મિજાજ મસ્તી: મસ્ત મસ્ત મોસમ: એક મુઠ્ઠી શિયાળો…

- સંજય છેલ
ટાઇટલ્સ:
થંડ ને બંડ સામે કોઇનું કંઇ ના ચાલે. (છેલવાણી)
એક રખડુ ભિખારી સોપી, ગાર્ડનમાં છાપું ઓઢીને સૂતો હતો. ત્યારે એના પર સુકાં પાંદડાં પડ્યાં. એટલે એણે વિચાર્યું કે શિયાળાની કાતિલ ઠંડીથી બચવા ત્રણ મહિના જેલમાં આશરો લેવા કઇ રીતે જવું?
ઘણાં પ્લાન વિચાર્યા પછી સોપીને ઉપાય સૂઝ્યો કે કોઇ મોટી હોટેલમાં જઈ જમીને પૈસા ન ચૂકવીને પકડાઇ શકે! પછી એક મોંઘી હોટેલમાં ગયો પણ દરવાનની નજર સોપીના ફાટેલાં કપડા ને જૂતાં પર પડી અને એણે તગેડી મૂક્યો. પછી સોપીએ બીજો ઉપાય શોધ્યો. પાસેની ગલીમાંની મોટી દુકાનનાં કાચ પર પથ્થર મારીને તોડી નાખ્યો. લોકો દોડી આવ્યા. એક પોલીસવાળો પણ દોડીને આવ્યો. સોપીએ પોલીસને સામેથી પૂછયું :
‘તમને નથી લાગતું આમાં મારો હાથ હોઈ શકે?’
પોલીસને થયું કે કોઇ ગુનેગાર આમ ગુનો કરીને ઊભો થોડો રહે? એવામાં બસ પાછળ દોડી રહેલા માણસ પર પોલીસની નજર પડી ને એને પકડવા દોડ્યો.
બબ્બે વાર નિષ્ફળ ગયેલા સોપીમાં ફરીથી પકડાઈ જવાની હિંમત જાગી. એક મોટી દુકાન પાસે સુંદર દેખાતી યુવતી શો કેસમાં પ્રદર્શિત કાચનો સામાન વગેરે જોઇ રહી હતી. થોડી દૂર એક પોલીસમેન ઊભો હતો. સોપીને થયું કે એ યુવતીની છેડતી કરે ને પોલીસવાળો પકડે. પછી એણે યુવતી પાસે જઇને એક ટપોરીની અદામાં બેશરમીથી છોકરીને પાસે ખેંચીને કહ્યું : ‘એય ડાર્લિગ, ચલ ને મારા ઘરે કોઇ નથી..?’
પોલીસમેન આ જોઈ રહ્યો હતો. સોપીના માટે હવે છેડતી બદ્દલ જેલનાં દરવાજા ખૂલી જાય તેમ હતું…પણ પેલી યુવતીએ તો સોપીના કોટને પાસે ખેંચીને કહ્યું: ‘શ્યોર, માઇક!’ વૃક્ષને વળગેલી વેલની માફક સોપી અને યુવતીને રોમાંસ કરતા જોઇને પોલીસમેન આગળ વધી ગયો. પછી તરત જ સોપીએ છોકરીનો હાથ છોડાવ્યો અને એ ભાગ્યો.
બેકાર બેઘર સોપીના નસીબમાં શિયાળાની ટાઢમાં એની અંતહીન આઝાદી ઊંડા મૂળિયા એને છોડતાં જ નહોતા, પછી એણે છત્રીની ચોરી કરી, દારૂડિયાનો અભિનય બધું કરી જોયું…પણ બધાં આઇડિયા એક યા બીજી રીતે નિષ્ફળ ગયા. આખરે દિશાહીન ચાલતા ચાલતા એક ચર્ચ પાસે પિયાનો અને પ્રાર્થનાનાં સ્વરોએ સોપીને રોકી દીધો. ગુનાઓના કાદવમાંથી નીકળવાનો નિશ્ર્ચય કર્યો:
‘કાલે જ કોઇ કામ શોધી લઈશ. ડ્રાઈવરની નોકરી તો મળશે જ.. ’
બરોબર ત્યારે જ એના ખભા પર પોલીસવાળાનો મજબૂત પંજો પડયો ને એણે પૂછ્યું :
‘અહીંયા શું કરે છે?’
‘કંઈ નહીં…’ સોપીએ જવાબ આપ્યો.
‘અચ્છા? ચર્ચમાં ચોરી કરવાનો પ્લાન ઘડી રહ્યો છે ને? ચાલ મારી સાથે.’
બીજે દિવસે કોર્ટના મેજિસ્ટ્રેટે સજા ફરમાવી :
‘ત્રણ મહિનાની સખત કેદની સજા.’
સોપીને તો એ જ જોઇતું હતું કે સજા મળે અને જેલની હૂંફાળી દીવાલોમાં 3 મહિના રહેવા દે!
મુંબઇમાં તો હવે શિયાળો માંડ માંડ ડરતાં ડરતાં ધીમા પગલે આવી રહ્યો છે એવામાં મહાન વાર્તાકાર ઓ. હેન્રીની આ વાર્તામાં શિયાળાની ક્રૂર કાતિલ ઠંડી ધ્રુજાવી નાખે છેને?
ઇન્ટરવલ:
ઠંડી સફેદ ચાદરોં મે જાગે દેર તક (ગુલઝાર)
ઠંડી કે શિયાળો બહુ ઠંડો પણ હૂંફાળો વિષય છે. જો તમે શેરબજારવાળાને પૂછશો કે-
‘વરસમાં કેટલી મોસમ હોય?’ તો એ કહેશે:
‘બે જ મોસમ…. તેજી અને મંદી!’
કોઈ રાજકરણી નેતાને પૂછશું તો કહેશે:
‘3 ઋતુઓ હોય- ચૂંટણી પહેલાની, સરકાર બનાવવાની અને પછી પૈસા કમાવાની.!’
-પણ કોઈ લેખક-કવિને પૂછશો તો એ ઋતુઓ વિષે ભળતું જ વેવલું વર્ણન કરશે.
એકવાર દરિયા કિનારે સૂર્યાસ્ત વખતે સમંદર કિનારે એક વાઈન પાર્ટી ચાલી રહી હતી. ત્યારે ત્યાં અંગ્રેજીના મહાકવિ બાયરન પાસે એક છોકરીએ આવીને કહયું :
‘કવિ, જુઓતો ખરા કેવો અદ્ભુત સૂર્યાસ્ત છેને? જાણે જીવતી જાગતી કવિતા, કહોને તમને શું કાવ્યાત્મક અનુભૂતિ થાય છે?’
ત્યારે કવિબાયરને તરત જ પેલી હરખપદૂડી ફેનને કહ્યું, :‘જુઓ મેડમ, હું સૂરજ ડૂબ્યા પછી ધંધાની વાત નથી કરતો!’
એમાંયે નિબંધકારો ને ચિંતકોને ઠંડી માત્ર ઠંડી નહિ, પણ ગુલાબી ઠંડી દેખાતી હોય છે. શિયાળામાં ગુજરાતી લેખકોનું રાતોરાત શિયાળાનું સ્વેટરાત્મક ચિંતન શરૂ થઇ જાય!
શિયાળો આવ્યો નથી કે ઘુમ્મસથી ન્હાતાં વૃક્ષો… બારીમાંથી આવીને કાનાફૂસી કરતો પવન કે પછી સવારે ઠરી ગયેલાં ઝાકળનાં બિંદુઓ. વગેરે ટાઢ પડતાં જ એ લોકોને દેખાવા માંડે.
આપણને તો શિયાળામાં કાનટોપી પહેરેલા બુઢિયા … થથરીને ઉંઘમાં સ્કૂલો જતાં બાળકો … છાપાં બાળીને તાપણું કરતાં વોચમેન્સ ચારેબાજુએ દેખાય, પણ નવરા નિબંધકારો પાસે એવી ટેંલેંટ હોય છે કે એ લોકો કોઇપણ વાત માટેકંઈ પણ લાગણીભીનું લપેટીને લખી શકે.
છેક ઉઝબેકિસ્તાનમાં બરફથી ઝાડ-પાન ઢંકાઈ જાય એમાં તો ઉપલેટા રહેતાં લેખકને ‘સફેદ પાલવ ઓઢીને પ્રિયતમની રાહ જોતી ક્ધયા જેવાં વૃક્ષો દેખાવા માંડે!’
જો કે આ વખતે સિઝન જરાં બદલાઇ છે… હવે તો ઘણાં ફુલ ટાઇમ ચાટુકાર કે કોમવાદી ચિંતકોને ઠંડી ઓછી કે વધુ દેખાશે એમાં પાકિસ્તાનનો હાથ દેખાશે.
એમાંયે ‘શિયાળાની સવારનો કૂમળો તડકો’ એ તો નિબંધકારોનો ફેવરીટ ટાઈમપાસ છે.
હવે કોઈ તડકો કડક છે – કૂમળો છે…કે ચીંકણો છે એને લેખકો કઈ રીતે ચેક કરતાં હશે?
શિયાળામાં વહેલી સવારનો સમય શાંતિથી સૂતા રહેવાંનો છે ત્યારે ઉગતાં સૂર્યને ધુમ્મસમાં નિહાળવામાં હૈયાબળ્યા લેખકોને શું મળતું હશે? જો કે લેખકો-કવિઓને શિયાળાનાં બહાને ઢળતી સાંજ, પાંદડા પર નર્તન કરતાં શબનમની બૂંદો…વગેરે વાતોમાં એક પ્રકારની ક્રિએટીવ સેફટી મળે છે. કોમવાદી-તકવાદી-ભ્રષ્ટાચારી સરકારો કે સમાજ વિરુદ્ધ બોલીને બગાડવાં કરતાં ધૂળમાં ન્હાતી ચકલી, ધુમ્મસમાં ડોલતાં વૃક્ષો વધુ સેઈફ સબ્જેક્ટ છે! એમાં કોઈ નારાજ પણ ના થાય ને કેરિયર પણ ચાલે.
પોકળ પ્રકૃતિ પ્રેમ, એ લેખકોનો બેસ્ટ પલાયનવાદ છે.
એન્ડ -ટાઇટલ્સ:
આદમ: બહુ ઠંડી છેને?
ઈવ: ના, ગરમી માઇનસમાં છે.
આપણ વાંચો: સુખનો પાસવર્ડ: જેટલું છે એનાથી સંતોષ માનતા શીખો તો સુખ મળશે



