સન્ડે ધારાવાહિકઃ કટ ઑંફ જિંદગી – પ્રકરણ-5

અનિલ રાવલ
કોરોનાના ભયથી થરથર ધ્રૂજતા પગે ડ્રોઇંગ રૂમમાં આંટા મારી રહેલા કેશુકાકાને એમ્બ્યુલન્સનો કર્કશ અવાજ સંભળાયો…. એ ફફડી ઉઠ્યા…. પલંગની કોર પકડીને બેસી ગયા. એમને નિર્મલને લઇ જતી એમ્બ્યુલેન્સ દેખાવા લાગી. નિર્મલનું શું થયું હશે? એને કઇ હોસ્પિટલમાં લઇ ગ્યા હશે? હુંય મૂરખનો સરદાર….પ્લેનમાં આટલો વખત હારે હતા, પણ ફોન નંબર નો લીધો. કેશુકાકાને આ વાતનો મોટો ખટકો રહી ગયો હતો. કઇ હાસ્પિટલ હશે કદાચ કિસનને ખબર હશે. એનો પોતાનો હેલ્થવેલ્થ મેડીકલ સ્ટોર છે. એટલે એને હોસ્પિટલની જાણ હોય જ. એટલામાં કાશ્મીરા કિલ્લોલને લઇને રૂમમાં દાખલ થઇ. કેશુકાકાએ પૂછયું: ‘કિસન ક્યાં છે?’
‘એ તો દુકાને ગયા. આજકાલ આઠ વાગ્યામાં મેડીકલ સ્ટોર ખોલે છે.’
‘કોરોનાના દરદીઓને કઇ હોસ્પિટલમાં લઇ જાય છે તને એની કાંઇ ખબર છે?’
કાશ્મીરા એકદમ વિચારમાં પડી ગઇ. એને થયું….શું પપ્પાને પોતાને કોરોના થયો હોવાની શંકા હશે?
‘ના, મને ખબર નથી…તમારે કેમ જાણવું છે?’
‘ના રે ના, ઇતો અમથો પૂછું છું.’ કાશ્મીરાને એમનો જવાબ ગળે ન ઉતર્યો.
એણે વાત કઢાવવાના પ્રયાસમાં કહ્યું: ‘અરજન્ટ હોય તો આપણે ફોન કરીને જાણી લઇએ. એને તો આવી બધી ખબર જ હોય.’
‘અરે ના બાપલા ના, એવી કોઇ ઉતાવળ નથી….આ તો એમ જ વિસાર આયવો… કિસન આવે પછી વાયત.’ એવું કહીને તેઓ કિલ્લોલને દૂરથી રમાડવા લાગ્યા. એમને કિલ્લોલને દૂરથી રમાડતા જોઇને કાશ્મીરાને કોરોનાની ગંધ આવી…ઓ બાપરે શું પપ્પાજીને કોરોના….એ કિલ્લોલને લઇને ઝડપથી અંદર જતી રહી.
સવારની શિફ્ટમાં જયમાલાની જગ્યાએ હાજર થયેલી નર્સ જ્યોતિએ ડો. શાહની કેબિનનો દરવાજો અડધો ખોલીને બહાર ઊભા ઊભા કહ્યું: ‘સર, પુણે લેબ સે રિપોર્ટસ આ ગયે હૈ.’ નર્સે એમના ટેબલ પર રિપોર્ટસના પ્રિન્ટઆઉટની કોપીઓ મૂકી. એમની સામે બેઠેલો સોલંકી ઊભો થઇ ગયો. નર્સ બહાર નીકળી ગઇ. ડો. શાહ રિપોર્ટસ પર નજર કરવા માંડ્યા.
આ દરમિયાન કોમન બાથરૂમમાંથી બહાર નીકળેલા ઇલિયાસે નર્સની વાત સાંભળી લીધી. એના દિલના ધબકારા તેજ થઇ ગયા. એ વોર્ડમાં જઇને બેડ પર બેસી ગયો. અન્ય દરદીઓની જેમ એ પણ પોતાના રિપોર્ટની રાહ જોતો હતો. આ દુનિયામાં સૌથી કપરું કામ રાહ જોવાનું છે. એમાં ય આતો જિંદગી અને મોત નકકી કરનારા રિપોર્ટની રાહ જોવાની હતી!
‘મારો રિપોર્ટ પણ હશે આમાં? શું હશે નેગેટિવ કે પોઝિટિવ? રિપોર્ટ નેગેટિવ આવે તો ઘરે જવાની રજામંદી અને પોઝિટિવ આવે તો ચૌદ દિવસની કેદ. આ ચૌદ દિવસ નક્કી કરશે કે તમે ઘરે જશો કે ખુદાને ઘરે!’
‘અબ્બુ હંમેશાં કહેતે હૈ…જબ કોઇ બાત સમઝ સે બાહર હો તો ખુદા કો યાદ કર લેના. ઇલિયાસ ઊભો થયો. ચાદરની ચટ્ટાઇ બનાવી બે પલંગની વચ્ચે બિછાવીને નમાઝ અદા કરવા લાગ્યો.
ડો. શાહે રિપોર્ટસ વાંચીને સોલંકીની સામે જોઇને કહ્યું: ‘દસ પોઝિટિવ, બે નેગેટિવ. બીજા હજી પ્રોસેસમાં છે.’
‘મને ડર હતો એ થઇ રહ્યું છે. કેસ વધી રહ્યા છે.’ ડો. શાહે ખુરસીની પાછળ માથું નાખી દીધું.
સોલંકી બહુ વિચારવા માગતો નહતો: ‘સાહેબ, પહેલાં તો આ દસેય પોઝિટિવને જનરલમાંથી ઉપરના વોર્ડમાં દાખલ કરવા પડહે, અબ્બી હાલ.’
‘સોલંકી, હજી આંકડા વધશે, રોજેરોજ વધશે.’ ડો. શાહ ચિંતિત હતા.
‘સાહેબ, આંકડાની હાથે આપણી હામેના પડકારો પણ વધવાના.’ સોલંકીએ બોલતા બોલતા દરવાજો ખોલ્યો અને અધખુલ્લા દરવાજા પાસે ઊભા રહીને બોલ્યો: ’બે નેગેટિવને સૌથી પહેલા ઘરે મોકલવાનું કરું. બિચારા ઘરનાઓના મોઢા જોતા થાય.’
લોબીમાં જ ડો. ત્રિવેદી મળ્યા. ‘હું ડો. શાહની કેબિનમાં જ આવતો હતો.’ તેઓ બોલ્યા, પણ સોલંકીને ઉતાવળે જતા જોઇને તેમને ઇમર્જન્સી લાગી. તેઓ પણ સોલંકી સાથે ઝડપથી ચાલવા માંડ્યા.
‘ડો. ત્રિવેદી, દસ પોઝિટિવ કેસને ઉપરના વોર્ડમાં ખસેડવાની તૈયારી કરી દો. હું બે નેગેટિવ કેસના સગાઓને ફોન કરીને અબ્બી હાલ આયવો.’ ડો. ત્રિવેદી ત્યાંથી સીધા ઉપરના વોર્ડમાં જતા રહ્યા.
નર્સ જ્યોતિ અને સોલંકી વોર્ડમાં પહોંચ્યા ત્યારે ઇલિયાસ ચાદર સંકેલતો હતો. નિર્મલ હજી ઊંઘતો હતો. નર્સ એક પછી એક દસેય નામ બોલતી હતી ત્યારે ઇલિયાસ ધબકારા ગણતો હતો. જેમના નામ બોલાયા અને જેમના નામ ન બોલાયા એ તમામની વેદના એક સરખી હતી. ઇલિયાસનું નામ પોઝિટિવ કેસોમાં ન હતું, પણ એના ચહેરા પર માયુસી હતી. નિર્મલ ગાઢ નીંદરમાં હતો.
પવિત્રા ક્યારથી હોસ્પિટલમાં ફોન લગાડવાની કોશિશ કરતી હતી, પણ અકળાવનારા એન્ગેજ ટોનથી એનું મન ઉકળતું હતું. ‘બબ્બે ફોન છે, પણ બેય એન્ગેજ રાખીને બેઠા છે. આપણું તંત્ર કયારેય સુધરવાનું નથી. દર્દીના સગાઓનો વિચાર કરવાનો કે નહીં?’
મમ્મીએ બહાર આવતા કહ્યું: ‘હું પણ એજ કહું છું કે બીજાનો વિચાર પણ કરવાનો કે નહીં. બેટા, હોસ્પિટલમાં નિર્મલ એક જ નથી, આપણી જેમ બીજા સગાઓ પણ ફોન કરતા હશે.!’
‘મમ્મી, એકવાર, એકવાર મારે નિર્મલનો અવાજ સાંભળવો છે. એના મોઢેથી સાંભળવું છે કે એ કેમ છે.’ પવિત્રાએ પોતાની અકળામણ, લાચારી, વિવશતા, મજબૂરી, રોષ બધું ઠાલવી દીધું.
‘તારે હજી ઘણું સંભાળવાનું છે. આપણે સ્ત્રીઓએ આમ ભાંગી પડવું પાલવે નહીં. એકદમ સ્વસ્થ થઇ જા, એકદમ સ્વસ્થ.’ પવિત્રાએ આંખ મીંચીને ઊંડો શ્વાસ લીધો.
‘બસ, હવે ફરી ફોન લગાડ.’
પવિત્રાએ ફોન જોડ્યો. રિંગ વાગી. ક્યાંય સુધી રિંગ વાગતી રહી. પવિત્રાએ મોબાઇલ બતાવતા મોટો નિ:સાસો નાખ્યો.
‘શ્રદ્ધા અને પોઝિટિવીટી માણસને બળ આપે છે. નિરાશ થયા વિના ફરી ફોન લગાડ.’
‘ક્યાં સુધી આમ શ્રદ્ધાથી ફોન લગાડયા કરવાનો? આ છવ્વીસમી વાર ફોન કર્યો. ફોન લાગ્યો તો હવે કોઇએ ઉપાડ્યો નહીં. સરકારી તંત્રોનું આવું રેઢ્યિાળ ખાતું જ રહેવાનું. આવી હોસ્પિટલો નિર્મલની શું ખાખ સારસંભાળ રાખવાના.’ એ બોલવા ગઇ, પણ થયું કે મમ્મીજીની માનસિક પરિસ્થિતિ કદાચ મારા કરતાંય વધુ ખરાબ હશે… નિર્મલ મારો પતિ છે, પણ એનો તો પુત્ર છે. એણે મમ્મીજીની સામે જોયું. એની આંખમાં ઝળઝળિયાં હતાં. પવિત્રાએ ફરી એકવાર ફોન જોડ્યો. રિંગ વાગી કે તરત જ કોઇએ ફોન ઉપાડ્યો.
‘હેલ્લો, હેલ્લો.. મૈં મિસિસ નિર્મલ પરીખ….’
‘બોલો, બોલો બેન, હું સોલંકી બોલુ બેન..’
પવિત્રાએ ફરી પોતાની ઓળખ આપી તો સોલંકી બોલ્યો: ‘ઓળખી ગિયો બેન…એવું છે કે નિર્મલભાઇ હાલ ઊંઘતા છે. અમેરિકા અને અહીંના ટાઇમિંગમાં ફરક ખરોને…એટલે કદાચ પૂરતી ઊંઘ ની થઇ હોય…’
આ પણ વાંચો…ટ્રાવેલ પ્લસઃ શિવાલયોમાં શિવનો સંસર્ગ ને આધ્યાત્મિક અનુભવ એ જ ખરી શ્રાવણ યાત્રા…
‘એમના રિપોર્ટસ આવી ગયા?’ પવિત્રાને બીજી કોઇ વાતમાં રસ નહતો.
‘ના બેન, કાલ પરમ આવહે…જે કંઇ પણ ઓહે એ હું તમને ફોન કરીને જાણ કરા…. ચિંતા ની કરો હોં બેન.’ ફોન મુકાઇ ગયો.
નિર્મલનો અવાજ સાંભળવા નહીં મળ્યો એનો અફસોસ રહ્યો….રિપોર્ટસ નથી આવ્યા એની મૂંઝવણ અકબંધ રહી, પણ સોલંકીનો જવાબ પવિત્રાને થોડો સ્વસ્થ કરી ગયો. સોલંકીની વાતમાં કોઇ આપ્તજન જેવી આત્મીયતા હતી જે પવિત્રાના હૃદયને સ્પર્શી ગઇ. પવિત્રા ક્ષણભર સરકારી તંત્રની લાપરવાહી અને ઉદાસીનતા ભૂલી ગઇ. એના ચહેરા પરના બદલાયેલા હાવભાવ જોઇને મમ્મીજી બોલ્યાં: ‘શ્રદ્ધા અને પોઝિટિવીટી જ માણસને જીવાડે છે.’
ઇલિયાસ હોસ્પિટલમાં દાખલ થયો ત્યારથી એની અમ્મી ઝુબૈદાની આંખના આંસુ સુકાયાં નહતાં. એના અબ્બુ જાફરભાઇ દિલ પર પથ્થર રાખીને બેઠા હતા. ઝુબૈદાના રડવાનો અવાજ કાને પડતાં જ તેમણે કુરાન બંધ કર્યું, કુરાન આંખોને અડાડીને ઊભા થયા. ઝુબૈદા પાસે ગયા.
‘મુઝે કૈસે ભી કર કે મેરે બેટે કે પાસ લે ચલો.’ ઝુબૈદા કરગરી.
ઝુબૈદાને કઇ રીતે સમજાવવી એ વાત ખુદ જાફરભાઇની સમજની બહાર હતી. પોતાના એકના એક દીકરાના દુ:ખને દિલમાં ધરબીને બેઠેલા જાફરભાઈએ ઝુબૈદાની પીઠ પર હાથ ફેરવ્યો.
‘આજ દો દિન હો ગયે…કોઇ ખબર નહીં…ફોન પે જવાબ નહીં મિલતા.’ માની કકળતી આંતરડી બોલી રહી હતી અને પિતાની આંખોમાં લાચારી ચૂપ હતી. તેઓ જાણતા હતા કે ઝુબૈદાને હોસ્પિટલમાં લઇ જવાનું કે એને મિલાવવાનું શક્ય નથી.
જાફરભાઇએ ઝુબૈદાના આંસુ લૂછતાં કહ્યું: ‘ઇલિયાસને કોઇ ગુન્હા કિયા હોતા ના મૈં ઉસે પોલીસ સ્ટેશન સે છૂડવા કે લાતા…લેકિન આજ કે હાલાત ઠીક નહીં હૈ.’
ઝુબૈદા જાફરભાઇનો હાથ ઝટકાવીને ઊભી થઇ…એના મોં પર આક્રોશ અને ઝનૂન હતા: ‘કલ મૈં જાઉંગી હોસ્પિટલ ઔર ઇલિયાસ કો બહાર લાઉંગી દેખના.’
‘યહ જો તૂં સોચ રહી હૈના, વો ઇતના આસાન નહીં હૈ.’ જાફરભાઇ વિવશતામાં કડક અવાજ ભળ્યો.
‘કૂછ નહીં હોતા, કિતને લોગ હોસ્પિટલ સે ભાગ નીકલે હૈ.’ ઝુબૈદાએ ટેલિવિઝનના સમાચારોનો હવાલો આપતાં કહ્યું.
‘જો લોગ કોરોના કે ડર સે ભાગ નીકલે હૈ, પોલીસ ઉસે ઢુંઢ કર… પકડ કર, વાપિસ લાતી હૈ… ટેલિવિઝનવાલે યે નહીં બતાતે.’ ઝુબૈદાએ જાફરભાઇની વાત પર ધ્યાન ન આપ્યું.
‘એકબાર મેરા બેટા ઘર આ જાયે..ફિર મૈં ઉસે કહીં નહીં જાને દુંગી.’ ઝુબૈદાની વાતમાં એક માની લાચાર મમતા અને સ્ત્રીસહજ હઠ હતી.
‘ઔર અગર ઉસે કોરોના હોગા તો તૂમ ભી મરોગી, મૈં ભી મરુંગા ઔર સારા મહોલ્લા મરેગા…તૂમ ઇતની સીધીસાદી બાત ક્યોં નહીં સમજતી?’
‘મેરે બેટે કો જો કૂછ ભી હોગા મેરે સામને તો હોગા. મુઝે મરના મંઝુર હૈ…..લેકિન મેરે ઇલિયાસ કે સામને.’ ઝુબૈદા જાફરભાઇને વળગી પડી. એ ક્યાંય સુધી રડતી રહી. એના આંસું જાફરભાઇનો ખભો ભીંજવતા રહ્યા.
‘હોસ્પિટલ કે કિસી સોલંકી સે મેરી બાત હુઇ હૈ. રિપોર્ટસ એક દો દિન મેં આ જાયેંગે…ઉસ સે પહેલે મૈં સોલંકી સે કહે કર ઇલિયાસ સે તુમ્હારી બાત કરાને કી કોશિશ કરતા હું.’ ઝુબૈદાએ માથું ઊંચું કરીને જાફરભાઇની સામે જોયું. જાફરભાઇએ પોતાની આંખમાં આવેલા આંસુ ઝુબૈદા જોઇ ન લે એ રીતે મોં ફેરવી લીધું. જાફરભાઇ ઝળઝળિયાળી આંખ અને દુઆ માગતા આંસુ સાથે ક્યાંય સુધી સામેની દીવાલ પરની મક્કા મદીનાની તસવીરને જોઇ રહ્યા. એમની એક આંખમાં શ્રદ્ધા અને બીજીમાં સબૂરી હતી….ને બાજુની મસ્જિદમાંથી ઉઠેલો આઝાનનો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો.
(ક્રમશ:)
આ પણ વાંચો…હેં… ખરેખર?!: હળાહળ ઝેરીલા સાપવાળા ટાપુ પર માનવીને પ્રવેશ નથી!