ટૅક વ્યૂહ: ચીલાચાલુ નહીં, પરંતુ અમુક વિશિષ્ટ કામ પણ આસાન કરી આપી છે અઈં…

વિરલ રાઠોડ
ટ્રેન્ડથી લઈને ટેકનિક સુધી અને ફોટોથી લઈને ફેસબુકની ફીડ સુધી, સર્વત્ર એક જ ચર્ચાએ જોર પકડયું છે. ટ્રેન્ડી ફોટો. પ્રોફાઈલ પિક્ચર કે કોઈ સારા ફોટોને અઈં કે જેમિનીમાં અપલોડ કરીને ‘ટ્રેન્ડી ફોટો એડિટ પોસ્ટ’ કરવાના ટ્રેન્ડે યુવાનોને ઘેલું લગાડ્યું છે.
કોમ્પ્યુટરની સ્ક્રીન પર કેન્વાસ જેવા દેખાતા ચાર્ટ પર જૂના જમાનાની નેગેટિવ જેવી ઈમેજ અને એ જ સ્ક્રીનની નીચે જે તે વ્યક્તિના ફોટો જેવું જ3ડી મૉડલ. આ ટ્રેન્ડે હજુ પોતાના મધ્યાહ્ન સુધી પહોંચે એ પહેલા જ થીમ બેઝ કપડાંમાં એક અલગ લૂક સાથે AI-જેમિની ફોટો જનરેટ કરી આપે છે, જેમ કે બીચ કે ટ્રાવેલ થીમ… બસ, એક સરસ ફોટો અપલોડ કરો અને દુનિયાને બતાવો થીમેટિક અંદાજ.
આંગળીના વેઢે ઑપરેટ થતું AI ઘણું ખરું કામ આસાન કરી આપનારું છે. આમ તો આ એક ઈનપુટ-આઉટપુટ સિસ્ટમ જેવું છે. જે રીતે કોમ્પ્યુટરમાં કમાન્ડ નાંખો અને કામ આસાન તે કરી આપે. એવી જ રીતે AI કામ કરે છે. જરૂર માત્ર યોગ્ય રીતે ઈનપુટ આપવાની છે.
અહીં છે અનેક વિષયોનો અન્નકુટ…
જે રીતે ઈશ્વરને અર્પિત કરાતા અન્નકુટમાં અનેક એવી ખાદ્ય વાનગીઓ હોય છે. એ જ રીતે AIમાં પણ દેશ- દુનિયાના અઢળક વિષયોનો ડેટા વ્યવસ્થિત રીતે સ્ટોર કરી, ડેટા ફોર્મેટમાં ઈનપુટ કરવામાં આવ્યો છે. એના બેથી ત્રણ શબ્દો જે કમાન્ડમાં આપ્યા છે એ સર્વર કે લાયબ્રેરી સાથે મેચ થાય તો આખો ઈતિહાસ લખીને આપી દે છે.
સોશ્યલ મીડિયા વેબસાઈટ અને એપ્લિકેશન આનાથી એક પગલું ઉપર રહીને અત્યારે કામ કરે છે. વોટ્સએપમાં મેટા AI થી હવે જે તે વેબસાઈટ શોધવાની પણ જરૂર નથી. માત્ર એક ઈનપુટ આપો એટલે વેબસાઈટ અને સત્તાવાર માહિતી સાથે એક આખી સિરીઝ આપે છે.
દાખલા તરીકે જુદા-જુદા રાજ્યમાં દિવાળીની ઉજવણી કેવી રીતે થાય છે એ જાણવા ‘દિવાળી સેલિબ્રેશન ઈન…’આટલું ટાઈપ કર્યા બાદ સિટી અથવા રાજ્યનું નામ લખી દો. સમજી શકાય એવા સરળ અંગ્રેજીમાં તે જવાબ આપશે. આ જ ઈનપુટ હિન્દી, ગુજરાતી, તમિળ, તેલુગુ, પંજાબી કે મલયાલમમાં નાખશો તો એ ભાષામાં જવાબ આપશે. ટૂંકમાં જે ભાષામાં સવાલ એ ભાષામાં જવાબ…! જે વેબસાઈટ આપશે એમાં પણ છેલ્લા બેથી ત્રણ વર્ષોની ઉજવણીના મસ્ત ફોટો પણ મળી આવશે.
ફેસ્ટિવલ પોસ્ટ વીથ AI……
વાર-તહેવારે હવે કોઈ યુનિક ડિઝાઈન શોધીને વિશ કરવા માટે અગાઉથી તૈયારીઓ કરવાની જરૂર નથી. ડીપ AI નામની સાઈટ પર અથવા મેટા એઆઈ કે કોઈ પણ એઆઈ ટુલ્સ પર ‘ફેસ્ટિવલ પોસ્ટ ફોર…’ આટલું ટાઈપ કરી જે તહેવારનું વિશ કરવું હોય એના થોડા શબ્દો લખીને મોકલી દો.
એવા માખણ જેવા મસ્ત, મુલાયમ અને સિલ્કી શબ્દોમાં શુભેચ્છાઓનો ઢગલો થશે કે, મૂંઝવણ થશે કે, આમાંથી મોકલવું શું. હા, આ શુભેચ્છાના કોન્ટેટને મિક્સ કરીને સરસ ઈમેજ સાથે કોઈને આવનારી દિવાળીમાં વિશ કરી શકો. કોન્ટેન્ટ ક્યાંય મેચ પણ નહીં થાય અને વિશ કરવાની રીત યુનિક પણ બની જશે. તહેવારોના ફોર્વડિયા ફોટો કે મેસેજ કરતા આવી વિશ અલગ છાપ ઊભી કરશે.
કોન્ટેન્ટ ફીલર…
કોઈ પણ વિષયનું તૂટ્યું ફૂટ્યું નોલેજ હોય અને એમાં કોઈ સત્તાવાર માહિતી સાથે વિષયલક્ષી વાત કરે તો ગાડું ગબડી જાય. હવે તો ગાડી બુલેટ સ્પીડે દોડી જાય એવું પણ કહી શકાય, જેમકે કોઈ લોન લેતી વખતે ક્યા ક્યા મુદ્દાઓ પર ધ્યાન રાખવું જરૂરી છે એ માટે હવે કોઈ વ્યક્તિની નહીં ટેકનોલોજી મદદ કરશે.
AIપાસે આવા ઘણા ઈનપુટથી સુરક્ષિત અને રોકાણ પહેલા સાવચેતી લઈ શકાય છે. આ એક એવો ડેટાબેઝ છે, જેમાં દૈનિક ધોરણે ફેરફારના અવકાશ નહીંવત છે પણ જે ડેટા ફીટ કરાયો છે એમાં સત્તાવાર ધારાધોરણ અને સત્યતા ઘણી છે. કોઈ પણ અધૂરું વાક્ય AIને આપી એ વિષય જણાવી આખું વાક્ય કેમ લખવું એ AI શિખવાડે છે. દાખલા તરીકે ‘સેમિક્ધડક્ટર પૉલિસી એબાઉટ ઈન્ડિયા ફોર…’ આટલું લખી AIને આપી દો એટલે આખું પ્રકરણ કહેશે.
બેકગ્રાઉન્ડ મિક્સચર…
ક્વોટ, સુવિચાર, શેર-શાયરી કે વન લાઈર્ન્સ લખવાનો શોખ હોય અને વારંવાર ફોટો માટે મથવું ન હોય તો AIઈમેજ જનરેટર મદદ કરશે. માત્ર ટેક્સ્ટ રેડી રાખો અને જે ઈમેજ જોઈએ એના કિવર્ડ આપો. દા.ત. ડીપ AIની સાઈટ પર જઈ ઈમેજ જનરેટ પર ક્લિક કરી ‘દિલ્હી સિટી સ્કાઈલાઈન લાસ્ટ નાઈટ’ લખશો એટલે એકથી એક બેસ્ટ ફોટો આવશે.
હા, આ AI છે. એક શહેરને લઈ એની કલ્પના છે. વાસ્તવિક ભૌગોલિક સ્થિતિ સાથે જે તે લોકેશનને મેચ કરશો તો આ મશીન સાથે મેળ નહીં પડે. એટલે ઈમેજ તરીકે યુઝ કરવા પૂરતું મર્યાદિત છે. બાકી ઈમેજને સત્તાવાર માનવું એ ભૂલભરેલું સાબિત થશે.
બી કેર ફૂલ…
જુદા જુદા વિષયોના ડેટાબેઝના ડાયરેક્ટ એક્સેસના રૂપમાં આવેલું AI ઘણીખરી જગ્યાએ મુશ્કેલી પણ સર્જે છે. મેપ્સ રૂટ, હેલ્થ ઈશ્યુ અને સંગીત ક્ષેત્રના કેટલાક પ્રશ્નો હજું AIના દિમાગમાં બેસતા નથી. એટલે હેલ્થ સંબંધિત પ્રશ્નો પૂછશો તો જે દેશનો ડેટા ફિટ હશે એના આધારે જવાબ આપશે.
એટલે ભૂલથી ડાયટ પ્લાન અહીં પૂછવો નહીં. મ્યુઝિકના જાણકારોને ખ્યાલ હશે કે AI પાસે કેટલાક ગીતના કોર્ડ અને રીધમની ટ્યુટોરિયલ પેટર્ન નથી. હા, માહિતી મેળવવાની દોડમાં કોઈનું નામ, સરનામું, મોબાઈલ નંબર કે લાઈવ લોકેશન સંબંધી કોઈ માહિતી AIને ન આપવી એ ફ્રોડથી બચવાનું પહેલું પગથિયું છે.
આ પણ વાંચો…ટૅક વ્યૂહઃ સોશ્યલ મીડિયાના કેટલાંક આશ્ચર્યજનક તથ્ય…