ઉત્સવ

રહસ્યમય સંજોગોમાં આખા ગામની પૂરી વસતિ ગાયબ!

હેં… ખરેખર?! – પ્રફુલ શાહ

એક આખેઆખું ગામ રાતોરાત ગાયબ થઇ જાય એવું પરીકથા, ભૂતકથા કે કદાચ જાદુઇ દુનિયામાં શક્ય લાગે, બરોબરને? માનો યા ન માનો પણ એક ગામ 1930માં રાતના અંધકારમાં અદૃશ્ય થઇ ગયું ને એની પાછળનું રહસ્ય આજ સુધી વણઉકલ્યું છે.

આ રૂંવાટા ઊભી કરી દેતી ઘટના છે કેનેડાના અંજિકુની લેક વિલેજની. હકીકતમાં એમ કહેવું સાચું ગણાશે કે અંજિકુની તળાવ ગામ ગાયબ થવાની 1930માં ખબર પડી. તો ગામ કયારે નામશેષ: થઇ ગયું હશે? આ સવાલનો જવાબ કોઇ પાસે નથી. આ ઘટના દુનિયા સમક્ષ કેવી રીતે આવી એ જાણી લઇએ.

1930ના નવેમ્બરમાં જો લાબેલ નામનો ફરનો વેપારી કેનેડાના નુનવુતમાં અંજિકુની તળાવ પાસેના ઇનયુટ ગામે પહોંચ્યો. અહીં પહોંચીને એની આંખો ખુલી ને ખૂલી જ રહી ગઇ.

આ ગામ એકદમ ભેંકાર અને વેરાન ભાસતું હતું. એ તો ઠીક જો લાબેલે કરેલું વર્ણન વાંચતા માથું ચકરાવે ચડી જાય. ત્યાં ઝૂંપડીઓમાં હજી આગ પ્રજવલિત હતી, અંદર વધેલું ભોજન પડયું હતું. ભૂખથી મરી ગયેલા સ્લેજ કૂતરાં પડયા હતા અને કબર ખોદાયેલી દેખાઇ.

પછી આમ થવાની થિયરીઓ જોશભેર ચર્ચાવા માંડી. ઉત્તર કેનેડાના આ ઇનયુટ ગામમાં પચીસ રહેવાસી કયાં ગયા? શા માટે? આકાશમાં આસપાસ દેખાયેલા ભેદી પ્રકાશને લીધે માની લેવાયું કે ઉડતી રકાબી (યુફો-અનઆઇડેન્ટીફાઇડ ફલાઇંગ ઓબ્જેકટ્સ) આવ્યા હશે ને તેમાં આવેલા પરગ્રહવાસીઓનો આમાં હાથ હશે? જો એવું હોય તો એલિયન્સે ઇનયુટ ગામ પર જ શા માટે પસંદગી ઉતારી? જો ગામવાસી સ્વેચ્છાએ હિજરત કરી ગયા હોય તો ઝૂંપડામાં આગ કેમ સળગતી રાખી. ન ખવાયેલું ભોજન કેમ છોડી ગયા? સ્લેજ ડોગ્સને સાથે લઇ જવાને બદલે ભૂખ્યા મરવા કેમ છોડી દીધા? હકીકત જે હોય તે એ પચીસ ગ્રામવાસી ક્યારેય કયાંય પાછા દેખાયા નહીં, ન જીવતા – ન મરેલા.

ફરનો વેપારી જો લાબેલ કેનેડાના નોર્થઇસ્ટ પ્રાંતમાં અંજિકુનિ તળાવ નજીકની ઇયુકિની નામની વસાહત તરફ ગયો, ત્યારે એને અપેક્ષા હતી કે લોકો શિયાળાનો સામનો કરવાની તૈયારીમાં વ્યસ્ત હશે. કદાચ ફરનો વેપારી ધંધો થાય એવી આશા ય ખરી, પરંતુ એનું સ્વાગત તો ગેબી શાંતિ, સળગતી આગ, અડધા સિવાયેલા કપડાં (જેની અંદર હજી સોઇ અકબંઘ હતી), ખવાયેલા ખોરાક, સ્લેજ ડોગના સાત કોહવાતા શરીર અને ખોદાયેલી ખાસ કબરોએ કર્યું, ધારણા બાંધી શકાય કે પચીસ જણાંએ એકદમ ઉતાવળમાં ઉચાળા ભર્યા હશે. પણ શા માટે? કયાં જવા માટે?

આ સવાલોના જવાબ મેળવવા માટે જો લાબેલે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસનો સંપર્ક સાધ્યો. તપાસમાં બહાર આવ્યું કે અમુક સાક્ષીએ આકાશમાં લાઇટવાળા સિલિન્ડ જેવા પદાર્થોને તળાવ ભણી જતા જોયા હતા. ગામમાં તો પૂછપરછ માટે કોઇ ઉપલબ્ધ નહોતું. ઝીણવટપૂર્વકનાં નીરિક્ષણમાં પોલીસને કોઇ ઝપાઝપી કે ઘર્ષણના નિશાન ન દેખાયા. ન કોઇ અજાણ્યા -વિચિત્ર ફુટપ્રિન્ટ મળ્યા. એક નવી વાત જાણવા મળી કે નદી કિનારે નાનકડાં હોડકાં નાંગરેલાં પડયાં હતાં, જાણે સવારીની રાહ જોતા હોય.

ભેદી પ્રકાશ અને લોકોના ગાયબ થવાને લીધે પરગ્રહવાસીના આગમન અને અલૌકિક શક્તિની વાતો ચર્ચાવા માંડી હતી. આજે આ ભૂતિયા ગામની ઘણી હકીકતો આશ્ચર્યક્તિ કરે છે. માર્યા ગયેલા સાત સ્લેજ ડૉગને થાંભલા સાથે બાંધી રખાયા હતા. આથી ભારે બરફમાં તેઓ ન છૂટી શકયા કે ન ખાઇ શકયા અને ભૂખમરાનો શિકાર બની ગયા. કબરોની અંદર લાશ કે હાડપિંજર નહોતા, રીવાજ મુજબ મૃતદેહ સાથે મુકાતી ચીજો ય ગાયબ હતી.

1931માં એક અખબારમાં આ સમાચાર પ્રગટ થયા. નેશનલ વેસ્ટ પોલીસ ગામવાસીઓના લાપતા થવા વિશે સવાલાનો મારો ચાલ્યો. તેમણે એક સત્તાવાર નિવેદન પાડીને જાહેરાત કરી કે આ ઘટનાની અમારી પાસે કોઇ કરતા કોઇ માહિતી નથી હો.

આ બધામાં જો લાબેલના દાવાને શંકાથી જોવાનું શરૂ થયું. શું પોલીસ ખરેખર ઘટના સ્થળે ગઇ હતી? તપાસ કરી હતી. આ સનસનાટીભરી ઘટના ઘણાંને કાલ્પનિક કે મનઘડંત લાગવા માંડી. લાબેલના વર્ણનને આધારે 1959માં ફ્રેંક એડવર્ડએ `સ્ટે્રન્જર ધેન સાયન્સ’માં આ ઘટના વિશે લખ્યું, ને અમાં મસાલેદાર ઉમેરા થયા. આ પુસ્તક થકી ઇનયુટ એપિસોડ વધુ લોકપિય થયો.

આજે ઇનયુટ ગામ કેનેડાના વણઉકલ્યા રહસ્યોમાંનું એક છે. હવે તેનું અસ્તિત્વ રહ્યું નથી. અમુક તો છાતી ઠોકીને કહે છે કે આવું કંઇ બન્યું જ નહોતું. આ તો માત્ર સનસનાટી ફેલાવવા માટે ઉપજાવી કાઢેલી વાર્તા છે, જે સમયાંતરે દંતકથા બની ગઇ. શક્ય છે કે વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચે કયાંક સત્ય હોઇ શકે. એ શું હતું એવો જવાબ કદાચ સમય આપી શકશે.

કયારે? થોભો અને રાહ જુઓ.

આપણ વાંચો:  ફિલ્મોની જેમ શૅરબજારમાં પણ સિકવલ ને રિમેક બનતી હોય છે…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button