મનોરંજનનું મેઘધનુષ: દમદાર અભિનેત્રી શ્રીયા પિલગાંવકર
અભિનયના અનેકવિધ રંગ સાથે મરાઠી - બોલિવૂડની ફિલ્મો અને ઓટીટી પર છવાઈ ગઈ છે આ યુવા કલાકાર

- ઉમેશ ત્રિવેદી
અત્યારે ઓટીટી પર ધૂમ મચાવી રહેલી નવી સિરીઝ ‘મંડલા મર્ડર્સ’માં વાણી કપૂર, સુરવીન ચાવલા સહિત અનેક કલાકારોએ ધ્યાન ખેંચ્યું છે, પણ એ બધાની વચ્ચે ‘રુક્મિણી દેવી’ના પાત્રને લોકો વખાણી રહ્યા છે અને આ પાત્ર અદા કરતી શ્રીયા પિલગાંવકરના અભિનયને પણ લોકો માણી-વખાણી રહ્યા છે.
શ્રીયાનો જન્મ 1989માં મુંબઈમાં થયો છે. બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા- નિર્માતા-દિગ્દર્શક- ગાયક સચિન પિલગાંવકર અને મરાઠી ફિલ્મો તેમજ ટીવી સ્ક્રીનની એટલી જ જાણીતી અભિનેત્રી સુપ્રિયાની પુત્રી શ્રીયાએ બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. માત્ર પાંચ વર્ષની ઉંમરે એણે હિન્દીની ખૂબ જ જાણીતી સિરિયલ ‘તૂ તૂ મૈં મૈં’માં અભિનય કર્યો હતો. ત્યાર પછી મરાઠી ફિલ્મ ‘એકૂલતી એક’માં મુખ્ય અભિનેત્રી તરીકે ચમકી. આ ફિલ્મનું દિગ્દર્શન એના પિતા સચિન પિલગાંવકરે જ કર્યું હતું.
ત્યાર પછી, શ્રીયાએ અનેક નાટકોમાં અભિનય કર્યો. શાહરૂખ ખાનની ‘ડબલ રોલ’વાળી ફ્લોપ હિન્દી ફિલ્મ ‘ફેન’થી શ્રીયાએ બોલિવૂડમાં એન્ટ્રી લીધી. આ ફિલ્મ 2016માં આવી હતી, પણ એક અભિનેત્રી તરીકે શ્રીયાને ખરી ઓળખ ઓટીટીની સિરીઝ ‘મિર્ઝાપુર’ અને ‘ગિલ્ટી માઈન્ડ્સ’થી મળી.
આજે 36 વર્ષની ઉંમરે શ્રીયા એક અભિનેત્રી તરીકે આ ક્ષેત્રમાં જમાવટ કરીને જામી ગઈ છે. એણે ‘બ્રોકન ન્યૂઝ’, ‘તાજા ખબર’ જેવી સિરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે, નાનપણમાં શ્રીયાને અભિનય ઉપરાંત પણ અનેક ચીજોમાં રસ હતો. એણે એક સ્વિમર તરીકે પણ સારી એવી નામના મેળવી હતી. સોશિયોલોજી (સમાજશાસ્ત્ર)માં એ સ્નાતક થઈ. ત્યાર બાદ જ એણે અભિનય અને ફિલ્મસર્જનમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો. હિન્દી, મરાઠી, અંગ્રેજી ઉપરાંત એ જાપાની ભાષા પણ સારી રીતે જાણે છે.
શ્રીયાને શરૂઆતથી જ એવોર્ડ પણ મળવા લાગ્યા છે. પહેલી જ મરાઠી ફિલ્મ ‘એકૂલતી એક’માં એને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી ‘સર્વોત્કૃષ્ટ અભિનેત્રી’નો એવોર્ડ મળ્યો હતો. 2023માં ઈન્ડિયન ટેલિવિઝન એકેડેમી એવોર્ડસ તરફથી ‘તાજા ખબર’ની ભૂમિકા માટનો એવોર્ડસ મળ્યો છે.
OTTનું હોટસ્પોટ
11 ઑગસ્ટથી 16 ઑગસ્ટ દરમિયાન શું જોશો…
આ અઠવાડિયામાં તમારા દીવાનખંડમાં અમિતાભ બચ્ચન- સની દેઓલ થી પ્રતીક ગાંધી સુધીના કલાકારો ‘આંટો’ મારશે…
15મી ઑગસ્ટે દેશભક્તિનો જુવાળ જોવા મળશે. ઓટીટીની અનેક ચેનલો પર દેશભક્તિની વાર્તા ધરાવનારી અનેક ફિલ્મો રજૂ થશે. દેશભક્તિની કથા ધરાવનારી ફિલ્મો સાથે જ દેશભક્તિ પર આધારિત સિરીઝ પણ આપને જોવા મળશે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, જિયો હોટસ્ટાર, ઝી-ફાઈવ અને સોની લીવ ઉપરાંત અનેક ચેનલો પર ઘણા નવા શો પણ ચાલુ થઈ રહ્યા છે.
કૌન બનેગા કરોડપતિ: અમિતાભ બચ્ચનના સંચાલન હેઠળના રિયાલિટી શો ‘કેબીસી’ની 17મી સિઝન 11 ઑગસ્ટથી સોની ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ સોની લીવ પર શરૂ થઈ રહી છે.
સારે જહાં સે અચ્છા: 15 ઑગસ્ટ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને પ્રતીક ગાંધી અને સની હિન્દુજા અભિનિત વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 13 ઑગસ્ટે રજૂ થશે.
જાટ: સની દેઓલ, રણદીપ હુડા, સૈયામી ખેર અભિનિત ફિલ્મ ‘જાટ’ નેટફ્લિક્સ પર 15 ઑગસ્ટે જોઈ શકાશે.
11મી ઑગસ્ટથી ઝી-ફાઈવ પર સિરીઝ ‘લવેન્ચર’, જિયો હોટસ્ટાર પર ‘મનપસંદ કી શાદી’, 13 ઑગસ્ટે એમેઝોન પ્રાઈમ પર ‘બટરફ્લાયની પહેલી સિઝન’, ઝી-ફાઈવ પર 14 ઓગસ્ટ ‘તહેરાન’, એમેઝોન પ્રાઈમ પર સિરીઝ ‘અંધેરા’ આવી રહી છે…એન્જોય !
આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ: બરડા વન્યજીવ અભ્યારણ્ય: ગૂંજે છે સાવજની ગર્જના!