જો સકારાત્મકતા સાથે જતું કરવાની ભાવના હોય તો…

જિંદગી જીવવા જેવી બની શકે!
સુખનો પાસવર્ડ – આશુ પટેલ
કચ્છમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં લેખિકા જિજ્ઞા પટેલે થોડા સમય અગાઉ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. એ નાનકડી પોસ્ટમાં તેમણે બહુ ઊંડી અને જીવનમાં ઉતારવા જેવી વાત કહી દીધી હતી. તેમણે તેમની શૈલીમાં લખ્યું હતું:
`બહુ જ નાજુક હોય છે સંબંધ. તૂટી જતાં, છૂટી જતાં સહેજ પણ વાર ન લાગે. પછી ગમે એટલું સમેટો તો પણ કંઈ હાથ ન લાગે. થોડુંક જતન કરતાં આવડવું જોઈએ નહીં તો કોઈ છોડ પરથી એક પછી એક ફૂલ મુરઝાતા જાય, કોઈ વૃક્ષ પરથી પાંદડાઓ ખરી જાય અને બૂઠ્ઠું ઝાડ એકલુંઅટુલું થઈ જાય એવું સંબંધમાં પણ થાય.
આવી સ્થિતિ ટાળવા માટે જીવનમાં ક્યારેક કોઈને મહત્ત્વ આપી દઈએ, ક્યારેક કોઈનું માન જાળવી લઈએ, કોઈની ઈજ્જત કરીએ, કોઈને પ્રેમ આપીએ, કોઈને ગમાડી લઈએ, કોઈને ગમી જઈએ. બાકી બહુ જલદી સરકી જાય છે જીવન… આટલા ટૂંકા સમયમાં કેટલું કરવાનું છે. આમાં કોઈ સામે આંગળી માંડીને ક્યાં સુધી લડવાનું? એના માટે સમય જ નથી! બસ, સારા અનુભવો લેવાના. સારા અનુભવો લેવામાં, ખુશ થવામાં જ બધો સમય વિતાવી દેવાનો. દુનિયા એટલી પણ ખરાબ નથી. થોડાક પોઝિટિવ હોઈએ તો ઘણું મઘમઘતું લાગે. અને (પછી) બસ મજા જ આવ્યા કરે.’
જીજ્ઞા પટેલની એ પોસ્ટ વાંચી હતી એ વખતથી નોંધ ટપકાવી રાખી હતી કે આ મુદ્દે ક્યારેક લેખ લખીશ. આજના સમયમાં મોટા ભાગના લોકોને જતું કરવું નથી. પાડોશી-પાડોશીઓ, સગાંવહાલાંઓ કે કુટુંબના સભ્યો વચ્ચે પણ ઝઘડાઓ ચાલતા હોય છે. ઘણા લોકો નકારાત્મકતા સાથે જીવતા હોય છે. કેટલાક માણસો તો કુટુંબના સભ્યો, સગાંવહાલાંઓ, મિત્રો કે પરિચિતો સાથેના સંબંધોમાં માફિયાગિરી કરતા હોય છે. એ બધા શરતો સાથે સંબંધો રાખતા હોય છે.
એવા લોકો ઘણીવાર કહેતા હોય કે તમારે અમારી સાથે સંબંધ રાખવો હોય તો અમે કહીએ એમ તમારે કરવું પડશે. અમે કહીએ એ રીતે તમારે જીવવું પડશે.’ અથવા તોઅમે કહીએ એ લોકો સાથે તમારે સંબંધ રાખવો પડશે અને અમે ના પાડીએ એ લોકો સાથે તમારે સંબંધ નહીં રાખવાનો…’ આવી વિકૃત મનોવૃત્તિને કારણે તેઓ નકારાત્મકતા ફેલાવે છે અને પોતાની આજુબાજુના સરળ લોકોના મનમાં ય નકારાત્મકતા ભરી દે છે. સતત નકારાત્મકતા ફેલાવતા આવા લોકોથી દૂર રહેવું જોઈએ.
આજના સમયમાં એકબીજાથી જુદા અભિપ્રાયો ધરાવતા માણસો વચ્ચે કડવાશ વધતી જાય છે. પરિચિતો, મિત્રો, સગાંસંબંધીઓના મન પણ ભિન્ન અભિપ્રાયોને કારણે ઊંચા થતા જોવા મળે છે. અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે વાંદરાના હાથમાં તલવારની જેમ સોશ્યલ મીડિયા નામનું શસ્ત્ર તેમના હાથમાં આવી ગયું છે.
જુદીજુદી વિચારધારા ધરાવતા એક સમયના ગાઢ મિત્રો સોશ્યલ મીડિયા પર એકબીજાની વિદ્ધ પોસ્ટ મૂકતા હોય કે એકબીજાની વિદ્ધ કમેન્ટ્સ કરતા હોય એવા કિસ્સાઓની હવે કોઈને સહેજ પણ નવાઈ લાગતી નથી. સોશ્યલ મીડિયાને કારણે દાયકાઓ જૂના મિત્રો કે પાડોશીઓ કે સગાંવહાલાંઓ સહકાર્યકારોના સંબંધો તૂટી ગયા હોય કે તેમની વચ્ચે અબોલા થઈ ગયા એવા અનેક કિસ્સાઓ બને છે.
ઘણા લોકો સોશ્યલ મીડિયા પર લડવા માટેનાં કારણો શોધતા હોય છે અને લડવા માટેનું કારણ ન મળે તો એ કોઈની સકારાત્મકતાવાળી પોસ્ટ પર જઈને ત્યાં પણ ઊંબાડિયાં મૂકીને સકારાત્મક વાતો પોસ્ટ કરનારી વ્યક્તિઓને ટ્રોલ કરતા હોય છે. સોશ્યલ મીડિયા ફ્રેન્ડની અથવા તો ત્રાહિત વ્યક્તિની વિચારધારા સાથે તેમને વાંધો હોય તો તેઓ શાબ્દિક તલવાર લઈને મેદાનમાં ઊતરી પડતા હોય છે.
ઘણા કિસ્સાઓમાં બે મિત્રો વચ્ચે કે કુટુંબના બે સભ્યો વચ્ચે કે બે પાડોશીઓ વચ્ચે કે સગાંવહાલાંઓ વચ્ચે કોઈ મુદ્દે મતભેદ હોય એના કારણે તેઓ બાખડી પડે અને એને કારણે પછી મનભેદ થાય અને પછી વર્ષો કે દાયકા જૂના સંબંધોનો અંત આવી જાય એને બદલે આપણે થોડુંક જતું કરવાની ભાવના રાખીએ, કોઈ વ્યક્તિ કોઈ વાતે સમજવા તૈયાર ન હોય તો તેની સાથે દલીલો કરવાનું બંધ કરીએ અને તેમની વાત સાથે સહમત ન થઈએ, પરંતુ તેમની સાથે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દઈએ તો સંબંધ તૂટતો અટકાવી શકીએ.
આવા સમયમાં જીજ્ઞા પટેલની સહજ-સરળ શબ્દોમાં લખાયેલી પોસ્ટ જીવનમાં ઉતારવા જેવી છે. ક્યારેક કોઈ વ્યક્તિ સાથે મનદુ:ખ કે મનભેદની સ્થિતિ ઊભી થાય તો એ વખતે આપણે પહેલા નક્કી કરવું જોઈએ કે આપણો સંબંધ વધુ મહત્ત્વનો છે કે આપણી વિચારસરણી? જો આપણો સંબંધ વિચારસરણીથી વધુ મહત્ત્વનો હોય તો એ સંબંધમાં થોડુંક જતું કરી દેવાની ભાવના રાખવી જોઈએ.
આપણે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ તો તેની અમુક વસ્તુઓ ન ગમતી હોય એ મુદ્દે ચર્ચા કરવાનું બંધ કરી દઈએ અને જો તે વ્યક્તિ પ્રત્યેના આપણા પ્રેમ કરતા આપણો અણગમો વધુ હોય તો એ વ્યક્તિ સાથે સંબંધ ઓછો કરી નાખવો જોઈએ અથવા તો એ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ. બાકી તેના વિશે ગામ આખામાં નકારાત્મક વાતો કહેતા ફરવાનો કોઈ અર્થ નથી એને કારણ કડવાશ ઓર વધવાની છે.
એટલે આ બધા આ બધી પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાને બદલે આપણે જિંદગીમાં સારા અનુભવ લેવામાં સમય વિતાવીએ, આપણને ખુશી થાય અને આપણા વર્તાવથી આપણી આજુબાજુની વ્યક્તિઓ પણ ખુશ થાય એવી પ્રવૃત્તિઓ કરીએ અને આપણી અંદર સકારાત્મકતા જાળવી રાખીએ અને જતું કરવાની ભાવના ટકાવી રાખીએ તો જિંદગી જીવવા જેવી જરૂર બની શકે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ: જો…જો, મોબાઇલ ફોન કયાંક દુ:ખનો પાસવર્ડ ન બની જાય!



