સર્જકના સથવારે : હનીફ સાહિલની ગઝલ : ટહુકાની આસપાસ

રમેશ પુરોહિત
એક દિલકસ પયામ યાદ રહે નમ્ર નમણી સલામ યાદ રહે
જેમની ગઝલસૃષ્ટિ ભાવવૈવિધ્યથી ભરેલી હોય. શબ્દો અને ભાવની સુકુમારતા, કુમાશ અને ઋજુતા હોય. જે શાયરને પોતાના રસ રસાયણને વિષય, ભાવ, ઊર્મિ, વિચાર, લાગણીની ખરલમાં ઘૂંટીને કુદરત સર્જકતાથી છલોછલ ગઝલ કંડારવાની રચનારીતિ સહજ હોય એવા ગઝલકારો આંગળીના વેઢે ગણી શકાય એવા જ. આમાં સર્જક હનીફ સાહિલ આગલી હરોળમાં છે.
હનીફ સાહિલે શરૂઆત ઉર્દૂ ગઝલથી કરી હતી અને મુશાયરામાં શરીફ થતા હતા. આવા એક મુશાયરામાં કવિ આદિલ મન્સૂરીએ કહ્યું કે તમારી જરૂરત ગુજરાતી ગઝલમાં છે.
તમે ગુજરાતીમાં ગઝલ લખો. ત્યારથી હનીફભાઇએ પાંચ દાયકા સુધી ગઝલગુર્જરીની અખંડ સાધના કરી અને માતબર પ્રદાન આપ્યું.
આ એકાંતપ્રિય અને મિતભાષી શાયરનું નામ હનીફખાન મોહમંદખાન પઠાણ હતું. હનીફનો જન્મ પેટલાદમાં થયો હતો. પેટલાદમાં મોટા થયા ત્યાં રહીને બી.એસ.સી., બી.એડ્ થયા. પહેલા રાધનપુરમાં અને પછી સુરેન્દ્રનગર જિલ્લાના સાવ છેવાડાના અને ખાટપાટ ધરાવતા દસાડામાં શિક્ષક તરીકે જોડાયા.
આ કવિ માટે પૃથ્વીની અફાટ વિશાળતા ઉપકારક નીવડી અને સર્જનનો મીઠો ફાલ મબલખ ઊતર્યો. શિક્ષણ કાર્ય કરતા કરતા એમ. એસસી, એમ. એડ્, કર્યું પછી ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સોનાવાલા હાઇસ્કૂલના જીવવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવાઓ આપી 2004માં નિવૃત્ત થયા.
એમણે મહેમદાવાદને પોતાનું હંમેશનું વતન બનાવી દીધું હતું. સમૃદ્ધ સાહિત્યવૈભવનો વારસો આપીને આ શાયર 9 જૂન 2019માં અવસાન પામ્યા.
સમૃદ્ધ વારસાની વાત એટલા માટે કરી કે એમની સમગ્ર કવિતાના પુસ્તકમાંથી જાણવા મળે છે કે એમણે કેટલું પ્રદાન કર્યું છે. મૂળ ઉર્દૂ શાયર એમનો પ્રથમ ઉર્દૂ, સંગ્રહ ‘બિખરતી સાઅતો કા સિલસિલા’ ઇ.સ. 2013 અને ‘ગુમ શુદા સાઅતો કી તલાશ’ ઇ.સ. 2016ને ગુજરાતી ઉર્દૂ સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ પુસ્તકોના પુરસ્કાર અપાયા હતા. ‘હસરતે અઝે’ તમન્ના (ઇ.સ. 2013)માં તેમની ઉર્દૂ રચનાઓ ગ્રંથસ્થ થઇ છે. સર્જન કરતાં કરતાં સમાંતરે આ અભ્યાસી શાયર અવલોકન, વિવેચન, પરિશીલન, ભાવાનુવાદ અને આસ્વાદ પ્રવૃત્તિમાં હંમેશાં કંઇ કંઇ નવું આપતા રહેતા. એમણે ઉર્દૂ ગઝલોનું સંપાદન ‘નઇ ગઝલ કા મંઝરનામા’ ગ્રંથમાં કર્યું છે. તેમના વિવેચનના પુસ્તક ‘તેહકીકો તકસીર’ (ઇ.સ. 2015)ને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘બારણે ટકોરાં’ (ઇ.સ.2009)માં તેમણે આપણા ગુજરાતના ઊંચા દરજ્જાના શાયર મોહમદ અલવીની ઉર્દૂ કવિતા ગુજરાતીમાં અવતરી હતી.
‘તારા નામે લખું છું સિતારા-પતંગિયા’ (ઈ.સ. 2016)માં તેમણે ઉર્દૂ કાવ્યોના અનુવાદો આપ્યા છે. અગ્રગણ્ય ઉર્દૂ શાયરો વિશેના અભ્યાસ લેખોનું પુસ્તક ‘સુખનવર’ (ઇ.સ.2013) શીર્ષકથી પ્રગટ કર્યું છે. ‘શબ્દ સંતૂર’માં ઉર્દૂ કવિઓનો પરિચય આપ્યો છે. એ શિક્ષણકાર્ય ઉપરાંત અનેક અને સાહિત્યીક પ્રવૃત્તિઓમાં સકારાત્મક યોગદાન આપતા હતા. ગુજરાત અને ગુજરાત બહારના મુશાયરામાં સાહિલે પોતાના મધુર તરન્નુમથી ગઝલો રજૂ કરીને સૌના દિલ દિમાગમાં વસી ગયા હતા.
આ ગઝલકાર પોતાના મૂળિયા સાથે હંમેશાં જોડાયેલા રહ્યા છે. એનામાં ધરતીની સુગંધ છે. દરિયાની રવાની છે. અને ભાષાની લચિકતા છે. જોઇએ એમના થોડાક શેર.:
રોમ હર્ષિત કેમ છે મારી ત્વચા,
સ્પર્શે અંગુલિ અડેલી હોય છે,
દેહ એનો એમ કૈં વળ ખાય છે,
પુષ્પથી ડાળી લચેલી હોય છે.
હનીફ બંધ લિફાફાને ખોલવા જયાં ગયો,
ભીતરથી રંગબેરંગી ઊડયાં પતંગિયાંઓ
*
અંતર અરસપરસનું હજી પણ ઘટી શકે
કેવળ આ જળનું વ્હેણ બદલવાનું હોય છે
એમણે પ્રકૃતિના રંગમય જીવંત ચિત્રોનું વર્ણન મન મૂકીને કર્યું છે. તેમાં સવારના પહેલા પ્હોરની તાજગી છે, ઓશની ભીનાશ છે અને ફૂલોની ખુશ્બો છે.
વિચ્છિન્ન પીંછે પીંછાને ભેગા કર્યા છે મેં,
માહિતી એક ટહુકા વિશે છે અને નથી,
*
એકાંતની આ ઊંડી કરાડોની મધ્યથી,
એકાદ પંક્તિ ગીતની ઝરણું બની રહે
*
પંખીની પાંખ વિસ્તરી આકાશ થઇ હશે
ખાલી હવામાં ગુંજતા ટહુકા નહીં જ હોય.
*
આ ઋતુઓના ક્રમે જીવતું રહ્યું
સૂર્યની સાથે જ નીકળવું રહ્યું.
નગર જીવનની વિષમતા જીવવાની કશ્મકશ, યાંત્રિકતા અને લાગણી હીનતા સર્જકને જરૂર અકળાવે. લાગણીનો દુષ્કાળ અને મનની ગહનતાનો તાગ લેતી વિટંબણાઓને દરેક સર્જક વાચા આપે છે. હનીફ સાહિલ આવી સમસ્યાઓના બયાનમાં ધાર કાઢીને શબ્દોને તરાશે છે :
આ પણ વાંચો…સર્જકના સથવારેઃ ગઝલના સાધક-બ્રહ્મશક્તિના ઉપાસક કાયમભાઈ હઝારી
જેનું કયાંયે સ્થાન નથી, ઉલ્લેખ નથી કંઇ,
શોધું છું એ ગામ હવે હું નકશા લઇને.
એકદમ સ્તબ્ધ શહેર છે જાણે
માત્ર ચહેરા છે, હાવભાવ નથી.
હનીફની વિશેષતા એ છે કે એની પાસે ગુજરાતી, સંસ્કૃત અને ઉર્દૂ એમ ત્રણ ભાષાનું ભાથું છે. શબ્દ વૈભવ છે. ત્રણેય ભાષાના શબ્દોનો સમુચિત ઉપયોગ એ નોંધનીય સિદ્ધિ છે. નવા નવા રદીફ અને કાફિયાનો સાથિયો પુરાય છે. રદીફ-કાફિયાની જુગલબંદીને આ કવિ એક નજાકતથી નિભાવે છે.
કશી ગોઠવણ નથી. રદીફ અને કાફિયા પાસેથી ધાર્યું કામ લેવામાં ભલભલા થાપટ ખાઇ જાય છે. કયારેક ઉર્દૂ કાફિયા પોતાના હકદાવાની રૂએ આવીને સ્થાન લે છે અને સર્જાય છે કંઇક અનુપમ શેર જેમ કે :
એક દિલકશ પયામ યાદ રહે
નમ્ર નમણી સલામ યાદ રહે
*
કયાં હવે કોઇની ફિકર ચાલો,
આજ ખુદથી ય બેફિકર ચાલો.
હનીફ સાહિલ તગઝ્ઝુલ (પ્રણયરંગ) ને પોતાની ગઝલમાં પ્રાણથી વધારે સાચવે છે. એમાં એકવિધતા કયાંય નથી. રંગ બેરંગ થઇ જાય એવી કોઇ જગ્યા નથી. રંગ પાકો થયો છે તો સાથે સાથે તસવ્વુફ (અધ્યાત્મરંગ)ના અર્થગામિ છાંટણા પણ દેખાય છે.
હજી ચાલી રહ્યા છે શ્વાસ મારા
પવનથી પાતળો આધાર છે જો.
પ્રકંપિત હોઠમાં છે એ જ ઉષ્મા
ને આંખે નેહ અનરાધાર છે જો
*
કાગળ પર કૂંપળ શી ફૂટી
શબ્દ સમું આ તળમાં જોયું
*
જેમાં ઊભી છે છોકરી ભીની
એ જ બારી ખૂલે છે ગલીઓમાં
*
ગઝલકાર રશીદ મીર નોંધે છે કે ‘હનીફ સાહિલ એક પ્રલંબ ગોઠડી માંડે છે. મુખ્યત્વે એમાં ‘માંસલ પ્રેમનું’ બયાન છે પણ એ કલાત્મક નીવડે છે… કવિ વિરહથી આવી પડેલી પીડાનો વિલાસ પોતાની કૃતિઓમાં બહેલાવે છે.
‘ગઝલમાં દર્દનું નિરૂપણ અનિવાર્ય લેવખયું છે. નહીંતર એ કેવળ ઉખાણું બની રહે. હનીફમાં આવી પીડાની અભિવ્યક્તિ સારા પ્રમાણમાં જોવા મળે છે.
તૂટે છે ટાંકા એક પછી એક યાદના
રુઝાતા જાય છે અને ટપકયા કરે વ્રણ
*
તું પણ હવે ઉદાસ હવાઓની જેમ છે
હું પણ છું ર્જીણ દ્વાર ખખડવાનું હોય છે
એનું સ્મરણ હનીફ ડિસેમ્બરની રાતમાં
ખાલી આ પાત્ર છે ને છલકવાનું હોય છે
*
રક્તમાં પીંછી ઝબોળીને તને
આ અંજપાનું કમળ આપી શકું.
હનીફ સાહિલની સમગ્ર કવિતાનો દળદાર એક સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો છે. સંપાદક ગઝલકાર એસ એસ રાહીએ ખૂબ મહેનત લઇને અનેકવિધ પાસાંને ઉજાગર કર્યાં છે અને ‘ટહુકાની આસપાસ’ગ્રંથ સંપન્ન કર્યો છે.
આ પણ વાંચો…સર્જકના સથવારે : ફૂલના રંગોમાં ગુલશનની કહાની કહેતા શાયર નૂર પોરબંદરી