જે પ્રજા આત્મગૌરવ ખોઈ બેસે છે તે લુપ્ત થઈ જાય છે…

મહારાષ્ટ્રમાંથી ગુજરાતી નેતાગીરીનો સફાયો… કારણ જાણવાં જેવાં છે- મનોમંથન પણ કરવા જેવું છે.
કવર સ્ટોરી – નીલેશ દવે
હજુ થોડા સમય પહેલાં જ ગુજરાતના ભાજપના પ્રદેશપ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી થઈ, પરંતુ એ પહેલાં સાત કરોડ કરતાં વધુ ગુજરાતીઓની વસતિ ધરાવતા આ રાજ્યમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપના પ્રદેશપ્રમુખ કોણ હતા? સી. આર. પાટીલ… પાટીલ મૂળે મરાઠી અને પ્રદેશ અધ્યક્ષ બન્યા કરોડો ગુજરાતીઓના. ક્યાંય કોઈ ભાષાવાદ નહીં વિરોધ નહીં, પાટીલ અધ્યક્ષ બની શક્યા કેમ કે ગુજરાતીઓ સહિષ્ણુ છે, ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં જે પ્રદેશમાં જાય ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી જાય છે, પરંતુ વધુ પડતી સાકર ક્યારેક ડાયાબિટીઝનું જોખમ સાથે લાવતી હોય છે અને આવું જ મહારાષ્ટ્રના ગુજરાતીઓની બાબતમાં થયું છે.
મહામુંબઈના બે ભાગલા પડ્યા એમાં મરાઠી કે ગુજરાતી પ્રજાનો કોઈ વાંક ન હતો, બે નવાં રાજ્યો અસ્તિત્વમાં
આવ્યાં, પરંતુ કોઈ પણ રાજ્યમાંથી રહેવાસીઓની હિજરત નહોતી થઈ, જે જ્યાં હતા ત્યાં જ રહ્યા-વસ્યા. મહારાષ્ટ્રના અનેક નગર – ગામોમાં ગુજરાતીઓની વસતિ છે, માત્ર મુંબઈ જ નહીં, પરંતુ પુણે, નાશિક, નંદુરબાર ગોંદિયા, કોલ્હાપુર, સોલાપુર જેવાં અનેક શહેરોમાં બહોળી ગુજરાતી વસતિ છે.
મહારાષ્ટ્રના વિકાસમાં ગુજરાતીઓનો પણ સિંહફાળો છે. ગુજરાતીઓએ અહીં પરસેવાની કમાણી કરી અને પોતાના વતનના વિકાસમાં તો સાથ આપ્યો જ છે, પરંતુ પોતાની કર્મભૂમિના વિકાસમાં પણ સક્રિય ફાળો આપ્યો છે. માત્ર સામાજિક જ નહીં, પણ રાજકીય ક્ષેત્રમાં પણ ગુજરાતીઓનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. ભાનુશંકર યાજ્ઞિક, રજની પટેલ, શાંતિ પટેલ, જીવરાજ ભાણજી, લીલાધર પાસુ, જયંતી પારેખ, અરુણ ગુજરાથી, પ્રફુલ પટેલ, જયવંતીબહેન મહેતા, કિરીટ સોમૈયા, પ્રકાશ મહેતા, યોગેશ સાગર જેવા અનેક નેતાઓ અહીં ગુજરાતીઓના પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે તૈયાર હતા. આમાંના મોટા ભાગના કૉંગ્રસી હતા, પરંતુ ગુજરાતમાં ભાજપના ઉદય સાથે જ મુંબઈ-મહારાષ્ટ્રમાંથી પણ કૉંગ્રેસને ગુજરાતીઓએ જાકારો આપ્યો. આજે મહારાષ્ટ્રમાં નેતાઓ આંખ બંધ કરીને કહી શકે છે કે ગુજરાતીઓ એટલે ભાજપ જ. આથી જ ગુજરાતીઓની, તેમના પ્રશ્નોની, તેમની સમસ્યા, ઉકેલ, સિદ્ધિ આ બધી જવાબદારી પણ એકલા ભાજપ અને તેના નેતાઓની છે.
જોકે છેલ્લા એક દાયકાથી સિનારિયો બદલાઈ રહ્યો છે, અચાનક જ પ્રેમથી રહેતી બે કોમ મરાઠી અને ગુજરાતી વચ્ચે એક પ્રકારનું વૈમનસ્ય ફેલાવવાનો કારસો રચાઈ રહ્યેો છે, જોકે આની શરૂઆત તો જ્યારે રેલવે પ્લેટફોર્મ પરથી ગુજરાતી પાટિયા હટ્યાં ત્યારથી જ શરૂ થઈ ગયેલી, એ વખતે ચૂપ બેસેલી પ્રજા નમાલી છે એવું લોકોએ ધારી લીધેલું જે મહદ્અંશે સાચું પડ્યું છે કેમ કે રેલવેના પાટિયાથી થયેલી શરૂઆત દુકાનના પાટિયાં સુધી પહોંચી ગઈ, તોય આ સહિષ્ણુ પ્રજા ચૂપ રહી.
સામા પક્ષે છેલ્લા ત્રણ દાયકામાં ઉત્તર ભારતીય પ્રજા પોતાનું વજન વધારતી જ ગઈ. આની શરૂઆત આમ તો ત્રણ દાયકા પહેલાથી જ થઈ ગઈ હતી, ખાસ કરીને ગુજરાતી વિસ્તારોમાં નોન ગુજરાતી લોકેોને ઉમેદવારી આપી જોઈ અને જોયું કે આ પ્રજા વિરોધ કરે છે? ગુજરાતીઓએ ત્યારે ય બધા યને સ્વીકાર્યા એથી હવે એ નિયમ બની ગયો છે. એવું ન હોત તો `મકાંબો’ તરીકે ઓળખાતા મલાડ, કાંદિવલી, બોરીવલી જેવા ગુજરાતી વિસ્તારમાંથી છેલ્લા 30 વર્ષમાં એક પણ ગુજરાતી વિધાનસભ્ય કે સંસદ સભ્યને ઉમેદવારી અપાઈ નથી (ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરને બાદ કરતાં), જ્યાં પણ ગુજરાતી પ્રજા બહુમતમાં હોય ત્યાંથી ગુજરાતી ઉમેદવારોને આશા હોય છે. વર્ષો અને દાયકાઓ સુધી પક્ષ માટે જાત ઘસાવી નાખતા આ કાર્યકર્તાઓ જ ખરેખર તો પક્ષની તાકાત હોય છે, પરંતુ નેતાઓ આવા કાર્યકર્તાઓને ભાજીમૂળા સમજતાં હોય છે અને સત્તા માટે આવા અનેક કાર્યકરોના સ્વપ્ન રોળી નાખતાં હોય છે.
2014માં મોદીકાળના ઉદય બાદ તો જાણે ગુજરાતીઓને રાજ્યમાંથી હટાવવાની દોડ જ ઊભી થઈ છે, આમાં એકેય પક્ષ બાકાત નથી, જે ગુજરાતી નેતાઓ વિધાનસભામાં, લોકસભામાં, પાલિકામાં કે રસ્તા પર ગુજરાતી પ્રજાનો પ્રશ્ન માંડી શકે તેમ છે, જેમની પકડ માત્ર મુંબઈ જ નહીં સમગ્ર મહારાષ્ટ્રમાં છે તેવા નેતાઓને વીણી વીણીને ઈલેક્ટ્રોલ પોલિટિક્સમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. જયવંતીબહેન મહેતાના નિધન, અરુણ ગુજરાથીની ઉંમરને કારણે પરાણે એક્ઝિટ બાદ સમગ્ર મહારાષ્ટ્ર પર જેની પકડ હોય તેવા બે ગુજરાતી નેતા છે, કિરીટ સોમૈયા અને પ્રકાશ મહેતા, પરંતુ આ બંનેને પણ ધીરે રહીને દૂર કરવામાં આવ્યા, એ પણ એવી સિફતથી કે તેમના સ્થાને ગુજરાતી ઉમેદવાર ઊભા રાખી તેમને દૂર કરી દેવાયા.
કેન્દ્રમાં મોદીજીના ઉદય પહેલા મહારાષ્ટ્રમાં ભાજપની હાલત કફોડી હતી એ સમયે કિરીટ સોમૈયા, પ્રકાશ મહેતા, જયંવતીબહેન મહેતા, યોગેશ સાગરે ભાજપને મજબૂત બનાવવામાં ખૂબ જ મહેનત કરી હતી. પ્રકાશ મહેતા અને કિરીટ સોમૈયા બંનેએ પોતાના સમયમાં અનેક યુવાનોને તૈયાર કર્યા જેમાં પ્રવીણ છેડા, મનોજ કોટક, મંગલ ભાનુશાલી જેવા ગુજરાતી નેતાઓ ફલક પર આવ્યા અને ગયા. મોદીકાળ પહેલા અને હાલમાં પણ આ બંને નેતા ( પ્રકાશ મહેતા – કિરીટ સોમૈયા)ની સંગઠન પર ખૂબ જ સારી પકડ હોવા છતાં તેમને અનેક નિર્ણયમાં વિશ્વાસમાં લેવામાં નથી આવતા. હા, પક્ષ પર કોઈ સંકટ હોય ત્યારે તેમની મદદ તરત જ લેવાય છે. હાલની પરિસ્થિતિમાં યોગેશ સાગર અને વત્તા-ઓછા અંશે મનોજ કોટક સંપૂર્ણ મહારાષ્ટ્ર પર તો નહીં, પરંતુ અનેક વિસ્તારો અને પ્રશ્નોમાં ગુજરાતીઓનું નેતૃત્વ કરી શકે તેમ છે, પરંતુ મનોજ કોટકને પણ એક ટર્મ બાદ હટાવી દેવાયા. જોકે, તેમનું ગ્રાઉન્ડ નેટવર્ક અને કાર્યકરોમાં પ્રભુત્વ સાં હોવાથી હજુ ટકી રહ્યા છે.
યોગેશ સાગરને પણ સતત ખડેપગે રહેવું પડે તેવી પરિસ્થિતિ છે, બાકી અત્યંત આધારભૂત સૂત્રો પ્રમાણે મુંબઈ અધ્યક્ષ માટે યોગેશ સાગરનું નામ નક્કી હતું, પરંતુ દિલ્હીથી મુંબઈ પહોંચતા સુધીમાં બાજી ફરી ગઈ, આ વાતની જાણ મુંબઈના કેટલાક ગુજરાતી નેતાઓને છે, પરંતુ એ બધા મૌન રહ્યા. પ્રવીણ છેડા પણ ખૂબ જ આશાસ્પદ નેતા છે, પક્ષના પ્રશ્નો રસ્તા પર અને ગૃહમાં ઉપાડવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ પક્ષપલટો અને કાર્યકર્તાઓ સાથેનો ઓછો મનમેળ તેમના માટે ઘાતક પુરવાર થયો અને વધુ એક ગુજરાતી નેતા હાંસિયામાં ધકેલાઈ ગયો. દક્ષિણ મુંબઈના અતુલ શાહની પણ એવી જ પરિસ્થિતિ છે. આનું કારણ એ છે કે આ ગુજરાતી નેતાઓ કેન્દ્ર સુધી પોતાની વાતની અસરકારક રજૂઆત કરી શકયા નથી, જેનું નુકસાન સમગ્ર ગુજરાતી જનતાને થયું છે.
આની સામે હજુ બે વિધાનસભ્ય મિહીર કોટેચા અને પરાગ શાહ મુંબઈમાં ગુજરાતીઓનું નેતૃત્વ કરે છે, પરંતુ મુંબઈ બહાર તેમની ક્ષમતા સામે પ્રશ્ન છે. પરાગ શાહ રાજકારણમાં અકસ્માતે આવેલા છે, તે રાજકારણના માણસ જ નથી, તેમનો મોટા ભાગનો સમય અધ્યાત્મ અને પોતાના વ્યવસાયમાં વધુ હોય છે, રાજકીય કાવાદાવા વિના સૌનું સાં થાય તેવી તેમની માનસિકતા છે, જ્યારે મિહિર કોટેચા `મહેતો મારે પણ નહીં ભણાવે પણ નહી’ એ અંદાજના વ્યક્તિ છે, પોતાની વિધાનસભાને બાદ કરતાં બીજા પ્રશ્નોમાં તેમને રસ નથી.
આ વખતની સુધરાઈની ચૂંટણીમાં જે રીતે ગુજરાતીઓની છટણી થઈ છે તે જોતાં આગામી સમયમાં ગુજરાતીઓ માટે મહારાષ્ટ્રમાં કપરો કાળ આવશે એ નક્કી છે. આનું કારણ છે કે આ પ્રજા એક નથી થઈ શકી આત્મગૌરવ નથી જ જાળવી શકી, પોતાના જ માણસોને કે નેતાઓને કાપવામાં અગ્રેસર રહી છે, આની સામે ઉત્તર ભારતીયોએ ખૂબ જ શાંતિથી પગપેસારો કર્યો છે, પરંતુ જે હાલત ભાજપના મહારાષ્ટ્ર મોવડી મંડળના નેતાઓ ગુજરાતીની કરે છે તેવી ઉત્તર ભારતીયોની કરી શકે તેમ નથી, તેમની અવહેલના તેમને ભારી પડી શકે તેમ છે. એવું ન હોય તો ગુજરાતી ઉમેદવારો ઘટતા આવ્યા છે અને ઉત્તર ભારતીય ઉમેદવારો વધી રહ્યા છે. જો વિચારો તો મુંબઈના છ જિલ્લા અધ્યક્ષમાં એક પણ ગુજરાતી નથી, હા એક ઉત્તર ભારતીય છે, આનું કારણ ભાજપના ઉચ્ચ નેતાઓની મુત્સદ્દી નહીં, ગુજરાતી નેતાઓનું નમાલાપણું છે.
અમુક ભાજપના મરાઠી નેતાઓ જાણે છે કે આ ગુજરાતી પ્રજા કંઈ બોલી શકે એવી છે નહીં, એક થઈ શકે તેવી છે
નહીં, તો એમનો ઉપયોગ વોટબેન્ક તરીકે જ કરાય, સત્તામાં ભાગીદારી આપી શકાય નહીં અને તે આ લોકો બખૂબી
કરી રહ્યા છે, રાજ અને ઉદ્ધવ એક સાથે આવે છે એટલે મરાઠીઓ એક બાજુ થઈ જશે એવો ભય દિલ્હીના લોકોને બતાડીને વધુને વધુ ગુજરાતીઓની ટિકિટ કાપવામાં આવી, આટલું ઓછું હોય તેમ ગુજરાતી વિસ્તારોમાં વિધાનસભા અને લોકસભાની જેમ જ બિનગુજરાતીઓને માથે મારવામાં આવ્યા તેમ છતાં આ જે મૌન છવાયું છે તે ગુજરાતીઓ માટે ઘાતક સાબિત થશે.
હજુ પણ સમય છે હજુ જે નવા લોકો આવી રહ્યા છે તેમને મહારાષ્ટ્ર અને મુંબઈના વિકાસના કામ કરવાની સાથે સાથે ગુજરાતીઓના પ્રશ્નો ઉપાડવાની શીખ આ નેતાઓએ જ આપવી પડશે. નીલ સોમૈયા, ધર્મેશગીરી, સંદીપ પટેલ, હર્ષ પટેલ, ધવલ વોરા, હિમાંશુ પારેખ જેવા બિનઅનુભવીઓને ઘડવાની જવાબદારી હાલના નેતાઓની પેઢીની છે. માત્ર આટલું જ નહીં, એક અવાજ ઉપર આખું શિવાજી પાર્ક છલકાઈ એવા એક ગુજરાતી સંગઠનની પણ તાતી જરૂરત છે, જે કોઈ પ્રજાના વિરોધમાં ન હોય, પરંતુ પોતાની પ્રજાના સપોર્ટમાં હોય નહીં તો મોડું થઈ જશે અને પૃથ્વી પરથી અનેક ભાષા, સંસ્કૃતિ લુપ્ત થઈ એમ મહારાષ્ટ્રમાંથી ગુજરાતી પ્રજા લુપ્ત થઈ જશે….
આ સિનારિયો ડરામણો છે!
આ પણ વાંચો…કવર સ્ટોરી : રશિયા-ભારત કરાર… મોદીનો ટ્રમ્પને તમાચો



