મોર્નિંગ મ્યૂસિંગ: જય હોય કે પરાજય… કેમ અલગ તરી નથી આવતા?

- રાજ ગોસ્વામી
બે વર્ષના લોહિયાળ જંગ પછી ઇઝરાયલનું ગાઝા યુદ્ધ સમાપ્ત થયું છે. 67,000 લોકોનાં મૃત્યુ, 169,000 લોકોને ઈજા, 198,883 ઈમારતો ધ્વંસ અને (ઇઝરાયલ તરફે) 5.5 લાખ કરોડ રૂપિયાના ધુમાડા પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર થયા છે.
ઇઝરાયલે હમાસને નેસ્તનાબૂદ કરવાના નિર્ધાર સાથે 736 સુધી તોપો ગગડાવી હતી અને અંતે 20 ઇઝરાયલી અપહૃતોને જીવતા છોડાવવા માટે હમાસ સાથે મંત્રણાના ટેબલ પર બેસીને શાંતિનો હાથ લાંબો કરવો પડ્યો હતો. જે હમાસનો એકડો કાઢી નાખવા માટે ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય અવાજોની ઐસીતૈસી કરીને કત્લેઆમ ચલાવી હતી, તે જ હમાસે હવે કહ્યું છે કે આ સમજૂતી યુદ્ધ-વિરામ છે, શાંતિ કરાર નહીં અર્થાત્ હમાસ કહે છે કે તે હથિયાર ત્યારે છોડશે જ્યારે સ્વતંત્ર પેલેસ્ટાઈનનો રસ્તો ખુલ્લો થશે. બીજા શબ્દોમાં પેલેસ્ટાઈન માટેનું તેનો સંઘર્ષ જારી રહેશે એટલા માટે એ પ્રશ્ન પણ એટલો જ પ્રાસંગિક છે કે આ સમજૂતી શાંતિ ટકાવી રાખશે કે પછી તે કેવળ નવા યુદ્ધ સુધીનો પહેલો વિરામ છે?
જો મંત્રણા અને સંવાદથી જ સંઘર્ષ અટકતો હોય તો આટલું લોહિયાળ અને ખર્ચાળ યુદ્ધ કરવાની જ ક્યાં જરૂર હતી? યુદ્ધો ભાગ્યે જ વિવાદનું સમાધાન કરતાં હોય છે. બલકે, યુદ્ધો બીજા વિવાદોને જન્મ આપતાં હોય છે અને એ રીતે યુદ્ધ અવિરત ચાલતું રહે છે.
આજે વિશ્વમાં 200 દેશ છે. તે તમામ દેશના પોતાના ધર્મ, પોતાની પરંપરા અને પોતાની સંસ્કૃતિ છે. તમામના રાષ્ટ્રીય આદર્શ છે. એમાંથી કોઈ તેના આદર્શને કોરાણે મૂકતા નથી, કારણ કે તે આદર્શ જ તેમના દેશની ઓળખ અને અસ્તિત્વનો પાયો છે. તો પછી બીજા દેશે એ આદર્શ ત્યજવા જોઈએ એવી ઈચ્છા કોઈ દેશ રાખે તે કેટલું વાજબી છે? સ્વેચ્છાએ એવું નથી થતું એટલે હિંસાનો સહારો લેવો પડે છે, જે યુદ્ધના મૂળમાં છે.
અનેક દેશો વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યા છે, અને તેમ છતાં કોઈપણ સમસ્યાનું સમાધાન થયું નથી. બધા યુદ્ધગ્રસ્ત દેશ તેમાં વધુને વધુ ગૂંચવાતાં ગયાં છે, કારણ કે યુદ્ધથી આજ દિવસ સુધી કોઈનું ભલું થયું નથી. હિંસા હંમેશાં અન્યાયપૂર્ણ હોય છે. તે જવાબને બદલે પ્રશ્ન ઊભા કરે છે. ઈરાન, ઈરાક, ઇઝરાયલ, હમાસ, રશિયા, યુક્રેન, ભારત, પાકિસ્તાન અને અન્ય ઘણા દેશ યુદ્ધ કરી ચૂક્યા છે, પરંતુ સરવાળે તો પેલી કટાક્ષમય ઉક્તિની જેમ ‘ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના…’ જેવો ઘાટ થાય છે. યુક્રેન ‘નાટો’ની મદદથી રશિયા સામે લડતું રહ્યું અને અંતે બંને દેશ તબાહીનો સામનો કરી રહ્યા છે. પોતાની મનમાની અને જિદ્દમાં બંને દેશ ખખડી ગયા. અરબો ડૉલરની આગમાં એકબીજાની રાષ્ટ્રીય સંપત્તિને સ્વાહા કરીને હવે તે શાંતિ ઝંખી રહ્યા છે.
યુદ્ધમાં જીતનાર દેશ ઘણી વખત સૌથી વધુ હિંસક, આક્રમક અને નિર્દયી હોય છે- પરંતુ તેનો અર્થ એ નથી કે તેના વિચારો સાચા છે. વાસ્તવમાં, યુદ્ધ એ સવાલથી બચવાનો એક માર્ગ છે કે શું સાચું છે અથવા શું ખોટું, શું સારું છે અથવા શું ખરાબ, શું ઉપયોગી છે અથવા વિનાશક… યુદ્ધને ગહેરાઈથી જુવો તો ખ્યાલ આવે કે મોટાભાગનાં યુદ્ધ ખોટાં કારણ કે ખોટા નિર્ણયોથી શરૂ થાય છે- અને તેનું પરિણામ એ આવે છે કે તેમાં બધા પક્ષો ભોગવે છે.
ફ્રેંચ વિચારક જ્યાં-પોલ સાર્ત્રએ એકવાર કહ્યું હતું કે- ‘વિજયનો જો હિસાબ માંડવામાં આવે તો, તે પરાજયથી અલગ નજર ન આવે.’ એનો અર્થ એ છે કે જ્યારે આપણે કોઈ ‘વિજય’ની કથાને ગહેરાઈથી સાંભળીએ છીએ ત્યારે તેમાં ફક્ત જીતનું ગૌરવ જ દેખાતો નથી- પરંતુ તેમાં પારાવાર દુ:ખ, બલિદાન, વિનાશ અને નુકસાન પણ ઝળકતાં હોય છે,
જે તે વિજય માટે ચૂકવવું પડ્યું હતું. દરેક યુદ્ધ, દરેક સંઘર્ષ, દરેક સફળતાની પાછળ પારાવાર પીડાઓ, નિષ્ફળતાઓ અને નુકસાન છુપાયેલાં હોય છે. આપણે જ્યારે નુકસાનની નજરથી જીતને જોઈએ, ત્યારે સમજાઈ જાય છે કે ‘વિજેતા’ પણ વાસ્તવમાં હારેલો હોય છે- કારણ કે એણે પણ કંઈક ગુમાવ્યું છે: માનવતા, નૈતિકતા, કરુણા અથવા શાંતિ.
સાર્ત્ર એમ કહેવા ઈચ્છે છે કે દરેક વિજયની અંદર પરાજયનો પડછાયો હોય છે. જેટલી મોટી જીત હોય છે, તેના પાછળ એટલું જ મોટું દુ:ખ અને નુકસાન છુપાયેલું હોય છે. વિજયનો ઉત્સવ જેટલો મોટો હોય છે, એટલું જ સ્પષ્ટ થાય છે કે જીત અને હાર, બંને એક જ સિક્કાની બે બાજુ છે.
યુદ્ધનો અર્થ એ થાય છે- બે વિરુદ્ધ પક્ષો દ્વારા સત્ય અને ન્યાય માટે સંઘર્ષ. પરંતુ સમસ્યા એ છે કે ‘સત્ય’ અને
‘ન્યાય’ ક્યારેય સર્વવ્યાપી નથી- તેઓ વ્યક્તિ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ અને સમય પ્રમાણે બદલાય છે. વિજ્ઞાનમાં જેમ એક વત્તા એક બરાબર બે થાય છે, તેવું ધર્મ કે અને સંસ્કૃતિમાં નથી થતું.
દર દાયકામાં, દર શતાબ્દીમાં યુદ્ધ થયાં છે- કારણ કે માણસની અંદર હિંસા, અહંકાર અને અસહિષ્ણુતાની વૃત્તિ કુદરતી રીતે મોજૂદ હોય છે. સમય સાથે આ હિંસા અને ઘૃણા અંદર જ તગડી થતી રહે છે, અને પછી એક દિવસ તે ‘કારણ’ તરીકે ફૂટે છે- ધર્મના નામ પર, રાષ્ટ્રના નામ પર, રંગ, જાતિ, ભાષા, વર્ગ અથવા સંસાધનોના નામ પર. પરંતુ આ બધાં તો ફક્ત સાધનો છે- અસલ સમસ્યા માનવની અંદરની હિંસા અને અહંકારમાં છે.
માણસો હંમેશાં જૂથ બનાવે છે- પરિવાર, જાતિ, ધર્મ, દેશ, સંગઠન અને દરેક જૂથ માનવા લાગે છે કે તેઓ જ સર્વોત્તમ છે, અથવા બીજા કરતાં વધુ સારું છે. જૂથ બને એટલે હેરાર્કી (ઊંચનીચ) ઉત્પન્ન થાય છે અને અહીંથી અહંકારની અથડામણ શરૂ થાય છે. જ્યારે બે જૂથ પોતપોતાના વિચારો અને માન્યતાઓને ‘સત્ય’ માને છે, ત્યારે એ એક બીજાને પોતાનાં સત્ય સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજો પક્ષ એ સત્યને ન સમજે (ન સ્વીકારે) એટલે વિચારોની એ લડાઈ યુદ્ધમાં પલટાઈ જાય છે એટલા માટે અસલી યુદ્ધ હથિયારો વડે નહીં, પરંતુ અહંકાર અને અસહમતીથી લડાય છે અને એટલા માટે જ યુદ્ધ ક્યારેય પૂરું નથી થતું.
ક્યારેક થોડા દાયકાઓ માટે શાંતિ દેખાય છે, ક્યારેક યુદ્ધોની સંખ્યા ઘટી શકે છે અથવા વધી શકે છે, પરંતુ આ પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે દૂર નથી થતી કારણ કે અસલી યુદ્ધ તો અંદર હોય છે. જયાં સુધી માનવીય ચેતના હિંસક અને પ્રતિસ્પર્ધી છે, જયાં સુધી અહંકાર તેને ‘અમે’ અને ‘એમને’માં વિભાજિત કરતો રહેશે ને યુદ્ધ ચાલુ રહેશે. યુદ્ધ ત્યારે જ સમાપ્ત થઇ શકે છે જયારે સમગ્ર માનવતા આદ્યાત્મિક જાગૃતિ તરફ વધે- જયારે વ્યક્તિ પોતાની અંદરની હિંસા, ભય અને અહંકારને ઓળખીને શાંતિમાં સ્થિર થાય, પરંતુ આ અવસ્થા ખૂબ દુર્લભ છે- ઇતિહાસમાં આવું ક્યારેય સામૂહિક રીતે થયેલું નથી. હા, એક એકલો માણસ જરૂર એની અંદરની હિંસા પર વિજય મેળવી શકે છે- જેમ કે બુદ્ધ અથવા ગાંધી.
આપણ વાંચો: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-14 ખોટું કહેવાથી હકીકત બદલાઇ નથી જતી અને જે બદલાઇ જાય તે હકીકત નથી હોતી…