સર્જકના સથવારે : હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે આવે તે ભલે લયલા બનીને

- રમેશ પુરોહિત
ગઝલ એટલે દિલના સ્પંદન અને શબ્દનું સંવનન. કાવ્યમાં હૃદયની સંવેદના તો હોય છે પણ ગઝલમાં સવિશેષ પ્રમાણમાં હોય છે. એક જ શેરમાં પૂરતા લાઘવથી આખું ભાવવિશ્ર્વ પ્રકટ કરવાનું હોય છે, એટલે સંવેદન સંયમ માગી લે છે. આજે આપણે એક જ સર્જકની વાત ન કરતા અનેકના અશ્આર માણીએ. એવો ઉપક્રમ રાખ્યો છે.
ગઝલ આત્મલક્ષી પ્રકાર છે. ગઝલના વિષય, આશય અને અભિવ્યક્તિ કવિના વ્યક્તિગત છે, અને છતાંયે સૌને સ્પર્શે છે એટલે વ્યક્તિથી પર અને પાર છે. ગઝલ શાયરના ભાવવિશ્ર્વનું દર્પણ છે. ઊર્મિની સચ્ચાઈનો રણકો અને કલ્પનાસૃષ્ટિની મૌલિકતા શબ્દોમાં અવતરે તો જ દિલને સ્પર્શે ગઝલ જેટલી વાસ્તવિકતાની નજદીક જાય છે એટલી જ એ યથાર્થ નીવડે છે… ગઝલ છે ખાસ પ્રકારની બે તાબીઓનું – અંજપાનું બીજું નામ. ગઝલ જેટલી સર્જકના અંતરમાં ઊતરે છે એટલું જ એમાં નાવિન્ય આવે છે. ઉર્દૂ ગઝલના ઉદાહરણથી વાત સમજીએ તો જિગર મુરાદાબાદીનો આ શેર જોવો રહ્યો.
અય શમ્મા તુજ પે યે રાત ભારી હે જિસ તરહ
હમને તમામ ઉમ્ર ગુજારી હૈ ઈસ તરહ.
આપણે ત્યાં ઘાયલ સાહેબે શમાની ચોખટ પર પોઢી જતા પરવાનાની વાત કરી છે.
પરવાના પોઢી જાય છે ચિર મૌનની ચાદર ઓઢીને
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે
ગઝલના સત્ત્વ અને તત્ત્વની વાત આપણા ગઝલકારોના શબ્દોમાં સમજીએ તો મર્મ પકડાઈ શકશે જેમ કે:
ચાહું તો જિંદગીને ફરીથી બનાવું હું
પણ એ ફરી બગાડવા ફુરસત નહીં રહે
-મરીઝ
મીઠાં સમણા વસમા શૂળ
મારી ગઝલોના બે મૂળ
– ઘાયલ
દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ
દોર ગોઝારો જામે વિરહનો અને
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ
-શૂન્ય પાલનપુરી
શૂન્ય વિરહને ગોઝારો કહે છે. આમ પણ ગઝલમાં મિલન મોકાઓ ઓછા અને વિરહની વેદના વધારે જોવા મળે છે. વિરહથી ઉદ્ભવતાં દુ:ખો, વેદના, નિરાશા, ઝંખના ગઝલ નિર્માણની સામગ્રી બને છે. શૃંગારના બે કાવ્ય સ્વરૂપ અલંકારશાસ્ત્રમાં છે-મિલન અને વિરહ. શંભોગશૃંગાર અને વિપ્રલંભશૃંગાર. કોઈ પોતાનું દિલમાંથી જતું રહે ત્યારે દીવાલો પણ રડતી હોય છે. ઘર ખાવા ધાય છે. આવી આત્મીયતાની વાત મનોજ ખંડેરિયા આ રીતે કરે છે:
આત્મીયતાથી દીવાલથી ખરખર ખરી પડી
ઓચિંતા ઘરમાં સાવ અટૂલા થઈ ગયા
અત્યારની ગઝલને વિષયનો છોછ નથી. એટલે કે ફક્ત મિલન કે વિરહની વાતથી ગઝલ આગળ નીકળી ગઈ છે. પણ આખરે માનવજીવનમાં આ બે વાત મહત્ત્વની છે એટલે મનોજ અટૂલા થઈ ગયાનું કહે છે તો ભગવતીકુમાર શમા સાંજના શામિયાણામાં આવતા સ્મરણની વાત આ રીતે કરે છે.
ઉદાસી આ સૂરજની આંખે ચડી છે
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
આ વાત મનહર મોદી જુદી રીતે કરે છે:
ખૂબ અઘરું હોય છે અંદર જવું
એકલા બળબળ થવાનું હોય છે.
ગઝલમાં આજે પણ મિલન-વિરહ સ્થાયીભાવ છે અને તેથી જ એ શારીરિક છે, માનસિક છે પણ ગઝલ ત્યાં જ અટકતી નથી.
ગઝલ બાહ્ય અર્થમાં માશૂક-આશિકની વાત છે તેને ઈશ્કે-મિજાજી કહેવાય છે. સૂફી તત્ત્વજ્ઞાનની પરંપરામાં ગઝલ તો ઈશ્કે-હકીકી છે તેનો આંતર રંગ છે. વાત પ્રિયતમાને સંબોધીને કહેવાય છે તે તેના આધ્યાત્મિક અર્થમાં પરમપ્રિયતમ પરમાત્માને ઉદ્દેશીને કહેવાતી હોય છે. આપણા સમર્થ કવિ સુંદરમ્ યાદ આવે છે:
હવે પ્રભુ જો મુજ પ્રેમ વાંછે
આવે ભલે તે લયલા બનીને
ગઝલ સમ્રાટ શયદાએ લોકબોલીને ગેયછંદોમાં કંડારીને લોકોના દિલોદિમાગ સુધી પહોંચાડવાનું અને સાથે સાથે ગઝલના સાહિત્યિક સ્વરૂપને સિદ્ધ કરવાનું કામ કર્યું. એમના અનુગામીઓ એ હોંશેહોંશે ગઝલના સ્વરૂપને વળગીને મજબૂત પ્રદાન કર્યું. ગુજરાતી ગઝલમાં નવી દૃષ્ટિ લાવવા માટે આ શેર કહ્યો હશે!:
યુગ યુગથી સકળ આ વિશ્ર્વ એનું એ જ નિહાળું છું
હવે કોઈ નવી દૃષ્ટિ આપો નયન માટે
ગુજરાતી ગઝલનું આજનું સ્વરૂપ અહીંથી શરૂ થાય છે. ગુજરાતી ગઝલને પોતીકાપણું આપવા માટે અત્યારસુધીમાં અથાગ પ્રયત્નો થયા છે અને હવે ગઝલનો એટલે આધુનિક ગઝલનો કાફલો આગળ વધી રહ્યો છે. ગઝલ દિલની જબાનમાં લખાય છે એટલે એમાં તર્ક ન આવે. રેશનલ દલીલ ચાલે નહીં કારણ કે વાત દિલની છે, દિમાગી નથી. આમાં ઊર્મિનું ઐશ્ર્વર્ય છે, લાગણીની નમણાશ છે. કલાપીએ ભલે કહ્યું હોય કે:
પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી
કારણ પ્રીતનું પ્રીતિ! પ્રેમની લક્ષ્મી તે બધી
જો કે સાવ અકારણ પણ કશું બનતું નથી અને તેથી જ ઘાયલ કારણ આપ્યા વગર કારણ આપીને કહે છે કે:
કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે
મને નખશિખ સુંદર કૃતિ ગમે છે. ગમવાં પાછળ અનેક પાસાંઓ છે. ફ્રોસ્ટ કહે છે કે કેટલીક કૃતિઓ પરિચયમાં આવતા જ ગમી જાય છે અને ત્યારે લાગે છે કે આને ક્યારેય ભૂલી શકાશે નહીં.
ગઝલ સામાન્ય વાતચીત નથી પણ અરબીમાં એની વ્યાખ્યા પ્રમાણે એ ‘સુખન અઝ માચૂક ગુફતન’ છે એટલે માશૂક સાથેની ગુફતગૂ છે.
માશૂક એટલે પ્રિયતમા
ઊંચા અર્થમાં માશૂક એટલે પરમ પ્રિયતમ
પરમેશ્ર્વર
હરીન્દ્ર દવેએ એટલે જ કહ્યું છે:
જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન કયાં છે
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી
ફરીથી કવિ ફ્રોસ્ટ યાદ આવે છે: ‘આઈ હેવ લવર્સ ક્વોરલ વીથ ધ વર્લ્ડ’ આવી મુગ્ધતાની મૃદુ જમીન પર ધીરે ધીરે સમજણનો છોડ પાંગરે છે જે ભાવુકતાની અને પરિપક્વતાની વચ્ચે સેતુ બને છે…
આમ કૃતિની ભાષા, અભિવ્યક્તિની નજાકત, કલ્પનની તાઝગી, અનુભૂતિનું ઊંડાણ, મૌસિકી અને બયાનનો અંદાઝ ગમી જાય છે અને પ્રેમ કલ્ટીવેટેડ બને છે.
ઘાયલના શબ્દોમાં કહું તો:
થતાં તો થઈ ગયો તો ઘડી સંગ શબ્દનો
પણ આ જુઓ જતો જ નથી રંગ શબ્દનો
કાવ્ય, જગત અને જીવન એક તાંતણે બંધાયેલ છે જીવનમાં દરેક સવાલોના જવાબો સીધી રીતે નથી મળતા પણ મળે છે જરૂર. એક સૂફી સંતે કહેલી વાત યાદ આવે છે.
સાહેબ કે દરબારમેં કમી કાહુકી ના હી
બન્દા મૌજ ન પાવહી, ચૂક ચાકરી માહિ
આપણા શરૂઆતના ગઝલકારોએ ક્યારેક તો કહેવત બની ગઈ છે એવી પંક્તિઓ આપી છે જેમ કે:
કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. કલાપીની વાત કરીએ તો એમનો પ્રખ્યાત શેર આપણાં હૈયે અને હોઠે રમતો રહે છે:
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની
નજર ઠરે છે ફરતી નથી અને નજર ઠરે તો જ યાદ વહેતી થાય. આપણે ગુજરાતી ગઝલના નજર ઠરે એવા મુકામોની સફર ચાલુ રાખીશું.
આપણ વાંચો: હેં… ખરેખર?!: માનવ સહવાસ વગર 33 વર્ષ નિર્જન ટાપુમાં વસવાટ



