ઈકો-સ્પેશિયલઃ આ ફ્રેન્ડલી ઈન્ડેકસ દર્શાવશે કયા રાજય ઈન્વેસ્ટમેન્ટ માટે ઉત્તમ છે?

જયેશ ચિતલિયા
તાજેતરના એક સત્તાવાર અહેવાલ મુજબ વિદેશી રોકાણ આકર્ષવામાં મહારાષ્ટ્ર ગુજરાત કરતાં આગળ છે. જો ગુજરાતના વિકાસના ઢગલાબંધ ગુણો ગવાતા હોય તો તેને રોકાણ માટેનું આકર્ષક ડેસ્ટિનેશન પણ ગણવામાં આવતું હોય તો ગુજરાત પાછળ કેમ? એવો સવાલ થવો જોઈએ.
ખેર, આપણે અહીં માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રની તુલના કે ઈર્ષ્યા કરવી નથી, પણ એક રાજય વિકાસના સતત પ્રયાસ કરતું હોય તેમ છતાં પાછળ કેમ રહી જાય એનું મનોમંથન ત્યાંની રાજ્ય સરકારે જરૂર કરવું જોઈએ…
અલબત્ત, દરેક રાજયના પોતાના પ્લસ-માઈનસ પોઈન્ટ હોય છે. આ અભ્યાસમાં સહાયરૂપ થાય એવા એક કદમ સ્વરૂપે રાજયોનો એક ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઈન્ડેકસ લોન્ચ થવાનો છે, જેને ટૂંકા નામે ‘IFI’ (ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઈન્ડેકસ) ઓફ સ્ટેટસ કહે છે. આ ઈન્ડેકસ જે-તે રાજય આર્થિક વિકાસ, રોકાણ પ્રવાહ અને બિઝનેસ ગ્રોથ બાબતે કેવું અને કેટલું સફળ છે તેનું મુલ્યાંકન દર્શાવશે.
આની ગણતરીની એક ચોકકસ પધ્ધતિ રહેશે, પણ આપણે એ ટેક્નિકલ બાબતમાં કે ગણિતમાં પડયા વિના તેના મુખ્ય કારણ સમજવા જોઈએ. ડિસેમ્બર 2024 સુધીના આંકડાને આધારે જોવાય તો સીધું વિદેશી રોકાણ આકર્ષવામાં મહારાષ્ટ્ર દેશનું અગ્રણી રાજય છે.
ત્યારબાદ કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને તામિલનાડુ આવે છે. મહારાષ્ટ્રની આ સફળતામાં બહુ મોટો યશ મુંબઈને જાય છે. જેમ શૅરબજારના ઈન્ડેકસ ચોકકસ સંકેત આપે છે તેમ રાજયોનો ‘ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઈન્ડેકસ’ પણ ચોકકસ સંકેતો આપશે.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : ભારતીય મહિલાનું ઈન્વેસ્ટમેન્ટ: હજીય આત્મવિશ્વાસનો અભાવ કેમ?
2030 સુધીમાં કયાં પહોંચાશે?
ભારત હાલ 2030 સુધીમાં વિશ્વના ત્રીજા વિશાળ અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સરકારનું આ કદમ મહત્ત્વનું ઈન્ડિકેટર બનશે એમ જણાય છે. ‘એસ એન્ડ પી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સ’ના અભ્યાસ મુજબ ભારતનો જીડીપી નાણાકીય વરસ 2030-31 સુધીમાં બમણો થઈને સાત લાખ કરોડ ડૉલરને પાર કરી જશે એવો અંદાજ છે. ભારત ઉત્પાદન ક્ષેત્રનું હબ બની રહ્યું છે, જેના પુરાવા રૂપે વરસ 2024-25માં વિદેશી સીધા રોકાણ મામલે તેનો વૃદ્ધિ દર 18 ટકા રહ્યો છે. તેમાં વળી મહારાષ્ટ્ર કુલ સીધા વિદેશી રોકાણમાં અગ્રક્રમે રહ્યું છે…
ઈન્ડેકસમાં કયાં પરિબળો હશે?
રાજ્યોના મિત્રતા ઇન્ડેક્સ રોકાણો આકર્ષવા માટે મહત્ત્વની સંસ્થા ‘નીતિ આયોગ’ આ મિત્રતા ઇન્ડેક્સની પ્રથમ આવૃત્તિ ઓગસ્ટમાં લોન્ચ કરશે, જે કંપનીઓને કુશળ માનવશક્તિની ઉપલબ્ધતા, જરૂરી રોકાણ અને સંચાલનમાં સરળતા અને અનુપાલનના આધારે રાજ્યમાં રોકાણ કરવામાં મદદગાર સાબિત થશે.
આ ઇન્ડેક્સ રાજ્યોને તેમના કાર્યક્ષેત્રમાં સુધારો કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે, જેના પરિણામે સમગ્ર ભારતનું એકંદર રોકાણ વાતાવરણ સુધરશે. ‘નીતિ આયોગે’ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ડેટા એકઠાં કર્યો છે અને રાજ્યોના રેન્કિંગ પર પહોંચવા માટે પારદર્શક પદ્ધતિનું પાલન કરી આ ઇન્ડેક્સ રજૂ કરાશે.
સમાન વિકાસનું લક્ષ્ય
સરકારનું ધ્યાન એ સુનિશ્ચિત કરવાનું છે કે દેશના રાજ્યોના તમામ પ્રદેશ એક સાથે વિકાસ પામે, ફક્ત થોડા વિસ્તારો કે રાજ્યો જ નહીં. દેશભરમાં એકંદર રોકાણ મિત્રતાપૂર્ણ વાતાવરણ રાષ્ટ્રીય ઉત્પાદન મિશનને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે. આમ જોઇએ તો હાલ દક્ષિણ અને પશ્ર્ચિમી રાજ્યો દેશના અન્ય ભાગો કરતાં રોકાણ આકર્ષવામાં, ખાસ કરીને ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ફોનના ઉત્પાદનમાં આગળ પડતું સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : SME ને મજબૂત આર્થિક ટેકાની જરૂર… IPOમાં વધુ શિસ્તની જરૂર…
‘ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ’ દ્વારા વડા પ્રધાનને મોકલવામાં આવેલા એક દસ્તાવેજ મુજબ આવો ઇન્ડેક્સ રાજ્યોને તેમના રેન્કિંગમાં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કરશે. 2023-24માં પાંચ રાજ્ય કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, કેરળ અને તામિલનાડુ સામૂહિક રીતે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદનમાં લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 2025-26 માટેનું બજેટ રજૂ કરતી વખતે સરકાર 2025માં રાજ્યોનો રોકાણ મિત્રતા ઈન્ડેકસ લોન્ચ કરશે એવી જાહેરાત કરી હતી.
ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડ્લી હોવાનાં માપદંડ
રોકાણની અસરકારકતા પર રાજ્યોની કામગીરીને માપવા માટે રોકાણ મિત્રતા ઇન્ડેક્સ માનવશક્તિ, માળખાગત સુવિધાઓ, જમીનની ઉપલબ્ધતા, અનુપાલનને નિર્ણાયક પરિબળો ગણાશે અને એનું વેઈટેજ (પ્રભાવ) આ ઇન્ડેક્સમાં હશે. તેના કારણે રોકાણ માટે શ્રેષ્ઠ રાજ્યોને ઓળખવામાં આ ઇન્ડેક્સ મદદરૂપ થશે. ‘નીતિ આયોગ’ એવી અપેક્ષા રાખે છે કે આનાથી ભારતમાં એકંદરે રોકાણ માટેની સાનુકૂળતા વધશે અને રેન્કિંગ સુધારવા માટે જરૂરી પગલાં લેવા માટે રાજ્યોને પ્રોત્સાહન મળશે.
જોખમનાં પરિબળ કયાં?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર દેશમાં એક સમાન વિકાસ થાય એમાં રસ હોવાથી 2024માં રાજ્યો માટે રોકાણકાર-મૈત્રીપૂર્ણ ચાર્ટર વિકસાવવા એમણે ‘નીતિ આયોગ’ને નિર્દેશ આપ્યા પછી આ જાહેરાત કરવામાં આવી હતી.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્યોની કામગીરી તક અને જોખમના બે પ્રાથમિક પરિમાણના આધારે માપવામાં આવશે. આ સાથે 35 ટકાના વેઈટેજ સાથે જોખમના પરિમાણોમાં કુદરતી જોખમ, નિયમનકારી જોખમ, નાણાકીય જોખમ અને સંસ્થાકીય અસરકારકતા જેવા પરિબળોનો સમાવેશ થશે.
આમ આ ‘ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઈન્ડેકસ’ દેશના તેમ જ રાજયોના વિકાસને માપવામાં અને તેને આધારે વિદેશી તેમ જ સ્થાનિક રોકાણકારો માટે માર્ગદર્શક રૂપ બનશે. રાજયોમાં પણ આને કારણે તંદુરસ્ત હરીફાઈ આકાર પામશે એવું કહી શકાય.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : SME ને મજબૂત આર્થિક ટેકાની જરૂર… IPOમાં વધુ શિસ્તની જરૂર…