ઉત્સવ

હેં… ખરેખર?!: કૈલાશ પર્વતની ભૌગોલિક રચના ને રહસ્યમયતા છે અદ્ભુત

  • પ્રફુલ શાહ

પવિત્ર, અદ્ભુત અને આસ્થાના એવરેસ્ટ સમાન કૈલાશ પર્વતનાં વધુ રહસ્યો અચંબિત કરી નાખે એવા છે.

કૈલાશ પર્વતને ધરતીનું કેન્દ્ર કહેવાય છે. એની એક તરફ દક્ષિણ ધ્રુવ ને બીજી બાજુ ઉત્તર ધ્રુવ છે. આ બેઉંની વચ્ચે હિમાલય આવેલો છે. વિજ્ઞાનીઓના મતાનુસાર કૈલાશ પર્વત પૃથ્વીનું કેન્દ્ર છે. યોગાનુયોગ તો જુઓ કે ચાર મુખ્ય ધર્મ હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મમાં ય આનું અદેકરું મહત્ત્વ ગણાય છે. કૈલાશ પર્વત વિશેની અન્ય માન્યતા પણ રસપ્રદ છે. આને એવું અલૌકિક કેન્દ્ર ગણાવાય છે કે જ્યાં દશેય દિશા મળે છે. આને વિજ્ઞાનીઓ ‘એક્સિસ મુંડી’ (પૃથ્વીની નાભિ કે ધરી) કહે છે, તો અમુક એને ભૌગોલિક ધ્રુવ પણ ગણાવે છે. વળી રશિયન વિજ્ઞાનીઓના મત મુજબ તો જ્યાં સુપર નેચરલ કે અલૌકિક શક્તિનો પ્રવાહ હોય અને જ્યાં તમે એનો સંપર્ક કરી શકો એ સ્થળ એટલે ‘એક્સિસ મુંડી’.

કૈલાશ પર્વતનો આકાર એક અતિ વિશાળ પિરામિડ જેવો દેખાય છે, જે 100 નાના-નાના પિરામિડ્ઝની વચ્ચે છે. કદાચ એટલે જ આજે ય, આટઆટલી સુવિધા છતાં, કૈલાશ પર્વત અજેય છે. અહીં આજ સુધી કોઈ પર્વતારોહક ચઢાણ કરી શક્યું નથી. જો કે આજકાલ તો અહીં પર્વતારોહણ પર પ્રતિબંધ છે.

ઈતિહાસમાં ખાંખાખોળા કરતાં 11મી સદીમાં તિબેટના બૌદ્ધ સાધુ મિલારેપાએ કૈલાશ પર્વત સર કર્યાનો ઉલ્લેખ મળે છે. આ મિલારેપા અત્યંત સિદ્ધ યોગી, રહસ્યવાદી, કવિ અને સંત હતા. એકદમ સહજ રીતે આધ્યાત્મિક કવિતા અને ગીતો માટે તેઓ આજેય જાણીતા છે. એમનું આ સર્જન ‘ધ હન્ડ્રેડ થાઉઝંડ ઑફ મિલારેપા’માં ગ્રંથસ્થ છે. જો કે મિલારેપા જેવા આધ્યાત્મિક સંત કૈલાશ પર્વત સર કરવા વિશે નથી કાઈ બોલ્યા કે નથી કંઈ લખ્યું એ આશ્ર્ચર્યજનક જ ગણાય ને?

કૈલાશની વિશિષ્ટતા ગણાવતા થાકી જવાય એમ છે. અહીં બે સરોવર છે. માનસરોવર અને રાક્ષસ તળાવ. માન સરોવર વિશ્ર્વભરમાં શુદ્ધ પાણી આપતું શ્રેષ્ઠતમ તળાવ છે, જેનો આકાર સૂર્ય જેવો છે. રાક્ષસ સરોવર ખારા પાણીનું શ્રેષ્ઠતમ સ્થળ ને આકાર ચંદ્ર જેવો! આ બંનેનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઊર્જા સાથે જોડાયેલો છે. માનસરોવરની આસપાસ કાયમ ઓમ અને ડમરુંના અવાજ સંભળાય છે. આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે આ બંને સરોવર કુદરતી રીતે બન્યા છે કે માનવસર્જિત છે? આટલું જ નહીં કૈલાશ પર્વત જ ચાર મહાન નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. આ નદીઓ છે બ્રહ્મપુત્ર, સિંધુ, સતલજ અને કરનાલી. અને આ નદીઓમાંથી જ નીકળે છે ગંગા, સરસ્વતી સહિતની નદીઓ.

કૈલાશ પર્વતની ચારે દિશામાં જાનવર-પંખીના મુખ દેખાય છે. જે નદીઓના ઉદ્ગમ કેન્દ્ર છે. પૂર્વમાં અશ્ર્વ, પશ્ર્ચિમમાં હાથી, ઉત્તરમાં સિંહ અને દક્ષિણમાં મોર છે.

કૈલાશ પર્વતની આસપાસના વાતાવરણનો અભ્યાસ કરી ચુકેલા રશિયન વિજ્ઞાનીઓ તિબેટના મંદિરના ધર્મગુરુઓને મળ્યા હતા. આ ધર્મગુરુઓએ જણાવ્યું હતું કે કૈલાશ પર્વતની ચારેય તરફ અલૌકિક શક્તિનો પ્રવાહ હોય છે. એની અંદર આજે ય તપસ્વીઓ આધ્યાત્મિક ગુરુઓ સાથે ટેલિપથીથી સંપર્ક કરી શકે છે.

એક દાવો તો એવો ય છે કે કૈલાશ પર્વત ઉપરના આકાશમાં સાત જાતના પ્રકાશ દેખાય છે. નાસાના વિજ્ઞાનીઓના મતાનુસાર આ વિસ્તારની ચુંબકીય અસરને પ્રતાપે આ રંગબેરંગી લાઈટ દેખાય છે.

કૈલાશ પર્વતને સર કરવાનો 20મી સદીના અંતનો એક અનુભવ જાણવા લાયક છે. બ્રિટિશ પર્વતારોહક હગ ટ્રુ રુટલેજ અને કર્નલ આર. સી. વિલ્સને આ પર્વત પર પહેલો પ્રવાસ હાથ ધર્યો હતો. બંનેએ અલગ રૂટ-માર્ગ પસંદ કર્યા હતા. બેઉં અઘરા રસ્તા અને આકરા હવામાન વચ્ચે આગળ વધતા હતા, ત્યાં અત્યંત-અસહ્ય ઠંડી અને અનહદ બરફ વર્ષાને લીધે પાછા ફર્યા હતા.

આ ઘટનાના થોડાં વર્ષો બાદ ઓસ્ટ્રેલિયન ભૂસ્તરશાસ્ત્રી અને જાણીતા પર્વતારોહક હર્બર્ટ ટિચીએ કૈલાશ સર કરવાની મંજૂરી માગી તો શું જવાબ મળ્યો? ‘માત્ર સંપૂર્ણપણે પાપ-મુક્ત માનવી જ કૈલાશ પર્વતને સર કરી શકે અને આવો કોઈ માનવી પૃથ્વી પર નથી.’

ભગવાન શંકર, માતા પાર્વતી, એમનાં સંતાનો અને નન્દીના ઘર ગણાતા કૈલાશ પર્વત ન જાણે કેટકેટલી શક્તિ અને ભેદ છુપાવીને બેઠો છે. આજની તારીખે કાળા માથાનો કોઈ માનવી કે તેણે વિકસાવેલી ટેક્નિક કંઈ જ કરી શકે એમ નથી.
(સંપૂર્ણ)

આપણ વાંચો:  પ્રાઈમરી માર્કેટ પાયો છે તો સેક્ધડરી માર્કેટ છે મકાન…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button