ફિજિટલ -આજના વેપારની આવશ્યકતા

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી
`ક્વિક કોમર્સ’…
આ શબ્દ આજે આપણા માટે નવો નથી. ડિજિટલ અથવા ઓનલાઇન ખરીદીનો આ નવો તબક્કો છે. જો શબ્દ ન ખબર હોય તો ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો, બ્લિન્કીટ વગેરે બ્રાન્ડ ક્વિક કોમર્સની બ્રાન્ડ છે, જે બધા અમુક મિનિટોમાં તમારા ઘરે જોઈતો સામાન પહોંચાડે છે. આપણને સમજાયું કે આ પ્લેટફોર્મ પરથી માલ ઓર્ડર થાય છે. મજાની વાત તે છે કે હમણાં થોડા દિવસો પહેલા સ્વિગીની ક્વિક કોમર્સ બ્રાન્ડ ઇન્સ્ટમાર્ટ જે છે તેણે દિલ્હીમાં એક ફિઝિકલ રિટેલ સ્ટોર ખોલ્યો. આ સાંભળી આપણને નવાઈ લાગશે કે દુનિયા ઓનલાઇન તરફ જઈ રહી છે અને આ બ્રાન્ડ તો મૂળે ઓનલાઇન છે તો ફિઝિકલ સ્ટોર કેમ?
આ એક એક્સપેરિમેન્ટ છે જેના દ્વારા ગ્રાહકોને ઓનલાઇન, ઓફલાઈન અને ક્વિક કોમર્સનો ફિજિટલ અનુભવ આપવા માગે છે. એમની પાસે ઘણા બધા પ્રોડક્ટ અને બ્રાન્ડ્સ છે પણ તેમાંથી એણે અંદાજે 2000 પ્રોડક્ટ પસંદ કરી છે આ મોડેલ માટે. આનો અર્થ તે કે વ્યક્તિ સ્ટોરમાં જઈ પ્રોડક્ટ જોશે, ગમશે તો ત્યાંથી ઓનલાઇન ક્વિક કોમર્સ દ્વારા ઓર્ડર આપશે અને ગણતરીની મિનિટોમાં તે માલ તેમના ઘરે પહોંચી જશે.
ફિજિટલ વ્યૂહરચનાનો હેતુ ભૌતિક અને ડિજિટલ બંનેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. તે જરૂરી નથી કે તે સંપૂર્ણપણે ફિઝિકલ સ્ટોરનો હોય અથવા ફક્ત ડિજિટલ અનુભવ પસંદ કરવાનો હોય. ફિજિટલનો ઉદ્દેશ્ય ગ્રાહકના ફિઝિકલ સ્ટોરના અનુભવના શ્રેષ્ઠ ભાગોને ડિજિટલ વાસ્તવિકતામાં લાવવાનો છે અને આજ વાત જયારે તેઓ ઓનલાઇન સ્ટોર પર હોય ત્યારે ફિઝિકલ સ્ટોરની વાસ્તવિકતા બતાવવી… આ વાંચ્યા પછી લાગશે કે ફિજીટલનો વિચાર ભવિષ્યવાદી છે અથવા ફક્ત તે લોકો માટે છે જેમની પાસે વિશિષ્ટ ટેકનોલોજી છે, પરંતુ એવું નથી. જો તમે આજે દુનિયાભરમાં નજર નાખો, તો તમને રોજિંદા જીવનમાં ફિજિટલ વ્યૂહરચના જોવા મળશે. આને ઉદાહરણો દ્વારા સમજવાની કોશિશ કરીયે, જેમકે…
મેકડોનાલ્ડ્સની કલ્પના કરો. તમે ત્યાં જાઓ છો, અને ચેકઆઉટ કાઉન્ટર તરફ જવાના તમારા માર્ગમાં તમે ડિજિટલ કિઓસ્ક જોશો અને તેના દ્વારા તમે તમારો ઓર્ડર આપશો. ગ્રાહક ભૌતિક સ્ટોરમાં છે અને ઓર્ડર ડિજિટલી આપે છે. બીજું એક ઉદાહરણ જે તમે જોયું હશે તે છે QR કોડનો ઉપયોગ. આ ફક્ત પૈસા ચૂકવવા માટે નથી પણ તમે રેસ્ટોરન્ટમાં મેનુ ચેક કરવા કે પછી કોઈ દુકાનોમાં વધુ માહિતી માટે ત્યાં લગાડેલા QR કોડને સ્કેન કરશો. બેંકોમાં જઈ તમે તમારી પાસબુક કિઓસ્કના સહારે અપડેટ કરો છો, પૈસા ATM માં ભરો પણ છો અને કાઢો પણ છો. આ છે ફિજિટલ અનુભવો.
આજ વાત ડિજિટલી કેવી રીતે થાય છે? અમુક દુકાનો પોતાના પ્રોડક્ટ લાઈવ સ્ટ્રીમ કરતા હોય છે. તમે તે ઘેર બેઠા જોવો છો જાણે સ્ટોરમાં બેઠા છો અને ખરીદી કરો છો.
આજે વાસ્તવિકતા તે છે કે ભારતીય ગ્રાહકો હવે ઓનલાઈન કે ઓફલાઈનની મૂંઝવણમાં રહેતા નથી. એ ઓનલાઈન ખરીદી કરે છે, સ્ટોરમાં ઉત્પાદનો તપાસે છે, QR કોડ સ્કેન કરે છે અને દરેક ટચપોઈન્ટ પર સીમલેસ અનુભવોની અપેક્ષા રાખે છે. આ અંતરને દૂર કરતી બ્રાન્ડ્સ, જેને આપણે હવે `ફિજિટલ’ બ્રાન્ડ્સ કહીએ છીએ, તે જ બ્રાન્ડ્સ બીજી બ્રાન્ડ્સની સરખામણીએ ઊભરી આવશે.
વિચાર કરી જુઓ…. કોઈ ગ્રાહક કોઈ એપ પર કોઈ પ્રોડક્ટ શોધી શકે છે, ફ્લેગશિપ સ્ટોરમાં તેને સ્પર્શ કરી શકે છે અને તે જ દિવસે તાત્કાલિક ડિલિવરીની અપેક્ષા રાખી શકે છે. અથવા તેઓ સ્ટોરમાં જ કોઈ ઘર્ષણ વિના ઓનલાઈન ખરીદી પરત કરવા માગી શકે છે. આજની તારીખે આ અપેક્ષાઓ પૂરી કરવી વૈકલ્પિક નથી, તે વેપારની જરૂરિયાત છે.
આમ એક રીતે ફિજિટલ ફક્ત ટેકનોલોજી નથી તે એક વ્યૂહરચના છે. તે લોજિસ્ટિક્સ, ડિજિટલ યુએક્સ, સ્ટોર ડિઝાઇન અને ગ્રાહક સેવા જેવી વાતોને સાથે લાવવાની માગ કરે છે. ટાઇટન, નાયકા જેવી વિવિધ બ્રાન્ડ્સ પહેલાથી જ ઇન-સ્ટોર કિઓસ્ક, એઆર ટ્રાય-ઓન્સ અને એપ્લિકેશન-આધારિત લોયલ્ટી પ્રોગ્રામ્સ સાથે ફિજિટલ સિદ્ધાંતોને એકીકૃત કરી રહી છે અને આ જે ઇકોસિસ્ટમ બની રહી છે જેને અવગણવી મુશ્કેલ છે. ઓનલાઈન શોપિંગના ઉદય છતાં, ફિઝિકલ સ્ટોરો ટૂંક સમયમાં બંધ થવાના નથી. ઘણી બ્રાન્ડ્સ હવે `ફિજીટલ રિટેલ’ તરીકે ઓળખાતા વલણમાં ભૌતિક અને ડિજિટલ ખરીદીના અનુભવોને મિશ્રિત કરવા માગે છે. આનું કારણ આજે ગ્રાહકો ઓનલાઈન ખરીદી કરતા હોય કે સ્ટોરમાં, એક સરળ અને અનુકૂળ ખરીદી અનુભવની અપેક્ષા રાખે છે.
જો તમે હજુ સુધી તમારા વ્યવસાયને ફિજિટલ બનાવવાનું નક્કી કર્યું નથી, તો તમે તમારી સ્પર્ધાથી પાછળ રહી શકો છો. ફિઝિકલ અને ડિજિટલ બંને આજની તારીખે શ્રેષ્ઠ અનુભવો આપી શકે છે, તેથી જો તમે ફક્ત એક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો, તો બંનેને એકબીજા સાથે જોડવાનો સમય આવી ગયો છે. માર્કેટર્સ માટેનો માર્ગ સ્પષ્ટ છે, ભવિષ્ય ડિજિટલ કે ફિઝિકલ નહિ પણ તે બંને હશે. જે બ્રાન્ડ્સ સફળ થાય છે તે એવા અનુભવો આપવા માગે છે જે દરેક પ્લેટફોર્મ પર સીમલેસ, વ્યક્તિગત અને સુસંગત લાગે.
ભારતના ઝડપથી વિકસતા બજારમાં, ફિજિટલ એક ટે્રન્ડ નથી- તે એક આવશ્યકતા છે અથવા એમ કહી શકાય કે વેપારીઓ માટે આ આદેશ સમાન છે.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: નામ ગુમ જાયેગા, ચહેરા ભી બદલ જાયેગા તેરી આવાઝ હી પહેચાન હે ગર યાદ હો…



