મોર્નિંગ મ્યૂસિંગઃ રાધિકા હત્યાકાંડ: આપણા ક્રૂર સમાજે એક બાપની પણ હત્યા કરી છે! | મુંબઈ સમાચાર

મોર્નિંગ મ્યૂસિંગઃ રાધિકા હત્યાકાંડ: આપણા ક્રૂર સમાજે એક બાપની પણ હત્યા કરી છે!

રાજ ગોસ્વામી

પુત્રી રાધિકાની નિર્મમ હત્યા એના બાપ દીપક યાદવે કરી: સમાજે બાપને આવો નિષ્ઠુર બનાવ્યો?
ભારતીય સમાજમાંથી ઘણીવાર એવા એવા સમાચાર આવતા રહે છે, જે આપણને આપણા સભ્ય હોવા પર શંકા પડવા લાગે. આપણે હજારો વર્ષોની ભવ્ય પરંપરાનું ગૌરવ લઈએ છીએ, આપણે ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાન’નાં ગાન ગાઈએ છીએ અને આપણે દુનિયાની સૌથી મોટી વિકસિત લોકશાહીના હાકલા પડકાર કરતા રહીએ છીએ, પણ ક્યારેક આ પ્રગતિ ભ્રામક લાગે તેવું પણ બનતું હોય છે.

જે સમાજમાં અને જેની પરંપરામાં સ્ત્રીને શક્તિ માનીને પૂજવામાં આવતી હોય, ત્યાં એક બાપ એની દીકરીને માત્ર એટલા માટે ગોળીઓ મારી દે કારણ કે સમાજના લોકો એને ‘ગિરા હુઆ બાપ’ કહીને મહેણાં મારતા હતા…તો આવા સમાજને શું કહેવું? શું માતા-પિતા પોતાના બાળકોનો જીવ લઈ શકે?

2008માં, આરુષિ તલવાર નામની યુવતીની એના જ ઘરમાં હત્યા થઇ ત્યારે આ સવાલ દેશે પૂછ્યો હતો. લોકોને ત્યારે વિશ્વાસ જ નહતો આવ્યો કે એક ડોક્ટર દંપતી, નૂપુર અને રાજેશ તલવાર એમની એકની એક દીકરીને એટલા માટે મારી નાખે, કારણ કે એ ઘરના નોકર સાથે ‘હળીમળી’ ગઈ હતી ? આરુષિના મૃત્યુના 17 વર્ષ પછી આ જ પ્રશ્ન ફરી ઊભો થયો છે.
દિલ્હી નજીક હરિયાણાના ગુરુગ્રામ સેક્ટરમાં દીપક યાદવ નામના પિતાએ એની ટેનિસ પ્રેમી દીકરી રાધિકાને પાછળથી ત્રણ ગોળીઓ ધરબી દીધી, તેને પારિવારિક મામલો કહીને આપણે આગળ વધી જઈએ તે ઉચિત નથી. આ ઘટના એ સમાજનું પ્રતિબિંબ છે જ્યાં આજે પણ સ્ત્રીના ખભા પર પરિવારની ઈજ્જત ઉજળી રાખવાનો ભાર છે. અને એવું પણ નથી કે આ કોઈ નફરતના ભાવથી થયું છે.

એક બાપ એની દીકરીને એટલો બધો પ્રેમ કરતો હતો કે એનાથી સમાજનાં મહેણાં સહન ન થયાં અને એણે મહેણાં મારનારા લોકો તરફ બંદૂક તાકવાને બદલે પોતાની દીકરી પર જ નિશાન સાધ્યું, કારણ કે લોહીનો સંબંધ એ બાપને એ અધિકાર આપતો હતો. અથવા એવું કહો કે ઘર-સમાજની ઈજ્જતનું રક્ષણ કરવા માટે દીકરીનું બલિદાન આપી દેવા બદલ એ જ સમાજ તેને મેડલ આપવાનો હતો!

આ મામલો મીડિયામાં ચગ્યો તે પછી એવા પણ લોકો આગળ આવ્યા હતા, જેમણે જાત-ભાતનાં અન્ય કારણો અને તર્ક આપીને બાપના કૃત્યને ઉચિત ઠેરવ્યું હતું. સાચું કે ખોટું, ગમે તે કારણ હોય, છતાં એક બાપ એની જુવાન જોધ દીકરીને એક નહીં પણ ત્રણ ત્રણ ગોળીઓ કેવી રીતે મારી શકે? એ કેવી માનસિકતા હશે? એ કેવા સમાજનો દબાવ હશે?

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : તારાશંકર બંદોપાધ્યાય: નોબેલ પુરસ્કારના હકદાર એવા એક શાનદાર સર્જક…

ટ્રેજેડી તો જુવો કે જે સમાજ સ્ત્રીઓને ભણવા માટે અને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાની વાત કરે છે એ જ સમાજમાં એક દીકરી નામના મેળવે છે તો લોકોને ખરાબ લાગે છે અને એના બાપને મહેણાં મારે છે. એ નિર્દયી સમાજે એક બાપનું ઘરની બહાર નીકળવાનું કેટલું મુશ્કેલ કરી દીધું હશે કે બાપે બંદૂક ઉઠાવવી પડી!

પિતાએ પોલીસમાં કરેલા એકરાર અનુસાર, ‘મારી દીકરી રાષ્ટ્રીય ચેમ્પિયન હતી. ખભાની ઈજા પછી એણે પોતાની એકેડેમી શરૂ કરવાનું નક્કી કર્યું. જ્યારે હું દૂધ લેવા મારા ગામ વઝીરાબાદ જતો ત્યારે લોકો મને ઠપકો આપતા. લોકો કહેતા: ‘તું કેવો બાપ છે.. તારી દીકરીની કમાણી પર જીવી રહ્યો છે!’ મારું આત્મસન્માન ઘવાતું હતું. મને તે ગમતું નહોતું, એટલે મેં દીકરી રાધિકાને એકેડેમી બંધ કરવાનું કહ્યું હતું, પરંતુ એણે મારી વાત સાંભળી નહીં, તેથી મેં એને ગોળી મારી દીધી….!’

દુનિયામાં કોઈ એટલું મોટું કારણ નથી હોતું કે એક પિતા દીકરીને મારી નાખે. બીજું કંઈ નહીં, પણ માતા-પિતાએ એમનાં સંતાનોને ભાવનાત્મક ટેકો આપવો જોઈએ. જો દીકરીના પૈસે જીવવાનું આકરું લાગતું હોય તો અલગ થઇ જવું જોઈએ અને દીકરીને એની અલગ જિંદગી જીવવા દેવી જોઈએ. હત્યાથી શું મળે?

બીજી તરફ, દીકરાની કમાણી ખવાય, ના ખવાય એ ભેદ પણ શું કામ હોવો જોઈએ? દીકરીને દીકરાની સમોવડી ગણતા હોઈએ તો એ પણ ઘરમાં આર્થિક યોગદાન આપે તે આવકાર્ય ન હોય? અને લોહીના સંબંધનું શું? કહેવાય છે કે એક પિતા એના દીકરા કરતાં દીકરી પ્રત્યે વધુ લાગણીશીલ અને પક્ષપાતી હોય છે, પણ અહીં જે પિતાએ સાત વર્ષની ઉંમરથી જેને ટેનિસ શીખવાડ્યું હોય તે એક દિવસ ‘લોકો શું કહેશે?’ના તનાવમાં આવી જઈને એ જ દીકરીનો જીવ લઇ લે તો આપણને પ્રેમ પરથી જ ભરોસો ઉઠી જાય.

સમાજની આ મુસીબત છે. ‘લોકો શું કહેશે’ એવો ભાવ આપણે ધારીએ છીએ તે કરતાં વધુ ક્રૂર રીતે સ્ત્રીઓનો દુશ્મન બની ગયો છે. સ્ત્રી પોતાની રીતે કામ પસંદ કરી ન શકે, પોતાની રીતે લગ્ન કરી ન શકે, પોતાની રીતે મિત્રો બનાવી ન શકે, ઈચ્છા હોય તે પ્રમાણે કપડાં પહેરી ન શકે, ક્યાંય આવી-જઈ ન શકે… કારણ કે ઘરના લોકોએ એક પ્રશ્ન સતાવતો હોય છે: લોકો શું કહેશે?

રાધિકાની વોટ્સએપ ચેટમાંથી એ પણ બહાર આવ્યું છે કે ઘણા પ્રતિબંધોનો સામનો કરી રહી હતી. એને બે મહિના માટે વિદેશ જવું પડ્યું હતું, પસંદગી ઓસ્ટ્રેલિયા કે દુબઈ વચ્ચે હતી. રાધિકાએ એના કોચને આ કહ્યું હતું. આનો અર્થ એ થયો કે તમામ સુખ-સુવિધાઓની વચ્ચે પણ એના પર સમાજની વિચારસરણી લાદવામાં આવી હતી. એક ચેટમાં રાધિકા કોચને કહે છે: ‘બસ, થોડું ખુલીને જીવવું છે.’ એણે કોચને વિનંતી કરી હતી કે એકેડમીમાં થોડાં બાળકોને મોકલે જેથી તેનું કામ ચાલતું રહે.

રાધિકાની હત્યા ઊંડા સામાજિક સવાલો ઊભા કરે છે. આ ઘટના જૂની માનસિકતા અને નવી પેઢીની સ્વતંત્રતા વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે. જ્યારે એક દીકરી પોતાની મહેનત સાથે આગળ વધે છે, પોતાના નિર્ણયો જાતે લે છે, ત્યારે એ જ સમાજને, એ જ પરિવારને ખટકવા લાગે, જેને એક સમયે એની સફળતા પર ગર્વ હતો. શું દીકરીની સફળતા અને આઝાદી એટલી મોટી ભૂલ છે કે એને એક બાપે આ રીતે મૃત્યુદંડ આપવો પડે?

એક વિકાસશીલ સમાજ ત્યારે જ વિકાસનું લક્ષ્ય હાંસલ કરી શકે, જ્યારે તે બદલાતા સમયનાં નવાં મૂલ્યોને આવકારે અને પરિવર્તનને તેના પ્રગતિશીલ અંત:કરણ સાથે સંતુલિત કરે. ઘણીવાર નવી પેઢી પરિવર્તનમાં પોતાની જગ્યા કરવા માટે સમયની જરૂરિયાતો અનુસાર અનુકુળ થવાનો પ્રયત્ન કરતી હોય છે, પરંતુ તેની સામે જૂની પેઢીની સંકુચિત માનસિકતા એક દીવાલ બનીને આવી જાય છે.

આવા અવરોધો કેટલીકવાર એટલા કઠોર હોય છે કે એ માનવીય સંવેદનાઓ માટે કોઈ જગ્યા છોડતા નથી અને પોતાની વિવેકબુદ્ધિથી પોતાનું ભવિષ્ય પસંદ કરતા યુવાનોને રોકવા માટે હિંસાનો આશરો લે છે. રાજેશ ખન્નાએ ભલે ‘અમર પ્રેમ’માં શર્મિલાને સલાહ આપી હોય કે ‘કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના, છોડો બેકાર કી બાતોં મેં બીત ન જાયે રૈના,’ લોકોની વાતોથી પીછો છોડાવો કેટલો અઘરો છે તે રાધિકાના કિસ્સામાં સાબિત થયું છે.

એક પિતાનો અહં કેટલો મોટો હશે કે એની સંવેદનાને કચડી ગયો? એનાથી પણ આગળ, એક સમાજની ઈજ્જત કેટલી મોટી હશે કે બાપને આટલો નિષ્ઠુર બનાવી દીધો? ગુરુગ્રામની આ ઘટનામાં માત્ર એક બાપે એની દીકરીની હત્યા નથી કરી, એક સમાજે એક બાપની પણ હત્યા કરી છે.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : ઘડપણની એકલતા ને એ એકલતાના આનંદની વાર્તા કહેતી એક ‘સદાબહાર’ ફિલ્મ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button