ટૅક વ્યૂહઃ સોશ્યલ મીડિયાના કેટલાંક આશ્ચર્યજનક તથ્ય…

વિરલ રાઠોડ
સોશ્યલ મીડિયામાં એક નાના બાળકનો ફોટો સાથે કેપ્શન વાયરલ થયું હતું, જેમાં લખ્યું હતું કે, આ બાળક આ ગામમાંથી ખોવાયું છે. આખા ગામના દરેક વ્યક્તિના મોબાઈલમાં આ ફોટો પહોંચ્યો કે તરત જ ગામલોકોએ પેલા બાળકને શોધી ફરી એને સ્કૂલ અને માતા-પિતા સુધી પહોંચાડ્યું. સારી વાત છે….
પછી બન્યું એવું કે બાળક જ્યારે સ્કૂલે જતુ હોય ત્યારે પણ લોકો એને પકડીને એના ઘરે મૂકી આવતા થયા. આમ તો આ સામાન્ય જોક છે, પણ આ જોક પાછળ સોશ્યલ મીડિયાનો પ્રભાવ ધ્યાને લેવા જેવો છે. સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પાસાને જોડીને આ જોક ટેકનોલોજીની અસર દર્શાવે છે.
હવે આ જ વિષયના સિક્કાની બીજી તરફ જોઈએ તો લાઈક્સ, રીચ ન મળવાને કારણે માનસિક તણાવ ઊભો કરવામાં પણ આ જ માધ્યમ જવાબદાર છે. સતત અને સખત રીતે અપડેટ થતા સોશ્યલ મીડિયા પાછળ યુવાવર્ગની આખી ફૌજ એક્ટિવ હોય છે. આપણા નહીં તો બીજા દેશમાં કંઈકને કંઈ ટ્રેન્ડ થાય તો કોઈ ટ્રેન્ડસેટર બને છે.
ગત વર્ષે દિવાળીનો તહેવાર નજીક આવતા જ કરવામાં આવેલા સોશ્યલ મીડિયા સર્વેનું તારણ એવું કહે છે કે, દૈનિક ધોરણે જુદા જુદા પ્લેટફોર્મ પરથી 5.4 બિલિયન મલ્ટિમીડિયા શેર થાય છે, જેમાં ફોટો-વીડિયો કે મિમ્સનો સમાવેશ થાય છે. માત્ર સાથે લખવામાં આવતા કેપ્શન કે ટેક્સ્ટને બાદ કરીએ તો 8.2 બિલિયન તો માત્ર પોસ્ટ ડેટા શેર થાય છે.
સમગ્ર વિશ્વમાં દૈનિક ધોરણ પર લોકો ઓછામાં ઓછી 2 કલાક સોશ્યલ મીડિયા પર પસાર કરે છે. આ સમયમાં યુટ્યૂબ, હોટસ્ટાર કે નેટફ્લિક્સ જેવી ઓટીટી એપ્સને ગણવામાં નથી આવી. માત્ર ફેસબુક, ટ્વિટર (હવે X) ઈન્સ્ટાગ્રામ, લિંક્ડઈન, શેરચેટ, સ્નેપચેટ જેવા સોશ્યલ મીડિયાને ધ્યાને લેવાયા છે.
સોશ્યલ મીડિયા એપ સિવાય દૈનિક ધોરણે માત્ર એશિયામાંથી 4 કલાક એક યા બીજી રીતે યુટ્યૂબ જેવી સોંગ એપ્લિકેશન પર પસાર કરે છે. આવા લોકોનો આંકડો માત્ર એશિયામાંથી જ 8 બિલિયનનો છે. બીજા ખંડમાં રહેતા લોકોનો વિચાર કરીએ તો આ આંક વધી જાય.
એક રિપોર્ટ અનુસાર ઓનલાઈન રીડિંગ પાછળ અઠવાડિયે માંડ 1 કલાક પૂરી થાય છે. ઓનસ્ક્રિન રીડિંગ ઘટ્યું છે, પણ વિઝ્યુઅલ્સ અને રીલ્સના પ્રભાવથી માહિતીનો ધોધ ઠલવાય છે. દર દસ મિનિટે ઈન્સ્ટાગ્રામ પર 21,60,000 ફોટો માત્ર એક રિજિયનમાંથી અપલોડ થાય છે.
આપણા દેશમાં આ રિજિયન એટલે નોર્થઝોન, સાઉથઝોન, ઈસ્ટ, નોર્થઈસ્ટ અને વેસ્ટ. એમાં પણ સૌથી વધારે નોર્થઝોનમાં સોશ્યલ મીડિયા સંવેદનશીલ પણ છે અને પ્રભાવી પણ છે. યુઝર્સ એક્ટિવ પણ વધુમાં વધુ નોર્થના છે. આ બધામાંથી કાશ્મીર રાજ્ય એમાંથી થોડું બાકાત છે, કારણ કે, વારંવાર થતા ઈન્ટરનેટ બંધની મુશ્કેલીને કારણે તારણ યોગ્ય રીતે વર્ગીકૃત કરી શકાતા નથી.
સોશ્યલ મીડિયા જ હાથવગું મનોરંજન છે પણ જ્યારે કોઈ સત્તાવાર માહિતી કે વસ્તુ સર્ચ કરવાની થાય ત્યારે એની વિશ્વસનીયતા હજુ સુધી એકવર્ગમાં નથી. માત્ર ત્રણ દિવસના અંતરે 10 મિલિયન ઈમેજિસ સર્ચ થાય છે. ડાઉનલોડ થાય છે અને શેર થાય છે. આ એવી ઈમેજ છે જેને સોશ્યલ મીડિયાની પોસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી.
જેમ કે, ગ્રાફિક્સ, ઈન્ફોગ્રાફિક્સ, મોલ કે મલ્ટિપ્લેક્સના ફોટો, સનસેટ-સનરાઈઝના ફોટો, હાઈવે રૂટ, આર્કાઈવ, નવા ઈમેજ ફોર્મેટ આનું લિસ્ટ એટલું લાંબુ છે કે, એક પેનલ બની જાય. રીલ્સ સૌથી વધારે જોવાય છે, શેર થાય છે અને કોઈ જ સિક્યોરિટી ન હોય તો પણ એની ઈમેજિસ સરળતાથી શેર થાય છે. સાથે એ હકીકત પણ સ્વીકારવી પડે કે, રીલ્સ અપલોડ થતા સૌથી વધારે સમય લાગે છે. ઓસ્ટ્રેલિયાને બાદ કરતા મોટાભાગના દેશમાં અપલોડિંગ ટાઈમિંગ સ્લો છે. દુબઈ એમાંથી બાકાત છે.
સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, આપણા દેશમાંથી અઠવાડિયામાં ઓછામાં ઓછો 90 કલાકનો સમય મહિલાઓ શોપિંગ, ઓફર્સ (મોટાભાગે કપડાં અને આઈટી સંબંધિત વસ્તુની), ટ્રેન્ડી રીલ્સ, હેલ્થ ટીપ્સ, ફૂડ-રેસ્ટોરાંના રિવ્યૂ, મેકઅપ ટિપ્સ, દેશી જુગાડ, કિચનમાં સ્માર્ટ થિંગ્સ, ટ્રાવેલ્સ પ્લાન, ટૂરિંગ ગાઈડ પર વીતાવે છે.
સમગ્ર દુનિયાની વાત કરીએ તો ત્રણ મહિને સોશ્યલ મીડિયાની કોઈ પણ એપ્લિકેશન પર સરેરાશ 259 મિલિયન યુઝર્સ નવા આવે છે. આમાં જુનુ એકાઉન્ટ બ્લોક કે પાસવર્ડ ભૂલાઈ જવાના કેસમાં શરૂ થયેલી સર્વિસ પણ નવા યુઝર તરીકે ગણાય છે એટલા માટે આંકડો વધે છે.
જ્યારે સૌથી વધુ યુઝેજ અને પાવરફૂલ ટુલ તરીકે વોટ્સએપ પહેલા ક્રમે છે. 95 ટકા એશિયન, આફ્રિકન અને યુરોપિયન આ એપ્લિકેશન યુઝ કરે છે. જ્યારે સૌથી વધારે એજગ્રૂપ પણ આ એપ્લિકેશન પાસે જ છે.
આઉટ ઓફ બોક્સ
કોરોનાકાળમાં નેટફ્લિક્સ, હોટસ્ટાર જેવી એપ્લિકેશનને કરોડો યુઝર્સ મળ્યા પણ સૌથી વધારે જોવાયું યુટ્યૂબ. આંકડો છે 2000 મિલિયન યુઝર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ!
આ પણ વાંચો…ટૅક વ્યૂહ: ડમી મચાવે દંગલ કંપનીઓ – પરેશાન યુઝર્સ માટે, તમે રહો સાવધાન!