સ્પોટ લાઈટ : સ્વાર્થ ક્યાં-કેટલો-કેવી રીતે ડોકિયાં કરે…

- મહેશ્વરી
જીવનમાં ઘણી બાબતો સારા વાંચનથી સમજાય છે. એ વાંચન જીવન ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કવિશ્રી બાલાશંકર કંથારિયાની અત્યંત આદર મેળવનારી ‘ગુજારે જે શિરે’ કવિતામાં બહુ સુંદર તત્ત્વદર્શન થાય છે. કવિતાની પ્રત્યેક કડીમાં ફિલસૂફી છલકાય છે. આ અદ્ભુત કવિતામાં એક કડી આવે છે કે ‘અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો, ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.’
એમાં જે ‘ન માગ્યે દોડતું આવે’ પંક્તિનો સાક્ષાત્કાર ઢગલાબંધ લોકોને એકથી વધુ વખત થયો હશે. કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ આપણી નજીક પણ ન ફરકે એવી ઈચ્છા આપણે રાખી હોય ત્યારે એ જ વ્યક્તિ કે એ જ પરિસ્થિતિ આપણી આસપાસ ચકરાવો લેતી, આપણી સામે દાંતિયા કરતી નજરે પડતી હોય છે. હું પણ એનો અનુભવ કરી ચુકી છું, અનેક વાર અને સુનિતા સોનાવાલાના પુનરાગમને એનો ફરી એકવાર પરચો થયો.
જૂઠાબોલી સુનિતાએ યેનકેન પ્રકારે ‘સાચાબોલા જુઠાલાલ’માં ફરી પોતાની ભૂમિકા તો મેળવી લીધી, પણ નાટકના બધા કલાકારોએ આપસી સમજૂતીથી કામ સિવાયની દરેક બાબતે એનાથી અંતર રાખવાનો નિર્ણય સર્વાનુમતે લીધો હતો. એને ઘરે સાથે રહેવા માટે જગ્યા આપી એનો કેવો અકળાવનારો અનુભવ મને થયો હતો એ વાત કોઈથી અજાણી ન હોવાથી વિશેષ કરીને મને ‘સુનિતાથી દૂર રહેવામાં જ શાણપણ છે’ એમ ગાઈ વગાડીને કહેવામાં આવ્યું હતું. હું પણ આ વાત સાથે સહમત હતી અને એટલે એનાથી અંતર રાખીને જ રહેતી હતી. જોકે, પેલી કાવ્ય પંક્તિ અનુસાર ન માગ્યે દોડતું આવે જેવો ઘાટ મારી સાથે થયો.
વાત એમ હતી કે અમારા નાટકના શો ચાલી રહ્યા હતા એ દરમિયાન થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આવી રહી હતી. નાટકના કલાકારો ખાણીપીણી – પાર્ટીના શોખીન જીવ. અકબર ઈલાહાબાદીની અમર રચના ‘હંગામા હૈ કયૂં બરપા થોડી સી જો પી લી હૈ’ મોટાભાગના કલાકારના જીવનનો અભિન્ન હિસ્સો રહ્યો છે.
દર વર્ષની જેમ આ વખતે પણ પાર્ટીનું પ્લાનિંગ થઈ ગયું. જોકે, આ વખતે હતું એવું કે બીજા જ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ અમારે નાટકનો શો લઈ અમદાવાદ જવા રવાના થવાનું હતું. એટલે પાર્ટીના હેંગઓવર અંગે સાવધ રહેવાનું હતું. આ બધી વાતો મગજમાં દોડાદોડ કરી રહી હતી ત્યાં અચાનક સુનિતા મારી પાસે આવી અને મને વિનંતી (જેમાં આગ્રહ વધારે હતો) કરવા લાગી કે,
‘મહેશ્વરી બહેન, થર્ટી ફર્સ્ટની પાર્ટી કર્યા પછી હું તમારે ત્યાં જ રોકાઈ જઈશ, કારણ કે બીજે દિવસે આપણે બોરીવલીથી જ ટ્રેન પકડવાની છે. એટલે મને અનુકૂળતા રહેશે.’
મને મનમાં વિચાર આવ્યો કે આ બાઈ પોતાની અનુકૂળતાના ઢોલ પીટી રહી છે, પોતાની સગવડનો વિચાર કરી રહી છે. પણ હદ કહેવાય કે રોકાવું છે મારા ઘરમાં પણ એનું રોકાણ મને અનુકૂળ – પ્રતિકૂળ છે કે મને અગવડ પડશે કે નહીં એનો વિચાર સુધ્ધાં નથી કરી રહી. માણસનો સ્વાર્થ ક્યાં, કેટલો અને કેવી રીતે ડોકિયાં કરશે એ સમજી નથી શકાતું. સુનિતા મારી સાથે વાત કરી હતી ત્યારે જતીન કાણકિયા અને બીજા કલાકારો બધું સાંભળી રહ્યા હતા.
એ જરા આઘીપાછી થઈ ત્યાં બધા મને કહેવા લાગ્યા કે ‘મહેશ્વરી બહેન, ભૂલનું પુનરાવર્તન નહીં કરતા. ચોખ્ખી ના પાડી દેજો.’ સાથી કલાકારોની મારા માટે કાળજી જાણી અને આનંદ થયો પણ સાથે સાથે મને સુનિતાના બાલિશ સ્વભાવ પર હસવું પણ આવી રહ્યું હતું. હળાહળ જુઠ્ઠું બોલી મને મુશ્કેલીમાં મૂક્યા પછી મારી પાસે જ આશ્રય માગવાની હિંમત આ સ્ત્રી કરી રહી હતી એ વાતનું મને અચરજ થઈ રહ્યું હતું. ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ’ એ કહેવત અનુસરી ‘ના, જરાય ચિંતા ન કરશો. હું એને ના પાડી દઈશ’ એવી હૈયાધારણ મેં સાથી કલાકારોને આપી.
એટલે સુનિતા પાછી મારી પાસે આવી મારી સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગી એટલે હું સમજી ગઈ કે મારે ત્યાં રાત રોકાઈ જવા માટે મારા આમંત્રણની એ રાહ જોઈ રહી છે. જોકે, મેં એને સાફ શબ્દોમાં કહી દીધું કે ‘હું તો પાર્ટીમાં આવવાની નથી અને રાત્રે મારી દીકરીના ઘરે રોકાવા જવાની છું. એટલે તું તારી વ્યવસ્થા કરી લે.’ મારા આવકારની અપેક્ષા રાખતી સુનિતા મારો જવાબ સાંભળી સહેજ ચોંકી ગઈ ખરી, પણ ઊંડે ઊંડે એને મારો નકાર આવશે એનો અંદાજ તો હશે જ. ‘વાવે તેવું લણે અને કરે તેવું પામે’ કહેવત એ જાણતી હતી કે નહીં એ ખબર નહોતી, પણ એનો અનુભવ ચોક્કસ લઈ રહી હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે અમારો કાફલો ઊપડ્યો ગુજરાતની ટૂર કરવા. અમદાવાદ અને બીજે કેટલેક ઠેકાણે શો કરી અમે એકાદ મહિના બાદ પાછા ફર્યા. જોકે, મુંબઈ આવ્યા પછી એ નાટક બંધ થઈ ગયું જેનો અણસાર તો આવી જ ગયો હતો. રંગભૂમિ પર કેટલાક વર્ષ ગાળ્યા પછી પ્રેક્ષકોનો પ્રતિસાદ અને અન્ય વાતચીતના આધારે નાટક કેટલી મજલ મારશે એનો અંદાજ આવી જતો હોય છે, એની કોઠાસૂઝ કલાકાર – કસબીઓમાં આવી જતી હોય છે. જરૂર નથી કે દર વખતે અનુમાન સાચું પડે, પણ ખ્યાલ જરૂર આવી જાય છે.
અલબત્ત, મારા જીવનની વાત કરું તો રંગભૂમિ પર ભજવાતાં નાટકોનું વહેણ કઈ દિશામાં કેટલું આગળ વધશે એનો જેમ ખ્યાલ આવી જતો હતો એ જ રીતે અંગત જીવનમાં પણ વળાંક આવશે, કશુંક બદલાઈ જશે એનો અણસાર મને આવી જતો. મોટેભાગે મારી ધારણા – અનુમાન સાચા સાબિત થતા હતા.
ક્યારેક આનંદ થતો પણ મોટેભાગે વ્યથા જ થતી. જોકે, ક્યારેય હું વ્યથાથી ભાંગી નથી પડી. દીકરાના આગ્રહથી એના નવા ઘરમાં રહેવા તો આવી ગઈ, પણ બધું બરાબર નથી એવું મને સતત લાગી રહ્યું હતું. ના, દીકરા તરફથી કોઈ કરતા કોઈ સમસ્યા નહોતી. એને તો મારા માટે અફાટ લાગણી હતી, આજની તારીખમાં સુધ્ધાં એ અકબંધ છે, પણ…
પણ એ હવે પરણી ગયો હતો. નોકરી માટે તેને એક મહિનો મુંબઈના ઘરમાં અને એક મહિનો બહાર રહેવું પડતું હતું. એની પત્ની પણ નોકરી કરતી હતી. દીકરો જેવો એક મહિના માટે બહાર જાય એટલે એની પત્ની પિયરમાં રહેવા ચાલી જતી. જોકે, ઘરમાં એકંદરે એવું વાતાવરણ હતું કે આજે નહીં તો કાલે, મારે આ ઘરમાંથી નીકળી જવું પડશે એવું લાગતું હતું. આખરે એ દિવસ આવી ગયો.
દીકરાનો ફોન આવ્યો અને ઔપચારિક વાતચીતને બદલે બોલ્યો કે ‘મમ્મી, તું ચેરી (મારી દીકરી દર્શના)ના અંધેરીના ઘરે રહેવા જતી રહે.’ મેં સામે એક હરફ ઉચ્ચાર્યો નહીં, એક સવાલ ન કર્યો કે ખુલાસો ન માગ્યો કે કેમ મને ઘરમાંથી નીકળી જવા કહે છે? ‘હા, હું જતી રહીશ’ એટલું કહીને ફોન મૂકી દીધો.
પત્ની માટે માને દરવાજો દેખાડવો પડે એ આધુનિક સમાજ વ્યવસ્થાનું લક્ષણ છે એ હું સમજતી હતી. આમ પણ ઘર છોડવું એની જીવનમાં મારા માટે કોઈ નવાઈ નથી રહી. કવિશ્રી બાલાશંકર કંથારિયાની કવિતાની ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે! પંક્તિઓ ગણગણી લીધી અને મનમાં હળવાશનો અનુભવ થયો.
અને હું દીકરી ચેરીના ઘરે રહેવા જતી રહી. હવે શું કરવું એવો વિચાર કરી રહી હતી ત્યાં ગુજરાતી ફિલ્મો, ટીવી સિરિયલ અને નાટકોની અત્યંત જાણીતી અને આદરણીય અભિનેત્રી રાગિણીનો મને ફોન આવ્યો કે ‘મહેશ્વરી બહેન…’
વાઘજીભાઈ ઓઝા: રંગભૂમિના ઓલરાઉન્ડર
મોરબીના બ્રાહ્મણ બંધુઓ વાઘજીભાઈ તથા મૂળજીભાઈ આશારામ ઓઝાએ ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની આર્ય સુબોધ નાટક મંડળીના નામ આગળ ‘મોરબી’ શબ્દ ઉમેરી મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના નવા નામે નાટ્ય પ્રવૃત્તિ શરૂ કરી હતી. નાટકના માધ્યમથી દર્શકોને મનોરંજનની સાથે કોઈ સંદેશો મળે, બોધપાઠ મળે એવા આશય સાથે આ કંપનીએ કાઠિયાવાડ અને ગુજરાત તથા મુંબઈમાં નાટકની ભજવણી કરી અફાટ લોકપ્રિયતા મેળવી હતી.
આ સફળતા અને વિશાળ લોક્ચાહનાને પગલે મોરબી આર્ય સુબોધ નાટક મંડળીએ ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. એ સમયમાં બ્રાહ્મણ યુવાનો આ મંડળીમાં નાટક કરવા ખૂબ જ ઉત્સાહિત હતા. તેમણે નાટકોમાં પ્રયોગ કરવા ઉપરાંત એક મહત્ત્વનું કામ એ કર્યું કે તત્કાલીન રંગભૂમિ પર જોવા મળતી બિભત્સતા અટકાવવા બનતી બધી જ કોશિશ કરી.
મંડળીમાં નિયમિતતા, નટ માટે સંગીત તાલીમ આવશ્યક અને ધાર્મિક અથવા ઐતિહાસિક નાટકોની જ ભજવણી કરવાની જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. વાઘજીભાઈ ખરા અર્થમાં ઓલરાઉન્ડર હતા. કંપનીના માલિકની જવાબદારી સંભાળવા ઉપરાંત તેમણે નટ, લેખક અને દિગ્દર્શક તરીકે જવાબદારી પણ ઉપાડી લીધી અને એમાં સફળતા સુધ્ધાં મેળવી. વાઘજીભાઈએ ભજવેલા નાટકોમાં ‘ભર્તૃહરિ’ વિશેષ આદર પામ્યું હતું.
એના નાટ્ય તત્ત્વથી પ્રભાવિત થઈને કે પછી અન્ય કોઈ કારણસર નાટકમાં વાઘજીભાઈ ભર્તૃહરિના પાઠમાં શુદ્ધ સોનાનો અછોડો પહેરી અભિનય કરતા હતા. નાટકને મળેલી પારાવાર સફળતાથી અનેક લોકોને વૈરાગ્ય થયો હોવાની નોંધ છે. વડોદરા નરેશ સયાજીરાવે તેમના નિવાસમાં વાઘજીભાઈના નાટકોની ભજવણી કરી મોટી ધન રાશિ આપી બહુમાન કર્યું હતું. વાઘજીભાઈના અન્ય નાટકમાં ‘ચાંપરાજ હાડો’, ‘ત્રિવિક્રમ’ અને ‘ચંદ્રહાસ’ મુખ્ય છે.