હેં… ખરેખર?: શ્રીરંગનાથસ્વામી મંદિર એટલે અનન્ય ભવ્યતા વત્તા ઈતિહાસ

- પ્રફુલ શાહ
ક્યાંક ઈન્ટરનેટમાં દાવો થાય છે કે એ દુનિયાનું સૌથી મોટું મંદિર છે. મંદિરની સત્તાવાર વેબસાઈટ પર એવું જ કહેવાયું છે. આ મંદિર છે તામિલનાડુના શ્રીરંગમસ્થિત શ્રી રંગનાથસ્વામી મંદિર. અમુક જગ્યાએ એવોય ઉલ્લેખ મળે કે એ ભારતનું સૌથી મોટું મંદિર સંકુલ છે. જોકે અયોધ્યામાં અતિ ભવ્ય રામ મંદિર બન્યા બાદ કદાચ સૌથી મોટા મંદિર કે મંદિર સંકુલનો દાવો જોખમમાં મુકાઈ જ ગયો છે.
અલબત્ત, આમ છતાં શ્રી રંગનાથસ્વામી મંદિરનું મહત્ત્વ સહેજ પણ ઘટી જતું નથી. આ મંદિરની ભવ્યતા, વિશાળતા, ઈતિહાસ અને શ્રદ્ધા અડીખમ જ રહેવાના. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં ખુદ પ્રભુ વિષ્ણુ શેષનાગ શૈયા પર બિરાજમાન થયેલા દેખાય છે. દ્રાવિડ શૈલીમાં નિર્મિત આ મંદિરની ભવ્યતા આંખને આંજી નાખે એવી છે. ખ્રિસ્તીઓના આસ્થા સમાન શહેર વેટિકનને એક સ્વતંત્ર દેશનો દરજજો અપાયો છે પણ શ્રી રંગનાથસ્વામી મંદિર સંકુલનું કદ વેટિકનથી વધુ છે.
આ મંદિરનું સંકુલ 155 એકર (63 હેકટર) જમીનમાં પ્રસરેલું છે. આમાં 81 મંદિર, 21 ટાવર, 39 પેવેલિયન અને પાણીના અગણિત ટાંકા છે. તિરુચિરાપલ્લીના શ્રીરંગમસ્થિત હોવાથી એને શ્રીરંગમ મંદિર પણ કહેવાય છે. આ મંદિર એક તરફ પવિત્ર કાવેરી નદીથી ઘેરાયું છે તો બીજી બાજુ કોલેરુન (કોલિદમ) નદી છે.
તિરુચિરાપલ્લી શહેરના એક ટાપુ પર આવેલું આ મંદિર સંસારના પાલનકર્તા ભગવાન વિષ્ણુને સમર્પિત 108 મંદિરોમાંનું એક છે. એ દક્ષિણ ભારતનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. અહીં ‘ઠેંકલાઈ’ પ્રથાથી પૂજા કરાય છે. અહીં બિરાજમાન ભગવાન રંગનાથને વિષ્ણુનો અવતાર મનાય છે.
ભારતના મોટાભાગના મંદિર કોઈને કોઈ નદીના તટ પર કાં નદીની નજીક છે. કાવેરી નદીના ત્રણ પટ પર ત્રણ રંગનાથ મંદિર છે: (1) આદિ રંગ-શ્રી રંગપટ્ટણનું રંગનાથસ્વામી મંદિર, (2) શિવન સમુદ્રમનું રંગનાથસ્વામી મંદિર અને (3) શ્રી રંગમનું રંગનાથસ્વામી મંદિર.આમ તો થોડા સમય અગાઉ શ્રી રંગનાથસ્વામી મંદિર દુનિયાનું સૌથી મોટું સક્રિય મંદિર ગણાતું હતું. એમ તો વિશ્ર્વનું સૌથી મોટું મંદિર કંબોડિયાનું ‘આંગકોર વાટ’ છે પણ એ સક્રિય નથી. કમ્બોડિયામાંય ભગવાન વિષ્ણુનું જ મંદિર છે. આ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા માટે 2017ની ત્રીજી નવેમ્બરે શ્રી રંગનાથસ્વામી મંદિરને યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ – 2017 પ્રદાન કરાયો હતો.
આ મંદિરમાં દર વર્ષે એક ઉત્સવ મનાવાય છે. આ વાર્ષિક ઉત્સવમાં દેવ-દેવીઓની પ્રતિમાને ઘરેણાથી સુશોભિત કરાય છે. સ્થાનિક લોકો ભારે ધામધૂમથી એની ઉજવણી કરે છે. અન્ય ઉત્સવ પણ ખરા. ડિસેમ્બર – જાન્યુઆરીમાં વૈકુંઠ એકાદશી ઉજવાય, જે 10-10 દિવસના બે ટુકડામાં મનાવાય છે. પહેલા દસ દિવસને ‘પાગથ પથુ’ કહેવાય. પછીના 10 દિવસને ‘રા પથુ’ ઉત્સવ કહેવાય છે. રા પથુના પહેલે દિવસે વૈકુંઠ એકાદશી ઉજવાય. તમિળ કેલેન્ડરમાં આ ઉત્સવના અગિયારમા દિવસને એકાદશી ગણાય છે, જે દિવસ સૌથી પવિત્ર મનાય છે.
શ્રીરંગમ મંદિર બ્રહ્મોત્સવનું આયોજન માર્ચ – એપ્રિલમાં કરાય છે. આ ઉત્સવના બીજે દિવસે ભગવાનની મૂર્તિને મંદિરના બગીચામાં લઈ જવાય છે. ત્રીજે દિવસે આ પ્રતિમાને કાવેરી નદીથી થઈને જિયાપુર્રમ લઈ જવાય છે.
મંદિરમાં ઉજવાતા અન્ય ઉત્સવોમાં મહત્ત્વનો છે રથોત્સવ. જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં મુખ્ય દેવતાને રથ પર બેસાડીને મંદિરની પરિક્રમા કરાવાય છે. મંદિરમાં પૌરાણિક ગજ-ગૃહ ઘટનાને આધારે ચૈત્ર પૂર્ણિમા ઉજવાય છે. એની પાછળની કથા એવી છે કે મગરના જડબામાં ફસાઈ ગયેલા હાથીને બચાવવા માટે ભગવાન રંગનાથ મદદ કરવા આવે છે.
અહીંના એક – એક મંદિરની પૌરાણિક ગાથા ખૂબ પ્રસિદ્ધ છે. આથી દર વર્ષે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી રહે છે. કહેવાય છે કે આ મંદિર લંકા – વિજય બાદ ભગવાન શ્રીરામે વિભીષણને સોંપ્યું હતું. એની ભવ્યતા – સમૃદ્ધિ એટલી ભવ્ય છે કે અંગ્રેજો, મોગલો અને મરાઠાઓએ પણ લૂંટયું હતું.
હકીકતમાં તો આ કે આવા મંદિર કે પૌરાણિક સ્થળનું શબ્દો થકી યોગ્ય ચિત્ર ઊપસતું નથી. ખરો આનંદ તો વ્યક્તિગત મુલાકાતમાં છે. એમાંય આની પાછળની પૌરાણિક કથાઓ એટલી અચંબિત કરી મૂકનારી છે કે ત્યાં જવા માટે મન લલચાઈ જાય. વિશાળતા, ભવ્યતા, સંસ્કૃતિ, ઈતિહાસ અને આસ્થાના આ સંગમ એક અલગ જ દુનિયામાં લઈ જતા નથી? (ક્રમશ:)
આપણ વાંચો: શૅરબજાર એ કંઈ કસીનો નથી…!



