
- રાજ ગોસ્વામી
વિશ્વમાં પ્રતિષ્ઠિત કહેવાતા નોબેલ પુરસ્કારની જેટલી નામના છે તેટલી જ તેની આલોચના પણ થાય છે. આ પુરસ્કાર એટલો મોટો છે કે છાશવારે તેના વિજેતાઓની પસંદગી અને જેની પસંદગી નથી થઇ તેને લઈને વાદ-વિવાદ થતા રહે છે. એટલા માટે નોબેલ સંસ્થાએ એક નિયમ બનાવ્યો છે કે જે તે વર્ષે જે પુરસ્કાર માટે વિજેતાનું નામ જાહેર કરવામાં આવે, તે શ્રેણીમાં અન્ય ઉમેદવારોનાં નોમિનેશન આગામી 50 વર્ષ સુધી સાર્વજનિક કરવામાં નહીં આવે, જેથી વિજેતાઓ સાથે બીજાં નામોની સરખામણી નો વિવાદ ટાળી શકાય.
50 વર્ષના આ નિયમનું પાલન કર્યાં પછી, નોબેલ કમિટીએ 2022માં વર્ષ 1971નાં એ 137 નોમિનેશન્સ સાર્વજનિક કર્યાં છે, જે તે વર્ષે સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયાં હતાં. તે વર્ષે, સાઉથ અમેરિકન દેશ ચિલીના રાષ્ટ્રવાદી કવિ પાબ્લો નેરુદાને સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હવે 50 વર્ષ પછી આપણને ખબર પડે છે નેરુદાની સાથે બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાય પણ નોબેલ માટે ઉમેદવાર હતા.
તે જ વર્ષે, એટલે કે 1971માં જ એમનું અવસાન થયું હતું. તારાશંકર બળુકા લેખક હતા. જીવન દરમિયાન એમણે 65 નવલકથા- 53 વાર્તા- 12 નાટક- ચાર નિબંધ સંગ્રહ-ચાર જીવનકથા- બે પ્રવાસ વર્ણનો અને કેટલાંક ગીતો પણ લખ્યાં હતાં.
જો તે વર્ષે નેરુદાના નામ પર મહોર ન વાગી હોત તો ભારતમાં બીજો નોબેલ આવ્યો હોત. 1913માં બીજા એક બંગાળી એવા રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ એનાયત કરવામાં આવ્યો હતો. તે ભારતનો પહેલો પુરસ્કાર હતો અને તે મેળવનારા ટાગોર પહેલા બિન-યુરોપિયન હતા.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : ઘડપણની એકલતા ને એ એકલતાના આનંદની વાર્તા કહેતી એક ‘સદાબહાર’ ફિલ્મ…
તારાશંકરનું નામ સાહિત્ય અકાદમીના તત્કાલીન સચિવ કૃષ્ણ કૃપલાણી દ્વારા સૂચવવામાં આવ્યું હતું. એ 1955માં રવીન્દ્ર પુરસ્કાર, 1956માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1966માં જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવી ચુક્યા હતા.
હમણાં 23 જુલાઈએ એમની જન્મ જયંતી અવસરે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ગણદેવતા, પંચાગ્રામ, ધાત્રીદેવતા, હન્સુલી બેન્કર, ઉપાકથા અને કબી જેવી નવલકથાઓ આપીને તારાશંકરે બંગાળી સાહિત્યમાં યાદગાર યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રીએ ‘પશ્ર્ચિમ બાંગ્લા એકાદમી’ દ્વારા તારાશંકરના સર્જન પર ‘અમાર સાહિત્ય જીવન’ નામના આત્મકથાત્મક પુસ્તક પ્રગટ કરવાની પણ જાહેરાત કરી હતી.
તારાશંકર બંદોપાધ્યાય માત્ર બંગાળી ભાષાના જ નહીં, સમગ્ર ભારતના એક ઉત્તમ સર્જક હતા, પરંતુ એમનું નામ આમ જનતામાં અજાણ્યું રહી ગયું. એ ભારતીય પરંપરાના લેખક હતા, કારણ કે એમનું લેખન ગ્રામીણ જીવન, સામાજિક પરિવર્તન અને સ્વતંત્રતા સંગ્રામની ચિંતાઓમાં ઊંડું ખુપેલું હતું. એમણે જે લખ્યું હતું તે આજે 50 વર્ષ પછી પણ પ્રાસંગિક છે.
એમણે સામાજિક વ્યવસ્થા અને દુષ્ટતાઓને કલમ દ્વારા ઉજાગર કરીને લોકોની ચેતનાને ઝકઝોરવાનું-સચેત કામ કર્યું હતું. એમની તમામ રચના એક યા બીજી રીતે સમાજમાં વ્યાપ્ત રૂઢિચુસ્તતા અને પાખંડને ઉઘાડું પાડે છે તેમજ માનવ સંબંધોની સચ્ચાઈને પ્રકાશિત કરે છે. જમીનદાર પરિવારમાં જન્મેલા હોવા છતાં તારાશંકરે એમની કલમ દ્વારા જમીનદારી પ્રણાલીની ખામીઓ પણ ઉજાગર કરી હતી.
એમની નવલકથા ‘આરોગ્ય નિકેતન’ની એક યુવાન એલોપેથિક ડોક્ટર પ્રદ્યુત સેનની આસપાસ ફરે છે. એ માતા સાથે નબાગ્રામ ગામમાં પ્રેક્ટિસ કરવા માટે જાય છે, પરંતુ આ વિસ્તારમાં પહેલેથી જ પ્રતિષ્ઠિત આયુર્વેદિક ચિકિત્સક છે. આવી સ્થિતિમાં, બંને વચ્ચે વ્યાવસાયિક સ્તરે શરૂ થતો સંઘર્ષ નૈતિક સ્તરે જાય છે. આ નવલકથા સમકાલીન સમાજનો એક રસપ્રદ દૃષ્ટિકોણ રજૂ કરે છે, જે વાચકોના મનમાં એક અલગ છાપ છોડી જાય છે.
એ જ રીતે એમની નવલકથા ‘ગણદેવતા’ને વિશ્વની સૌથી મહાન નવલકથાઓમાં ગણવામાં આવે છે. એ માટે જ એમને જ્ઞાનપીઠ આપવામાં આવ્યો હતો. બંગાળનો આ પહેલો જ્ઞાનપીઠ હતો.
આ નવલકથામાં શિબકલીપુર નામના એક નાનકડા ગામની વાર્તા કહેવામાં આવી છે, જે બદલાતા સમયનો માર ખાઈ રહ્યું છે. આઝાદી પછી દેશમાં જે ઝડપથી ઔદ્યોગિકરણ શરૂ થયું તેના ગ્રામ સમાજ પરના પ્રભાવનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત, સદીઓ જૂની સામંતી પરંપરાઓ અને નવી જીવનશૈલી વચ્ચે કેવો ટકરાવ થાય છે તે પણ તેમાં ખૂબસૂરત રીતે દર્શાવામાં આવ્યું છે.
તારાશંકર બંદોપાધ્યાયની ઘણી કૃતિઓનો ગુજરાતીમાં બહુ સ-રસ અનુવાદ કલકત્તાના રમણીકભાઈ મેઘાણીએ કર્યો છે- ખાસ કરીને પારિતોષિક વિજેતા નવલકથા: ‘ગણદેવતા’ અને ‘આરોગ્ય નિકેતન’.
એમાંય, રમણીક મેઘાણીના ‘ગણદેવતા’ના ગુજરાતી અનુવાદને ‘નેશનલ સાહિત્ય અકાદમી દિલ્હી‘ તથા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પારિતોષિક પણ પ્રાપ્ત થયાં હતાં.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : કોચિંગ ક્લાસની સરખામણીએ આજે તેનાથી અડધી સાર્વજનિક લાઈબ્રેરીઓ પણ રહી નથી!
તારાશંકર હંમેશાં કહેતા હતા કે, ‘હું આપણા સમાજના વિદ્રોહીઓ કરતાં મહાત્મા ગાંધીના વ્યક્તિત્વથી વધુ પ્રભાવિત થયો હતો અને એટલે જ મારી નવલકથાઓના નાયકો અને મુખ્ય પાત્રો આદર્શ પુરુષો હતા. મને લાગે છે કે ક્રાંતિ કરતાં મહાત્મા ગાંધીએ મને વધુ પ્રભાવિત કર્યો છે.’
તારાશંકરના લેખનની તાકાત એ હકીકત પરથી પણ સાબિત થાય છે કે મહાન ફિલ્મ સર્જક સત્યજીત રેએ ચોથી ફિલ્મ ‘જલસાઘર’ (1958) તારાશંકરની ટૂંકી વાર્તા પર આધારિત હતી. તેમાં જમીનદારીના અંતની વાત હતી. વાર્તાનો નાયક બિશંભર રોય 30ના દાયકાની એની જમીનદારીના એ દિવસોને યાદ કરીને નિસાસા નાખે છે, જ્યારે એના વૈભવી ઘરમાં સંગીતના જલસા થતા હતા. હવે પત્ની વગરનો, પુત્ર વગરનો અને સમાજમાં પ્રતિષ્ઠા વગરનો છે. એનું જીવન બદતર બની ગયું છે. એની પાસે ભૂતકાળની યાદો અને થોડા ઘણા નોકરો સિવાય જીવવાનો સહારો નથી.
સત્યજિત રેએ 1962માં તારાશંકરની જ વાર્તા પરથી ‘અભિજાન’ (અભિયાન) નામની બીજી એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ દેશ-વિદેશમાં બહુ જાણીતી બની હતી. તારાશંકરે ગ્રામીણ બંગાળમાં બિહારની સીમા અને બિરભૂંમ જીલ્લાની નજીકના એક ગામમાં આ વાર્તા રચી હતી.
વહીદા રહેમાનની આ પહેલી બાંગ્લા ફિલ્મ. તેમાં ગુલાબીનો કિરદાર કરતી વહીદા એક નરસિંહ (સૌમિત્ર ચેટરજી) નામના ટેક્સી ડ્રાઈવરને પ્રેમ કરે છે. નરસિંહ રાજપૂત છે. હવે એની જાહોજલાલી રહી નથી, પણ મિજાજ યથાવત છે. એ મોટરકાર પાછળ ગાંડો છે અને અકસ્માતે માનવ તસ્કરીના વ્યવસાયમાં સપડાઈ જાય છે.
ગુરુ દત્તની ‘કાગઝ કે ફૂલ’ જોયા પછી સત્યજિતબાબુએ વહીદાને એક પત્ર લખ્યો હતો, ‘મારો અને મારા હીરો સૌમિત્રનું માનવું છે કે મારી આગામી ફિલ્મમાં ગુલાબીનો કિરદાર કરવા માટે તમે એકદમ ઉચિત છો. હા પાડશો તો મને આનંદ થશે.’ સત્યજિતદાએ એવું પણ કહ્યું હતું કે હિન્દી ફિલ્મોમાં તમને બહુ પૈસા મળે છે, પણ મારી ફિલ્મોનું બજેટ નાનું હોય છે… વહીદાજી તો પત્ર મળતાની સાથે જ ખુશ થઇ ગયાં હતાં. એમણે તરત જ રેને ફોન કર્યો: ‘તમે ફિલ્મ શરૂ કરો… મફતમાં કામ કરીશ!’
તારાશંકરે એકવાર લખ્યું હતું, ‘મને જમીનદારો પ્રત્યે હંમેશાં પ્રેમ હતો, જોકે મારાં લખાણોમાં મેં જમીનદારી પ્રણાલીની દુષ્ટતાઓનો પર્દાફાશ કર્યો હતો. હું જીવનભર ગ્રામીણ બંગાળની માટી સાથે જોડાયેલો લેખક રહ્યો છું તેથી કોલકાતા અને તેના સાહિત્યિક મેળાવડાઓએ મને ક્યારેય આકર્ષ્યા નહીં.
મારી વાર્તાઓ અને નવલકથાઓ ગામડે-ગામડે ફરવાના અને ગ્રામીણ વાસ્તવિકતાને ઊંડાણપૂર્વક સમજવાના મારા અનુભવોમાંથી વિકસિત થઈ, છે તેથી હું મારા કામનું મહત્ત્વ સમજું છું.’
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : એવિયેશનનું અવનવું: વિમાનની મુસાફરી કરતાં કારનો પ્રવાસ વધુ જોખમી હોય છે !