મિજાજ મસ્તીઃ તેરી દોસ્તી, મેરા પ્યાર… ‘ફ્રેન્ડશિપ-ડે’ મુબારક હો! | મુંબઈ સમાચાર

મિજાજ મસ્તીઃ તેરી દોસ્તી, મેરા પ્યાર… ‘ફ્રેન્ડશિપ-ડે’ મુબારક હો!

  • સંજય છેલ

ટાઇટલ્સ:
દોસ્તીના M.O.Uના હોય! (છેલવાણી)
કહે છે ‘દોસ્તોને ડિવોર્સ નથી આપી શકાતા’. મૈત્રી-દોસ્તી કે ફ્રેંડશિપ, લોહીનાં સંબંધો કરતાં વધુ ઘટ્ટ કે નફ્ફટ હોય છે, પણ એ જીવ સટોસટ હોય છે.

સંગીતકાર આર.ડી બર્મન અને લક્ષ્મી-પ્યારે, બોલિવૂડમાં કટ્ટર હરીફ પણ એટલાં જ સારા મિત્રો. 1964માં લક્ષ્મી-પ્યારેને ‘દોસ્તી’ નામની પહેલી ફિલ્મ મળી ત્યારે એમણે ગીતોમાં માઉથ-ઓર્ગન વગાડવા માટે ડરતાં ડરતાં આર.ડી. બર્મનને પૂછ્યું ને આર.ડી.એ તરત જ બધાં ગીતોમાં માઉથ-ઓર્ગન વગાડ્યું.

‘દોસ્તી’ ફિલ્મને બેસ્ટ સંગીતનો ‘ફિલ્મફેર’ એવોર્ડ મળ્યો. પછી છેક 1980માં લક્ષ્મી-પ્યારેને ફરી ‘ફિલ્મફેર’ એવોર્ડ મળ્યો ત્યારે એ વરસે રફીસાહેબને આર.ડી.ના ગીત ‘ચાંદ મેરા દિલ’ માટે એવોર્ડ મળેલો. હવે સમારંભમાં રફીજીએ આર.ડી.નું ગીત ગાવાનું હતું તો લક્ષ્મી-પ્યારેએ સામેથી કહ્યું કે મહાન સંગીતકાર આર.ડી.નાં ગીતની ઓર્કેસ્ટ્રા રફીજી માટે અમે વગાડીએ એથી વધુ ગર્વની વાત કઇ હોય?
……………………………………………………
અમેરિકામાં ગેર્ડી મેકકેન્ના નામની એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું. એના ઈલાજ માટે કેમોથેરાપી લેવાથી ગેર્ડીના બધાં વાળ ઊતરી ગયા. એને સપોર્ટ આપવા એની 11 બહેનપણી પણ પોતાનાં લાંબા વાળ કપાવીને સાવ ટાલકી થઈ ગઈ, જેથી ગેર્ડીને હૂંફ મળી શકે…
……………………………………………………
વિશ્વયુદ્ધ વખતે જર્મનીમાં મા-દીકરો ક્રિસમસનું ડિનર લેતા હતા ત્યારે ઘાયલ અમેરિકન સૈનિકો ઘરમાં આશરો લેવા આવી પહોંચ્યા. ત્યારે જર્મનો માટે દુશ્મન સૈનિકોને આશરો આપવો એટલે મોત સમાન,પણ માએ ઘાયલ સૈનિકોને આવકાર્યા. પછી ફરીથી દરવાજો ખખડ્યો ને આ વખતે ઘાયલ નાઝી સૈનિકો આવ્યા હતા. મા, ડરી ગઇ પણ પછી એણે બંને પક્ષના સૈનિકોને શસ્ત્રો મૂકી દેવા કહ્યું ને એ રાત્રે કોઈ હત્યા નહીં કરે એવું વચન લીધું. સૈનિકો સંમત થયા ને સૌએ શાંતિથી સાથે ક્રિસમસની ડિનર-પાર્ટી ઉજવી.

યુદ્ધની લોહિયાળ શત્રુતા વચ્ચે મિત્રતાની અસંભવ વાર્તા અહીં અટકતી નથી. સવારે નાઝી સૈનિકોએ અમેરિકન સૈનિકોને જીવતા જવા દીધા ને એટલું જ નહીં, એમની છાવણી તરફ પાછા જવાની દિશા દેખાડી અને નાઝી સૈનિકોથી બચવાનાં રસ્તા પણ કહ્યા!

આજે ફ્રેન્ડશિપ-ડે છે, જેની શરૂઆત 1935માં થયેલી. કહે છે કે અમેરિકન સરકારે ઓગસ્ટના પહેલા રવિવારે એક વ્યક્તિની હત્યા કરેલી ને એની પાછળ એના મિત્રએ આત્મહત્યા કરેલી! ત્યારથી ઓગસ્ટનો પહેલો રવિવાર, ‘ફ્રેન્ડશિપ-ડે’ તરીકે ઉજવાય છે.

ઇન્ટરવલ:
દુશ્મનોં સે પ્યાર હોતા જાયેગા,
દોસ્તોં કો આઝમાતે જાઇએ. (ખુમાર બારાબંકવી)

એક પોલીસવાળો રાતે 10 વાગે રાઉંડ પર નીકળેલો. વરસાદને લીધે રસ્તાઓ સૂમસામ હતા. એણે જોયું કે દૂર બંધ હાર્ડવેર સ્ટોરના અંધારિયા દરવાજા પાસે સળગાવ્યા વિનાની સિગાર મોંમાં લઈને એક માણસ ઊભો હતો. પોલીસવાળાને આવતો જોઇને પેલાએ ગભરાઈને કહ્યું, ‘સર, હું મારા મિત્ર જિમ્મીની રાહ જોઉ છું. તમે માનશો, આજની અમારી મુલાકાત 20 વર્ષ પહેલાં નક્કી થયેલી! હું અને જિમ્મી બે સગા ભાઈની જેમ આ ન્યૂયોર્કમાં ઉછરેલા. હું ડૉલર કમાવવા માટે પશ્ચિમ બાજુ ગયો પણ જિમ્મી માટે તો ન્યૂયોર્ક જ એની દુનિયા હતી. આજે હું એની રાહ જોઉં છું’

‘અચ્છા? પણ પછી એ મિત્રના કોઈ સમાચાર?’
‘થોડો સમય તો અમારો પત્રવ્યવહાર ચાલ્યો પણ પછી સંપર્ક તૂટી ગયો, પણ આજે હું હજારો માઈલ દૂરથી આવ્યો છું ને મને ખાતરી છે કે જિમ્મી જીવતો હશે તો ચોક્કસ આવશે.’ આટલું કહીને પેલાએ દીવાસળીથી સિગાર સળગાવી.
દીવાસળીનાં ઝાંખા પ્રકાશમાં પેલાનો નિસ્તેજ, ચોરસ જડબા ધરાવતો ચહેરો પોલીસ ઓફિસરે જોયો. એની જમણી આંખની ભ્રમર નીચે ઈજાનું નાનકડું નિશાન હતું. સુંદર હીરાજડિત ઘડિયાળમાં જોઈને એણે કહ્યું, ‘હવે 10 વાગવામાં 3 મિનિટની જ વાર છે.’

‘10 વાગ્યે એ નહીં આવે તો?’
‘તો વધુમાં વધુ અડધો કલાક તો રાહ જોઇશ જ!’

પોલીસવાળો પેલાને જોતો રહ્યો ને તરત મોં ફેરવી જતો રહ્યો. વીસેક મિનિટ બાદ એક ઊંચા-તગડા માણસે ઝડપથી પેલાની પાસે આવીને પૂછ્યું,‘તું બોબ છે ને?’

‘હા! ને તું જિમ્મી વેલ્સ ને? મને ખાતરી હતી કે તું હયાત હશે તો મને મળવા આવીશ જ.’ બોબે જિમ્મીને ભેટીને કહ્યું.
‘બોલ, પશ્ચિમ બાજુ કેવી રહી લાઇફ?’ ‘મેં જીવન પાસે માંગ્યું એના કરતાં ઘણું મળ્યું. પણ જિમ્મી યાર, તું બહુ બદલાયેલો લાગે છે. પહેલાં કરતાં થોડો ઊંચો દેખાય છે…અને તું કરે છે શું?’

‘હું સરકારી નોકરી કરું છું. ચાલ બોબ, આપણી જાણીતી જગ્યાએ જઈને જૂની યાદો વાગોળીએ.’ બેઉ આગળ વધ્યા અને સ્હેજ પ્રકાશમાં આવતાં વેંત જ બંનેએ એકબીજાની સામે જોયું. બોબ તરત થંભી ગયો.

‘ના…તું મારો મિત્ર જિમ્મી વેલ્સ નથી. 20 વર્ષ એટલો ય લાંબો સમયગાળો નથી કે કોઇનું રોમન પુરુષ જેવું અણીદાર નાક આમ ચપટું થઈ જાય.’

‘હા, પણ 20 વર્ષ એટલો લાંબો સમય તો છે જ કે એક સારો માણસ ખરાબ થઈ શકે…. છેલ્લી 10 મિનિટથી તારી ધરપકડ કરવામાં આવી છે, ‘સિલ્કી બોબ’! શિકાગો પોલીસે અમને વાયરલેસ સંદેશો મોકલ્યો, પણ આપણે પોલીસ સ્ટેશન જઈએ એ પહેલાં કોઇએ તને ચિઠ્ઠી મોકલાવી છે.’ પોલીસવાળાએ કહ્યું. બોબે ચિઠ્ઠી વાંચી:

પ્રિય બોબ,
હું નક્કી કરેલ મુજબ એ જગ્યાએ સમયસર પહોંચી જ ગયો હતો, પણ જ્યારે તે સિગાર માટે દીવાસળી સળગાવી ત્યારે એ પ્રકાશમાં મેં એવા માણસનો ચહેરો જોયો, જે શિકાગોમાં મોસ્ટ વોન્ટેડ હતો. એક પોલીસ અફસર તરીકે જાતે મારા દોસ્તની ધરપકડ કરતાં જીવ ના ચાલ્યો એટલે એટલે બીજાને મોકલીને એ કામ કરાવ્યું.

તારો જિમ્મી
આ છે વિખ્યાત લેખક ઓ. હેન્રીની આ અજરાઅમર વાર્તા, જે દોસ્તીની સૂક્ષમતમ સંવેદના બયાં કરી જાય છે. ‘હેપ્પી ફ્રેન્ડશિપ-ડે’

એંડ-ટાઇટલ્સ:
આદમ: દોસ્તી એટલે?
ઈવ: જેમાં આવો સવાલ પૂછવો ના પડે.

આપણ વાંચો:  સુખનો પાસવર્ડઃ સુખને સંતોષ સાથે સીધો સંબંધ છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button