ઉત્સવ

હેં… ખરેખર?!: 27 વર્ષ પગપાળા ચાલીને ઘરવાપસી!

  • પ્રફુલ શાહ

આર્થિક કારણોસર, શારીરિક સજ્જતા અને પેટનો ઘેરાવો ઘટાડવા સહિતનાં કારણોસર માનવી અનુકૂળતા મુજબ પગપાળા ચાલતો રહે છે, પરંતુ અમુક વિરલા આમાંના કોઈ નહીં પણ વિશિષ્ટ કારણસર ચાલવા માંડે છે, ને ચાલતા રહે છે.

આવું એક વ્યક્તિત્વ છે કાર્લ બુશબી. હા, Karl Bushby. બ્રિટનના કિંગસ્ટન અપોન હલ (લોકપ્રિય નામ હલ-ઇીંહહ)માં 1969ની 30મી માર્ચે જન્મેલા આ જેન્ટલમેન વરસોથી ચાલી રહ્યા છે. માત્ર 16 વર્ષની ઉંમરે બ્રિટિશ લશ્કરમાં જોડાઈને પેરાશૂટ રેજિમેન્ટમાં 11 વર્ષ સુધી સેવા આપનારા કાર્લ હાલ દુનિયાભરમાં રોકાયા વગર સતત પગપાળા આગળ વધતા રહેનારી પહેલી વ્યક્તિ બનવા પ્રયાસરત છે. એમના પ્રોફાઈલમાં અત્યારે ત્રણ નોંધપાત્ર બાબત છે: ભૂતપૂર્વ પેરાટ્રુપર, લેખક અને પદયાત્રી.

આમાં ત્રીજી વિશિષ્ટતા મેળવવાને એમની ધૂન, ધગશ, મક્કમતા અને દૃઢ નિશ્ર્ચયનું પરિણામ કહી શકાય. હકીકતમાં તેઓ અવિરત ચાલતા રહેવાનો ધ્યેય ધરાવતા હતા. આની શરૂઆત થઈ 1998ની પહેલી નવેમ્બરથી. ત્યારે કાર્લ માનતા હતા કે પોતે આઠ વર્ષમાં 58 હજાર કિલોમીટર (36 હજાર માઈલ)ની પગપાળા સફર પૂરી કરી લેશે. પરંતુ તેઓ 2026ના સપ્ટેમ્બરમાં પોતાના ઘરે પાછા ફરવાની આશા રાખે છે.

સરકારી યોજનાના ખર્ચમાં વધારાની સ્પર્ધા કરી શકે એવી આ આઠ વર્ષની મુસાફરી 28 વર્ષની કેવી રીતે થઈ ગઈ એ જાણીને મોંઢામાં આંગળા નાખી જવાય, પરંતુ એનાથી વધુ આશ્ર્ચર્ય એ બાબતનું થાય કે અનેક અવરોધ, વિઘ્ન અને સંકટ છતાં તેઓ અડગ રહ્યા. મુસાફરી વચ્ચેથી પડતી ન મૂકી. 28-28 વર્ષ પોતિકી ધરતી, વતન, ઘર અને પરિવારથી દૂર રહેવું કેવી રીતે શક્ય બને?

કાર્લે મુસાફરીની શરૂઆત ચિલી દેશના પુંટા એરેનાસથી કરી તેમની મંઝિલ હતી બ્રિટનના હલ સ્થિત ઘર. શરૂઆતમાં અંતર સડસડાટ કપાવા માંડ્યું હતું. 2006 તેમણે દક્ષિણ, મધ્ય અને ઉત્તર અમેરિકા વટાવતા 20 હજાર કિલોમીટર જેટલું ચાલી લીધું હતું. 2006ના માર્ચમાં ફ્રેન્ચ સાહસી મુસાફર દિમિત્રી ફીફટ સાથે કાર્લે બેરિંગ સ્ટ્રેઈટ (હિન્દીમાં આના માટે એક રસપ્રદ શબ્દ છે ‘જલડમરુમધ્ય’) પસાર કરી લીધી. અલાસ્કાથી સાઈબેરિયા સુધીની 93 કિલોમીટર સમુદ્રધુની પાર કરવા માટે 240 કિલોમીટરના વર્તુળાકાર જમીન માર્ગ પર પગને ચાલતા રાખવા પડ્યા હતા. આમાં 14 દિવસ વીતી ગયા હતા.

રશિયામાં સાચા બંદરગાહથી પ્રવેશ કરવાને બદલે ચુટકોટન ગામ પાસેથી સરહદ પાર કરતી વખતે કાર્લ બુશબી મુસીબતમાં મુકાઈ ગયા હતા. રશિયન સીમા સુરક્ષા દળે તેને અટકમાં લઈ લીધા. આમ થવું સામાન્ય છે કારણ કે આંતરરાષ્ટ્રીય ભૌગોલિક સીમા ચોક્કસ સ્થળેથી વ્યવસ્થિત સરકારી દસ્તાવેજો સાથે જ ઓળંગી શકાય. એમાંય જાસૂસી, ઘૂસણખોર, દાણચોર અને આતંકવાદી સામેની સાવધાની હોય ત્યારે આવો પ્રયાસ અવરોધ સર્જ્યા વગર રહે ખરો!

લાંબી માથાકૂટ બાદ 2006ની પાંચમી મેના રોજ રશિયન અદાલતે કાર્લની અરજી સહાનુભૂતિપૂર્વક સાંભળી. ત્યાર બાદ કાર્લને પગપાળા મુસાફરી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ. કહેવાય છે કે આ માટે બ્રિટનના તત્કાલીન નાયબ વડા પ્રધાન જોહન પ્રેસ્કૉટ અને રશિયાના ચુકોટકાના તત્કાલીન ગવર્નર રોમન અબ્રામોનિચે ખાસ્સી લમણાઝીંક કરવી પડી હતી.

એ પરમિશન તો મળી ગઈ છતાં છેક 2007ની 16મી માર્ચે કાર્લ પોતાની પગપાળા યાત્રાના બીજા તબક્કા ભણી આગળ વધી શક્યા હતા. આ નવા તબક્કાની શરૂઆત તેમણે વિશ્ર્વના સૌથી ઠંડા સ્થળ યાકુત્સ્કથી કરવી પડી. રશિયામાં તેમણે વિઝા ઉપરાંત લશ્કરી અધિકારી પાસેથી પણ વિશેષ પરમિશન મેળવવી પડી કારણ કે અમુક વિસ્તાર લશ્કરની હકૂમત હેઠળ છે.

આ રીતે વિઝા, આર્થિક મુસીબત અને સરકારી કાગળપત્રની માથાકૂટ ઓછી હોય એમ એક કલ્પનાતીત રાક્ષસે પગમાં બેડી નાખી દીધી. એનું નામ હતું કોરોનો વાયરસ. કોવિડને લીધે પણ હલનચલન પર નિયંત્રણ આવી ગયા.

ક્યાંક વિઝામાં વિલંબ થાય તો મુશ્કેલી. અમુક સ્થળે કેટલાક દિવસ પૂરતા જ વિઝા મળે પણ એટલી અવધિમાં પગપાળા પ્રવાસ ન પતે તો નવી મુસીબત. ક્યાંક પહાડ આવે, ક્યાંક નદી, ક્યાંક થીજેલો બરફ અને વચ્ચે સમુદ્રમાં તરવાનું ય આવ્યું. આમાં ક્યારેક જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હતો.

2025ના જૂનમાં કાર્લ બુશબી મેક્સિકો પહોંચ્યા હતા. હવે મંઝિલ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ સ્વગૃહે વાપસી તેમને ‘વિચિત્ર અનુભવ’ લાગે છે. ગોલિયથ એક્સપિડિશન તરીકે ઓળખાવાતી આ યાત્રા બાદ પોતાને ઘર-પરિવાર સાથે ફરીથી જોડાવું પડશે. કાર્લ બુશબી કહે છે કે અચાનક ઘર આવતા મારું મિશન પૂરું થશે અને હું આશા રાખું છું કે તન, મન અને આત્માને સચેત રાખીને ઝડપભેર અન્ય રૂટિન કામકાજમાં લાગી શકું.

આ પણ વાંચો…હેં… ખરેખર?!: મેઘાલયમાં છે વિશ્વની સૌથી લાંબી રેતીના પથ્થરની ગુફા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button