ટૅક વ્યૂહ : ક્લાઉડ સ્ટોરેજની હરીફાઈ…ફાયદો અંતે આપણો જ છે!

-વિરલ રાઠોડ
વરસાદી સિઝનમાં વાદળોની દોડધામ હોય, સ્વચ્છ આકાશ તો વરસાદ બાદના ઉઘાડમાં જ જોવા મળે. કાળા રંગનાં વાદળો વરસાદ લાવે. હાથી કદના અને હજારો લિટર પાણી ઠલવતાં વાદળ બંધાવા પાછળ પણ સાયન્સ છે. આ વાદળને અંગ્રેજીમાં ‘ક્લાઉડ’ કહે છે એ સૌ કોઈ જાણે છે.
ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ અંગે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, ક્લાઉડ સ્પેસ માટે અનેક કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધાઓ ચાલી રહી છે. આમાં પાયોનિયર ગણાતી કંપની ગૂગલની સર્વિસમાંથી પોતાની કસ્ટમાઈઝડ સર્વિસ તૈયાર કરીને અનેક એવી કંપનીઓ પોતાના ગ્રાહકોને ટેકનોલોજીના માધ્યમ પર કાયમી ધોરણે જોડી રાખવા દિવસ-રાત પ્રયાસો કરે છે.
ભારત દુનિયા માટે મોબાઈલનું મોટું માર્કેટ છે. આ વાત દરેક ટેક કંપની જાણે છે. ઘણી ઓછી એવી કંપની છે જે પોતાની સર્વિસને ચીલાચાલુ ઓફર્સથી અલગ કરીને યુથને એક નવી રીતે પોતાની સાથે પૈસાના ધોરણે જોડી રાખવા મથે છે. આમાં ક્લાઉડ સર્વિસ આ પૈકી એક છે. મોટાભાગની ટેક કંપની પેઈડ સર્વિસ શરૂ કરીને પછી ભાવ ઘટાડે છે.
ઓલા સર્વિસે પોતાની મેપ સર્વિસ તૈયાર કરીને ગૂગલ મેપ સાથે છેડો ફાડી નાખ્યો. ક્લાઉડ સ્ટોરેજ માર્કેટમાં જીઓથી લઈને એપલ જેવી કંપની હરીફાઈમાં ઊતરી છે. જીઓ સ્પેસમાં 100 જીબીનું ક્લાઉડ સ્ટોરેજ મફત મળે છે. આ જોઈને ગૂગલથી લઈને માઈક્રોસોફ્ટ જેવી કંપની પોતાની રીતે ઓફર મૂકે તો નવાઈ નહીં.
આ પણ વાંચો…ટૅક વ્યૂહ : ફ્લાઈટ રડાર ટેકનોલોજી કરાવે છે આકાશી નક્શામાં વિહંગાવલોકન…
હવે એ જાણી લઈએ કે આ ક્લાઉડ સર્વિસ શું છે?
આ એક એવી સર્વિસ છે, જેમાં નક્કી કરેલા જીબીમાં કોઈ પણ ડેટાને ડાયરેક્ટ મોબાઈલમાંથી જ સેવ કરી શકાય છે. જે રીતે એપલમાં એક નિશ્ચિત સ્પેસથી વધારે જગ્યા ફોનમાં જોઈતી હોય તો ક્લાઉડ સ્પેસ ખરીદવી પડે છે. એ પછી ડેટા સેવ થાય છે. આ જ અભિગમ પર જીઓએ 100 જીબી સુધીની સ્પેસ ફ્રી કરી દીધી છે. આપણા દેશમાં વેચાતા અને મધ્યમ રેન્જમાં પ્રાપ્ત થતા દરેક ફોન આજે નહીં તો કાલે ક્લાઉડ સર્વિસ સાથે આવે એ નક્કી છે.
આ પાછળનું કારણ એ કે મોબાઈલના જીબી હવે ઓછા થઈ રહ્યા છે. રેમ અને પ્રોસેસર સ્પીડ વધી રહી છે. ફ્રી ઈન્ટરનેટ ડેટા સર્વિસ લાંબા સમય સુધી મળી રહેતા મલ્ટીમીડિયા પરનું ભારણ વધ્યું છે. એમાં મોબાઈલ એક મોટું માધ્યમ છે. મોબાઈલમાં સ્પેસને લઈને આવતી મુશ્કેલીઓ અને ડ્રાઈવ ફૂલ થઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ માટે ક્લાઉડ સ્પેસ જરૂૂરી છે. દરેકના મોબાઈલમાં ફોટો અને વીડિયો ફોનની સૌથી વધારે સ્પેસ રોકે છે.
મેમરીકાર્ડની સ્પેસ અલગથી ખરીદીએ તો પણ અમુક એપ્લિકેશન કે ડેટાને કંપ્રેસ કરી શકાતા નથી. આ માટે ક્લાઉડનો સહારો લેવો છે. આ ક્લાઉડ સ્પેસ એપ્લિકેશન માટે સ્ત્રોત બનશે એ હજુ નક્કી નથી. દરેક મોબાઈલ યુઝર્સ માટે ફાયદાની વાત એ છે કે, આવી સ્પેસ આપવા માટે કંપનીઓ રેસમાં ઊતરી છે.
બીજી ખાસ વાત એ છે કે, અહીં સેવ કરેલો ડેટા સુરક્ષિત અને પાસવર્ડથી લોક છે. ગમે ત્યારે આ કોડ નાખીને એક્સેસ કરી શકાય છે. મોબાઈલ હોય, કોમ્પ્યુટર, લેપટોપ કે ટેબલેટ, એક કોડથી તમામ ડેટાને ગમે ત્યાં ગમે ત્યારે વાપરી શકાય છે.
આ ઉપરાંત, ડેટા કરપ્ટ થવાનું જોખમ ઘટે છે. ક્લાઉડમાં જે ફોર્મેટમાં જે ડેટા હોય એ જ ફોર્મેટમાં સેવ થાય છે. ફોટોની સાઈઝ કે ચોક્સાઈ પણ ઘટતી નથી. ટેલિગ્રામ જેવી એપ્લિકેશન ડાયરેક્ટ ક્લાઉડ સર્વિસ આપે છે. બસ ફ્રી સ્પેસનો લોજિકલી ઉપયોગ કરવાનો રહે છે.
આ પણ વાંચો…ટૅક વ્યૂહ : આ ફ્લાઈટ દુર્ઘટનાને કઈ રીતે ઉકેલશે ‘એર ક્રેશ ડિટેક્ટિવ’ ટીમ?
ક્લાઉડ સર્વિસનો સૌથી મોટો ફાયદો એ છે કે, જે એપ્લિકેશનમાં ક્લાઉડ ઓપરેટ થાય છે કે ક્લાઉડ સપોર્ટ કરે છે એને બીજા ડિવાઈસમાં ડાયરેક્ટ ઈન્સ્ટોલ કરીને વાપરી શકાય છે.
ટૂંકમાં નવો મોબાઈલ ખરીદતી વખતે બેકઅપની ઝંઝટ ખતમ. એક એપ્લિકેશન નાખો એટલે તમામ ડેટા આંગળીના ટેરવાએ. વર્કફ્રોમ હોમ કરતા એક આખા વર્ગ માટે આનું શેરિંગ પણ સરળ છે. ઘણીબધી વેબસાઈટ ક્લાઉડ શેરિંગ માટે વેબલિંકના વિકલ્પો આપે છે, જે રીતે વી ટ્રાંસફર છે એ રીતે ડેટા શેરિંગ પણ છે.
બસ, એની વેબસાઈટ ક્લાઉડ સર્વિસને સપોર્ટ કરે એવી હોવી જોઈએ. ડેટા, એ પછી ઈન્ટરનેટ હોય કે આપણો પોતાનો. ડિજિટલ પ્લેટફોર્મ પર આ એક ઈંધણ છે, સ્ત્રોત છે. વર્ષ 2004માં જીમેઈલ સાથે બીજી સર્વિસ શરૂ થતા 1 જીબીની સ્ટોરેજ જુદી જુદી એપ્લિકેશન પર વાપરવા મળતી, જેમકે, ડ્રાઈવ, મેલ એપ્લિકેશન, ગૂગલ ફોટો વગેરે…આ મર્યાદિત સ્પેસની ઈજારાશાહી સામે જીઓ જેવી કંપનીઓએ કાયદેસરનો ઊંડો કૂવો ખોલી આપ્યો.
હવે ગૂગલ 15 જીબીની જગ્યા આપે છે. જ્યારે વનડ્રાઈવ, આઈક્લાઉડ, ડ્રોપબોક્સ, પીક્લાઉડ, મેગાબોક્સ જેવી વેબ સર્વિસ સ્પેસ સિવાય ઘણું બધું આપે છે. એટલે સરવાળે ફાયદો આપણો જ છે. હવે ડેટા સાચવવા કોઈ એક સર્વિસની મોનોપોલી ફોલો કરવાની જરૂર નથી.
આઉટ ઓફ બોક્સ
સૌથી પહેલા જે આઈફોન તૈયાર કરાયો હતો એમાં કોઈ ટચસ્ક્રીન હતી જ નહીં. સ્ક્રીન પર 3ડી કહી શકાય એવા બટન હતા. સેમસંગ અને આઈફોન માર્કેટમાં ભલે હરીફ હોય પણ આઈફોન માટે ઘણા પ્રોસેસર સેમસંગે બનાવ્યા છે!
આ પણ વાંચો…ટૅક વ્યૂહ : મોબાઈલ સોફ્ટવેરની અપડેટ… કંઈ કરીએ જ નહીં તો શું ફેર પડે?!