ઉત્સવ

સુખનો પાસવર્ડ : આ હાથવગું સાધન માનવ સંબંધમાં ઊભી તિરાડ પાડી રહ્યું છે…

આશુ પટેલ

થોડા સમય અગાઉ એક મિત્રએ ‘વોટ્સ એપ’ પર એક સરસ વીડિયો મોકલાવ્યો. સોશિયલ મીડિયા પર ક્યારેક ખારા રણમાં મીઠી વીરડીની જેમ ખૂબ સરસ વીડિયો કે મેસેજિસ આવી જતા હોય છે. એવો જ આ એક વિચારપ્રેરક વીડિયો જોઈને વાચકો સાથે એ વાત શેર કરવાનું મન થયું.

એ વીડિયોમાં કેટલીક વ્યક્તિઓ એક રેસ્ટોરાંમાં જાય છે. એ વખતે રેસ્ટોરાં માલિક એમને કહે છે કે ‘સર- મેડમ, જો તમે જમતી વખતે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરો તો તમારા બિલમાં અમે દસ ટકા ડિસ્કાઉન્ટ આપીશું.’
‘ખરેખર? ’એ ગ્રુપમાંથી એક વ્યક્તિ પૂછે છે.

‘હા.’ રેસ્ટોરાંમાલિક જવાબ આપે છે.
‘આ તો સારું છે. અમે ખાતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરીએ.’
‘એના માટે તમારે તમારા મોબાઈલ ફોન મારી પાસે જમા કરાવવા પડશે.’
‘કેમ નહીં ? આ લો! .’
‘થેન્ક યુ, સર. બસ, તમારું જમવાનું બે મિનિટમાં મોકલાવું.’
એ પછી આ ગ્રુપના સભ્યો આપસમાં વાત કરે છે. એક વ્યક્તિ કહે છે: ‘આ સારું છે. મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા માટે દસ ટકા ડિસ્કાઉન્ટ.’
‘ઠીક છે, શું પ્રોબ્લેમ છે? અડધો કલાક ફોનનો ઉપયોગ નહીં કરીએ.’ બીજી વ્યક્તિ કહે છે.
‘ઓકે. તને મુંબઈ કેવું લાગ્યું? ફરવા આવ્યા હતા તો?’
‘મજા આવી… મરીન ડ્રાઈવ ફરવા જેવું છે.’
આ રીતે એ ગ્રુપના સભ્યો ખાતાખાતા અલકમલકની વાતો કરે છે.
ભોજન કર્યા પછી એક યુવાન કહે છે કે ‘તમે બધા કાર સુધી જાઓ, હું બધાંના મોબાઈલ ફોન લઈને આવું છું.’
એ યુવાન કાઉન્ટર પાસે જઈને રેસ્ટોરાંમાલિકને કહે છે:
‘સર, અમારા મોબાઈલ?.’
‘હા,આ લો…. અમારું જમવાનું કેવું લાગ્યું?’ રેસ્ટોરાંમાલિક મોબાઈલ ફોન્સ આપતા પૂછે છે.
‘બહુ જ સરસ સર, ખાસ કરીને આ તમારી ડિસ્કાઉન્ટવાળી ઓફર કમાલની છે.’ યુવાન જવાબ આપે છે અને પછી પૂછે છે: ‘એક વાત પૂછું, સર. તમે આવી ઓફર કેમ રાખી?’
‘અરે, તમને સમજાયું નહીં?’
‘સમજાયું હોય તો તમને કેમ પૂછું?’
‘અચ્છા, એક વાત પૂછું તમને. મને મોબાઈલ ફોન આપતા પહેલાં તમે લોકો શું કરી રહ્યા હતા?’
‘શું કરતા હતા?’
‘યાદ કરો.’
‘સેલ્ફી લઈ રહ્યા હતા, મોબાઈલ ફોન જોતા હતા.’
‘અને મને મોબાઈલ ફોન આપ્યા પછી તમે લોકોએ શું કર્યું?’
‘વાતો કરી.’

‘જો તમે લોકો મને મોબાઈલ ફોન ના આપત તો એટલી વાતો કરત જેટલી મને ફોન આપ્યા પછી કરી?’
‘હવે સમજ્યો સર. બહુ સારો કન્સેપ્ટ છે તમારો અને સાચ્ચે આજે અમે એવી વાતો કરી જે અમે રેગ્યુલર નથી કરતા. આપણને એવું લાગે છે કે આપણે આપણા દોસ્તો વિશે બધું જાણીએ છીએ. આજે જે મારો ફ્રેન્ડ આવ્યો હતો સાગર એણે કહ્યું કે એના ભાઈ-ભાભીના ડિવોર્સ થઈ રહ્યા છે. જો કે અમે રોજ મળીએ છીએ, સર. પણ તેણે આજ સુધી આ વાતો કરી જ નહીં. અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે ફોનમાં વળગેલા હોઈએ છીએ. અને જે વાત કરવી જોઈએ એ રહી જાય છે.’

‘એ શું છે સર, આપણે આ ફોનના એટલા ગુલામ થઈ ગયા છીએ કે એટલે મારા દિમાગમાં આ આઈડિયા આવ્યો અને મેં આ ક્ધસેપ્ટ વિચાર્યો જેથી અમારે ત્યાં આવેલા ગ્રાહકો એકબીજા સાથે વાતો કરી શકે નહીં કે ફોનમાં ચોટેલા રહે.’

‘બહુ સારો ક્ધસેપ્ટ છે આ સર. મને લાગે છે કે આ માટે તમારે ડિસ્કાઉન્ટ આપવાની પણ જરૂર નથી. આ તો અમારી ભલાઈ માટે છે.’

‘જો હું ડિસ્કાઉન્ટ નહીં આપું તો કોઈ મને તેમનો ફોન નહીં આપે.’

‘એ પણ સાચું છે ’

‘મને ખુશી છે કે તમને અમારો આ ક્ધસેપ્ટ પસંદ પડ્યો.’

‘યસ, સર. હું મારા કુટુંબ સાથે અહીં આવીશ, જેથી અમે એકસાથે બેસીને વાતો કરી શકીએ.’

‘જી. જરૂર આવજો.’
આ નાનકડો વીડિયો હૃદયને સ્પર્શી ગયો. મોબાઈલ ફોનને કારણે આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં માનસિક રોગોનો શિકાર બનનારી વ્યક્તિઓની સંખ્યા દિનપ્રતિદિન અકલ્પ્ય ઝડપે વધી રહી છે. મોબાઈલ ફોનને કારણે સામાજિક સંબંધો પર પણ ભયંકર કહી શકાય એ હદે ઊંડી અસર પડી રહી છે.

મોબાઈલ આવ્યા પછી માણસોની જીવનશૈલીમાં અકલ્પ્ય અને આઘાતજનક રીતે વળાંક આવી ગયો છે. મોબાઈલ ફોનને કારણે માણસોની જીવનશૈલી એટલી હદ સુધી પ્રભાવિત થઈ ગઈ છે કે માનવજાતને બે ભાગમાં વહેંચવી હોય તો એવું કહી શકાય કે મોબાઈલ ફોન શોધાયા એ પહેલાની માનવજાતિ અને મોબાઈલ ફોન શોધાયા પછીની માનવજાતિ. મોબાઈલ જાણે આપણા શરીરનું અભિન્ન અંગ હોય એ રીતે દરેક વ્યક્તિના હાથમાં ફોન હોય છે. વળી, મોબાઈલના ઉપયોગ કરતાં એનો દુરુપયોગ એ હદે વધી ગયો છે કે એને કારણે નવા-નવા રોગ પણ ઉત્પન્ન થઈ રહ્યા છે.

એક મોટો વર્ગ તો ઊંઘતી વખતે પણ મોબાઈલ ફોન હાથવગો જ રાખે છે અને રાતે ઊંઘ ઊડી જાય તો પણ જાણે કશુંક છૂટી જવાનો ભય હોય એ રીતે ફોન હાથમાં લઈને ચેક કરવા માંડે છે. માણસો જમતી વખતે પણ મોબાઈલ એક હાથમાં લઈને હડકવડક જમતા થઈ ગયા છે. ક્યારેક કોઈ રેસ્ટોરાંમાં જઈએ તો લગભગ દરેક ટેબલ પર દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. ઘરમાં ડાઈનિંગ ટેબલ પર પણ આવું જ દૃશ્ય …

હવે આ હાથવગું સાધન માનવજાતિ માટે ખતરારૂપ બની રહ્યું છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય એટલી હદ સુધી મોટાભાગના લોકોને મોબાઈલનું વ્યસન લાગી ચૂક્યું છે. આવી સ્થિતિમાં ઉપરોક્ત વીડિયોમાં દર્શાવાયું છે એમ લોકો પાસેથી થોડા સમય માટે કોઈ બહાને મોબાઇલ ફોન લઈ લેવાય તો એમના પર ઉપકાર સમાન સાબિત થઈ શકે.

આપણ વાંચો : સુખનો પાસવર્ડ : સફળતા ને સુખ એ ક્ંઈ એકમેકના પર્યાય નથી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button