મોર્નિંગ મ્યૂસિંગ: એક બાળક…એક મંચ આત્મવિશ્વાસ ને પેરેન્ટિંગના સબક

- રાજ ગોસ્વામી
દિવાળીમાં ફટાકડા ફૂટે તે પહેલાં, ‘કૌન બનેગા કરોડપતિ’ ગેમ શોના એક એપિસોડને લઈને સોશ્યલ મીડિયા પર બહુ તડાકા-ભડાકા થયા. અમિતાભ બચ્ચનના આ સૌથી લોકપ્રિય શોની પ્રતિસ્પર્ધામાં એક પ્રતિભાશાળી બાળકે ભાગ લીધો હતો (તેની ઉંમરને જોતાં આપણે તેનું નામ ટાળીએ). શરૂઆતમાં તો તેની બુદ્ધિમત્તા, હાજરજવાબી અને આત્મવિશ્વાસે (અમિતાભ સહિત) સૌનું ધ્યાન આકર્ષિત કર્યું, પરંતુ ગેમ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તેનો આત્મવિશ્વાસ ધીમે-ધીમે અતિ-આત્મવિશ્વાસમાં તબદીલ થતો ગયો. તેની જવાબો આપવાની રીત, સવાલોની ખીલ્લી ઉડાવવાની વૃત્તિ અને દરેક નિર્ણયમાં પોતાને ‘સાચા’ માનવાની માનસિકતા- આ બધાએ દર્શકોને એ વિચારવા માટે મજબૂર કરી દીધા કે આ આત્મવિશ્વાસ હતો કે ઉદ્ધતાઈ કે પછી અહંકારની ઝલક? સોશ્યલ મીડિયા પર તેની વીડિયો ક્લિપ શેર કરીને બહુ બધા યુઝર્સે તો તેને બત્તમીજી ગણાવી તો અમુક લોકોએ એ બાળકનું આવું વર્તનને પેરન્ટસની ઘોર નિષ્ફળતા પણ ગણાવી હતી.
બાળકના વ્યવહાર પર દર્શકોની પ્રતિક્રિયાઓ એટલી આકરી હતી કે કદાચ હોસ્ટ અમિતાભ બચ્ચન પણ ડઘાઈ ગયા હોવા જોઈએ, જે સામાન્ય રીતે હોટ સીટમાં બેસતા પ્રકાર-પ્રકારમાં પ્રતિયોગીઓ સાથે મોજ લેતા હોય છે અને જે ‘કૌન બનેગા કરોડપતિ’ને કોઈપણ પ્રકારની ભૂલ કે વિવાદથી છેટા રાખવાની દરકાર કરતા હોય છે.
ઘણા લોકોએ અમિતાભના ધૈર્ય અને સંયમની પ્રશંસા કરી કે તેમણે બાળકના વર્તનને શાંતિથી સહન કર્યું. કેટલાક લોકોએ કહ્યું કે બાળકની ભૂલ નથી, પરંતુ એના ઉછેરમાં કમી છે કે તેને ધૈર્ય અને શિષ્ટાચાર શીખવવામાં આવ્યો નથી.
એક યૂઝરે લખ્યું, ‘બાળક સ્માર્ટ છે, પરંતુ તેને એ સમજવું જરૂરી છે કે મંચ પર બધાની ઈજ્જત કરવી જરૂરી છે.’
આ એપિસોડ સાહજિક હતો કે સ્ક્રિપ્ટેડ એ તો ખબર નથી, પણ આવો આત્મવિશ્વાસ એક સાર્વજનિક તમાશાનો વિષય બને અને તેને એક સિદ્ધિ ગણવામાં આવે તે પેરેન્ટ્સ તરીકે અને એક સમાજ તરીકે ચિંતાની બાબત છે. એક વધુ પડતું લાડ-લડાવેલું બાળક એમ માનતું થઇ જાય કે તેનો વ્યવહાર પ્રશંસા પાત્ર છે તો તેના ભવિષ્ય માટે અહિતકારી છે.
મનોવિજ્ઞાનમાં તેને ‘સિક્સ પોકેટ સિન્ડ્રોમ’ કહે છે- ખાવાનું, રમકડાં, એટેન્શન, વખાણ, ગેજેટ્સ અને લાડની ટેવ હોય તે. પાણી માગે તો દૂધ હાજર કરી દેવાની વૃત્તિ. માતા-પિતા અને દાદા-દાદીના હાથે અતિશય લાડમાં ઉછરેલાં બાળકોમાં ધીરજ ઓછી હોય છે, માત્ર લેવાની જ ભાવના હોય છે, નિરાશાને સહન કરવાની તાકાત નથી હોતી અને ‘ના’ સાંભળવાની તૈયારી નથી હોતી.
આત્મવિશ્વાસ એવી શક્તિ છે જે બાળકને આગળ વધવાની હિંમત આપે છે, પરંતુ જ્યારે એ આત્મવિશ્વાસ અનુભવ, વિનમ્રતા અને શીખવાની ક્ષમતા વગર આવી ગયો હોય ત્યારે તે અતિ-આત્મવિશ્વાસ બની જાય છે- જે અંતે ખોટા નિર્ણયો અને નિષ્ફળતાનું કારણ બને છે.
પેલા બાળકના જવાબોમાં ઘણી વખત ‘આ તો હું જાણું છું’નો ભાવ એટલો પ્રબળ હતો કે તે પ્રશ્નને પૂરો સાંભળ્યા વગર જ જવાબો આપતો હતો. આ વૃત્તિ આજના સમયમાં એક ઊંડી માનસિક સમસ્યાને દર્શાવે છે- તાબડતોબ પણ ઉપરછલ્લું જ્ઞાન. આજનાં બાળકો તેજ છે, પણ ગહેરાઈમાં જતાં નથી.
આજનાં પેરેન્ટ્સ તેમનાં બાળકોને લઈને બહુ મહત્ત્વાકાંક્ષી હોય છે. એ ઇચ્છતાં હોય છે કે તેમનું બાળક ‘સૌથી આગળ રહે.’- સૌથી બુદ્ધિશાળી, સૌથી પ્રતિભાશાળી, સૌથી આત્મવિશ્વાસી… આ પ્રક્રિયામાં એ ઘણીવાર ‘વિનમ્રતા’ અને ‘ધૈર્ય’ શિખવવાનું ભૂલી જાય છે. એવાં બાળકોને જ્યારે દરેક બાબતમાં પ્રશંસા મળે છે- ‘વાહ, તું તો જિનિયસ છે!’ ‘વાહ, તું તો બધું જાણે છે!’- ત્યારે તેનામાં ‘કૃત્રિમ શ્રેષ્ઠતાનો ભાવ’ વિકસવા લાગી જાય છે. ધીરે-ધીરે આ ભાવ અતિ-આત્મવિશ્વાસમાં ફેરવાઈ જાય છે, જ્યાં બાળક ટીકા સાંભળવાનું, ભૂલ સ્વીકારવાનું અથવા શીખવાનું ટાળવા લાગે છે.
અમેરિકન મનોચિકિત્સક કેરોલ ડ્વેકે તેમના સંશોધનમાં બતાવ્યું છે કે બાળકોની ઉછેરમાં બે માનસિકતા હોય છે- ફિક્સ્ડ માઈન્ડસેટ અને ગ્રોથ માઈન્ડસેટ. ફિક્સ્ડ માઈન્ડસેટવાળું બાળક એવા વિચારમાં રાચતું હોય છે કે ‘હું બુદ્ધિમાન છું, મને બધું આવડે છે.’ જ્યારે તે નિષ્ફળ જાય, તો તે સહન નથી કરી શકતું, કેમ કે તેને લાગે છે કે તેની ‘સ્માર્ટનેસ’ ખતમ થઈ ગઈ છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : પગ ને પગરખાં… સત્તાધારીઓને ‘તમે ના-લાયક છો’ કહેવાની અનોખી રીત!
બીજી તરફ, ગ્રોથ માઈન્ડસેટવાળું બાળક એમ માનતું હોય છે કે ‘હું પ્રયત્ન કરીને શીખી શકું છું.’ તેની ઊર્જા શીખવામાં જ જાય છે, આવડતનો દેખાડો કરવામાં નહીં. ગેમ શોમાં પેલા બાળક જેવાં અનેક બાળકો ફિક્સ્ડ માઈન્ડસેટનો શિકાર છે- કેમ કે સમાજ અને પેરેન્ટ્સ બંનેએ તેમને શીખવ્યું છે કે ‘ભૂલ કરવી એ કમજોરીની નિશાની છે.’
ઊંઇઈ જેવા મંચ બાળકોની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપે છે, પરંતુ તે સમાજનો આયનો પણ છે. પેલું બાળક એ વાતનો પુરાવો છે કે આપણાં બાળકોમાં જ્ઞાનની ખોટ નથી, પરંતુ ભાવનાત્મક બુદ્ધિમત્તા (ઊળજ્ઞશિંજ્ઞક્ષફહ ઈંક્ષયિંહહશલયક્ષભય)નો અભાવ છે. દિમાગ તેજ છે, પરંતુ સંયમ નથી. જાણકારી છે, પણ વિનમ્રતા નથી. અને આ ખોટ માત્ર બાળકની નથી, પણ તે કૌટુંબિક વાતાવરણની છે જેમાં તે મોટો થાય છે.
આ બાળકનો વધુ પડતો આત્મવિશ્વાસ આપણને યાદ અપાવે છે કે શાણપણ માત્ર જાણવામાં નથી, સમજવામાં છે. સાચું જ્ઞાન વ્યક્તિને નમ્ર બનાવે છે, અહંકારી નહીં. આપણને એવા બાળકોની જરૂર છે જે પ્રશ્નોના જવાબો યાદ ન રાખતા હોય, પણ પ્રશ્નો પૂછવાની હિંમત ધરાવતા હોય. દરેક જીત પછી તે કહી શકે છે ‘હું આજે કંઈક નવું શીખ્યો.’ કેબીસીનો એપિસોડ સમગ્ર સમાજનો અરીસો છે- જ્યાં આપણે બાળકોને ઝડપથી અને સ્માર્ટ રીતે ઉછેરવા માગીએ છીએ, પરંતુ તેમને ઊંડાણપૂર્વક શીખવવાની તમા નથી રાખતા.
બાળકોને શીખવાનો આનંદ શીખવવાની જરૂર છે, જીતનું જનૂન નહીં. બાળકને જ્યારે એવું લાગશે કે દરેક ભૂલ શીખવાનો એક અવસર છે, ત્યારે તે અસફળતાથી નહીં ડરે. એટલા માટે, તેની ઉપલબ્ધીની અતિ-પ્રશંસાથી બચવું- ‘તું તો જીનિયસ છે’ એવું કહેવાને બદલે, ‘તેં સરસ મહેનત કરી’ એવું કહેવું. તેનાથી બાળક પોતાને જીનિયસ સાબિત કરવાને બદલે મહેનતને સાબિત કરવા પ્રયાસ કરશે. બાળકોને ઉડતાં જરૂર શીખવવું જોઈએ, પણ તેમને એ ખબર હોવી જોઈએ કે જમીન પર પગ કેવી રીતે રાખવા તે પણ ઊડવાની કળાનો જ હિસ્સો છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ: જય હોય કે પરાજય… કેમ અલગ તરી નથી આવતા?



