ઉત્સવ

આજે આટલું જ: સાવ ખાનગી વાત

-શોભિત દેસાઈ

એ દિવસોમાં ગઝલપ્રવૃત્તિમાં પૈસા નહોતા, પણ પ્રેમ?! વાત્સલ્ય?! માર્દવ?! અધધધ અપરંપાર અનર્ગળ… વડીલોની એક જ ખ્વાહિશ કે ગઝલને સાહિત્યમાં મોટો મોભો આલા દરજજો મળે. અને સ્વભાવે બધા વડીલો કેવડા તમીજદાર! ખાનદાન! વિવેકી! એમના એ સ્વભાવનો ફાયદો ઉચાપત કરીને જ તો મરિયલ સરરીયલ દાઢીવાળા બુદ્ધિ વગરનાં હલેસાખોર હવાબાજ બાળકો કવિતાને અપહૃત કરવાની પેરવીમાં દાઢી પર સોનેરી લપેડા કરવા પર હતા કે અમારી ફોજ આવી ગઝલ બચાવવા.

બહુ લાંબુ સંભાષણ નથી જ કરવું. પણ ક્યાં બધા ઈઝમ દટાઈ ગયા અને ગઝલ ક્યાંની ક્યાં પહોંચી ગઈ! આ તિકડમબાજોએ તો ગુજરાતી સાહિત્ય પરિષદને ય પક્ષાઘાતગ્રસ્ત કરી નાંખી હતી. આ તો ભલું થજો મતદારોનું કે એમણે લંપટ લોલુપ નીર્વિર્ય ટોળકીથી પરિષદને બચાવીને મૂકી દીધી પૂર્ણ સારસ્વત પ્રમુખ હર્ષદ ત્રિવેદીની ગતીશીલ, પ્રવૃત્તિથી ધમધમતી ટીમના હાથમાં. કોઈક કોઈક સદાના નાલાયક વિધ્વંસકના હોવા છતાં પરિષદ દ્વારા જે કામ થઈ રહ્યાં છે અત્યારે એ વર્ણવવા તો આખો અંક મૂકવો પડે.

આપણે આપણી ખાનગી વાત આગળ વધારીએ તો આજે તમારા કપાળે ગઝલનું તિલક કરવા સૌથી પહેલા આવી રહ્યા છે ગુજરાતી ગઝલના સૌથી માયાળુ સમર્થ શાયર ગની દહીંવાલા જેમણે સુરતીઓના વસ્ત્રો તો સુંદર સિવ્યાં જ, ગુજરાતી ગઝલના ભાતીગળ પોતને ય અદ્ભુત ભરતકામથી ગૂંથ્યું.

દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી
ગની દહીંવાલાને અર્પણ
ન અડે છે ઝાળ કોઇ મને, સફર આદરું છું અગન સુધી
સૂર બાંગના ધરી હોઠ પર, હું જઉં છું હોમ-હવન સુધી
છે રિવાજ ખૂબ જૂના બધા, છે કટુતા રેડતી જિંદગી
ભલે રણથી રોજ હું નીકળું, છે જવાનું મારે ચમન સુધી
છું હું વસ્ત્ર સુસ્ત સીધું, સરળ અને આપ ભાત ગૂંથાયલી
બહુરંગી આપની ઓઢણી, હું પહોંચું શ્વેત કફન સુધી
તેં ભરી પલક ‘ને કરી અલગ, મને મોકલ્યો છે ધરા ઉપર
મને આવે તું જ મનાવવા, મને દોરને! એ પતન સુધી !
ભલે તુચ્છ હું સીવું રોજનું, છતાં એક સત્યની જાણ છે
જે ક્ષણે વણીશ ગઝલ નવી, એ ક્ષણે જઇશ ગહન સુધી

આ પણ વાંચો…આજે આટલું જ : બિલકુલ ખાનગી વાત

મધ્ય પ્રદેશના ભૈયા અને માતૃભાષા ગુજરાતી ન હોવા છતાંય ગુજરાતી ગઝલના અછોવાના કરનાર સવાયા ગુજરાતી કવિ કૈલાસ પંડિતે મનહર ઉધાસને ગુજરાતી ભાષામાં લઈ આવવાથી માંડીને સતત નવા કવિઓને મુશાયરામાં ઇન્ટ્રોડ્યુસ કરવાના સત્કર્મો કરતાં 52 વર્ષે તો વિદાય લઈ લીધા .

ચમન ! તુજને સુમન મારી જ માફક છેતરી જાશે
પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખ્મો ધરી જાશે
કૈલાસ પંડિતને અર્પણ
જીવન ઉપર ન કરતો કોઇ દિ’ હક છેતરી જાશે;
તને એ મોત થઇ મારી જ માફક છેતરી જાશે.
ખરીદી નહીં શકે તું યોગ્ય વસ્તુ વાજબી ભાવે
બજારોમાં તને મૂલ્યોની રકઝક છેતરી જાશે.
નથી યાહોમ કરવાની હવે વૃત્તિ કોઇમાં પણ
ધરીને વેશ મર્દાના, નપુંસક છેતરી જાશે.
ભલે હો જીવદયાનો દાવો, મુદ્દો મુખ્ય છે વેપાર
બધાં છે ખાનગીમાં ખૂબ હિંસક, છેતરી જાશે.
નહીં એના વિના જીવી શકાશે એક પળ અહીંયાં
તને, એ વહોરવા આવેલો યાચક, છેતરી જાશે.

આજે આખરે તમને બથ ભરીને ભેટવા આવી રહ્યો છે ગુજરાતી ગઝલનો ઘાયલગઢ… ગઝલને અનેક માઈલ દોડાવાનું કલમકર્મ જેમને નિમિત્તે બન્યું એ ગુજરાતી ગઝલને સોરઠી પાનો ચઢાવનાર અમૃત ઘાયલની આ ગઝલથી તો તમે પરિચિત છો જ.

ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજજત છે
ચર્ચાનો વિષય જોકે એ નથી, ચર્ચાઈ જવામાં લિજજત છે
પણ એમને અંજલિ આપતી આ ગઝલ તો જુઓ મારા સાહેબો !!!

આ પણ વાંચો…આજે આટલું જ : બિલકુલ ખાનગી વાત (2)

ના ભાળ મળે કોઇને પણ, છુપાઇ જવામાં લિજજ છે
જીવું છું સતત હું યાદ બની, ધરબાઇ જવામાં લિજજત છે
આવે તું મને જોવા ત્યારે હું સાજો-નરવો સુસ્ત બનું
થોડોક જ દેખાડાનો ઊથલો ખાઇ જવામાં લિજજત છે
એ ઇચ્છે એ પ્રતિસાદ દઇ શિશુઓને નમણાં સાચવજો
છો ચિંતાથી ઘેરાયા હો, હરખાઇ જવામાં લિજજત છે
નિજની મસ્તીનું ઓસડિયું ઘૂંટીને પવન સામે ઊડતાં
પાંખાળા પ્રેમના સંકેતો સૌ ગાઇ જવામાં લિજજત છે
ધારી લોને… ગમતાંને કોઇ!બીડું છું આંખ તમારી હું
બીજાના નામે પણ અમને પરખાઇ જવામાં લિજજત છે
નક્કામી જફામાં શું પડવાનું… કેસરિયો કે લીલો છે?
ધુળેટીના રંગેરંગે રંગાઇ જવામાં લિજજત છે
બાંહોમાં લઇ મારો ચહેરો, તું મર્માળું ફરકાવે સ્મિત
છેવટ હસતાં હસતાં બસ સંકેલાઇ જવામાં લિજજત છે
આજે આટલું જ

આ પણ વાંચો…આજે આટલું જ : બિલકુલ ખાનગી વાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button