પ્રાઈમરી માર્કેટ પાયો છે તો સેક્ધડરી માર્કેટ છે મકાન…

- જયેશ ચિતલિયા
આપણે ગયા સપ્તાહમાં રોકાણનાં સાધનો વિશે ચર્ચા કરી, જેમાં શૅરબજારની વાત થઈ. આ વખતે આ જ વિષયમાં આગળ વધીએ.
સ્ટોક માર્કેટને ઇક્વિટી માર્કેટ પણ કહેવાય છે, જેમાં જોખમ જરૂર હોય છે. જોકે રોકાણકારોને તેમની આવક વધારવા માટે એ સક્ષમ પણ બનાવે છે. સ્ટોક માર્કેટમાં જાહેર માલિકીના કંપનીઓના શેર્સ સ્ટોક એક્સચેન્જ પર ખરીદી કે વેચી શકાય.
બીજા શબ્દોમાં કહીએ તો શૅરબજાર જાહેર જનતાને ઈક્વિટી શેર્સ મારફત કંપનીના માલિક (તેના શેર્સના પ્રમાણમાં) બનવાની તક ઓફર કરે છે.
મૂડી એકત્ર કરવાની ઈચ્છા ધરાવતી કંપનીઓ માટે સ્ટોક માર્કેટમાં સારી અને સરળ તક મળે છે. કંપનીઓ બૅંકો અથવા નાણાં સંસ્થાઓ પાસેથી ધિરાણ લે તે કરતાં શૅરબજારમાં આઈપીઓ લાવી નાણાં ઊભા કરે એ તેને માટે વ્યાજ વિનાની મૂડી મેળવવા જેવું થાય છે. અલબત્ત, કંપની ડિવિડંડ રૂપે શેરધારકોને વળતર આપે છે. જોકે આ માટે તેને બંધન હોતું નથી. તે વ્યાજના બોજ જેવું ભારે હોતું નથી. કંપની નફો કરે તો ડિવિડંડ આપે યા ન આપે, પણ બૅંકોનું વ્યાજ તો તેણે નફો કે ખોટ હોય, ફરજિયાત ભરવું પડે છે.
શૅર્સની ઓફરથી લઈ લે-વેચના સોદા પ્રાઈમરી માર્કેટ એ છે, જ્યાં સિક્યોરિટીઝ જાહેર જનતાને ઓફર કરી સૌપ્રથમ મૂડી સર્જન કરવામાં આવે છે. આ એક ઓપન સ્ટોક માર્કેટ છે, જ્યાં કંપનીના શેર્સને પહેલીવાર ઓફર કરવાની સાથે વેચવામાં આવે છે, જેથી તેને ‘આઈપીઓ’ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) કહે છે. હાલ આપણે આ સમય અને ઓફરોના પ્રવાહને સતત જોઈ રહ્યા છીએ. આઈપીઓ બાદ શૅર બજારમાં લિસ્ટેડ થાય છે, જયાં તેમાં લે-વેચ થાય છે, જેથી તેને સેક્ધડરી માર્કેટ કહેવાય છે. સેક્ધડરી માર્કેટમાં રોકાણકારો શેરદલાલ કે પેટાદલાલ મારફત સ્ટોક્સમાં લે-વેચના સોદા કરી શકે રોકાણ કરી શકે છે.
રોકાણકાર શેરધારક બને છે
કંપનીઓ પોતાના ભાવિ પ્રોજેક્ટો માટે નાણાં એકત્ર કરવાના ઈરાદાથી શેર્સ ઈશ્યૂ કરે છે. આ ઉપરાંત કંપનીના માલિક કંપનીમાંથી પોતાનો હિસ્સો છૂટો કરે એ પ્રક્રિયા દરમિયાન પણ કંપની શેર્સ ઈશ્યુ કરી શકે છે. ભવિષ્યમાં કંપનીને થનારા લાભને પ્રાપ્ત કરવાની ગણતરી સાથે આ શેર્સને રોકાણકારો દ્વારા ખરીદવામાં આવે છે. ડિવિડંડના રૂપે નફો થઈ શકે છે તેમ જ જ્યારે શેર્સનો ભાવ વધે ત્યારે રોકાણકારો શેર્સનું વેચાણ કરી કેપિટલ ગેઈન રૂપે પણ નફો પ્રાપ્ત કરી શકે છે. આ શેર્સના રોકાણની પ્રક્રિયા કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે ઉદાહરણનો ઉપયોગ કરીએ , જેમકે કોઈ કંપનીને પોતાના વેપારના વિકાસ માટે દસ કરોડ રૂપિયાની મૂડીની જરૂર છે. કંપની પાસે ભંડોળ એકત્ર કરવાના બે વિકલ્પ છે.
એક તો તે બૅન્ક પાસેથી વ્યાજે નાણાં ઉછીનાં લે અથવા તો તે તેના મિત્ર અને પરિવાર પાસેથી નાણાં એકત્ર કરે. આમાં જે નાણાં આપવા-રોકવા તૈયાર થયા એમને કંપનીમાં શેરધારકો બનાવાયા. આ લોકો શેરધારકો બનતા કંપનીને વ્યાજની ચુકવણીની જવાબદારીમાંથી મુકિત રહે છે. જયારે આમાંથી કોઈને પોતાના નાણાંની જરૂર પડે
તો તેણે બીજા શેરધારક અથવા નવા રોકાણકારોને એ શેરો વેચી શકે છે, જેમાં તેને ખરીદી કરતા ઊંચો ભાવ મળે છે, કારણ કે હવે કંપની વિસ્તરણને લીધે બહેતર સંજોગોમાં આવી હતી. આ મિત્રોની વાત જાહેર જનતાને સમાન રીતે લાગુ પડે.
કંપનીના શૅર જયારે લિસ્ટેડ થાય ત્યારે આ જ રીતે શેરધારકો શેર વેચીને છુટા થઈ શકે, જેમાં નફો કે નુકસાન એ સમયના ભાવ મુજબ થઈ શકે. ડિવિડંડ નહીં તો વૃદ્ધિ અહીં કંપનીના શૅર પર ડિવિડંડ ન મળે તો પણ બજારમાં ભાવ વૃધ્ધિનો લાભ મળવાની શકયતા હોય છે, જે કંપનીની કામગીરી પર આધાર રાખે છે. જો સ્ટોક માર્કેટમાં રોકાણ આટલું સરળ અને લાભદાયી હોય તો શા માટે આપણે બધા સ્ટોકમાં રોકાણ કરતા નથી? કારણ કે સ્ટોક માર્કેટમાં વળતરની ગેરેન્ટી હોતી નથી. અમુક લિસ્ટેડ કંપનીઓ ડિવિડંડની જાહેરાત કરે છે, જ્યારે અમુક કંપનીઓ જાહેરાત કરતી નથી. કંપનીઓ પર ડિવિડંડની ચુકવણી કરવાનું બંધન હોતું નથી. સ્ટોકના ભાવ વધે ત્યારે તમને તે મારફતે પ્રોફિટ થઈ શકે છે પણ જો કંપની દેવાળું ફૂંકે તો તમારા સ્ટોકની કંઈ કિંમત ન રહે એવું પણ બની શકે. સ્ટોક માર્કેટમાં રોકાણ માટેનું સૂત્ર એ જ છે કે જેટલું વધુ જોખમ, રોકાણ પર એટલું વધુ વળતર, પરંતુ આ જોખમ એટલે વળતર જ એવું પાકકું કે નિશ્ર્ચિત હોતું નથી.
પાયાની જરૂરીયાત
કેપિટલ માર્કેટના રોકાણકાર બનવા માટે સૌપ્રથમ પેન કાર્ડ, બૅન્ક એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ આવશ્યક છે. ત્યાર બાદનું પગલું ‘સેબી’ રજિસ્ટર્ડ બ્રોકરને પસંદ કરવાનું અને કેવાયસી ફોર્મ ભરવાનું તેમ જ બ્રોકર-ક્લાયન્ટ એગ્રીમેન્ટ કરવાનું છે. એ પછી બ્રોકર યુનિક ક્લાયન્ટ આઈડી ફાળવે છે, જે રોકાણકારની આઈડી- ઓળખ તરીકે કામ કરે છે. ત્યાર બાદ સિક્યુરિટીઝના ખરીદ-વેચાણના સોદા કરી શકાય છે.
બ્રોકર ઈક્વિટી, ડેટ, ડેરિવેટિવ્સ પ્રોડક્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ, આઈપીઓ વગેરેના ખરીદી/વેચાણ જેવી વિવિધ સેવાઓ ઓફર કરે છે. ઘણી બૅન્ક પણ ઈક્વિટી, ડેટ, ડેરિવેટિવ્સ પ્રોડક્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ, આઈપીઓ વગેરેના ખરીદી/વેચાણ માટે ફિઝિકલી તેમ જ તેમની વેબસાઈટ મારફતે સુવિધાઓ ઓફર કરે છે. આ સરળ વ્યવસ્થા અને માર્ગને સમજયા બાદ અભ્યાસ અને ધીરજ રોકાણકારોને સંપત્તિસર્જનના માર્ગે લઈ જઈ શકે છે.



