કંઈ વાંધો નહીં, બદલી નાખશું… નવું લેશું!

બોલો, તમે શું કહો છો? – જૂઈ પાર્થ
રિયાન સ્કૂલેથી પાછો આવ્યો. મમ્મીએ જોયું તો એનાં યુનિફોર્મનું બટન તૂટી ગયું હતું. મમ્મીએ તરત રિયાનને કહ્યું :
બેટા ચિંતા ના કર આપણે તારા માટે નવું શર્ટ લઈ આવીશું.’ એકવાર રમતાં રમતાં એનું બેડમિંટનનું રેકેટ તૂટી ગયું. રિયાને પપ્પાને વાત કરી. તો પપ્પા કહે :એક રેકેટમાં શું બહુ મોટી વાત છે. તું તારે આ રેકેટ કચરામાં નાખી દે આપણે તારા માટે નવું નક્કોર રેકેટ લઈ લઈશું…’ રિયાન નાનો હતો ત્યારથી એની કોઈ પણ વસ્તુ તૂટે કે બગડે તો સામે નવી વસ્તુ જ આવે. રિયાનનાં ઘરમાં નવી વસ્તુની કોઈ નવાઈ નહોતી. ટીવીનું રીમોટ કંટ્રોલ બગડે કે ટ્યૂબલાઈટ, જૂનાનાં બદલામાં તરત જ નવી વસ્તુ હાજર થઈ જતી.
રિયાન દસ વર્ષનો અને એનાં મમ્મી પપ્પા પાંત્રીસ ચાલીસની વચ્ચે. પૈસે ટકે સુખી પરિવાર. રિયાનનાં મમ્મી- પપ્પા બંને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે, ઘરકામમાં થોડું ઓછું ધ્યાન આપી શકે પણ રિયાનને પૂરતો સમય આપે. જરૂર હોય ત્યાં કરકસર કરી જાણે, પણ નાની નાની વાતે વસ્તુઓ રીપેર કરાવવાનો સમય અને આવડત બેમાંથી એકેયમાં નહીં. ટ્યૂબલાઇટ બદલવા ઈલેક્ટ્રિશિયનને બોલાવે, કિચન અને બાથરૂમ સાફ કરવા દર અઠવાડિયે કંપનીમાંથી માણસ આવે, કાર સર્વિસમાં મૂકવાની હોય તો ગેરેજથી માણસ કાર લેવા આવે અને સર્વિસ કરી પાછી પણ મૂકી જાય. એકવાર તો લાકડાનાં કબાટમાં ઊધઈ જેવું લાગ્યું તો એની પર દવા છંટાવવાની જગ્યાએ સીધેસીધું કબાટ જ બદલી નાખ્યું.
આ કદાચ એમની જીવનશૈલીનો જ એક ભાગ જ ગણી લો. ન ગમે એ કોઈને આપી દેવાનું અને કંઈ બગડે તો રીપેરની જગ્યાએ રિપ્લેસ કરાવી દેવાનું.
આધુનિક યુગનાં પારિવારિક જીવનનું એક ઉદાહરણ જ જોઈ લો. કોઈ વાતે બહુ સ્ટે્રસ નહીં લેવાનો. એકબીજા સાથે મતભેદ થાય તો એકબીજાથી થોડો સમય બ્રેક લઈ લેવાનો, વાત નહીં કરવાની અને મન સાં થાય એટલે પાછા પહેલાંની જેમજ વાત કરવા લાગવાની જાણે કશું બન્યું જ નથી! પહેલાંના સમયમાં લોકો કરકસર કરવા માટે થઈને એકની એક વસ્તુ વર્ષો સુધી વાપરતાં. બોલપેનમાં રીફિલ બદલાવીને વાપરતાં, ખોંચ આવેલી સાડીને રફૂ કરાવતાં, બગડેલો રેડિયો અનેકવાર ટેકનિશિયન પાસે રિપેર થવા જતો, સાઈકલની ચેઈન ઊતરી જાય તો સૌથી પહેલાં જાતે ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવતો, એમાં ઓઈલ નાખીને ચલાવવામાં આવતી, ગાડી બગડે તો સર્વિસ સ્ટેશન એટલા તો દૂર હોય કે જાતે મિકેનિક પણ બની જવાતું.
ટૂંકમાં, ટ્યૂબલાઇટ બદલવી, કબાટ, બારી બારણાં, હીંચકો, માળીકામ, ઈસ્ત્રી, સિલાઈકામ, નોટો ચોપડીઓને પૂંઠા ચડાવવા, પુસ્તકો સાંધવા, દીવાની વાટ બનાવવી અને આવાં બીજાં કેટલાં બધાં કામ ઘેરબેઠા આપમેળે જ થઈ જતાં. અને પાછા આ દરેક કામમાં ઘરનાં બધાં સભ્યો સહભાગી બનતાં. હા, એ સમય અને અત્યારનો સમય જૂદા છે, જેની કોઈ તુલના ન કરી શકાય. આમ છતાં, સમયનાં અભાવે કે પછી અણઆવડતનાં કારણે વસ્તુઓ બદલી નાખવી એ થોડું ખટકતું લાગે છે. જૂની વસ્તુઓની સંગ્રહખોરી નકામી એમ નવી રીપેર ના કરાવી સીધી રિપ્લેસ કરવી એ વાત બહુ ગળે નથી ઊતરતી. જોકે રિપ્લેસ કરવાની માનસિકતા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે, જેમકે ઉછેર, આળસ, અનુભવ, આવડત, કાર્યક્ષમતા, કાર્યકુશળતા, સમય, જવાબદારી, સગવડ, ધીરજ, સહનશીલતા, આર્થિક પરિસ્થિતિ વગેરે, વગેરે…
આમ તો `યુઝ એન્ડ થ્રો’ના જમાનામાં રિપેરિગને જૂનવાણી માનવામાં આવે છે. અને રિપેરિગ કે રિપ્લેસમેન્ટ ફક્ત વસ્તુઓ સુધી સીમિત ના રહેતાં હવેનાં સંબંધોમાં પણ પ્રવેશી ચૂક્યું છે : ના ફાવ્યું? છૂટા પડો ના ગમ્યું બદલી નાખો ના સહેવાયું? બોલી નાખો. સંબંધો પણ, રિપેર નહીં કરવાનાં બદલી નાખવાનાં!
આવી મનોદશાના સમયમાં બોલો, તમે શું કહો છો?



