ઈકો-સ્પેશિયલ : કેપિટલ માર્કેટમાં AI અને MLના ઉપયોગમાં જવાબદારીનું પાલન મહત્ત્વનું…

-જયેશ ચિતલિયા
હવે સેકટર કોઈ પણ હશે, પણ આગામી સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે, જેમાં લાભની સાથે ગેરલાભના જોખમ પણ હશે. આ સંભાવનાને ધ્યાનમાં રાખી નિયમન તંત્ર ‘સેબી’ એ જે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ બહાર પાડયા છે એ જાણવા જરૂરી છે
હવેના સમયમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નું જબરદસ્ત વર્ચસ્વ જામશે એની સાથે ML (મશીન લર્નિંગ) પણ જમાવટ કરશે. શૅરબજાર-મૂડીબજારમાં પણ આ બંને મહત્ત્વ ની ભૂમિકા ભજવશે, જેમાં ઘણાં લાભની સાથે દુરુપયોગ થવાની સંભાવના પણ રહેશે, જેને કેન્દ્રમાં રાખી ‘સેબી’ (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ કેટલીક તૈયારીઓ કરી છે. આ સાધન-સુવિધાની અસરો વિશે જાગ્રત રહેવાના સૂચનો સાથે ચોકકસ સંકેતો પણ આપ્યા છે અને બજારના તમામ સહભાગીઓને સજજ થવાની સૂચના પણ આપી છે.
અલબત્ત, આના અમલ કરતા પહેલાં ‘સેબી’ એ માર્કેટના સંબંધિત તમામ વર્ગ પાસેથી પણ સૂચન સલાહ માગ્યા છે, જવાબદારીપૂર્વકનું સંચાલન જરૂરી ‘સેબી’ માને છે કે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ /ML ( મશીન લર્નિંગ)ના વધતા જતાં ઉપયોગ સાથે આવી સિસ્ટમ્સનું જવાબદારીપૂર્વક સંચાલન બહુ જ મહત્ત્વપૂર્ણ છે, અન્યથા તે ચોક્કસ જોખમો ઊભા કરી શકે છે,
જેને પરિણામે નાણાકીય બજારોની કાર્યક્ષમતાને અસર થઇ શકે છે અને સાથે સાથે રોકાણકારોને નુકસાન પણ કરી શકે છે. માર્કેટમાં AIના જવાબદાર, નૈતિક ઉપયોગ માટે અનુરોધ કરતાં અને સમજ આપવા ‘સેબી’એ એક ક્ધસલ્ટેશન પેપર બહાર પાડયું છે, જેમાં AI અને MLના જવાબદાર ઉપયોગ માટે જણાવેલા માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ જણાવ્યા છે.
રોકાણકારોની સુરક્ષા, બજારની અખંડિતતા અને નાણાકીય સ્થિરતાને સુરક્ષિત રાખવાની સાથે સાથે સિક્યોરિટીઝ બજારોમાં AI/ML આધારિત એપ્લિકેશનોના સંકલનનો મહત્તમ લાભ મેળવવાનો અને સંભવિત જોખમોને ઘટાડવાનો છે. કન્સલ્ટેશન પેપરમાં પ્રસ્તાવિત માર્ગદર્શક સિદ્ધાંતોમાં મોડેલ ગવર્નન્સ, રોકાણકાર સુરક્ષા-જાહેરાત, પરીક્ષણ માળખું, ન્યાયીપણું, ડેટાની ગોપનિયતા અને સાયબર સુરક્ષા માટેના પગલાં પણ સૂચવ્યા છે.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : અર્થતંત્રનું મોટું કદ હાંસલ કરવા ભારતે હજી કેવા સુધારા કરવા જરૂરી…?
પ્રસ્તાવિત મોડેલ ગવર્નન્સ હેઠળ, AI/ML મોડેલનો ઉપયોગ કરતા બજાર સહભાગીઓ પાસે આવા મોડેલનું નિરીક્ષણ કરવા અને અલ્ગોરિધમ્સના નિયંત્રણો, પરીક્ષણ, અસરકારકતા અને સુરક્ષાનું નિરીક્ષણ કરવા માટે એક કુશળ ટીમ હોવી જોઈએ.
તેમની પાસે યોગ્ય જોખમ નિયંત્રણ વ્યવસ્થા અને વહીવટી માળખા હોવા પણ જરૂરી, જે ખાસ કરીને બજારના તણાવ કે કોઈ કટોકટી દરમિયાન ઉપયોગી નિવડે. માર્કેટ પ્લેયર્સે ટેકનોલોજીનું યોગ્ય જ્ઞાન અને અનુભવ ધરાવતા વરિષ્ઠ મેનેજમેન્ટની નિમણૂક કરવી જોઇશે, જે AI/ML આધારિત મોડેલોના વિકાસ, માન્યતા, પરીક્ષણ, નિરીક્ષણ અને નિયંત્રણોની દેખરેખ માટે જવાબદાર હશે. થર્ડ પાર્ટી સપ્લાયર્સનું નિરીક્ષણ અને AI/ML મોડેલ્સની ચોકસાઈ સમયાંતરે SEBI ને શેર કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ગ્રાહકો માટે પારદર્શકતા
કન્સલ્ટેશન પેપર મુજબ, ક્લાયન્ટ્સને અસર કરી શકે તેવી વ્યવસાયિક કામગીરી માટે AI/ML મોડેલનો ઉપયોગ કરતા બજાર સહભાગીઓએ વિશ્વાસ, પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે તેમના ગ્રાહકોને એમને મળે તેવી જ માહિતી આપવી પડશે. સહભાગીઓએ-મધ્યસ્થીઓએ ટ્રેડિંગ અલ્ગોરિધમ્સ કેવી રીતે પસંદ કરવામાં આવ્યા છે,
એસેટ મેનેજમેન્ટ/પોર્ટફોલિયો મેનેજમેન્ટ માટે તેનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે, સલાહકાર અને સહાયક સેવાઓમાં ઉપયોગ વગેરે પરિમાણો જાહેર કરવાની જરૂર પડશે. બજાર નિયમનકારે AI/ML નો ઉપયોગ કરવામાં આવે તો તેની જાહેરાત ફરજિયાત કરી છે. SEBI સૂચવે છે કે બજાર સહભાગીઓએ નિયમિત ધોરણે પરિણામોને માન્ય કરવા માટે AI/ML આધારિત મોડેલોનું પર્યાપ્ત પરીક્ષણ અને દેખરેખ રાખવી જોઈએ.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : છલકાઈ જતા તમામ આઈપીઓ સારા જ હોય એ જરૂરી નથી
AI/ML મોડેલો તણાવપૂર્ણ અને તણાવરહિત બજાર પરિસ્થિતિઓમાં અપેક્ષા મુજબ વર્તવાની ખાતરી કરવા માટે ડિપ્લોયમેન્ટ પહેલાં લાઇવ ટેસ્ટિંગથી અલગ વાતાવરણ માં ટેસ્ટીંગ થવું જોઈએ. સહભાગીઓએ બધા મોડેલોના યોગ્ય દસ્તાવેજીકરણ જાળવવા ની અને ઓછામાં ઓછા 5 વર્ષ માટે ડેટાનો રેકોર્ડ જાળવવો જરૂરી છે. AI/MLમોડેલોનું સતત પરીક્ષણ પણ સૂચવવામાં આવ્યું છે.
નિષ્પક્ષતા ને ન્યાય
‘સેબી’એ ભારપૂર્વક કહયું છે કે AI/ML આધારિત મોડેલ્સ ન્યાયી હોવા જોઈએ. ખાસ કરીને, એમણે ગ્રાહકોના એક જૂથને બીજા જૂથ કરતાં વધુ પ્રેફરન્સ ન આપવું જોઈએ અથવા ભેદભાવ ન કરવો જોઈએ. બજારના સહભાગીઓએ ખાતરી કરવી જોઈએ કે વપરાયેલ ડેટા પર્યાપ્ત ગુણવત્તા સાથેના છે. આ માટે ઉપયોગમાં લેવાતા સાધનોની ગુણવત્તા તેમ જ મોડેલના ઉદ્દેશ્યો માટે ડેટાની સુસંગતતા અને સંપૂર્ણતા ચકાસીને કરી શકાય છે. ડેટા સેટમાંથી પૂર્વગ્રહોને ઓળખવા અને દૂર કરવા માટે યોગ્ય પ્રક્રિયાઓ અને નિયંત્રણો હોવા જોઈએ એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે,
ડેટાની ગોપનિયતા ને સાયબર સુરક્ષા
SEBI ના પ્રસ્તાવ મુજબAI/ML સિસ્ટમો ડેટાના સંગ્રહ અને પ્રક્રિયા પર આધારિત હોવાથી, બજારના સહભાગીઓ પાસે AI/ML આધારિત મોડેલોના ઉપયોગ માટે ડેટા સુરક્ષા, સાયબર સુરક્ષા અને ડેટા કોન્ફિડન્સયાલિટી (ગોપનિયતા) માટે સ્પષ્ટ નીતિ હોવી જોઈએ. રોકાણકારોના વ્યક્તિગત ડેટાનો સંગ્રહ, ઉપયોગ અને પ્રક્રિયા, તેમજ સુરક્ષા પગલાં, લાગુ પડતાં કાયદાઓ અનુસારના હોવા જોઈએ.
સિક્યોરિટીઝ માર્કેટમાં AI/MLના ઉપયોગને પરિણામે વ્યાપક અને ધરખમ પરિવર્તન જોવા મળશે. જેની અસર બજારને તેમ જ રોકાણકારોના વિશાળ વર્ગને પણ થશે, હવેના સમયમાં આ સાધનોની ઉપેક્ષા થઈ શકશે નહીં. અલબત્ત, આના ઉપયોગ પર સતત નિરીક્ષણ અને વાજબી-વ્યવહારું નિયંત્રણ પણ જોઈશે.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ: સામાન્ય પ્રજાને જીડીપીના રેટમાં નહીં, મોંઘવારીના દરમાં વધુ રસ…