ઉત્સવ

હેં… ખરેખર?! : માથાદીઠ એક ગીત ને અતિથિને અર્પણ કરે પત્ની…

  • પ્રફુલ શાહ

હિમ્બા આદિવાસી જીવનભર નહાતા નથી ને અપવાદરૂપે માત્ર લગ્નના દિવસે સ્નાન કરે છે એ આપણે જાણ્યું. આ ભટકતી જાતિની અન્ય ઘણી વિશિષ્ટતા છે. પુરાણી પરંપરા છે જે આશ્ર્ચર્યચક્તિ કર્યા વગર ન રહે.

હિમ્બા લોકોમાં ગામનું ખૂબ મહત્ત્વ છે. પશુપાલનનો વ્યવસાય હોય પણ ગાય ન હોય એને લોકો સન્માનની નજરે ન જુએ. આ પ્રથા તો સમજયા પણ બાળક અને બાળ-જન્મ વિશેની માન્યતા ય ગજબનાક છે.

બાકીની દુનિયાભરમાં બાળકનો જન્મ થાય એ એની જન્મ તારીખ, પરંતુ હિમ્બા આદિવાસીઓમાં તો ભૂલકાના જન્મ થયા અગાઉ એનો જન્મ-દિન આવે! કોઈ હિમ્બા નારી બાળકના આગમન વિશે જે દિવસથી વિચારવાનું શરૂ કરી દે. એ દિવસે નવા આગંતુકનો જન્મદિવસ ગણાય. માતા બનવા માટે આ આદિવાસી નારીઓને બાળકોને લગતાં ગીતો સંભાળવાની સલાહ અપાય છે.

એટલું જ નહિ, ભાવિ માતાએ પણ પોતાના બાળક સંબંધી એક ગીતની રચના કરવાની હોય છે. આ ગીતનું મહત્ત્વ પણ ગજબનાક હોય, એ પણ આજીવન. હકીકતમાં તો હિમ્બા આદિવાસીઓમાંગીતો અર્થાત્ લોકગીતોનું મહત્ત્વ પ્રાણવાયુ જેવું છે. જન્મ અગાઉથી ગીત એમના અસ્તિત્વ સાથે જોડાઈ જાય અને મૃત્યુ સુધી જોડાયેલું રહે. આ ગીતો તેમને એકમેક સાથે જોડી રાખે છે.

કહી શકાય કે ગીત જ સૌ કોઈની ઓળખ છે. અહીં દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલું એક ગીત હોય જેની રચના એના જન્મ અગાઉ થઈ ચુકી હોય. આગળ જતા આ ગીત એની ઓળખ, કહો કે આધાર કાર્ડ બની રહે છે. જેવો કોઈ સ્ત્રીના મનમાં માતા બનવાનો વિચાર આવે એટલે એ એકાંતમાં કોઈ વૃક્ષ નીચે બેસી જાય. અહીં એ પોતાના આવનારા બાળક માટે ગીત બનાવે છે, નક્કી કરે છે. અહીં આ પ્રક્રિયાને તપ સમાન ગણાય છે અને ગીત બની ન જાય ત્યાં સુધી આ તપ ચાલુ રહે છે.
ભવિષ્યમાં અવતરનારા નવજીવનનો વિચાર એક ગીતનું સ્વરૂપ ધારણ કરી ન લે ત્યાં સુધી એ પોતાની વસાહતમાં પાછી ફરતી નથી.

વસાહતમાં પાછા ફર્યા બાદ તે પોતાના બાળકના પિતા તરીકે પસંદ કરેલા પુરુષ પાસે જાય. તે એ પુરુષને ગીત સંભળાવે અને શીખવાડે. ત્યાર બાદ આ પુરુષ સાથે સંસર્ગથી લઈને પ્રસૂતિ સુધીના દરેક પ્રસંગે આ ગીત ગાતી રહે છે.

અને બાળકનો જન્મ થયા બાદ વસતિના અન્ય લોકોને એનું ગીત શિખવાડાય છે. આ રીતે સમાજમાં એ ગીત બાળકની ઓળખાણ બની જાય. એના લગ્નની, સન્માનની કે અન્ય કોઈ ઉજવણી હોય, એનું ગીત મુખ્ય આકર્ષણ બની રહે. એ પડે, આખડે તો ઊભા કરનારા એનું ગીત ગાતા-ગાતા ઊભો કરે. અને જીવનની અંતિમ ક્ષણે મૃત્યુશૈયા પર હોય ત્યારે સૌ એનું ગીત ગાતા હોય. આ રીતે જન્મ અગાઉ બનેલા ગીતનો અંત જીવનના છેલ્લાં શ્ર્વાસ સાથે આવે. અન્ય કોઈ જ્ઞાતિ કે સમુદાયમાં ગીત – સંગીતનું આવું અદકેરું મહત્ત્વ ક્યારેય જોયાનું સાંભરે છે ખરું?

હિમ્બા સમુદાયની અન્ય અમુક પરંપરા માની ન શકાય એવી છે. હિમ્બા લોકોના દેવતાનું નામ છે મુકુરુ. પોતાના આ ઈષ્ટદેવ સાથે વાતચીત કરવા માટે તેઓ પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરે છે. તેઓ માને છે કે આગ સળગે છે એટલે એમનો અવાજ સ્વર્ગ સુધી પહોંચે છે. આ આગ પ્રજ્વલિત રહે ત્યાં સુધી સૌ ઊભા – ઊભા પ્રાર્થના કરે છે.

એકેશ્ર્વરવાદી ધર્મમાં માનતા હિમ્બા લોકો પૈતૃક આત્માને પણ ખૂબ માન-મહત્ત્વ આપે છે. એક-એક પરિવાર પોતાના પવિત્ર પૂર્વજોની આગ સાથે ઝૂંપડામાં એક વેદી બનાવે છે, જ્યાં સાત-આઠ દિવસ સુધી મુકુરુ ભગવાન અને પૂર્વજોની પૂજા થાય છે. આ લોકો આંમતી એટલે કે કાળા જાદુમાં પણ માને છે.

માત્ર લુંગી પહેરીને શરીરના ઉપરના ભાગને ખુલ્લો રાખતી હિમ્બા મહિલાઓ વૈચારિક દૃષ્ટિએ જરાય પછાત નથી. એક તરફ હિમ્બા લોકો વડીલની આગેવાની હેઠળના કબીલામાં રહે છે. લગ્ન બાદ પતિના ઘરે જતી પત્ની નવા કબીલાના નિયમોનું પાલન કરે છે.

હિમ્બા સમુદાયમાં અતિથિનું મહત્ત્વ છે એવું દુનિયામાં જવલ્લે જ જોવા મળે. પોતાની પત્નીને અતિથિ સાથે શારીરિક સંબંધ બાંધવા દેવાને આ લોકો આતિથ્યનું સર્વોચ્ચ રૂપ માને છે. આને મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું ગણાય છે. આને સેક્સુઅલ જેલસી (જાતિય ઈર્ષ્યા) ખત્મ કરવાની પદ્ધતિ ય મનાય છે.

હિમ્બા સમુદાયના પુરુષો એકથી વધુ પત્ની રાખવામાં ગર્વ અનુભવે છે. આ સાથે જ 70 ટકા પિતા એવા હોય છે જે પોતાની પત્નીને અન્ય પુરુષ થકી જન્મેલા સંતાનને પાળે છે, ભરણપોષણ કરે છે. અને આમાંથી કંઈ છાનુંછપનું થતું નથી. પતિ એ હકીકતથી વાકેફ હોય છે છતાં પતિ-પત્ની સાથેના સંબંધની મધુરતામાં લેશમાત્ર ઘટાડો થતો નથી.

તથાકથિત આધુનિક સમાજ આવું કરી કે વિચારી ય શકે ખરો? કદાચ આ લોકો ‘ઓપન રિલેશનશિપ’નો અર્થ બરાબર સમજયા છે, ને પચાવ્યો ય છે. અહીં લગ્નબાહ્ય સંબંધ જરાય મોટી કે ખોટી બાબત ગણાતી નથી. દરેક બાળકના ભરણપોષણ માટે એક ‘સામાજિક પિતા’ હોય જ.

આ બધાં કારણોસર આ લોકોમાં છુટાછેડા લેવાનું ખૂબ જ સરળ હોય છે.

હિમ્બા સમુદાયમાં પત્નીની અદલાબદલી પણ સામાન્ય છે. અન્ય અજાણ્યા પુરુષ સાથે સંબંધ બાંધવા માટે પણ ખુદ મંજૂરી આપે છે. આમ કરવા જતી વખતે પત્ની માથાના પરના વાળનો ચોટલો એકદમ ખેંચીને બાંધે છે. આ જોઈને સૌ સમજી જાય.

અલબત્ત, થોડા ઘણાં શિક્ષણ અને બહારની હવા બાદ હિમ્બા સમાજ પરિવર્તનની હલકી લહેરખી અનુભવવા માંડયો છે ખરો.

આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ : રિફોર્મ્સ- પર્ફોર્મ ને ટ્રાન્સફોર્મ સાર્થક થવા જોઈએ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button