આધુનિક ગઝલના પ્રણેતા શેખાદમ આબુવાલા | મુંબઈ સમાચાર
ઉત્સવ

આધુનિક ગઝલના પ્રણેતા શેખાદમ આબુવાલા

રમેશ પુરોહિત

નાચી ઊઠી સુગંધને ઝૂમી ઊઠયો પવન
તમને નિહાળી ફૂલના રંગો હસી પડયા

કવિતા જગતમાં સ્વીકૃતિ મળતાં વખત લાગે છે. કવિ બહુશ્રુત હોય તો તેમને ઉચ્ચતમ સ્તરેથી સ્વીકૃતિ મળે છે. આવી સહજ સ્વીકૃતિ શેખાદમ આબુવાલાને પ્રથમ સંગ્રહ ‘ચાંદની’ના પ્રકાશન વખતે 1953માં મળી હતી. ગુજરાતના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ પ્રસ્તાવનામાં જે લખ્યું તે કવિને સમજવા માટે સહાયભૂત થશે.

ઉમાશંકરે લખ્યું હતું કે ‘ભાઈ શેખાદમ આબુવાલાની કવિતા માટે મને ઘણી આશા રહી છે. ગઝલમાં તેમજ સંસ્કૃત છંદોમાં-બંનેમાં એમને સારી ફાવટ છે. એમનું પહેલું કાવ્ય-નાનાલાલ કવિ ઉપરની એક ‘પૃથ્વી’ છંદમાં લખેલી સુંદર સૉનેટ-જોઈને જ એમની રચનાશક્તિ વિષે હું ઉત્સુક બન્યો હતો. ગઝલમાં અને સંસ્કૃત છંદોમાં પ્રયોગ કરવાની એમને આદત છે. આ સંગ્રહમાં નાનામાં, નાના માપની કૃતિથી શરૂ કરી લાંબા માપની ‘પ્રેમ કહાની’ સુધીની કૃતિઓમાં એમની પ્રયોગપ્રીતિ જોવા મળે છે.’

ગુજરાતી ગઝલ શયદા સાહેબની સરદારી હેઠળ ઉર્દૂ-ફારસી શબ્દોનો સહારો ઓછો કરીને ગુજરાતી પદાવલિઓ પ્રયોજવાની પેરવીમાં રમમાણ હતી ત્યારે અમદાવાદના આકાશમાં શેખાદમ આબુવાલા નામના નવયુવાન શાયરનો ઉદય થાય છે. શેખાદમ સમકાલીનોથી એ વાતે નોખા તરી આવતા હતા. એમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો. ગુજરાતી એમનો વિષય હતો. ઉમાશંકરભાઈએ નોંધ્યું છે કે ‘ગુજરાતી ભાષાને અને જોડણીની શુદ્ધિ માટે એમની ચીવટ પ્રશંસાપાત્ર છે.’

શેખાદમ વ્યવસાયે પત્રકાર હતા. અમદાવાદમાં એક અખબારમાં હતા ત્યારે તેમની સાથે માધવસિંહ સોલંકી પણ હતા. બન્ને વચ્ચે અતૂટ મૈત્રી. માધવસિંહ સુખનફહેમ હતા. એટલે શેરોશાયરીની મિજલસ ચાલતી રહી. પછી ઘણાં વર્ષો જર્મનીમાં અને યુરોપમાં ગાળ્યા પછી પાછા આવ્યા ત્યારે માધવસિંહભાઈ મુખ્ય પ્રધાન બની ગયા હતા. એ વખતે આખા ગુજરાતમાં માધવ સિંહભાઈને તુકારે બોલાવનાર એક જ વ્યક્તિ હતી અને તે શેખાદમ.

યુરોપથી સ્વદેશાગમન વખતે ત્યાં કોઈએ પૂછયું કે શેખાદમ તું ઈન્ડિયા શા માટે જાય છે ત્યારે એમણે જવાબ આપ્યો કે ઈન્ડિયામાં મારી મા છે. જોકે અમદાવાદ પાછા આવ્યા પછી તબિયત સારી ન રહી. એવા વખતે માધવ સિંહભાઈએ બધી જ સારસંભાળ રાખી હતી અને ઈન્તેકાલ થયો ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાને પોતાના દોસ્તને કાંધ આપી હતી.

શેખાદમે કવિતા, ગઝલ ગુજરાતી, હિન્દી અને ઉર્દૂમાં નોંધનીય પ્રદાન કર્યું છે. ‘ચાંદની’, ‘સોનેરી લટ’, ‘અજંપો’, ‘તાજમહાલ’ ‘ઘિરતે બાદલ, ખુલતે બાદલ’ (હિંદી), ‘અપને ઈક ખ્વાબ કો દફના કે અભી આયા હૂં’ – ઉર્દૂ ગઝલ સંગ્રહ, ‘ખુરશી’, ‘હવાની હવેલી’, ‘સનમ’ એ એમના કાવ્ય સંગ્રહો છે. બધા પુસ્તકોના દીવાનનું નામ ‘આદમથી શેખાદમ સુધી’ રાખવામાં આવ્યું છે.

આ ઉપરાંત શેખાદમે દસ નવલકથાઓ આંતરરાષ્ટ્રીય અનુભવ કથાઓ, શ્રેષ્ઠ જર્મન વાર્તાઓને ગુજરાતીમાં અનુવાદ અને એમણે લીધેલી મુલાકાતોનો સંગ્રહ ‘તસવીર દિખાતા હૂં’ નામથી પ્રગટ કર્યાં છે.

આપણે નોંધ્યું તેમ શેખાદમ સૌ પ્રથમ પત્રકારનો જીવ હતા. જર્મન રેડિયો પર વર્ષો સુધી કામ કર્યું અને યુરોપની હવામાં ગુજરાતી ગઝલો લખી. અનુભવને શબ્દોમાં અંકિત કરવાનું કામ સહેલું નથી. જાત સાથેની વાત જેવી ‘હમ ભી ક્યા યાદ કરેંગે…’ શીર્ષકથી ડાયરી પણ લખી છે. આમ ગઝલને ત્રણ ભાષામાં અવતારી, સંસ્કૃત છંદો સાથે કાવ્યો લખ્યાં અને સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કર્યું. આમ છતાં સવિશેષ ગઝલકાર તરીકે પ્રખ્યાત છે.

ઘાયલ, શૂન્ય, મરીઝ, સૈફ અને બેફામની ગઝલો પછી ગુજરાતી ગઝલના ક્ષેત્રે હરીન્દ્ર દવે, ચિનુ મોદી, રાજેન્દ્ર શાહ, મનોજ ખંડેરિયા અને ભગવતીકુમાર શર્મા ગઝલો અને ગીતોનો સમન્વય કરી શકયા એ વાતની નોંધ લઈએ તો કહેવું પડે કે એની પૂર્વભૂમિકા તો શેખાદમ આબુવાલાએ જ બાંધી આપી હતી.

ચિનુ મોદીએ આ વાત જરા જુદી રીતે એમના સંપાદન ‘આદમથી શેખાદમ’ સુધીમાં નોંધતા કહ્યું છે કે ‘Classical’ એવા ગુજરાતી સાહિત્ય સાથે ગઝલનો Icebreak શેખાદમને કારણે જ થયો. એણે સંસ્કૃત છંદોમાં ગઝલના કરેલા પ્રયોગ આ દિશાભણી લઈ ગયા. ગઝલ એ ગુજરાતી કવિતાનો જ અવિનાભાવ સંબંધે જોડાયેલો પ્રકાર છે- એ પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય વિવેચકોને સમજાવવાના અભરખા વગર એ પ્રયત્નશીલ બન્યો હતો.’

ઉમાશંકર જોશીએ શેખાદમની ભાષાની ચીવટની વાત કરી. શેખાદમ રોજ બોલાતી ભાષાના સતત સંપર્કમાં હતા. લોકોને સમજાય એવી ભાષા એમને પત્રકારત્વમાંથી મળી હતી. ઉર્દૂ – હિંદીના જ્ઞાનને એમણે ગુજરાતીમાં દેખાડયું નથી. ગુજરાતીમાં રૂઢ થયેલા મુહાવરાઓ, કહેવતો અને લઢણોને એમણે ગઝલના રંગમાં વણીને ગઝલની એક નવી ભાષા વિકસાવી છે. થોડાંક ઉદાહરણ જોઈએ:

પ્યારની રંગીન લત મોંઘી પડી
આગ સાથેની રમત મોંઘી પડી

દિલ તમારું જોઉં કેવું છે ટકાઉ
હું તપાસ્યા બાદ લઉં છું માલને

મુહબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા
મળે છે કોઈ એક જ પ્રેમીને સાચી લગન દિલની
બધાયે ઝેર પીનારાઓ કૈં શંકર નથી હોતા

મેં વસંત પાસેથી
એક ફૂલ માગ્યું છે
એટલે જ તો ખોટું

હૂં પડયો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં
કે પછી એવું નથી બન્ને છીએ કે વ્હેમમાં

શેખાદમમાં રજૂઆતની નવીનતા હતી. એમને પ્રયત્નો કરવા નહોતા પડયા. ‘બધાયે ઝેર પીનારાઓ કૈં શંકર નથી હોતા’ એમાં ઉક્તિની નવીનતા છે અને સાથે દૃષ્ટિની પણ નવીનતા છે. પાનખરને ખોટું લાગવાની વાતમાં એક આગવી નવીન ઢબ છે. શબ્દની ઉપાસના કરી હોય તેને શબ્દનો મહિમા સમજાય.

ગઝલ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે એટલે સભારંજની શેરોની ભરમાર વચ્ચે અકળાઈ જવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કવિતા કે ગઝલમાં છંદ અને બાહ્ય બંધારણ છે પણ આ મર્યાદા અતિક્રમીને ગઝલના હાર્દમાં પહોંચવું જરૂરી છે. કહેવાનો અંદાજ સરસ હોય, ચિત્રાત્મકતા અને ચોટદાર ઉક્તિથી શેરનું નકશીકામ થયું હોય પરંતુ ખયાલનું નૂર ન હોય તો ગઝલિયતની સોનાની થાળીમાં લોખંડની મેખ બને છે.

શેખાદમ કવિચેતનાની એક ચોક્કસ ભૂમિકા પર પહોંચીને સર્જન કરે છે એટલે એની ગઝલમાં સૌન્દર્ય બોધ થાય છે. એમની પાસે એક પોતીકી અભિવ્યક્તિ છે. એ તૂટેલા-ફૂટેલા અને તળિયે આવી ગયેલા જામની વાત નથી કરતો. પીવામાં તો સમયનું ભાન ન હોય, એમાં ઉતાવળ ન હોય એટલે શેખાદમ કહે છે તેમાં ખયાલનું નૂર છે:

જામ લૈને ઝૂમું છું
ચાંદનીને ચૂમું છું
જિન્દગીને માણું છું
અપ્સરાના નર્તન સમ-
પ્રેમીજનના વર્તન સમ
જિન્દગી સમાલું છું

ગઝલ એ પ્રેમની વાણી છે અને તેમાં મારિફત – આધ્યાત્મિકતા રસાયણ બનીને સહજ રીતે અવતરે તો સૌન્દર્યબોધ થાય છે. સંસારની વાત બધા કરે છે અને દુનિયા રંગરંગીલી હોવા છતાં દુન્વયી હોવાને રવાડે ચડનારાઓની કમી નથી. શેખાદમ દુનિયાના દુ:ખોની ખબર રાખીને આશા વ્યક્ત કરે છે. વાસ્તવિકતા પર ગઝલને લઈ જવાની આ વાત છે:

જીત જેવું નથી હકીકતમાં
એક રંગીન હાર છે દુનિયા
પ્રાણ એ દેહનું મિલન સ્થળ છે
કોણ કહે છે અસાર છે દુનિયા

વતન છોડીને પારકા દેશમાં વસાહતી બની ગયેલા સર્જકોની વાત ન કરીએ તો એમ કહી શકાય શેખાદમ લગભગ સત્તર વર્ષ જર્મનીમાં અને યુરોપના બીજા દેશોમાં રહ્યા. વતનથી દૂર પોતાની માતૃભાષામાં સતત સર્જન કરવું અને જનની તથા જન્મભૂમિનું શ્વાસે શ્વાસે સ્મરણ કરવું એ અનન્ય ઘટના છે.

અમદાવાદના પ્રખર તાપમાં પનપેલી શેખાદમની ગઝલો યુરોપના ઠંડાગાર તડકામાં લાલિમા ધારણ કરે છે. આ લાલિમા છે ગઝલના જીવાનુભૂત તત્ત્વ પ્રેમની, પ્રણયની અને પ્યારની.

દરેક પ્રકારના સાહિત્યમાં અને સવિશષ ગઝલમાં પ્રણયની ઉત્કટતા અને તેની અભિવ્યક્તિ હોવાની જ. શેખાદમ કલ્પનામાં રાચવાને બદલે પોતાના સ્વાનુભવની નક્કર જમીન પર કદમ માંડે છે અને ભાવકના મન સુધી પહોંચે છે.

પ્રથમ ગઝલ સંગ્રહ ચાંદની 1953માં આવે છે પછી 1959માં અજંપો, સોનેરી લટ અને તાજમહલ 1972માં આવે છે. હવાની હવેલી 1978માં અને સનમ 1984માં પ્રગટ થાય છે. પ્રણયના રાગ, ફાગ, વિરાગ અને અજંપાને પડછાયે આ બધા સંગ્રહો આપણા ગુજરાતના અને દેશ-પરદેશની સુખદ-દુ:ખદ સ્મૃતિઓને સંગોપે છે.

‘સોનેરી લટ’ એ કોઈ આંગ્લ કમનીય ક્ધયાની કેશ રાશિનું વર્ણન નથી, પણ પ્યારની અને તેના પગલે આવતા વિરહની વિખરાયેલી ઘટાઓનું અનુભવે મળેલું સ્વાભાવિક સર્જન છે. શેખાદમ પોતાની કલ્પનાને મળેલા સાકાર પરિવેશમાં આપણને આ રીતે લઈ જાય છે:

હુંય કેવો છું ખુશનશીબ જુઓ
મારી કલ્પિત કથાને સાર મળ્યો
સાત સમંદર પાર વસનારી
એક સોનલ પરીનો પ્યાર મળ્યો

એ આ પ્યાર મળ્યા પછીની ક્ષણોને કોઈ પણ જાતના બળાપાઓ ઠાલવ્યા વગર બહુ જ સુક્ષ્મ રીતે આદમ આ રીતે વર્ણવે છે:

કોઈના ગોરા ચરણમાં દિલ ધર્યું
ઓ રે કાળા માનવી આ શું કર્યું?

આ પ્રશ્નાર્થ પાસે શેખાદમ અટકતો નથી. આ કવિની પોતાની એક ખુમારી છે, ખુદવફાઈ અને ખુદ્દારીના માલિમ એવા શેખાદમ પાસેથી જ આવો શેર મળી શકે:

આ સૂરજ જેવા સૂરજથી હું આંખ મિલાવી જાણું છું
એ આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું

ભિન્ન ભિન્ન બાગોમાં ઘૂમતો ફરું છું હું
હોઈ એ કળી કે ગુલ – ચુમતો ફરું છું હું

મૃત્યુ કેરી ખીંટી પર જિન્દગીને ટિંગાવી
કોઈ પ્યારી મસ્તીમાં ઝૂમતો ફરું છું હું

શેખાદમનું વ્યક્તિત્વ આકર્ષક હતું. હંમેશાં સ્મિત ફરકાવતો પાણીદાર ચહેરો, વાત કરવાની અનોખી છટાથી એ પારકાં પોતાના કરી શકતો હતો. પોતાની પ્યારી મસ્તીમાં એક અલગારી અસ્તિત્વના માલિક શેખાદમના શબ્દો સચોટતાની ધરતી પર આવે છે એટલે આપણને પ્રતીતિજનક લાગે છે જેમ કે:
એ તો સત્કારે છે દુ:ખને ગમને આંસુઓને સદા
કોણ કહે છે માનવી ધરતી પર મહેમાન છે

ગમ નિરાશા દર્દ બેચેની ને આંસુઓ
જીવવા માટે જુઓ કેવો સરસ સામાન છે
કવિનું હૃદય ભીની ભીની લાગણીઓ અને રેશમ જેવા સ્પંદનોથી તરબતર હોય તો એ જે કંઈ આપે એમાં દિલહર અને દિલકશ લાગણીની લ્હાણી હોય છે. શેખાદમ પાસે શબ્દો જીવંત થઈ જાય છે. એનામાં શબ્દદૃશ્યો પ્રકટાવવાની સૂક્ષ્મ સમજ છે, જેમ કે:
કેવી સુંદર રમ્ય ચંચળ ને મનોહર ચાંદની
રાત થઈ જાઉં મળે જો જિંદગીભર ચાંદની

છે સુરખી ખુશીની રંગોમાં અરમાનની ખુશ્બૂ અંગોમાં
શા હાલ થયા છે ફૂલોના આ કળિયો ન જાણે તો સારું

સુગંધીમાં ને રંગોમાં ને કળિઓના ઉમંગોમાં
ચમનમાં ચોતરફ વેરી દીધા અરમાન ફૂલોએ

નાચી ઊઠી સુગંધ ને ઝૂમી ઊઠયો પવન
તમને નિહાળી ફૂલના રંગો હસી પડયા

શેખાદમની શૈલી નોખી અને અનોખી છે. એ સીધી અને સરળ છે. એ જે કંઈ કહે છે તેમાં દિલની સચ્ચાઈનો પડઘો પડે છે. એ જેને ચાહે છે તેને તહેદિલથી પ્યાર કરે છે. શેખાદમમાં આડંબર, દંભ અને અભિમાન નથી – એનો માનવપ્રેમ અને દેશપ્રેમ વિશ્ર્વપ્રેમ સુધી વિસ્તરે છે. જુઓ આ શેર:

મને ઊંચી મુહબ્બત છે સદા મારા વતન માટે
છતાં એથી અધિક ઊંડી જગતના સર્વજન માટે

શેખાદમની ગઝલોમાં તસવ્વુફ એટલે અધ્યાત્મવાદ ક્યાંક છાને પગલે આવે છે પણ શેખાદમ ગઝલના રંગનો અને રંગીનીનો શાયર છે અને એમણે મારિફતના મહેલમાં પરાણે પ્રવેશવાની કોશિશ પણ ક્યારેય નથી કરી.

શેખાદમ ‘ખુરશી’ જેવા સંગ્રહમાં સમાજની હાલત જોઈને વિચલિત થાય છે અને સાંપ્રત સત્તા – લોલુપતા પર ચાબખા મારે છે અને વીંધી નાખે એવા વેધક કટાક્ષો છોડે છે. સમાજ પ્રત્યેની એમની ખેવના અને દેશદાઝના અહીં દર્શન થાય છે.

શેખાદમ આબુવાલા એક નામ નથી પણ ગુજરાત સાહિત્યની યુનિવર્સિટી છે. એમણે નાખેલા સદ્ધર પાયા પર આજે ગઝલની ઈમારત ઊભી છે. આધુનિક ગઝલના પ્રણેતા શેખાદમે ગુજરાતી કવિતા સાહિત્ય અને વાર્તા સાહિત્યને નવા રૂપ-રંગ આપીને સજાવ્યાં છે. એમણે ગુજરાત, ગુજરાતી અસ્મિતા અને ભાષાને પારાવાર પ્રેમ કર્યો છે.

આવા અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતા આ શાયરે પોતાની સરળ અને પ્રવાહી બાનીમાં ગઝલને ગાતી કરી છે. કહેવાની રીત નોખી છે, શૈલી પોતીકી છે એટલે શેખાદમનું પ્રદાન શાશ્ર્વત બની રહેશે એવી શ્રદ્ધા છે. છેલ્લે એમનો યાદ રાખવા જેવો શેર:

મુહબ્બત પાસેથી આ ભેટ સુન્દર લૈને આવ્યો છું
હું મારા બે નયનમાં સાત સાગર લૈને આવ્યો છું.

આ પણ વાંચો…ઊડતી વાતઃ એના કલેજાને ક્યારે ટાઢક વળી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button