીકણ હતો. માની સોડમાં છુપાઈછુપાઈને મોટો થયો પણ જેમ જેમ સમજ આવી એમ આસપાસ જોતો ગયો. સમાજમાં ચારેકોર વહેમ, કુસંપ, કુરિવાજો, બાળલગ્નો, વિધવાવિવાહ નિષેધ, ધર્મગુરુઓના વ્યભિચાર, લોકોમાં વ્યાપેલ દંભ અને પાખંડ, જ્ઞાન કે ઉદ્યમ પ્રત્યે સાવ ઉદાસીનતા, જ્ઞાતિનાં બંધનો, ઊંચનીચના ભેદ, આભડછેટ.. બસ, બદીઓનું જ સામ્રાજ્ય હતું અને આ બધા સામે લડવા માટે એક ગરીબ બ્રાહ્મણ પાસે તલવાર તો ક્યાંથી હોય! એટલે મેં કલમ ઉપાડી..
  • પણ તમે કવિતા શીખ્યા કેવી રીતે?
    મને બહુ વહેલો ખ્યાલ આવી ગયો કે ભણવું કમાવું ને લગ્ન કરવા…એ તો બધા કરે, પણ મને સાચો આનંદ આવે છે કવિતા કરવામાં… સૂઝે એમ પદ જોડી કાઢતો…એકવાર સુરતના ચોકના મેદાનમાં એક કાર્યક્રમ હતો એમાં ભરુચના કવિ મનમોહનદાસ અને અમદાવાદથી આવેલા કવિ દલપતરામને સાંભળ્યા, ને મને થયું, આવા પદ તો હું પણ જોડી શકું, પછી ખ્યાલ આવ્યો કે કવિતા કરવા માટે તો પિંગળ આવડવું જોઈએ, છંદ આવડવા જોઈએ, પણ એ શીખવે કોણ?

    છંદ શીખવા માટે ભરુચના કવિ મનમોહનદાસ ને પત્ર લખ્યો.. કોઈ જવાબ નહીં …દલપતરામ પાસે તો કોઈ અપેક્ષા રખાય એમ હતું નહીં એટલે એમની મદદ માગવાનું માંડી વાળ્યુ. છંદપિંગળના પુસ્તકોની શોધમાં દરદર ભટક્યો, આખરે કોઈ એક કડિયા પાસે પુસ્તક મળ્યુ. એને ભજનનો શોખ હતો. એના ગુરુએ એને એક પુસ્તક આપેલું ‘છંદ રત્નાવલિ’. એણે પટારામાં સાચવી રાખેલું. પુસ્તક તો મળ્યું પણ પેલો કડિયો મને એ પુસ્તક ઘરે લઈ જવા ન દે. એ કામથી આવે પછી રોજ રાતે એના ઘરે બેસવાનું, દીવાના અજવાળે એની નકલ કરવાની અને આમ હું છંદ શીખ્યો. શીખ્યો તે એવું શીખ્યો કે પછી મેં ત્રેવીસ વરસની ઉંમરે ગુજરાતી ભાષામાં છંદનું પહેલું પુસ્તક લખ્યું: ‘ પિંગળપ્રવેશ..’
    એનું અવલોકન કરતા દલપતરામે 1857ના જૂનના ‘બુદ્ધિપ્રકાશ’માં લખ્યું, આ વિષયનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલવહેલું થયું છે. તમારા અને દલપત રામના સંબંધો વિશે વાત કરો ને આ બધાને…

    (મુક્ત મને હસતાં) એ સમયમાં અમદાવાદ સુરત અને મુંબઈમાં દલપતરામનો કવિસમ્રાટ તરીકે એકાધિકાર હતો. મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું એના વરસ બે વરસમાં તો કવિતાના ચાહકોમાં બે ભાગ પડી ગયા. કોઈ કહે નર્મદ શ્રેષ્ઠ કોઈ કહે દલપત ઉત્તમ.. મુંબાઈના એક અખબારમાં તો કાર્ટૂન આવ્યું કે આ બન્ને ભૂદેવ એકબીજાની ચોટલી ખેંચીને લડી રહ્યા છે…!

    મેં બહુ કોશિશ કરી. સહુને સમજાવવાની કે દલપતરામ મોટા છે, વયમાં અને અનુભવમાં બન્નેમાં હું નાનો છું, પણ ક્યારેક મારા ચાહકો તો ક્યારેક એમના ચાહકો અવિવેક કરી કરી અમારી વચ્ચે અણબનાવ કરાવતા.
    એક દિવસ મેં દલપતરામને ઘરે નિમંત્ર્યા. અસ્સ્લ સુરતી બાસૂંદી અને પૂરી જમાડ્યા અને કહ્યું, ‘દલપતરામ, મારી અને તમારી કવિતા અલગ છે. તમે પ્રાચીનોમાં છેલ્લા છો અને હું અર્વાચીનોમાં પહેલો છું. લોકો ભલે આપણને લડાવતા પણ આપણી વચ્ચે કોઈ લડાઈ નથી.’
  • સરસ! થઈ ગયું ને સામધાન
    એમ સમાધાન થાય? ક્યાંથી થાય? થોડા દિવસ પછી દલપતરામ આગબોટમાં બેસી મુંબાઈથી અમદાવાદ પરત ફરતા હતા. કોઈએ દલપતરામને પૂછ્યું… બસ ને, કરી નાખ્યું ને સમાધાન? મૂછ નીચી કરીને બાસૂંદી -પૂરી ખાઈ આવ્યા ને?
    દલપતરામ કહે, ધૂળ પડે એ બાસૂંદી પૂરી પર! (હસે છે)

    મારા લેખનને માટે જમાનો ભલે ગમે તે કહે, એટલું તો હું ખાતરીથી કહીશ કે મારી લખેલી ગુજરાતી ભાષા મારા સમયની જાણવાજોગ નમૂનામાંની એક છે. ચોક્કસ નર્મદની વાત કર્યા વગર ગુજરાતી સાહિત્યની વાત માંડી જ ન શકો. પણ મને સવાલ એ થાય છે કે આ બધામાં તમારો નિર્વાહ કેવી રીતે થતો? કવિતા વાંચવાના કે ભાષણો કરવાના પૈસા મળતા ખરા કે?

    ના રે, એવી ગોઠવણો દલપતરામ કરતા રહેતા કે એમને પૈસા મળતા રહે. પણ હું કદી કવિતા વાંચવાના પૈસા લેતો નહીં. વારસામાં છ હજારનું દેવું હતું એટલે વીસ વરસની ઉંમરે મારે સુરતમાં શિક્ષકની નોકરી લેવી પડી….એ ય તે મુગલીસરાથી હોડીમાં બેસી સામે કાંઠે તાડવાડી તરફ જતો, ત્યાંથી ઘોડો કરીને નદીકાંઠે રાંદેર પાછલી ઓલીમાં. મારી નિશાળમાં સવારે એંસી વિદ્યાર્થીઓને ભણાવતો. બપોરે તાપી નદીમાં ધુબાકા મારી નહાતો અને થાકીને આવીને નિશાળના એક ખાલી ઓરડામાં સૂઈ જતો. મોનિટરોને કેળવેલા તે બપોર પછી નાનાં બાળકોને તેઓ જ ભણાવતાં
    એક વાર અંગ્રેજ ઈન્સ્પેક્ટર ગ્રેહામ આવ્યા ત્યારે હું ઘસઘસાટ સૂતો હતો, ગ્રેહામે મને જગાડીને પૂછ્યું, ‘આમ તે કેમ ચાલે? તમે ઊંઘો તો છોકરાઓના અભ્યાસનું શું?’ મેં બગાસું ખાતા કહ્યું ‘અભ્યાસ બાબતે ચિંતા હોય તો તમે જાતે છોકરાઓની પરીક્ષા લો.’ ગ્રેહામે સવાલો પૂછ્યા. છોકરાઓએ કડકડાટ જવાબો આપ્યા. ગ્રેહામ સાહેબ છક્ક થઈ ગયા ને છોકરાઓને કહ્યું ‘આવા શિક્ષક બીજીવાર નહીં મળે એમનો જેટલો લાભ લેવાય એટલો લાભ લઈ લો!’
    -ઓહો તો તો શિક્ષક તરીકે તમે સેટ થઈ ગયા

    ક્યાંથી થવાય? કશે સ્થિર થવાય એવો સ્વભાવ જ નહોતો. એ શું, સાડા દસથી તે પાંચ લગ આખો દિવસ છોકરાઓનું કાંવ કાંવ થાય એમાં કવિતા કેમની થાય? આખરે 1858ની 23 નવેમ્બરે 25 વરસ ત્રણ મહિનાની ઉંમરે રાજીનામું લખીને આવ્યો અને ઘરે આવી અને કલમની સામું જોઈ આંખમાં ઝળઝળિયા સાથે કહ્યું
    કલમ આજથી તારે ખોળે છઉં!
  • વાહ! નોકરી છોડતી વેળા તમે નિર્વાહ માટે બંદોબસ્ત કરેલો?
    મનમાં યોજના હતી કે આપણાં શાસ્ત્રોની ગુજરાતીમાં કથા કરવી એની દક્ષિણા લેવી અને મુંબાઈની રંગભૂમિ માટે નાટકો લખી એમાંથી પુરસ્કાર લેવો, બાકીનો સમય વિદ્યાભ્યાસ કરી સુધારાનાં ભાષણો આપવાં. પણ ક્યાંયથી ખાસ આવક ન થઈ. ક્યારેક ચાર આનાના દૂધપૌંઆ પર રહેવું પડે, ક્યારેક ઘરના માણસો માંદા હોય અને એમની દવા કરાવવાના પૈસા ન હોય, માથે કરજનો અસહ્ય બોજો હોય કે અનેકવાર હૃદય ચીરી નાખે એવી પીડાનો અનુભવ થયો છતાં એ ટેક કે કોઈની આગળ લાચાર થઈને જાચવું નહીં અને લીધેલું વ્રત મૂકવું નહીં. લાગલગાટ 24 વરસ એ ટેક રાખી.!

    ધન્ય છે! તેથી જ કવિતા તમને વશ થઈ!
    કવિતા જેને વશ હોય એ કવિ ક્યાંનો? જે કવિતાને વશ હોય એ કવિ સાચો.. કોઈને લાગશે કે મારી કવિતામાં મેં સૂરતની વાત કરી છે સૂરત તુજ રડતી સૂરત, કોઈને લાગશે મેં ગુજરાતની કવિતા કરી.. જય જય ગરવી ગુજરાત પણ મારે હૈયે તો સદા હિંદુસ્તાન હતું. તો ય અબુધ લોકો મને પશ્ર્ચિમી વિચારથી રંગાયેલો વિચારક ગણે છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે હિંદુસ્તાન સેંકડો દેશી રજવાડામાં વહેંચાયેલું હતું દેશ એટલે શું એનો કોઈને ખ્યાલ નહોતો ત્યારે સ્વદેશાભિમાન આ શબ્દનો પહેલીવાર પ્રયોગ મેં જ કર્યો.

    -તમે જ ગુજરાતી ભાષાને લાગણી અને જોસ્સો જેવા શબ્દ આપ્યા. અર્વાચીન હિંદુસ્તાનનો ઉદય જોવાની તમારી આશા ફળી કે નહીં?

    મારી એક કવિતા છે હિંદુઓની પડતી એમાં મેં લખ્યું છે

આશ ફળે ન કેમ, મૂકી મિથ્યા શીદ દેવી
ફળે નહીં જો આશ, છતાં કોશિશ કર એવી;
ફળે ન જનને તોય, ફળે તેના વારસને;
ફળે ન એને તોય, ફળે એના વારસને.
બાળલગ્ન નહિં થાય, સ્વયંવરથી પરણાશે;
સમજૂ સ્ત્રીથી બાળ, સુઘડ રીતે ઉછરાશે.
નાતબંધનો તૂટે પરસ્પર જમવું થાશે;
મૈત્રી વધશે તેમ, સંપથી બહુ રહેવાશે.

જશે જનો પરદેશ, નવું તહાં જઇને જોશે;
આવીને નિજ દેશ, શોભતો કરશે હોંશે.
ટળશે જાતિભેદ, પંથ પાખંડી ઘટશે;
એક ધર્મના સર્વ, હિંદુઓ ત્યારે બનશે.
એક ધર્મના સર્વ, હિંદુઓ ત્યારે બનશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button