મિજાજ મસ્તી : સમસ્યા ઓફ સેકંડ ઓપિનિયન: એક સવાલ મૈં કરું?

- સંજય છેલ
ટાઇટલ્સ:
દરેક સવાલનો જવાબ જવાબ જ ના હોય.(છેલવાણી)
એક એકાઉન્ટન્ટે એના માફિયા બોસના 10 લાખ રૂ.ની ચોરી કરી. માફિયાને ખબર તો પડી, પણ પેલો એનો એકાઉન્ટન્ટ તો મૂંગો-બહેરો હતો ને એટલે જ માફિયાએ એને નોકરી પર રાખ્યો હતો, જેથી એ એકાઉન્ટન્ટ માફિયાના ધંધા ને એના કાળાનાણાંની વાતચીત સાંભળી ના શકે ને ભવિષ્યમાં પોલીસ કે કોર્ટમાં માફિયા વિરુદ્ધ જુબાની ના આપી શકે.
હવે 10 લાખની પૂછપરછ માટે પેલો એકાઉન્ટન્ટ એના પિતરાઈ ભાઈને લઈને આવે છે, જેને મૂક-બધિરની સાંકેતિક ભાષા આવડતી હતી. માફિયાએ એકાઉન્ટન્ટના કઝીનને કહ્યું, ‘પૂછ, તારા ભાઈને કે પૈસા ક્યાં છે?’
ભાઈએ સાંકેતિક ભાષામાં આ વાત એકાઉન્ટન્ટને પૂછી.
એકાઉન્ટન્ટે સાંકેતિક ભાષામાં જવાબ આપ્યો, ‘ખબર નહિં..તમે કયા પૈસાની વાત કરો છો?’
એકાઉન્ટન્ટના કઝીને માફિયાને કહ્યું, ‘એ કહે છે કે એને નથી ખબર કે તમે કયા પૈસાની વાત કરો છો?’
માફિયાએ એકાઉન્ટન્ટનાં માથાં પર ગન મૂકીને એના ભાઈને કહ્યું, ‘હવે ફરીથી પૂછ.’
કઝીને સાંકેતિક ભાષામાં એકાઉન્ટન્ટને કહ્યું, ‘પૈસા વિશે કહી દે, નહીં તો આ તને મારી નાખશે.’
એકાઉન્ટન્ટે સાંકેતિક ભાષામાં જવાબ આપ્યો :
‘પૈસા મારા સાળાના ઘરની પાછળ દાટ્યા છે.’
માફિયાએ બરાડીને કઝીનને પૂછ્યું, ‘બોલ, એ શું બોલ્યો??’
એકાઉન્ટન્ટના ભાઈએ સ્હેજ વિચારીને સ્માર્ટલી કહ્યું, ‘એણે કહ્યું કે તમારી પાસે ટ્રિગર દબાવવાની હિંમત જ નથી…કારણ કે જો મને મારી નાખશો તો તમને છુપાવેલા પૈસા કદી યે નહીં મળે!’ સાંભળીને માફિયા ચૂપ થઇ ગયો!
હવે માફિયા પાસે એકાઉન્ટન્ટ અને કઝીન પાસેથી 10 લાખને બીજી કઇ રીતે કઢાવવા અથવા એને ભૂલી જવા સિવાય કોઇ ઇલાજ નહોતો.
ઇન શોર્ટ, વાત, સોદાની કે વાતચીતની કળાની છે. મોટે ભાગે આપણે સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે એને પૂરી સમજ્યા, વિચાર્યા વગર જ સાચી કે ખોટી એવું માની લઈએ છીએ, જેમ કે- કોઇ ડોક્ટર કહે: ‘તમને કોઈ વિચિત્ર ગંભીર રોગ થયો છે માટે તરત સારવારની જરૂર છે!’ કે કોઇ વકીલ આપણને કોઇ પેપર પર જ્યાં સહી કરવાનું કહે છે ત્યાં આપણે આંખ બંધ કરીને એની વાત માની લઈએ છીએ, પણ વાત, વાતની અંદર અને વાતની બહાર ક્યાંક વચ્ચે જ અટવાયેલી હોય છે!
ઇન્ટરવલ:
ખયાલ જિસકા થા મુઝે, ખયાલ મેં મિલા મુઝે,
સવાલ કા જવાબ ભી સવાલ મેં મિલા. (મુનીર નિયાઝી)
કોઇ પણ અગત્યની વાત કે સમસ્યા સાચી છે કે નહીં એ જાણવા માટે હંમેશાં બીજો અભિપ્રાય લેવો જોઈએ: સેકંડ ઓપિનિયન! લોકશાહીમાં, સત્તા સામે વિપક્ષ સેકંડ-ઓપિનિયન (કે ઓપ્શન?) છે. બેવફા પ્રેમમાં પર સ્ત્રી કે પર પુરૂષ સેકંડ- ઓપિનિયન છે.
શું છે કે સેકંડ ઓપિનિયનથી મનમાં દ્વિધા દૂર થશે ને સમસ્યાઓ ઉકેલવા ઘણાંય રસ્તાને તપાસીશું ત્યારે એમાંથી કોઇ સાચો રસ્તો મળી આવશે.
ટૂંકમાં, ઈશ્ક હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય- જ્યારે પણ ડાઉટમાં હોવ ત્યારે સેકંડ-ઓપિનિયન લેતા શરમાવું નહીં…કારણ કે પહેલી નજરે ગમતી વાત ઘણીવાર ભ્રામક હોઇ શકે છે.
સંગીતકાર અન્નુ મલિકે એકવાર ગીતકાર મજરૂહને કહ્યું કે મારી પાસે અદ્ભુત લાઇન છે કે ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા, પહેલી નઝરમેં પહેલા પ્યાર હો ગયા!’ ત્યારે મજરૂહે ભડકીને કહ્યું: ‘અજીબ બેવકૂફાના બાત હૈ! પહેલી નઝર મેં પહેલા પ્યાર હો ગયા તો દૂસરી નઝર મેં દૂસરા પ્યાર હો જાયેગા?’…
આ વાતમાં યે લોજિક છેને?
વળી સેકંડ-ઓપિનિયન લેવામાં મોટો ખતરો એ છે કે તમે અભિપ્રાય કોને પૂછો છો?
એક ખેડૂતની બકરીનાં ગળામાં ઘાસનો પૂળો અટકી ગયો અને એ તરફડવા માંડી. ખેડૂત તરત દોડીને એના પાડોશી પાસે ગયો ને તરત ઉપાય પૂછયો. પાડોશીએ કહ્યું, ‘એક મોટો લાંબો પાઇપ લે અને બકરીના ગળામાં જોરથી ઘૂસાડ અટકેલું ઘાસ અંદર ઉતરી જશે… ’
પેલા ખેડૂતે એમ જ કર્યું ને એની બકરી તરત જ મરી ગઇ. ખેડૂત ગુસ્સામાં પાડોશીને ફરિયાદ કરી,‘તારી સલાહથી મારી બકરી મરી ગઇ! ’
પાડોશીએ ઠંડકથી કહ્યું, ‘લે! મરી તો મારી યે ગયેલી.. આ તો તેં પૂછ્યું એટલે મેં ઉપાય કહ્યો!’
એક માણસ મોડી રાત્રે ઘરે જઈ રહ્યો હતો ને જોયું કે રસ્તા પર કોઇ ભીખારી રસ્તા પર વાંકો વળીને ધીમે-ધીમે આમતેમ ફરી રહ્યો હતો. પેલાએ પૂછ્યું,
‘અડધી રાતે રસ્તા વચ્ચે શું શોધી રહ્યો છે?’
પેલાએ ઉદાસ ચહેરે કહ્યું, ‘મારો 10 રૂપિયાનો સિક્કો ખોવાઈ ગયો છે એને જ શોધી રહ્યો છું!’
‘ચાલ, હું પણ તને શોધવામાં મદદ કરું.’ પેલા માણસે કહ્યું ને પછી એ પણ સિક્કો શોધવા માંડ્યો. એણે રસ્તા પર, રસ્તાની કિનારી પર, ફૂટપાથ પર, એમ બધી જ જગ્યાએ સિક્કો શોધ્યો પણ ના મળ્યો તો પછી એણે ભીખારીને કહ્યું,‘અહીં તો ક્યાંય નથી… તું બરોબર યાદ કરીને કહે કે તેં એને એક્ઝેટલી ક્યાં ખોયો હતો?’
ત્યારે પેલાએ કહ્યું, ‘મેં એને ખોયો તો ત્યાં પેલી બાજુ અંધારામાં હતો.’
‘તો ઇડિયટ, અહીંયા કેમ શોધી રહ્યો છે?’ માણસ ભડક્યો!
‘શું છે કે અહીંયા સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ વધુ સારો છે એટલે!’ ભીખારીએ ભોળપણથી કહ્યું. અર્થાત્, જીવનનાં અઘરા સવાલોના જવાબો હોય છે ક્યાંક બીજે ને આપણે શોધીએ છીએ કશેક બીજે જ… ખરેખર તો દુનિયા નામની ભીડ પરમાત્માથી લઇને પરમાણુમાં, સેકંડ-ઓપિનિયન શોધે રાખે છે અને એ ય વળી જયાં એ નથી ત્યાં જ!
એંડ-ટાઇટલ્સ:
આદમ: તને મારા વિશે કદી સવાલ ઊઠે ખરો?
ઈવ: ના, પણ મારા વિશે ઊઠે કે કોઇ નહીં ને તું?
આપણ વાંચો: હેં… ખરેખર?! : માથાદીઠ એક ગીત ને અતિથિને અર્પણ કરે પત્ની…